વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ijwbq લેખ ૧૧૦
  • બાપ્તિસ્મા એટલે શું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાપ્તિસ્મા એટલે શું?
  • સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાસ્ત્રમાંથી જવાબ
  • બાપ્તિસ્મા લેવું એટલે શું?
  • શું બાઇબલ શીખવે છે કે શિશુને બાપ્તિસ્મા આપી શકાય?
  • પિતા, દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા લેવાનો અર્થ શું થાય?
  • શું ફરીથી બાપ્તિસ્મા લેવું પાપ છે?
  • બાઇબલમાં જણાવેલાં અલગ અલગ બાપ્તિસ્મા
  • શા માટે બાપ્તિસ્મા લેવું જરૂરી છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • બાપ્તિસ્મા—કેમ અને ક્યારે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • બાપ્તિસ્મા—ઈશ્વરભક્તો માટે ખૂબ જરૂરી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • બાપ્તિસ્મા લેવા શું કરવું જોઈએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
ijwbq લેખ ૧૧૦
એક યુવાન માણસ બાપ્તિસ્મા લઈ રહ્યો છે.

બાપ્તિસ્મા એટલે શું?

શાસ્ત્રમાંથી જવાબ

બાપ્તિસ્મા એટલે કે પાણીમાં પૂરેપૂરી રીતે ડૂબકી મારવી.a બાઇબલમાં ઘણા લોકોના બાપ્તિસ્મા વિશે જણાવ્યું છે. (પ્રેરિતોનાં કાર્યો ૨:૪૧) એમાંનું એક છે ઈસુનું બાપ્તિસ્મા, જેમને યર્દન નદીમાં ડૂબકી મરાવવામાં આવી હતી. (માથ્થી ૩:૧૩, ૧૬) વર્ષો પછી ઇથિયોપિયાના એક અધિકારીએ બાપ્તિસ્મા લીધું. મુસાફરી દરમિયાન તે એક એવી જગ્યાએ પહોંચ્યા, જ્યાં “ઘણું પાણી હતું.” ત્યાં તેમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું.—પ્રેરિતોનાં કાર્યો ૮:૩૬-૪૦.

ઈસુએ શીખવ્યું હતું કે તેમના શિષ્ય બનવા જરૂરી છે કે વ્યક્તિ બાપ્તિસ્મા લે. (માથ્થી ૨૮:૧૯, ૨૦) પ્રેરિત પિતરે પણ જણાવ્યું હતું કે બાપ્તિસ્મા લેવું જરૂરી છે.—૧ પિતર ૩:૨૧.

આ લેખમાં જોઈશું:

  • બાપ્તિસ્મા લેવું એટલે શું?

  • શું બાઇબલ શીખવે છે કે શિશુને બાપ્તિસ્મા આપી શકાય?

  • પિતા, દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા લેવાનો અર્થ શું થાય?

  • શું ફરીથી બાપ્તિસ્મા લેવું પાપ છે?

  • બાઇબલમાં જણાવેલાં અલગ અલગ બાપ્તિસ્મા

  • બાપ્તિસ્મા વિશે ખોટી માન્યતાઓ

બાપ્તિસ્મા લેવું એટલે શું?

બાપ્તિસ્મા લઈને એક વ્યક્તિ બીજાઓને બતાવે છે કે તેણે પોતાનાં પાપો માટે પસ્તાવો કર્યો છે. તે એ પણ બતાવે છે કે ભલે ગમે એ થઈ જાય, તે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવશે એવું તેણે વચન આપ્યું છે. એમાં જીવનના દરેક પાસામાં ઈશ્વરની અને ઈસુની આજ્ઞાઓ પાળવાનો સમાવેશ થાય છે. વ્યક્તિ બાપ્તિસ્મા લઈને ઈશ્વર ચાહે છે એ રીતે જીવવાની શરૂઆત કરે છે, જેથી હંમેશ માટેનું જીવન મેળવી શકે.

એક વ્યક્તિએ પોતાના જીવનમાં ફેરફાર કર્યા છે, એ દર્શાવવા પાણીનું બાપ્તિસ્મા યોગ્ય નિશાની છે. શા માટે? બાઇબલમાં બાપ્તિસ્માને દફનાવવા સાથે સરખાવવામાં આવ્યું છે. (રોમનો ૬:૪; કોલોસીઓ ૨:૧૨) એક વ્યક્તિ પાણીમાં અંદર જાય છે ત્યારે તે જાણે મરી જાય છે, એટલે કે જૂના જીવનને દફનાવી દે છે. પણ જ્યારે તે પાણીમાંથી બહાર આવે છે, ત્યારે ઈશ્વરના સમર્પિત સેવક તરીકે નવા જીવનની શરૂઆત કરે છે.

શું બાઇબલ શીખવે છે કે શિશુને બાપ્તિસ્મા આપી શકાય?

ના. બાઇબલમાં ક્યાંય જણાવ્યું નથી કે શિશુનેb બાપ્તિસ્મા આપી શકાય છે. બાઇબલમાં જણાવ્યું છે કે બાપ્તિસ્મા લેવા માંગતી વ્યક્તિએ અમુક પગલાં ભરવાં પડશે. દાખલા તરીકે, તે બાઇબલનું મૂળ શિક્ષણ સમજતી હોવી જોઈએ અને એ પ્રમાણે જીવતી હોવી જોઈએ. તે પાપોનો પસ્તાવો કરે એ પણ જરૂરી છે. એ ઉપરાંત, તેણે પ્રાર્થનામાં ઈશ્વરને પોતાનું જીવન સમર્પિત કર્યું હોવું જોઈએ. (પ્રેરિતોનાં કાર્યો ૨:૩૮, ૪૧; ૮:૧૨) શિશુ એ બધાં પગલાં ભરી નથી શકતું.

એક પાદરી એક શિશુના માથા પર પાણી રેડીને બાપ્તિસ્મા આપી રહ્યો છે.

પિતા, દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા લેવાનો અર્થ શું થાય?

ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “શિષ્યો બનાવો. તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો. મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ બધી પાળવાનું તેઓને શીખવો.” (માથ્થી ૨૮:૧૯, ૨૦) “નામે” બાપ્તિસ્મા આપવું એનો અર્થ થાય કે પિતા અને દીકરાના અધિકાર અને હોદ્દાને સ્વીકારવું અને સમજવું તેમજ પવિત્ર શક્તિની ભૂમિકા સમજવી. દાખલા તરીકે, પ્રેરિત પિતરે જન્મથી લંગડા માણસને કહ્યું: “નાઝરેથના ઈસુ ખ્રિસ્તના નામે હું તને કહું છું, ઊભો થા અને ચાલ!” (પ્રેરિતોનાં કાર્યો ૩:૬) એ સાફ બતાવે છે કે પિતર સ્વીકારતા હતા અને માનતા હતા કે ખ્રિસ્ત પાસે અધિકાર છે અને તેમના દ્વારા જ પિતર ચમત્કાર કરી શક્યા હતા.

  • “પિતા” યહોવાc ઈશ્વરને રજૂ કરે છે. તે સર્જનહાર, જીવન આપનાર અને સર્વશક્તિમાન ઈશ્વર છે. તેમના જેટલો અધિકાર બીજા કોઈ પાસે નથી.—ઉત્પત્તિ ૧૭:૧; પ્રકટીકરણ ૪:૧૧.

  • “દીકરા” ઈસુ ખ્રિસ્ત છે, જેમણે આપણા માટે પોતાનો જીવ આપી દીધો. (રોમનો ૬:૨૩) ઈશ્વરે માણસજાત માટે જે હેતુ રાખ્યો છે, એ પૂરો કરવામાં ઈસુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો એ સમજીશું અને સ્વીકારીશું, તો આપણો ઉદ્ધાર થશે.—યોહાન ૧૪:૬; ૨૦:૩૧; પ્રેરિતોનાં કાર્યો ૪:૮-૧૨.

  • “પવિત્ર શક્તિ” ઈશ્વરની જોરદાર શક્તિ છે.d એ શક્તિ દ્વારા જ ઈશ્વરે સૃષ્ટિ રચી, જીવન આપ્યું, પ્રબોધકો અને બીજાઓને સંદેશો જણાવ્યો અને તેમની ઇચ્છા પૂરી કરવા જરૂરી તાકાત આપી. (ઉત્પત્તિ ૧:૨; અયૂબ ૩૩:૪; રોમનો ૧૫:૧૮, ૧૯) તેમણે પવિત્ર શક્તિ દ્વારા જ પોતાના વિચારો લખી લેવા બાઇબલ લેખકોને પ્રેરણા આપી.—૨ પિતર ૧:૨૧.

શું ફરીથી બાપ્તિસ્મા લેવું પાપ છે?

ઘણા લોકો પોતાનો ધર્મ બદલે છે. પણ જો કોઈ વ્યક્તિએ અગાઉ ચર્ચમાં બાપ્તિસ્મા લીધું હોય, તો શું? જો તે ફરી બાપ્તિસ્મા લે, તો શું એ પાપ કહેવાશે? અમુક લોકો એફેસીઓ ૪:૫ પ્રમાણે કદાચ “હા” કહેશે. ત્યાં લખ્યું છે: “એક માલિક છે, એક શ્રદ્ધા છે, એક બાપ્તિસ્મા છે.” પણ આ કલમ એવું નથી બતાવતી કે એક વ્યક્તિ ફરી વાર બાપ્તિસ્મા ન લઈ શકે. ચાલો એ વિશે વધારે જોઈએ.

આગળ-પાછળની કલમો. એફેસીઓ ૪:૫ની આગળ-પાછળની કલમોથી જોવા મળે છે કે પ્રેરિત પાઉલ એ વાત પર ભાર મૂકતા હતા કે ખ્રિસ્તીઓમાં એકતા હોય અને તેઓ એકસરખું શિક્ષણ પાળતા હોય. (એફેસીઓ ૪:૧-૩, ૧૬) એવી એકતા ત્યારે જ શક્ય છે, જ્યારે તેઓ એક જ માલિક એટલે કે ઈસુ ખ્રિસ્તના પગલે ચાલતા હોય, તેઓની શ્રદ્ધા એટલે કે બાઇબલની સમજણ સરખી હોય અને તેઓ બાપ્તિસ્મા માટે એકસરખાં જ પગલાં ભરતાં હોય, જે બાઇબલમાં આપ્યાં છે.

પ્રેરિત પાઉલે અમુક લોકોને ફરીથી બાપ્તિસ્મા લેવાનું ઉત્તેજન આપ્યું હતું. કેમ કે તેઓએ જ્યારે બાપ્તિસ્મા લીધું હતું, ત્યારે તેઓને ઈસુના શિક્ષણની પૂરી સમજણ ન હતી.—પ્રેરિતોનાં કાર્યો ૧૯:૧-૫.

બાપ્તિસ્મા માટે યોગ્ય કારણ. ઈશ્વરની કૃપા મેળવવા જરૂરી છે કે આપણે બાઇબલના ખરા જ્ઞાનને આધારે બાપ્તિસ્મા લઈએ. (૧ તિમોથી ૨:૩, ૪) જો કોઈ વ્યક્તિએ બાઇબલ શિક્ષણના સુમેળમાં ના હોય એવી માન્યતાઓને આધારે બાપ્તિસ્મા લીધું હોય, તો ઈશ્વર એ બાપ્તિસ્માને સ્વીકારતા નથી. (યોહાન ૪:૨૩, ૨૪) કદાચ વ્યક્તિનો ઇરાદો સારો હોય, પણ હકીકતમાં તે “ખરા જ્ઞાન પ્રમાણે” બાપ્તિસ્મા નથી લેતી. (રોમનો ૧૦:૨) ઈશ્વરની કૃપા મેળવવા જરૂરી છે કે તે બાઇબલનું સત્ય શીખે, એને લાગુ પાડે, ઈશ્વરને પોતાનું જીવન સમર્પિત કરે અને ફરીથી બાપ્તિસ્મા લે. એવા સંજોગોમાં તેનું ફરીથી બાપ્તિસ્મા લેવું પાપ નહિ કહેવાય, એ તો યોગ્ય પગલું કહેવાશે.

બાઇબલમાં જણાવેલાં અલગ અલગ બાપ્તિસ્મા

પાણીમાં બાપ્તિસ્મા લેવા સિવાય બાઇબલમાં બીજાં બાપ્તિસ્મા વિશે પણ જણાવ્યું છે. પણ એ બાપ્તિસ્માનું મહત્ત્વ અલગ અલગ છે. ચાલો અમુક દાખલા જોઈએ.

બાપ્તિસ્મા આપનાર યોહાને આપેલું બાપ્તિસ્મા.e યોહાને યહૂદીઓને અને યહૂદી બનેલા લોકોને બાપ્તિસ્મા આપ્યું હતું. તેઓનું બાપ્તિસ્મા એ વાતની નિશાની હતી કે તેઓએ મૂસાના નિયમશાસ્ત્ર વિરુદ્ધ જે પાપ કર્યાં હતાં, એનો તેઓએ પસ્તાવો કર્યો હતો. એ નિયમશાસ્ત્ર યહોવાએ મૂસા દ્વારા ઇઝરાયેલીઓને આપ્યું હતું. યોહાને આપેલા બાપ્તિસ્માથી લોકોને તૈયાર થવા મદદ મળી, જેથી તેઓ પારખી શકે કે નાઝરેથના ઈસુ જ મસીહ છે અને ઈસુને મસીહ તરીકે સ્વીકારી શકે.—લૂક ૧:૧૩-૧૭; ૩:૨, ૩; પ્રેરિતોનાં કાર્યો ૧૯:૪.

ઈસુનું બાપ્તિસ્મા. બાપ્તિસ્મા આપનાર યોહાને ઈસુને જે બાપ્તિસ્મા આપ્યું એ એકદમ અલગ હતું. ઈસુમાં પાપ ન હતું અને તેમણે કદી ભૂલો કરી ન હતી. (૧ પિતર ૨:૨૧, ૨૨) એટલે તેમનું બાપ્તિસ્મા એ બતાવતું ન હતું કે તેમણે પાપો માટે પસ્તાવો કર્યો છે અથવા “શુદ્ધ અંતઃકરણ માટે ઈશ્વરને અરજ” કરી છે. (૧ પિતર ૩:૨૧) બાપ્તિસ્મા લઈને ઈસુએ મસીહ અથવા ખ્રિસ્ત તરીકે પોતાને ઈશ્વર આગળ રજૂ કર્યા, જેથી તેમની ઇચ્છા પૂરી કરી શકે. એમાં આપણા માટે પોતાનો જીવ આપવાનો પણ સમાવેશ થાય છે.—હિબ્રૂઓ ૧૦:૭-૧૦.

બાપ્તિસ્મા આપનાર યોહાન ઈસુને બાપ્તિસ્મા આપે છે.

પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા. બાપ્તિસ્મા આપનાર યોહાને અને ઈસુ ખ્રિસ્તે પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા લેવા વિશે વાત કરી હતી. (માથ્થી ૩:૧૧; લૂક ૩:૧૬; પ્રેરિતોનાં કાર્યો ૧:૧-૫) એ પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા લેવાથી અલગ છે. (માથ્થી ૨૮:૧૯) કઈ રીતે?

ઈસુના અમુક જ શિષ્યોને પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા આપવામાં આવે છે. તેઓને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવે છે, કારણ કે તેઓને ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજાઓ અને યાજકો તરીકે સેવા આપવા પસંદ કરવામાં આવ્યા છે.f (૧ પિતર ૧:૩, ૪; પ્રકટીકરણ ૫:૯, ૧૦) તેઓ ઈસુના લાખો શિષ્યો પર રાજ કરશે, જેઓને આ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા છે.—માથ્થી ૫:૫; લૂક ૨૩:૪૩.

ખ્રિસ્ત ઈસુમાં અને તેમના મરણમાં બાપ્તિસ્મા. જેઓનું પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા થાય છે, તેઓનું “ખ્રિસ્ત ઈસુમાં [પણ] બાપ્તિસ્મા” થાય છે. (રોમનો ૬:૩) એટલે ફક્ત ઈસુના અભિષિક્ત શિષ્યો જ આ બાપ્તિસ્મા લે છે, જેઓ તેમની સાથે સ્વર્ગમાં રાજ કરવાના છે. ઈસુમાં બાપ્તિસ્મા લે છે ત્યારે, તેઓ અભિષિક્તોના મંડળના સભ્યો બને છે. એ મંડળના શિર ઈસુ છે અને અભિષિક્તો તેમનું શરીર છે.—૧ કોરીંથીઓ ૧૨:૧૨, ૧૩, ૨૭; કોલોસીઓ ૧:૧૮.

અભિષિક્ત ખ્રિસ્તીઓએ “[ઈસુના] મરણમાં પણ બાપ્તિસ્મા લીધું” છે. (રોમનો ૬:૩, ૪) ઈસુના પગલે ચાલીને તેઓ પોતાની નહિ, પણ યહોવાની ઇચ્છા પૂરી કરે છે. તેઓ જાણે છે કે તેઓ હંમેશ માટે આ પૃથ્વી પર નહિ જીવે. જ્યારે તેઓ ગુજરી જાય છે અને તેઓને સ્વર્ગમાં જીવન મળે છે, ત્યારે તેઓનું આ બાપ્તિસ્મા પૂરું થાય છે.—રોમનો ૬:૫; ૧ કોરીંથીઓ ૧૫:૪૨-૪૪.

અગ્‍નિથી બાપ્તિસ્મા. બાપ્તિસ્મા આપનાર યોહાને લોકોને કહ્યું: “તે [ઈસુ] તમને પવિત્ર શક્તિથી અને અગ્‍નિથી બાપ્તિસ્મા આપશે. તેમના હાથમાં સૂપડું છે અને તે પોતાની ખળીને એકદમ સાફ કરી નાખશે. તે ઘઉંને કોઠારમાં ભરશે, પણ ફોતરાંને એવી આગમાં બાળી નાખશે જે કદી હોલવી શકાશે નહિ.” (માથ્થી ૩:૧૧, ૧૨) નોંધ કરો કે અગ્‍નિથી બાપ્તિસ્મા લેવામાં અને પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા લેવામાં ફરક છે. આ દાખલો આપીને યોહાન શું કહેવા માંગતા હતા?

ઘઉં એવા લોકોને દર્શાવે છે, જેઓ ઈસુનું સાંભળે છે અને તેમની આજ્ઞા માને છે. તેઓ પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા મેળવી શકે છે. ફોતરાં એવા લોકોને દર્શાવે છે, જેઓ ઈસુનું નથી સાંભળતા. તેઓને અગ્‍નિથી બાપ્તિસ્મા આપવામાં આવશે, એટલે કે તેઓનો હંમેશ માટે નાશ થશે.—માથ્થી ૩:૭-૧૨; લૂક ૩:૧૬, ૧૭.

બાપ્તિસ્મા વિશે ખોટી માન્યતાઓ

ખોટી માન્યતા: બાપ્તિસ્મા માટે પાણીમાં પૂરેપૂરી ડૂબકી મારવી જરૂરી નથી, ફક્ત પાણી છાંટવું કે માથા પર પાણી રેડવું જ પૂરતું છે.

હકીકત: બાઇબલમાં જે લોકોના બાપ્તિસ્મા વિશે જણાવ્યું છે, એ બધા લોકોએ પાણીમાં પૂરેપૂરી ડૂબકી મારી હતી. (માથ્થી ૩:૧૩, ૧૬; પ્રેરિતોનાં કાર્યો ૮:૩૬-૩૯) તેઓમાંથી કોઈને પાણી છાંટીને બાપ્તિસ્મા આપવામાં આવ્યું ન હતું.g એ ઉપરાંત, એક વ્યક્તિ પાણીમાં પૂરેપૂરી ડૂબકી મારીને બાપ્તિસ્મા લે છે ત્યારે જાણે તેનું જૂનું જીવન પૂરું થાય છે અને તે ઈશ્વરના સમર્પિત સેવક તરીકે નવા જીવનની શરૂઆત કરે છે. પણ પાણી છાંટીને બાપ્તિસ્મા આપવું એ આ મહત્ત્વના અર્થને દર્શાવતું નથી.

ખોટી માન્યતા: બાઇબલમાં જણાવ્યું છે કે ફિલિપી શહેરમાં રહેતા કેદખાનાના અધિકારીએ અને “તેના ઘરના બધા સભ્યોએ બાપ્તિસ્મા લીધું” હતું. (પ્રેરિતોનાં કાર્યો ૧૬:૨૫, ૩૧-૩૪) એ બતાવે છે કે શિશુઓનું પણ બાપ્તિસ્મા થયું હતું.

હકીકત: પહેલી વાત, અધિકારીના ઘરના સભ્યોની ઉંમર જણાવવામાં નથી આવી. બીજી વાત, કેદખાનાના અધિકારી અને તેના ઘરના સભ્યોએ બાપ્તિસ્મા લેતા પહેલાં “યહોવાનો સંદેશો” સાંભળ્યો અને સ્વીકાર્યો હતો. (પ્રેરિતોનાં કાર્યો ૧૬:૩૧, ૩૨, ૩૪) એનાથી ખ્યાલ આવે છે કે જેઓનું બાપ્તિસ્મા થયું હતું તેઓ એટલા મોટા તો હતા, જેથી સંદેશો સમજી શકે તેમજ ઈશ્વરમાં અને માલિક ઈસુમાં શ્રદ્ધા મૂકી શકે.

a “બાપ્તિસ્મા” માટે વપરાયેલા મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય, “પાણીમાં જવું, પૂરી રીતે પાણીમાં ડૂબવું અને પછી પાણીમાંથી બહાર આવવું.”—વાઇન્સ કંમ્પલીટ એક્સ્પોઝીટરી ડિક્શનરી ઑફ ઓલ્ડ ઍન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ વર્ડ્‌સ.

b અમુક ચર્ચોમાં શિશુને બાપ્તિસ્મા આપવાની અને નામ પાડવાની વિધિ કરવામાં આવે છે. “બાપ્તિસ્મા” આપતી વખતે શિશુ પર પાણી છાંટવામાં આવે છે અથવા તેના માથા પર પાણી રેડવામાં આવે છે.

c શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) આ લેખ જુઓ: “યહોવા કોણ છે?”

d આ લેખ જુઓ: “ઈશ્વરની પવિત્ર શક્તિ શું છે?”

e આ લેખ જુઓ: “બાપ્તિસ્મા આપનાર યોહાન કોણ હતા?”

f આ લેખ જુઓ: “સ્વર્ગમાં કોણ જાય છે?”

g બાઇબલમાં “બાપ્તિસ્મા” શબ્દ શુદ્ધ થવાની અલગ અલગ વિધિઓને પણ દર્શાવે છે, જેમ કે વાસણોને પાણીમાં બોળીને કાઢવાં. (માર્ક ૭:૪; હિબ્રૂઓ ૯:૧૦) પણ ઈસુ અને તેમના શિષ્યોએ પાણીમાં ડૂબકી મારીને બાપ્તિસ્મા લીધું એના કરતાં આ સાવ અલગ છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો