હૃદય રોગ જીવનને ધમકી
દ ર વર્ષે વિશ્વવ્યાપી લાખો સ્ત્રી અને પુરુષોને હાર્ટ ઍટેક આવે છે. ઘણા બચી જાય છે પરંતુ થોડીક અસરો રહી જાય છે. ઘણા બચતા નથી. વળી બીજાઓનાં હૃદયને એટલું બધું નુકસાન થયું હોય છે કે “ઉપયોગી પ્રવૃત્તિમાં પાછા વળવું શંકાસ્પદ હોય છે,” એમ કાર્ડિયોલોજિસ્ટ પીટર કોહન કહે છે, અને ઉમેરે છે: “તેથી એ આવશ્યક છે કે શક્ય હોય ત્યારે, હાર્ટ ઍટેકની શરૂઆતથી જ સારવાર કરો.”
હૃદય એક સ્નાયુ છે જે આખા શરીરમાં લોહી મોકલે છે. હાર્ટ ઍટેક (myocardial infarction)માં લોહીના અભાવને કારણે હૃદયના સ્નાયુનો અમુક ભાગ મરણ પામે છે. તંદુરસ્ત રહેવા માટે, હૃદયને પ્રાણવાયુ તથા બીજા પોષણો જરૂરી છે જેને લોહી લઈ આવે છે. લોહી એ પોષણો હૃદયની આસપાસ વીંટાએલી ચક્રીય ધમની (coronary arteries) દ્વારા લાવે છે.
રોગ હૃદયના કોઈપણ ભાગને અસર કરી શકે છે. જો કે, ચક્રીય ધમનીનો છેતરામણો રોગ સૌથી સામાન્ય છે જેને એથિરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. એ રોગ થાય છે ત્યારે, ચકતાં (plaques), અથવા ચરબીયુક્ત જમાવ, ધમનીની દીવાલોમાં વિકસે છે. લાંબા ગાળા પછી, ચકતાં વધી જઈ શકે છે, ધમનીને સખત તથા સાંકડી બનાવે છે, અને હૃદયમાં જતો લોહીનો પ્રવાહ અવરોધે છે. એ તો આ મુખ્ય ચક્રીય ધમનીનો રોગ (coronary artery disease, CAD) છે જે મોટા ભાગના હાર્ટ ઍટેક માટે મંચ ખડો કરે છે.
હૃદયની પ્રાણવાયુની માંગ પુરવઠા કરતાં વધી જાય છે ત્યારે, એક કે વધુ ધમનીઓ રૂંધાય જવાથી ઍટેક આવે છે. ઓછી સાંકડી થયેલી ધમનીઓમાં પણ જામેલાં ચકતાંમાં તિરાડ પડી શકે છે અને લોહીનો ગઠ્ઠો (thrombus) બની જઈ શકે. રોગગ્રસ્ત ધમનીઓમાં તાણ આવવાની પણ વધારે શક્યતા રહેલી છે. તાણ આવવાની જગ્યાએ લોહીનો ગઠ્ઠો જામી જઈ શકે છે જે ધમનીની દીવાલને વધારે સંકોચે છે તથા ઍટેક આવે એવું રસાયણ છોડે છે.
હૃદયના સ્નાયુ ઘણા લાંબા સમય સુધી પ્રાણવાયુથી વંચિત રહે ત્યારે, નજીકની માંસપેશીઓને નુકસાન થઈ શકે છે. કેટલીક માંસપેશીઓથી ભિન્ન, હૃદયના સ્નાયુ પુનરુત્પત્તિ પામતા નથી. ઍટેક જેટલો લાંબો સમય ચાલે છે હૃદયને એટલું વધારે નુકસાન થાય છે અને મરણ નીપજવાની શક્યતા પણ વધે છે. હૃદયની વિદ્યુત વ્યવસ્થાને નુકસાન થાય તો, હૃદયનો સામાન્ય લય અસ્તવ્યસ્ત થઈ શકે છે અને હૃદય બેફામ કંપવા (fibrillate) લાગે છે. એવી લયહીન સ્થિતિમાં, મગજમાં અસરકારકપણે લોહી મોકલવાની હૃદયની ક્ષમતા નિષ્ફળ જાય છે. મગજ દસ મિનિટમાં જ મરણ પામે છે અને મૃત્યુ નીપજે છે.
આમ, તાલીમ પામેલા તબીબી કર્મચારીનો વહેલો હસ્તક્ષેપ ઘણો જ અત્યાવશ્યક છે. એ હૃદયને વધારે નુકસાનથી બચાવી શકે છે, લયહીન સ્થિતિને અટકાવી શકે છે અથવા સારવાર આપી શકે છે, અને વ્યક્તિનું જીવન પણ બચાવી શકે છે.