શાંતિ અને સ્વસ્થતા શું કદી પણ આવશે?
પરદેશમાં રજા પર જનારા પર્યટકો પોતાની રજાના સમયમાંથી શું ઇચ્છે છે એમ પૂછવામાં આવતા, દર ૪માંથી લગભગ ૩ બ્રિટીશ પર્યટકોએ જવાબ આપ્યો, “શાંતિ અને સ્વસ્થતા.” પરંતુ ઘોંઘાટનું પ્રદૂષણ જગતવ્યાપી સમસ્યા હોવાથી, ઘણા માને છે કે ખરી શાંતિ અને સ્વસ્થતા માત્ર શેખચલ્લીનું સ્વપ્ન છે.
ઘોંઘાટનું પ્રદૂષણ ઘટાડવાના ખંતીલા પ્રયત્નો છતાં, તમે વિચારી શકો કે કદી પણ પૂરેપૂરી સફળતા હશે એ માનવું વાસ્તવિક છે કે કેમ. તમારી ચિંતાની પરવા ન કરનારાઓ વિષે શું?
આંબવાનાં નડતરો
વિરોધ દર્શાવનારા લોકો સાથે વાત કરવી સહેલું નથી હોતું, તમારું દૃષ્ટિબિંદુ જોવા મદદ કરવાની વાત તો બાજુએ જ રહી. રોન રહેતો હતો ત્યાં, મકાન બહાર ઘોંઘાટિયા તરુણોનું વૃંદ ભેગું થવા લાગ્યું ત્યારે, તેણે તેઓને મિત્રો બનાવવાની પહેલ કરી. તેણે તેઓનાં નામ જાણ્યાં. તેણે તેઓની એક સાયકલ સમી કરવા પણ મદદ કરી. ત્યારથી માંડીને, તેને તેઓ પાસેથી કોઈ સમસ્યા નડી નહિ.
માર્જરીનો કિસ્સો વિચારો, જે એકલી માતા છે અને તરુણ દીકરી છે, તેમ જ ઘોંઘાટિયા પડોશીઓની વચ્ચે એપાર્ટમેન્ટમાં રહે છે. ઉપરના ભાડૂઆતોના ઘરમાં તળિયે જાજમ નથી બીછાવેલી. પરિણામે, માર્જરીને બાળકોના રોલર સ્કેટિંગ કરવાનો, દડો ઉછાળવાનો, અથવા પથારીમાંથી બહાર કૂદવાનો ઘોંઘાટ પણ ખલેલ પહોંચાડે છે. ઉપરાંત, તેઓની માતા ઘરમાં ઊંચી એડીના જોડા પહેરે છે. માર્જરીએ માયાળુ અભિગમથી પોતાના પડોશીને શાંત રહેવા જણાવ્યું, પરંતુ તેઓ વચ્ચે ભાષાનું નડતર હતાશા લાવ્યું. સ્થાનિક નગરપાલિકાએ સમસ્યા ઉકેલવા મદદ માટે અનુવાદક મોકલવાની રજૂઆત કરી, તેથી માર્જરી સુધારાની રાહ જુએ છે.
એપાર્ટમેન્ટમાં તેના ઘરની નીચે એક માણસ રહે છે, જે રોજ સવારે સાતથી આઠ સતત ઘોંઘાટિયુ સંગીત વગાડે છે. માર્જરીના કુનેહપૂર્ણ અભિગમથી જવાબ મળ્યો કે ‘એ માણસને પોતાની નોકરી માટે સારો મૂડ લાવવા’ તેના સંગીતની જરૂર હતી. માર્જરી કઈ રીતે સહન કરી શકી?
“હું સંયમ અને ધીરજ રાખવાનો પ્રયત્ન કરું છું,” તે કહે છે. “મેં મારા કાર્યક્રમમાં ફેરગોઠવણ કરી, અને ઘોંઘાટ છતાં હું વાંચવા બેસી જાઉં છું. હું જલદી જ મારા પુસ્તકમાં મશગૂલ થઈ જાઉં છું. એથી હું ઘોંઘાટ તરફ બહું ધ્યાન આપતી નથી.”
બીજી તર્ફે, હેધર એવા એપાર્ટમેન્ટમાં રહે છે જેની સામે જ રાત્રિ-ક્લબ છે, જે આખી રાત શોરબકોર પછી, સવારે લગભગ છ વાગ્યે બંધ થાય છે. તેણે છેવટે સ્થાનિક સત્તાવાળાને ફરિયાદ કરી હોવા છતાં, ખલેલ બંધ કરવા ખાસ કંઈ કરવામાં આવ્યું નથી.
ઘોંઘાટનો અંત?
“ઘણા લોકોને તદ્દન શાંતિ ખૂબ જ ચીડવનારી અને અસ્વાભાવિક લાગે છે,” બ્રિટનની શ્રવણશક્તિ સંશોધન સંસ્થાની તબીબી સંશોધક કાઉન્સીલના ડૉ. રોસ કોલ્સ જણાવે છે. પક્ષીઓના મધુર ગીતો, રેતાળ દરિયાકાંઠે મોજાંનું હળવેથી અફળાવું, બાળકોની ઉત્તેજક બૂમો—આ અને બીજા અવાજો આપણને હર્ષ આપે છે. અત્યારે આપણે ઘોંઘાટથી જરા રાહત મેળવવા ઝંખતા હોઈએ છતાં, આપણે આપણી સાથે વાતચીત કરનારા સાચા મિત્રો સાથે આનંદ માણીએ છીએ. દેવે પોતાના વિશ્વાસુ સેવકો માટે શાંતિ અને સ્વસ્થતાનું વચન આપ્યું છે.
બાઇબલમાં ગીતકર્તા જાહેર કરે છે: “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) દેવની આકાશી રાજ્ય સરકાર માનવ બનાવોમાં હસ્તક્ષેપ કરશે. (દાનીયેલ ૨:૪૪) પછી, ખ્રિસ્ત ઈસુના શાસન હેઠળ, “ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૭; યશાયાહ ૯:૬, ૭.
તમે ખાતરી રાખી શકો કે આપણે સર્વ ઇચ્છીએ છીએ એ શાંતિ અને સ્વસ્થતા દૈવી હસ્તક્ષેપ જરૂર હાંસલ કરશે, જેમ દેવના પ્રબોધક યશાયાહે ભાખ્યું: “ન્યાયીપણાનું કામ શાંતિ; ન્યાયીપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ તથા નિર્ભયતા થશે. મારા લોક . . . સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.”—યશાયાહ ૩૨:૧૭, ૧૮.
હમણાં પણ, તમે તમારા સ્થાનિક વિસ્તારોમાં યહોવાહના સાક્ષીઓના મેળાવડામાં આત્મિક શાંતિ અને સ્વસ્થતા મેળવી શકો. વિશાળ મહાસંમેલનોમાં ઉપાસના માટેના પ્રસંગે હજારો ને હજારો ભેગા મળતા હોય—અને આ મેળાવડાઓ ખરેખર ‘પુરુષો, સ્ત્રીઓ, અને બાળકોથી ઘોંઘાટિયા’ હોય છે છતાં—ઘોંઘાટ ખલેલ કરનારો નહિ પરંતુ આનંદદાયક હોય છે. (મીખાહ ૨:૧૨) સ્થાનિક જગ્યાએ સાક્ષીઓને મળીને તમે પોતે જ એનો અનુભવ કરો અથવા તેઓનો સંપર્ક સાધવા આ સામયિકના પાન ૫ પરના સરનામામાંથી એક પર લખો. તેઓની સંગતમાં ખરી શાંતિ અને સ્વસ્થતાનો આનંદ હમણાં અને કદાચિત હંમેશા માણો.