અમારા વાચકો તરફથી
હંમેશા જીવવું “શા માટે જીવન આટલું ટૂંકું છે?—શું એ કદી પણ બદલાશે?” (નવેમ્બર ૮, ૧૯૯૫) શૃંખલા માટે તમારો આભાર. એ લેખોએ મને પારાદેશ પૃથ્વી પર સંપૂર્ણ બનવાના ભાવિને વધારે સારી રીતે સમજવા મદદ કરી એટલું જ નહિ પરંતુ એણે મને વિજ્ઞાનના વર્ગમાં પણ મદદ કરી. એ લેખ બહાર પડ્યો ત્યારે જ, કોષ—એના ભાગો અને કાર્યો—વિષે અમારી કસોટી થઈ રહી હતી. તમે એને કેટલી સ્પષ્ટપણે વર્ણવ્યો! મને સારા માર્ક્સ મળ્યા એ માટે અને ખરે સમયે આત્મિક ખોરાક પૂરો પાડવા માટે આભાર.
બી. એમ., યુનાઈટેડ સ્ટેટ્સ
સ્પર્ધા “બાઇબલનું દૃષ્ટિબિંદુ: શું રમતોમાં સ્પર્ધા કરવી ખોટું છે?” (જાન્યુઆરી ૮, ૧૯૯૬) લેખે મારા દસ વર્ષના દીકરાને દિલાસો આપ્યો. કેટલાક મોટા છોકરાઓએ તેને દડો રમવા બોલાવ્યો. તેની એટલી ખરાબ રીતે મશ્કરી કરવામાં આવી કે તે ઘણો જ ઉદાસ થઈ ગયો. અમે એ લેખ વાંચ્યો અને એ જાણીને દિલાસો મેળવ્યો કે, ખ્રિસ્તીઓએ રમતગમતોની સંતુલિત દૃષ્ટિ જાળવવી જોઈએ અને રમતગમતો તાજગીદાયક હોવી જોઈએ, ઉદાસ બનાવનાર નહિ. હું આશા રાખું છું કે આપણા બધા યુવાનિયાઓ એ લેખ વાંચે કેમ કે કેટલીક રમતો ઘણી જ હિંસક બની ગઈ છે.
એસ. એચ., યુનાઈટેડ સ્ટેટ્સ
લેખે મને શાળામાં રમતની ટીમમાં જોડાવા વિષે નિર્ણય કરવામાં ખરેખર મદદ કરી. લેખમાં આપવામાં આવેલાં શાસ્ત્રવચનો ખરેખર સ્પષ્ટ હતાં. એ ખાસ ટીમમાં જોડાવું ખરેખર સ્પર્ધાત્મક બન્યું હોત, કેમ કે સામાન્ય રીતે કોચ કઠોરપણે રમવા અને જીતવાનું કહેતા હોય છે. માહિતીસંપન્ન લેખ માટે તમારો ઘણો આભાર, અને હું આશા રાખું છું કે એ બીજા યુવાનોને સારો નિર્ણય કરવા મદદ કરે.
એલ. એમ., યુનાઈટેડ સ્ટેટ્સ
ઊડતા પથ્થરો થોડા દિવસ પહેલાં જ, મને ઉલ્કાભ અને ઉલ્કાશ્મ વચ્ચેના તફાવત વિષે નવાઈ લાગતી હતી. મેં એ જ વિષય સમજાવતો “ઊડતા પથ્થરો” (જાન્યુઆરી ૮, ૧૯૯૬) લેખ વાંચ્યો ત્યારે મને થયેલા મારા આશ્ચર્યની કલ્પના કરો. યહોવાહની સૃષ્ટિથી આપણને પરિચિત કરતા લેખો પ્રકાશિત કરવા માટે તમારો આભાર.
આર. પી., સ્વિટ્ઝરલેન્ડ
એન્ડ્રૂ પાસેથી શીખવું મેં હમણાં જ ડાઉન્સ સિન્ડ્રોમવાળા યુવક વિષેનો લેખ, “અમે એન્ડ્રૂ પાસેથી શું શીખ્યાં,” (જાન્યુઆરી ૮, ૧૯૯૬) વાંચ્યો. અમને પણ એક માનસિક અપંગતાવાળું બાળક છે, અને એન્ડ્રૂના માબાપનું ઘણું વિવેચન અમારી લાગણીઓ પ્રતિબિંબિત કરે છે. માનસિક રીતે અપંગ બાળક હોવાની ખાસ મુશ્કેલીઓ અને એને લીધે કુટુંબ પર આવતાં લાગણીમય દબાણોની કદર કરવી ઘણીવાર આપણા ખ્રિસ્તી ભાઈઓ માટે અઘરું હોય છે. તેથી લેખ માટે આભાર.
જે. બી., ઇંગ્લેન્ડ
મને લાગે છે કે એ તમે પ્રકાશિત કરેલા સૌથી સુંદર અને લાગણીશીલ લેખોમાંનો એક છે. આપણે અપંગતાવાળી વ્યક્તિઓને કઈ દૃષ્ટિથી જોવી જોઈએ એની છણાવટ ફક્ત ત્રણ પાનમાં જ રજૂ કરી. એણે માનવ સંબંધો વિષે એક ગહન બોધપાઠ રજૂ કર્યો.
એમ. એલ., સ્પેન
આ વર્ષની શરૂઆતમાં મારી પત્નીએ ડાઉન્સ સિન્ડ્રોમવાળા બાળકને જન્મ આપ્યો. એન્ડ્રૂના માબાપની જેમ, અમે એનો અનુભવ કર્યો જે પોતાનું બાળક અપંગ છે એમ જાણવાથી ઘણાં માબાપને થાય છે—ગુસ્સો અને દુઃખ તેમ જ વર્તમાન અને ભાવિ વિષેના પ્રશ્નો. અમારે પક્ષે, અમે અમારા બાળકની અપંગતા સ્વીકારી શક્યા છીએ. તે થોડા જ વખતમાં છ મહિનાનો થશે, અને તે સારી પ્રગતિ કરી રહ્યો છે. તે જન્મ્યો તેના બીજા દિવસે જ, મારી પત્ની આપણા ખ્રિસ્તી ભાઈઓ અને બહેનોની ઘણી મુલાકાતોથી શાબ્દિક રીતે જ છવાઈ ગઈ હતી. આત્મિક કુટુંબ હોવાનો શો અર્થ થાય એ અમે સાચે જ અનુભવ્યું. અને આપણા ભાઈબહેનોના પ્રેમ ઉપરાંત, યહોવાહ પણ છે. એ લેખ માટે તમારો આભાર.
જી. સી., ફ્રાંસ