‘છેલ્લા દિવસો,’ અથવા ‘અંતના સમયની’ નિશાની શું છે?
શાસ્ત્રમાંથી જવાબ
બાઇબલમાં જણાવ્યું છે તેમ બનાવો, સંજોગો અને લોકોનું વલણ “દુનિયાના અંતના સમયની” નિશાની બતાવે છે. (માથ્થી ૨૪:૩) બાઇબલ આ સમયને ‘છેલ્લા દિવસો’ અથવા “અંતના સમય” તરીકે ઓળખાવે છે.—૨ તિમોથી ૩:૧; દાનિયેલ ૮:૧૯.
‘છેલ્લા દિવસો’ વિશે બાઇબલમાં કઈ ભવિષ્યવાણીઓ જણાવી છે?
બાઇબલમાં પહેલેથી જણાવ્યું હતું કે ઘણી બાબતો એક સાથે થશે અને એ છેલ્લા દિવસોની “નિશાની” હશે. (લૂક ૨૧:૭) ચાલો અમુક ભવિષ્યવાણીઓ પર ધ્યાન આપીએ:
દુનિયામાં ઠેકઠેકાણે યુદ્ધો થશે. ઈસુએ ભાખ્યું હતું: “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.” (માથ્થી ૨૪:૭) એવી જ એક ભવિષ્યવાણી પ્રકટીકરણ ૬:૪માં છે. એમાં જણાવ્યું છે કે યુદ્ધોને રજૂ કરતો ઘોડેસવાર “પૃથ્વી પરથી શાંતિ લઈ” લેશે.
દુકાળ. ઈસુએ ભવિષ્યવાણી કરી હતી: “ખોરાકની અછત પડશે.” (માથ્થી ૨૪:૭) પ્રકટીકરણના પુસ્તકમાં બીજા એક ઘોડેસવારને રજૂ કરતી ભવિષ્યવાણી વિશે જણાવ્યું છે, જેના આવવાથી ઘણી બધી જગ્યાએ દુકાળ પડશે.—પ્રકટીકરણ ૬:૫, ૬.
મોટા મોટા ધરતીકંપો. ઈસુએ જણાવ્યું હતું કે ‘એક પછી એક ઘણી જગ્યાએ ધરતીકંપો થશે.’ (માથ્થી ૨૪:૭; લૂક ૨૧:૧૧) આખી દુનિયામાં મોટા મોટા ધરતીકંપો થશે. એના લીધે લોકોએ ઘણાં દુઃખો વેઠવાં પડશે અને મોટા પ્રમાણમાં લોકોનું મરણ થશે.
રોગચાળો. ઈસુએ કહ્યું હતું કે રોગચાળો અથવા મહામારી ફેલાશે.—લૂક ૨૧:૧૧.
ગુના. સદીઓથી ગુનાઓ થાય છે. પણ ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે છેલ્લા દિવસોમાં “દુષ્ટતા વધી” જશે.—માથ્થી ૨૪:૧૨.
પૃથ્વીનો નાશ. પ્રકટીકરણ ૧૧:૧૮માં જણાવ્યું છે કે માણસો “પૃથ્વીનો નાશ” કરશે. તેઓ હિંસા અને ખરાબ કામો કરીને પૃથ્વીને બગાડશે. એટલું જ નહિ, તેઓ પર્યાવરણને પણ નુકસાન કરશે.
લોકોનો બગડતો સ્વભાવ. ૨ તિમોથી ૩:૧-૪માં જણાવ્યું છે કે લોકો “આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, . . . જિદ્દી, બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, દગાખોર, હઠીલા, અભિમાનથી ફુલાઈ જનારા” હશે. લોકોનો સ્વભાવ એટલી હદે બગડી જશે કે એ સમયને “સંકટના સમયો” કહેવામાં આવશે, “જે સહન કરવા અઘરા હશે.”
કુટુંબમાં પ્રેમભાવ ન હોવો. ૨ તિમોથી ૩:૨, ૩માં જણાવ્યું છે કે ઘણા લોકોને પોતાના કુટુંબ માટે પ્રેમ નહિ હોય અને બાળકો ‘માબાપની આજ્ઞા નહિ પાળે’.
ઈશ્વર માટેનો પ્રેમ ઠંડો પડી જવો. ઈસુએ ભાખ્યું હતું: “ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.” (માથ્થી ૨૪:૧૨) ઈસુ કહેવા માંગતા હતા કે મોટા ભાગના લોકોનો ઈશ્વર માટેનો પ્રેમ ઠંડો પડી જશે. એવી જ રીતે, ૨ તિમોથી ૩:૪માં લખ્યું છે કે છેલ્લા દિવસોમાં એવા લોકો “ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા” હશે.
ભક્તિનો દેખાડો કરનારા. ૨ તિમોથી ૩:૫માં જણાવ્યું છે કે લોકો ઈશ્વરની ભક્તિ કરવાનો દાવો કરશે, પણ તેમનાં ધોરણો પ્રમાણે જીવશે નહિ.
બાઇબલ ભવિષ્યવાણીઓની સમજણમાં વધારો. દાનિયેલના પુસ્તકમાં લખ્યું છે કે ‘અંતના સમયમાં’ સાચા જ્ઞાનની વૃદ્ધિ થશે અને ઘણા લોકો એ જ્ઞાન સ્વીકારશે, જેમાં આ બધી ભવિષ્યવાણીઓની સાચી સમજણનો પણ સમાવેશ થાય છે.—દાનિયેલ ૧૨:૪, ફૂટનોટ.
આખી દુનિયામાં પ્રચારકામ. ઈસુએ ભવિષ્યવાણી કરી હતી: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે.”—માથ્થી ૨૪:૧૪.
લોકો આંખ આડા કાન કરશે અને મજાક-મશ્કરી કરશે. ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે દુનિયાનો અંત ખૂબ નજીક છે એ વિશેના નક્કર પુરાવાઓ પર લોકો ધ્યાન નહિ આપે. (માથ્થી ૨૪:૩૭-૩૯) એટલું જ નહિ, ૨ પિતર ૩:૩, ૪માં લખ્યું છે કે અમુક લોકો એ પુરાવાની મજાક ઉડાવશે અને કહેશે કે એનાથી કંઈ સાબિત થતું નથી.
બધી ભવિષ્યવાણીઓ પૂરી થવી. ઈસુએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસોની ખાસિયત એ હશે કે આમાંની અમુક અથવા મોટા ભાગની ભવિષ્યવાણીઓ નહિ, પણ બધી ભવિષ્યવાણીઓ એકસાથે પૂરી થશે.—માથ્થી ૨૪:૩૩.
શું આપણે “છેલ્લા દિવસોમાં” જીવીએ છીએ?
હા. આ દુનિયાના સંજોગો અને બાઇબલ ભવિષ્યવાણીઓને આધારે કરેલી ગણતરીથી ખબર પડે છે કે ૧૯૧૪થી છેલ્લા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. એ જ વર્ષે પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયું હતું. આ દુનિયાના સંજોગો કઈ રીતે બતાવે છે કે આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ, એ જાણવા આ વીડિયો જુઓ:
સાલ ૧૯૧૪થી સ્વર્ગમાં ઈશ્વરનું રાજ શરૂ થયું. સૌથી પહેલા શેતાન અને તેના દુષ્ટ દૂતોને સ્વર્ગમાંથી કાઢીને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. હવે તેઓ પાછા સ્વર્ગમાં જઈ શકતા નથી. (પ્રકટીકરણ ૧૨:૭-૧૨) શેતાનની ખરાબ અસર માણસોના વલણ અને કામોમાં સાફ દેખાઈ આવે છે. એના કારણે આ છેલ્લા દિવસો ‘સંકટથી ભરેલા અને સહન કરવા અઘરા છે.’—૨ તિમોથી ૩:૧.
આવા સંકટથી ભરેલા સમયમાં ઘણા લોકો ખૂબ તણાવમાં છે. તેઓને ચિંતા થાય છે કે લોકો હવે સાથે મળીને રહી નહિ શકે. અમુક લોકોને તો ડર છે કે માણસો જ એકબીજાને મારી નાખશે.
જ્યારે કે બીજા એવા લોકો પણ છે, જેઓ દુનિયાની હાલતને લીધે મુશ્કેલીઓ વેઠે છે, પણ તેઓ પાસે ભાવિ માટે આશા છે. તેઓને પૂરો ભરોસો છે કે ઈશ્વરનું રાજ્ય જલદી જ બધી તકલીફો મિટાવી દેશે. (દાનિયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૨૧:૩, ૪) ઈશ્વર પોતાના વચનો પૂરા કરે એની તેઓ ધીરજથી રાહ જુએ છે અને ઈસુના આ શબ્દોથી દિલાસો મેળવે છે: “જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે તેનો જ ઉદ્ધાર થશે.”—માથ્થી ૨૪:૧૩; મીખાહ ૭:૭.