બાઇબલ કલમોની સમજણ
માથ્થી ૬:૩૩—‘પહેલાં ઈશ્વરના રાજ્યને શોધો’
“એ માટે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે.”—માથ્થી ૬:૩૩, નવી દુનિયા ભાષાંતર.
“પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.”—માથ્થી ૬:૩૩, ઓ.વી. બાઇબલ.
માથ્થી ૬:૩૩નો અર્થ
ઈશ્વરનું રાજ્ય એ ઈશ્વરે સ્વર્ગમાં કરેલી એક ગોઠવણ છે. એ રાજ્ય દ્વારા ઈશ્વર પૃથ્વી પર પોતાની ઇચ્છા પૂરી કરશે. (માથ્થી ૬:૯, ૧૦) ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખવું, એનો અર્થ થાય કે વ્યક્તિ માટે એ સૌથી મહત્ત્વનું છે.a એમાં ઈશ્વરના રાજ્ય વિશે નવી નવી વાતો શીખવાનો સમાવેશ થાય છે. એટલું જ નહિ, એ રાજ્ય દ્વારા કેવી સારી સારી બાબતો શક્ય બનવાની છે એ વિશે બીજાઓને જણાવવાનો પણ સમાવેશ થાય છે. (માથ્થી ૨૪:૧૪) જે વ્યક્તિ ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખે છે, તે એ રાજ્ય આવે એવી પ્રાર્થના પણ કરે છે.—લૂક ૧૧:૨.
ઈશ્વરનાં ધોરણો એટલે કે ખરું-ખોટું નક્કી કરવા ઈશ્વરે બનાવેલાં ધોરણો. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૨) આમ, ઈશ્વરનાં ધોરણોને જીવનમાં પહેલા રાખવા વ્યક્તિ ઈશ્વરની બધી આજ્ઞાઓ પાળે છે, જેનાથી હંમેશાં લાભ થાય છે.—યશાયા ૪૮:૧૭.
એ બધું તમને આપવામાં આવશે એ ઈશ્વરનું વચન છે. એ વચન પ્રમાણે ઈશ્વર એ બધા લોકોની જરૂરિયાતો પૂરી પાડશે, જેઓ ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને જીવનમાં પહેલા રાખે છે.—માથ્થી ૬:૩૧, ૩૨.
માથ્થી ૬:૩૩ વિશે વધારે માહિતી
ઈસુએ કહેલા એ શબ્દો પહાડ પરના ઉપદેશનો ભાગ છે, જે માથ્થી અધ્યાય ૫-૭માં જોવા મળે છે. જે લોકો ઈસુની વાત સાંભળવા આવ્યા હતા, એમાંના મોટા ભાગના લોકો ગરીબ હતા. કદાચ તેઓને લાગતું હતું કે તેઓએ ગુજરાન ચલાવવા પર વધારે ધ્યાન આપવું જોઈએ. એટલે કદાચ તેઓને ઈશ્વરના રાજ્યને પહેલું રાખવા બહુ ઓછો સમય મળતો હતો. પણ ઈસુએ તેઓને ઉત્તેજન આપ્યું કે તેઓ ફૂલછોડ અને પક્ષીઓ પર નજર કરે અને જુએ કે ઈશ્વર કઈ રીતે તેઓની સંભાળ રાખે છે. ઈશ્વરે વચન આપ્યું છે કે જે લોકો તેમના રાજ્યને જીવનમાં પહેલું રાખે છે, તેઓની પણ તે એ જ રીતે સંભાળ રાખશે.—માથ્થી ૬:૨૫-૩૦.
માથ્થી ૬:૩૩ વિશે ખોટી માન્યતાઓ
ખોટી માન્યતા: જે વ્યક્તિ ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખે છે, તે ધનવાન થશે.
હકીકત: ઈસુએ કહ્યું હતું કે જેઓ ઈશ્વરના રાજ્યને પહેલું રાખે છે, તેઓને જીવન-જરૂરી વસ્તુઓ મળી રહેશે, જેમ કે ખોરાક અને કપડાં. (માથ્થી ૬:૨૫, ૩૧, ૩૨) પણ ઈસુએ એવું વચન આપ્યું ન હતું કે તેઓને એશઆરામની વસ્તુઓ મળશે. ઈસુ એવું પણ કહેવા માંગતા ન હતા કે વ્યક્તિની ધનસંપત્તિથી નક્કી થાય છે કે તેના પર ઈશ્વરનો કેટલો આશીર્વાદ છે. તે પોતાના સાંભળનારાઓને ચેતવણી આપી રહ્યા હતા કે તેઓ ધનવાન બનવા મહેનત ન કરે, કેમ કે એના લીધે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખવું અઘરું બની શકે છે. (માથ્થી ૬:૧૯, ૨૦, ૨૪) પ્રેરિત પાઉલે ઈશ્વરના રાજ્ય માટે તનતોડ મહેનત કરી હતી, છતાં અમુક વાર તેમની પાસે જીવન-જરૂરી વસ્તુઓ ન હતી. ઈસુની જેમ તેમણે પણ ધનવાન બનવાના જોખમ વિશે ચેતવણી આપી હતી.—ફિલિપીઓ ૪:૧૧, ૧૨; ૧ તિમોથી ૬:૬-૧૦.
ખોટી માન્યતા: ખ્રિસ્તીઓએ ગુજરાન ચલાવવા કામધંધો કરવાની જરૂર નથી.
હકીકત: બાઇબલમાં લખ્યું છે કે ખ્રિસ્તીઓએ પોતાનું અને કુટુંબનું ગુજરાન ચલાવવા કામધંધો કરવો જોઈએ. (૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૧, ૧૨; ૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૦; ૧ તિમોથી ૫:૮) ઈસુ એવું કહેતા ન હતા કે તેમના પગલે ચાલનારાઓએ બસ આખો દિવસ ‘ઈશ્વરનું રાજ્ય, ઈશ્વરનું રાજ્ય’ કરવું જોઈએ. તે તો એવું કહેતા હતા કે તેઓએ ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખવું જોઈએ.
જેઓ ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખે છે અને ગુજરાન ચલાવવા મહેનત કરવા તૈયાર છે, તેઓ ખાતરી રાખી શકે છે કે ઈશ્વર તેઓને કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવા મદદ કરશે.—૧ તિમોથી ૬:૧૭-૧૯.
a “પહેલા રાખો” એ શબ્દોનું ભાષાંતર એક ગ્રીક ક્રિયાપદમાંથી થયું છે. એ બતાવે છે કે વ્યક્તિએ એમ સતત કરવાનું છે. એ શબ્દોનું ભાષાંતર આવી રીતે પણ થઈ શકે, “હંમેશાં પહેલા રાખો.” આમ, વ્યક્તિ માટે ઈશ્વરનું રાજ્ય હંમેશાં સૌથી મહત્ત્વનું હોવું જોઈએ, થોડીક પળો કે થોડાક દિવસો માટે નહિ.