ચલચિત્રોનાં ૧૦૦ વર્ષ
સજાગ બનો!ના ફ્રાંસમાંના ખબરપત્રી તરફથી
સિનેમા ચોક્કસ શોધની પેદાશ હોવાને બદલે કંઈક ૭૫ વર્ષના આંતરરાષ્ટ્રીય સંશોધન અને અખતરાની પરાકાષ્ઠા હતું. બેલ્જિયન જોસેફ પ્લેટોએ ૧૮૩૨માં શોધેલા ફીનાકિસ્ટોસ્કોપે દોરેલાં ચિત્રોની શૃંખલામાંથી સફળતાપૂર્વક હલનચલનની પુનર્ઘટના કરી. ફ્રાંસમાં, જોસેફ નિએપ્સ અને લુઈ ડેગ્વેરને આભારે વાસ્તવિકતાને પ્રતિમામાં બદલવાની ફોટોગ્રાફિક પ્રક્રિયા ૧૮૩૯ સુધીમાં શક્ય બની. ફ્રાંસવાસી એમિલ રેનોડે એ યુક્તિને વધારે વિકસાવી કાર્ટૂનનાં પારદર્શક ચિત્રો પડદા પર પાડ્યાં જે ૧૮૯૨ અને ૧૯૦૦ વચ્ચે લાખો લોકોએ જોયાં.
ચલચિત્રોની નોંધપાત્ર પ્રગતિ ૧૦૦થી થોડાંક વધુ વર્ષ પહેલાં આવી. પ્રખ્યાત અમેરિકી નવસર્જક થોમસ એડિસન, અને તેના અંગ્રેજ સહાયક, વિલિયમ ડિકસને ૧૮૯૦માં નાના ઊભા પીયાનો જેટલા કદ અને વજનનો કેમેરો રચ્યો, અને પછીના વર્ષે એડિસને કાઈનેટોસ્કોપ કહેવાતા, એક માણસ જોઈ શકે એવા કેમેરાની સનદ માટે અરજી કરી. ન્યૂ જર્સીના વેસ્ટ ઓરેન્જમાંના દુનિયાના પ્રથમ ફિલ્મ સ્ટુડિયો, બ્લેક મારિયામાં, કચકડાની કાંણાવાળી ૩૫ મિલિમીટર પહોળી પટ્ટી પર ફિલ્મો ઉતારવામાં આવી. એ ફિલ્મોમાં વિવિધ હાસ્ય સંગીત, સરકસ, અને વાઈલ્ડ-વેસ્ટ [પશ્ચિમ યુ.એસ.]ના દૃશ્યો તેમ જ ન્યૂ યોર્કમાંના સફળ નાટકોમાંના દૃશ્યો હતાં. કાઈનેટોસ્કોપની પ્રથમ દુકાન ૧૮૯૪માં ન્યૂ યોર્કમાં ખોલવામાં આવી, અને એ જ વર્ષે કેટલાક યંત્રોની યુરોપમાં નિકાસ કરવામાં આવી.
એડિસન શરૂઆતમાં ફિલ્મ પડદા પર પાડવામાં રસ ધરાવતો ન હતો છતાં, હરીફાઈ ખાળવા માટે તેને પ્રોજેક્ટરનું ઉત્પાદન કરવાની ફરજ પડી. તેના વિટાસ્કોપ [પ્રોજેક્ટર]ને એપ્રિલ ૧૮૯૬માં પ્રથમવાર ન્યૂ યોર્કમાં ઉપયોગમાં લેવામાં આવ્યું. એમ તેણે શરૂ કરેલા સનદના યુદ્ધને પરિણામે એ ઉદ્યોગ પર પૂરેપૂરો ઇજારો મેળવવા માટે એક ટ્રસ્ટ સ્થાપવામાં આવ્યું.
એડિસનના કાઈનેટોસ્કોપની એક નકલે ફ્રાંસના લીયોન્સમાંના ઉદ્યોગપતિઓ ઓગસ્ટ અને લુઈ લુમિયેને એવો હાથે બનાવેલો કેમેરો શોધવાની પ્રેરણા આપી જે ફિલ્મોના ચિત્રો લઈ શકે અને પડદા પર પાડી શકે. તેઓની સિનેમાટોગ્રાફી (ગ્રીક કિનેમા, અર્થાત્ “હલનચલન,” અને ગ્રાફીન, અર્થાત્ “ચિત્રિત કરવું” પરથી)ને ફેબ્રુઆરી ૧૮૯૫માં સનદ આપવામાં આવી, અને ડિસેમ્બર ૨૮ના રોજ ગ્રોં કાફે, ૧૪ બુલ્વાર ડે કાપુસેન, પેરીસ ખાતે “સિનેમાનું અધિકૃત જગત પ્રીમિયર થયું.” પછીના દિવસે, ૨,૦૦૦ પેરીસવાસીઓ વિજ્ઞાનની આ અદ્યતન અજાયબી જોવા ગ્રોં કાફેમાં ટોળે વળ્યા.
થોડા જ વખતમાં લુમિયે બંધુઓ નવા સિનેમા ખોલવા અને આખા જગતમાં કેમેરામેનને મોકલવા લાગ્યા. થોડા જ વર્ષોમાં, તેઓએ જગતભરમાં પ્રખ્યાત સ્થળોની અને રશિયાના ઝાર નિકોલસ ૨ના રાજ્યાભિષેક જેવા બનાવોની કંઈક ૧,૫૦૦ ફિલ્મો બનાવી.
શાંત યુગ
એક જાદુગર અને પેરીસના એક થિયેટરનો માલિક એવો જ્યોર્જ મેલીસ પોતે જે જોયું એનાથી ઘણો જ મુગ્ધ થયો. તેણે સિનેમાટોગ્રાફી ખરીદવાની રજૂઆત કરી. દેખીતી રીતે જ જવાબ હતો: “ના, સિનેમાટોગ્રાફી વેચવા માટે નથી. અને યુવક, એ માટે મારો આભાર માન; કેમ કે આ શોધનું કંઈ ભાવિ નથી.” તેમ છતાં, નિર્ભયપણે, મેલીસે ઇંગ્લેન્ડમાંથી લાવેલા સાધનો વડે ફિલ્મ ઉતારવાનું ચાલુ કર્યું. મેલીસે પોતાની ખાસ અસરો અને દૃશ્યો દ્વારા, સિનેમાટોગ્રાફીને કલાના રૂપમાં ફેરવ્યું. તેની ૧૯૦૨ની ફિલ્મ લ વોયાજ ડાં લે લુન (ચંદ્ર સુધીની મુસાફરી)એ આંતરરાષ્ટ્રીય સફળતા મેળવી. તેણે પેરીસની બહાર આવેલા મોન્ટ્રઈમાંના પોતાના સ્ટુડિયોમાં ૫૦૦થી વધુ ફિલ્મો બનાવી—જેમાંની ઘણી હાથથી રંગવામાં આવી હતી.
લગભગ ૧૯૧૦ સુધીમાં, જગતવ્યાપી નિકાસ કરવામાં આવતી ૭૦ ટકા ફિલ્મો ફ્રેંચ ઉદ્ભવમાંથી હતી. એ પ્રાથમિક રીતે પાટે બંધુઓએ સિનેમાના કરેલા ઔદ્યોગિકરણને લીધે હતું, જેઓનો ધ્યેય હતો કે સિનેમા “આવતી કાલનું થિયેટર, વર્તમાનપત્ર, અને શાળા” બને.
ચાર્લી ચેપ્લિન, ડગ્લસ ફેરબેન્ક્સ, ડેવિડ ડબ્લ્યૂ. ગ્રિફિથ, અને મેરી પિક્ફર્ડે ટ્રસ્ટની વ્યાપારી આગેવાની તોડવા ૧૯૧૯માં યુનાઈટેડ આર્ટિસ્ટ્સ બનાવ્યું. વર્ષ ૧૯૧૫માં, ગ્રિફિથનું બર્થ ઓફ એ નેશન હોલીવુડની પ્રથમ જ્વલંત સફળતા હતી. એ અમેરિકી આંતરવિગ્રહ વિષેની ઘણી જ વિવાદાસ્પદ ફિલ્મ બહાર પાડવામાં આવી ત્યારે એની જાતિભેદવાળી માહિતીને કારણે એને લીધે ઘણાં હુલ્લડો અને કેટલાક મરણ પણ થયાં. તેમ છતાં, ૧૦ કરોડ પ્રેક્ષકોએ એને નિહાળવાને લીધે એ બહુ જ સફળ થઈ, જેણે એને કદી પણ બની હોય એવી સૌથી વધુ નફાકારક ફિલ્મોમાંની એક બનાવી.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી, ફિલ્મોએ “આખા અમેરિકાને નાઈટક્લબો, સામાજિક ક્લબો, ગેરકાયદે લઠ્ઠાની દુકાનોની દુનિયા અને એની સાથેની નૈતિક અનાદરની પ્રસ્તાવના કરી.” અમેરિકી પડદા પરથી પરદેશી ફિલ્મો લગભગ અદૃશ્ય થઈ ગઈ, જ્યારે કે જગતમાં બીજી જગ્યાઓના કાર્યક્રમો ૬૦થી ૯૦ ટકા અમેરિકી ફિલ્મોના બનેલા હતા. અમેરિકી જીવનઢબ અને અમેરિકી પેદાશોને મહત્તા આપવાના સાધન તરીકે સિનેમાનો ઉપયોગ કરવામાં આવ્યો. તે જ સમયે, “સિતારાઓની ખ્યાતિ”એ રુડોલ્ફ વેલેન્ટિનો, મેરી પિક્ફર્ડ, અને ડગ્લસ ફેરબેન્ક્સને લગભગ દૈવી બનાવી દીધા.
અવાજ અને રંગ
“મમ્મી, આ સાંભળ!” વર્ષ ૧૯૨૭ના ધ જાઝ સિંગરમાંના અલ જોલ્સનના એ શબ્દોએ મૂક ચલચિત્રોના સોનેરી યુગનો અંત આણ્યો અને જગતમાં ટોકીઝની પ્રસ્તાવના કરી. સિનેમાની શરૂઆતથી જ સુમેળયુક્ત રેકર્ડના અખતરા કરવામાં આવ્યા હતા, પરંતુ ઇલેક્ટ્રીક રેકોર્ડીંગ અને વાલ્વ એમ્પ્લીફાયર્સના આગમનથી, ૨૦ના દાયકા સુધી, અવાજ સંભવિત ન હતો. એની પ્રસ્તાવના કોયડા વિનાની ન હતી.
શરૂઆતમાં હાથે રંગેલી ફિલ્મો દ્વારા રંગ સિનેમામાં પ્રવેશ્યો. પછીથી, સ્ટેન્સિલનો ઉપયોગ થવો શરૂ થયો. રંગીન ફિલ્મોને અસરકારકપણે ધોઈ ન શકવાને લીધે ફિલ્મોને રંગવી પડતી. વર્ષ ૧૯૩૫માં ટેક્નિકલરને ફિલ્મો ત્રણ રંગોથી ધોવાની સફળતા મળી ત્યાં સુધી વિવિધ પદ્ધતિઓના અખતરા કરવામાં આવ્યા. તેમ છતાં, ગોન વિથ ધ વિન્ડને ૧૯૩૯માં મળેલી પ્રચંડ લોકપ્રિયતા પછી રંગને વેચાણ માટે મુખ્ય આકર્ષણ તરીકે જોવામાં આવ્યો.
યુદ્ધ સમયનો મતપ્રચાર
સિનેમાએ ૩૦ના દાયકાની મંદી દરમ્યાન “ટોળાઓના નશા” તરીકે કામ કર્યું. પરંતુ જગત યુદ્ધ તરફ આગળ વધ્યું તેમ, સિનેમાનો ધ્યેય ચાલબાજી અને મતપ્રચાર બન્યો. મુસોલિનીએ સિનેમાને “લારમા પિયુ ફોર્ટે,” અથવા “સૌથી વધુ મજબૂત શસ્ત્ર” કહ્યું, જ્યારે કે હિટલર હેઠળ એ ખાસ કરીને યુવાનોના મનમાં ઠસાવવા માટે રાષ્ટ્રીય સમાજવાદનું પ્રવક્તા બન્યું. ડેર ટ્રીઉમ્ફ ડેસ વિલન્સ (ઇચ્છાનો વિજય) અને ઓલીમ્પિયા જેવી ફિલ્મોએ નાત્ઝી આગેવાનોને લગભગ દેવો બનાવી દીધા. બીજી તરફ, યુડ સસએ સેમાઈટ-વિરોધને પ્રોત્સાહન આપ્યું. અને બ્રિટનમાં, લોરેન્સ ઓલિવરની ફિલ્મ હેન્રી ૫એ હુમલો [ડી ડે] અને પરિણમનાર જાનહાનિની તૈયારી માટે ઉમંગ વધારવાનું કામ કર્યું.
કટોકટી
બીજા વિશ્વયુદ્ધ પછી, ટેલિવિઝન વધુ બહોળા પ્રમાણમાં પ્રાપ્ય બન્યાં તેમ, લોકો સિનેમામાં જવાને બદલે ઘરે રહેવા લાગ્યા. યુનાઈટેડ સ્ટેટ્સમાં સિનેમામાં જનારાઓની સંખ્યા એકાએક ઘટી ગઈ અર્થાત્ ફક્ત દસ વર્ષમાં જ અડધી થઈ ગઈ. હજારો સિનેમાઓને બંધ કરવાની ફરજ પડી, અને ૫૦ના દાયકામાં પહોળા પડદાવાળી ફિલ્મો તથા દિશા પ્રમાણેના સ્ટીરિયો અવાજની પ્રસ્તાવના છતાં, ફિલ્મોનું ત્રીજા ભાગનું ઉત્પાદન ઘટ્યું. આ હરીફાઈમાં બરોબરી કરવા માટે સેસલ બી. ડી મિલની ટેન કમાન્ડમેન્ટ્સ (૧૯૫૬) જેવી કરોડો ડોલરની સફળ ફિલ્મો બનાવવામાં આવી. યુરોપીયન સિનેમાએ પણ પ્રેક્ષકોમાં ધરખમ ઘટાડો અનુભવ્યો.
સામાજિક અસર
સિનેમાને સમાજનો અરીસો કહેવામાં આવ્યું છે. પરિણામે, ૭૦ના દાયકાની ઘણી ફિલ્મોએ એ સમયનાં “બેચેની, અસંતોષ, ભ્રમભંગ, ચિંતા, સંદેહ” પ્રતિબિંબિત કર્યાં, જે હોરર ફિલ્મોની પુનઃજાગૃતિ અને “શેતાનવાદ તથા જાદુક્રિયામાંના અદ્વિતીય રસ” પરથી જોઈ શકાય છે. દુર્ઘટનાવાળા ચલચિત્રોએ “વાસ્તવિક જીવનની દુર્ઘટનાઓથી વિચલન” તરીકે કામ કર્યું. (વર્લ્ડ સિનેમા—એ શોર્ટ હિસ્ટ્રી) બીજી તર્ફે, ૮૦ના દાયકાએ એ જોયું જેને એક ફ્રેંચ પત્રકારે “કુકર્મોને સામાન્ય બનાવવાનો જાણી જોઈને કરવામાં આવેલો પ્રયત્ન” કહ્યો. વર્ષ ૧૯૮૩માં કેન ફિલ્મ ફેસ્ટીવલમાં રજૂ કરવામાં આવેલી અડધોઅડધ ફિલ્મોનો વિષય સજાતીય કુકર્મ કે નજીકના સગા સાથેનો સમાગમ હતો. સમકાલીન ફિલ્મોમાં હિંસા સામાન્ય, કે વારંવાર આવતો, વિષય બની છે. વર્ષ ૧૯૯૨માં, હોલિવુડની ૬૬ ટકા ફિલ્મોમાં હિંસાનાં દૃશ્યો હતાં. અને સામાન્ય રીતે ભૂતકાળમાં હિંસાનો કોઈક હેતુ હતો ત્યારે, હવે એ પૂરેપૂરી બિનજરૂરી હોય છે.
એના સંપર્કમાં આવવાથી કેવી અસર પડી છે? અગાઉ કોઈ ગુનેગારીની ભૂમિકા ન ધરાવતા એક યુગલે ઓક્ટોબર ૧૯૯૪માં પેરીસમાં કત્લેઆમ ચલાવી ૪ લોકોને મારી નાખ્યા ત્યારે, ફિલ્મ નેચરલ બોર્ન કિલર્સને સીધેસીધો દોષ દેવામાં આવ્યો, જેમાં એક યુગલ ૫૨ લોકોને મારી નાખે છે. વધુ ને વધુ સમાજશાસ્ત્રીઓ હિંસાની અસર વિષે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે—ખાસ કરીને યુવાનો પરની અસર, જેઓ માટે એ દૃશ્યો વર્તનની ઢબ બને છે. અલબત્ત, કંઈ બધી ફિલ્મો હિંસા કે અનૈતિકતાને મહત્તા આપતી નથી. ધ લાયન કિંગ જેવી તાજેતરની ફિલ્મોએ ટિકિટોના વેચાણના અગાઉના રેકોર્ડ તોડ્યા છે.
ગત ૧૦૦ વર્ષ દરમ્યાન સિનેમાએ સમાજ પર કેવી છાપ પાડી છે એ વિષે પેરીસના વર્તમાનપત્ર લ મોન્ડએ પૂછ્યું ત્યારે, એક આગવા ફિલ્મ બનાવનાર અને અભિનેતાએ જવાબ આપ્યો કે સિનેમાએ “યુદ્ધને મહત્તા આપી છે, ગુંડાઓને રોમાંચક બનાવ્યા છે, અતિશય સાદા ઉકેલ અને ધાર્મિકતા પ્રત્યે કંટાળો રજૂ કર્યો છે, ખોટી અપેક્ષા પેદા કરી છે, અને સંપત્તિ, મિલકત, રસહીન ભૌતિક સુંદરતા, તથા બીજા અનેક અવાસ્તવિક અને અયોગ્ય ધ્યેયોની ઉપાસનાને પ્રોત્સાહન” આપ્યું છે છતાં, એણે લાખો લોકોને રોજિંદા જીવનની કઠોર વાસ્તવિકતાઓમાંથી આવકાર્ય છુટકારો પૂરો પાડ્યો છે.
લાઈટો બંધ થાય છે અને પડદો જીવંત બને છે તેમ, હજુ પણ કેટલીકવાર આપણે એ જાદુ અનુભવીએ છીએ જેણે લોકોને ૧૦૦થી વધુ વર્ષ પહેલાં મુગ્ધ કર્યાં હતાં.
(g96 7/22)
© Héritiers Lumière. Collection
Institut Lumière-Lyon
© Héritiers Lumière. Collection Institut Lumière-Lyon
ફેબ્રુઆરી ૧૮૯૫ના સનદવાળું “સિનેમાટોગ્રાફી લુમિયે”
“ફોટો-ડ્રામા ઓફ ક્રીએશન”
વર્ષ ૧૯૧૪ના અંત સુધીમાં, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ન્યૂ ઝીલેન્ડ, અને ઉત્તર અમેરિકામાંના કંઈક ૯૦ લાખ લોકોએ વોચ ટાવર સોસાયટીનો “ફોટો-ડ્રામા ઓફ ક્રીએશન” વિનામૂલ્યે જોયો હતો. ચાર ભાગવાળો આઠ કલાકનો કાર્યક્રમ અવાજ અને સંગીતના સુમેળવાળા ચલચિત્રો અને સ્લાઈડ્સનો બનેલો હતો. સ્લાઈડ્સ અને ફિલ્મોને હાથે રંગવામાં આવ્યાં હતાં. “ફોટો-ડ્રામા”ને “બાઇબલ અને એમાં આપવામાં આવેલા દેવના હેતુ માટેની કદર સુદૃઢ કરવા” તૈયાર કરવામાં આવ્યો હતો. એના મુખ્યઅંશોમાં ફૂલનું ખીલવું અને ઈંડામાં બચ્ચાના સેવનનો સમાવેશ થતો હતો, જે ટાઈમ-લેપ્સ ફોટોગ્રાફી દ્વારા ફિલ્મમાં ઝડપવામાં આવ્યું હતું.