ઘોંઘાટ તમે એ વિષે શું કરી શકો
દિ વસના અંતે થાકીને, તમે ભર ઊંઘમાં પડો છો. અચાનક જ, તમે પડોશીના કૂતરાના ભસવાના અવાજથી જાગી જાવ છો. તમે પથારીમાં પાસું ફેરવી આશા રાખો છો કે એ ચીડવતો ઘોંઘાટ હમણાં જ બંધ થશે. પરંતુ એ તો ચાલુ જ રહે છે. કૂતરાનું ભસવાનું ચાલુ જ રહે છે. ચીડાઈને, ઓછી ઊંઘને કારણે નાસીપાસ થઈને, અને હવે એકદમ જાગ્રત થવાથી તમે વિચારો છો કે તમારા પડોશી કઈ રીતે આ ઘોંઘાટ સહી શકે છે.
લોકો જે રીતે ઘોંઘાટ સહે છે એમાં ઘણી વિભિન્નતા છે. વિમાનીમથકે કામ કરતા, રન-વે પાસે રહેનારા નોકરિયાતો, વિમાન સાથે સંબંધિત ન હોય એવી નોકરી કરનારા કરતાં વિમાનના ઘોંઘાટથી ઓછા ખલેલ પામશે. ગ્રાઈન્ડરનો ઉપયોગ કરતી ગૃહિણી એનો ઘોંઘાટ બાજુના ઓરડામાં વાંચવાનો કે ટીવી જોવાનો પ્રયત્ન કરી રહેલી વ્યક્તિ કરતાં સારી રીતે સાંખી લેશે.
ઘોંઘાટનું પ્રદૂષણ શું છે?
ઘોંઘાટના પ્રદૂષણની વ્યાખ્યા એકથી બીજા દેશે ભિન્ન હોય છે. મૅક્સિકોમાં, ઘોંઘાટ “વ્યક્તિ માટે ઉપાધિરૂપ અથવા હાનિરૂપ હોય એવો કોઈ પણ અનિચ્છુક અવાજ” છે. ન્યૂઝીલૅન્ડ વધુ પડતો ઘોંઘાટ એવા પ્રકારને ગણે છે જ્યારે એ “કોઈ પણ વ્યક્તિની શાંતિ, આરામ અને સગવડમાં બિનવાજબીપણે ખલેલ પહોંચાડતો” હોય.
બે પ્રખ્યાત વૈજ્ઞાનિકો, એલેક્ષાંડર ગ્રેહામ બેલ, જેણે ટેલિફોનની શોધ કરી, અને હેનરિક હટ્ર્ઝ, જર્મન ભૌતિકશાસ્ત્રી બંને અવાજ માપવા સાથે નિકટથી સંકળાયેલા છે. બેલ્સ, અથવા સામાન્યપણે ડેસિબેલ્સ (બેલના એક દશાંશ ભાગ) તરીકે વર્ણવાયેલા છે એ સંબંધિત અવાજ માપે છે, જ્યારે કે હટ્ર્ઝ અવાજનું પ્રમાણ, અથવા દર માપે છે. ઘોંઘાટ માપવામાં આવે છે ત્યારે, સામાન્યપણે અહેવાલ અવાજનું ડેસિબેલ સ્તર દર્શાવે છે.a
પરંતુ અવાજ કેટલી ખલેલ પહોંચાડે છે એ કોણ નક્કી કરે છે? એ તમે, સાંભળનાર પોતે જ છો! લંડનનું ધી ઇન્ડીપેન્ડન્ટ કહે છે, “ઉપાધિજનક અવાજનો અંદાજ કાઢવામાં, માનવ કાન સૌથી ઉત્તમ શોધક રહ્યો છે.”
ઘોંઘાટની અસરો
કાન ઘોંઘાટનો “સૌથી ઉત્તમ શોધક” હોવાથી, દેખીતી રીતે જ એ એવો ભાગ છે જે સંભવતઃ એનાથી વધારે હાનિ પામશે. તમારા કાનના અંદરના જ્ઞાનતંતુના સંવેદી કોશોને નુકસાન કાયમી બહેરાશમાં પરિણમી શકે. એ સાચું છે કે, ઘોંઘાટ પ્રત્યે લોકોનો અલગ અલગ પ્રત્યાઘાત હોય છે. પરંતુ ૮૦થી ૯૦ ડેસિબેલ્સથી વધારે અવાજ વારંવાર સાંભળવો ધીમે ધીમે શ્રવણશક્તિ ગુમાવવામાં પરિણમી શકે. ખરેખર, તમારી શ્રવણશક્તિને હાનિ થતી રોકવી હોય તો, તમે, ઘોંઘાટનું સ્તર જેટલું ઊંચું હોય એટલો જ ઓછો સમય એ વાતાવરણમાં પસાર કરી શકો.
ન્યૂ સાયંટીસ્ટ સામયિક અહેવાલ આપે છે કે ફ્રાંસમાં વેચાતા ઘણા વ્યક્તિગત સ્ટીરીઓ વધુમાં વધુ ૧૧૩ ડેસિબેલ્સનો અવાજ ધરાવે છે. દાખલા તરીકે, એક અભ્યાસે નોંધ્યું કે “વ્યક્તિગત કૉમ્પેક્ટ ડીસ્ક પ્લેયર પર એક કલાક સુધી પૂરેપૂરા અવાજથી વગાડવામાં આવતું રોક સંગીત મોટા ભાગે ૧૦૦ ડેસિબેલ્સ વટાવી જઈ લગભગ ૧૨૭ ડેસિબેલ્સ સુધી પહોંચે છે.” સંગીતના કાર્યક્રમના જીવંત પ્રસારણ દરમિયાન તો ઘોંઘાટની અસર એથી પણ વધુ ગંભીર હોય છે. એક સંશોધકને જણાયું કે લોકો જાણે બેભાન અવસ્થામાં ધ્વનિવર્ધક યંત્ર (લાઉડસ્પીકર)ની આસપાસ ટોળે વળી જાય છે. “મારી દૃષ્ટિ ધૂંધળી થઈ રહી હતી, નીચા સૂરથી શરીરના ઊંડાણમાં પડઘા પડતા હતા,” તે વર્ણવે છે, “અને મારા કાન માટે ઘોંઘાટ કષ્ટદાયક હતો.”
તમારા પર ઘોંઘાટની શું અસરો થઈ શકે? એક સત્તા જણાવે છે: “પ્રમાણસરથી ઉચ્ચ સ્તરનો સતત ઘોંઘાટ દબાણ, થાક, અને ચીડમાં પરિણમી શકે.” “ઘોંઘાટથી થતી રિબામણી માત્ર જીવનનો આનંદ જ લઈ લેતી નથી, એ વ્યક્તિને શારીરિક અને લાગણીમય રીતે નિર્ગત કરી નાખી શકે,” ગીસ્સેન, જર્મનીની વિદ્યાપીઠના પ્રાધ્યાપક જેરાલ્ડ ફ્લીશર નોંધે છે. પ્રાધ્યાપક મેકીસ ટ્સેપોગસ અનુસાર, બીજી તણાવમય સ્થિતિ ઉપરાંત ઘોંઘાટ હોય ત્યારે, એ ઉદાસીનતા તેમ જ શારીરિક બંધારણને લગતા રોગ થઈ શકે.
ઘોંઘાટમાં લાંબો સમય રહેવાથી તમારા વ્યક્તિત્વ પર અસર પડી શકે. બ્રિટીશ સરકારના સંશોધકોએ ઘોંઘાટની ગંદકીના ભોગ બનેલાઓને પૂછ્યું કે ઘોંઘાટ માટે જવાબદાર વ્યક્તિઓ માટે તેઓને કેવું લાગે છે ત્યારે, તેઓને ધિક્કાર, બદલાની ભાવના, અને ખૂન કરવા સુધીની લાગણી હોવાનું જણાવ્યું. બીજી તર્ફે, ઘોંઘાટ કરનારાઓ વારંવારની ફરિયાદોનું કારણ બને છે ત્યારે, તેઓ મોટા ભાગે આક્રમક બની જાય છે. ઘોંઘાટ વિરોધી ઝુંબેશમાં ભાગ લેનાર દાવો કરે છે કે “ઘોંઘાટ લોકોની પરોપકારવૃત્તિ ઘટાડીને આક્રમક અને વેરવૃત્તિ જગાડે છે.”
ઘોંઘાટનું પ્રદૂષણ સહેનારા મોટા ભાગનાઓ ખલેલ પ્રત્યે પોતાની પ્રતિકારશક્તિ ધીમે ધીમે નબળી થતી હોવાનું પારખે છે. તેઓ એક સ્ત્રીની દૃષ્ટિનો પડઘો પાડે છે, જેના ઘોંઘાટિયા પડોશી સતત મોટા અવાજથી સંગીત વગાડતા હતા: “તમે ન ચાહતા હો એ તમને સાંભળવાની બળજબરી કરવામાં આવે ત્યારે, એ તમને થકવી નાખે છે. . . . ઘોંઘાટ બંધ થાય ત્યારે પણ, અમને ખબર હતી કે એ ફરીથી જરૂર શરૂ થશે.”
તો પછી, શું ઘોંઘાટનું પ્રદૂષણ હાથ ધરવાનો કોઈ જ માર્ગ નથી?
તમે શું કરી શકો
ઘોંઘાટ સર્વત્ર વ્યાપેલો હોવાથી, ઘણા લોકોને ખબર પણ હોતી નથી કે ક્યારે તેઓ બીજાઓને ખલેલ પહોંચાડે છે. તેઓ જાણતા હોત તો, નિઃશંક અમુક લોકોએ એ દુભવતી પ્રવૃત્તિ બંધ કરી હોત. એ કારણે ઘોંઘાટિયા પડોશીને મૈત્રીપૂર્ણ રીતે મળવું ઉપયોગી નીવડી શકે. એક વ્યક્તિ પોતે ઘોંઘાટ કરે છે એવી પડોશીની અધિકૃત ફરિયાદ મેળવી ત્યારે તે ગુસ્સે થઈ. તેણે કહ્યું: “હું માનું છું કે ઘોંઘાટથી તેઓને એટલું માઠું લાગ્યું હતું તો તેઓએ મારી સાથે મોઢામોઢ વાત કરવી હતી.” એક માતા જેણે અમુક નાના બાળકો માટે મેળાવડો ગોઠવ્યો હતો એણે ઘોંઘાટની ફરિયાદની તપાસ કરવા અધિકારી આવ્યો ત્યારે આશ્ચર્ય વ્યક્ત કર્યું. “ફરિયાદ કરનારાઓએ મારા ઘરે આવી મને જણાવ્યું હોત તો સારું થાત કે તેઓ નાખુશ હતા,” તેણે જણાવ્યું. તો પછી, એમાં નવાઈ નથી કે એક બ્રિટીશ વાતાવરણીય આરોગ્ય અધિકારીને એમ માલૂમ પડ્યાથી આશ્ચર્ય પામ્યો કે ઘરેલું ઘોંઘાટના ફરિયાદીઓમાંથી ૮૦ ટકાએ કદી પણ પોતાના પડોશીને શાંત રહેવા જણાવ્યું ન હતું.
ઘોંઘાટિયા પડોશી સાથે લોકોનું ઓછાબોલું અરસપરસ આદરની ખામી દર્શાવે છે. ‘હું સંગીત વગાડવા ઇચ્છુ તો, હું વગાડી શકું. એ મારો હક્ક છે!’ એવો જવાબ મેળવવાની તેઓ અપેક્ષા રાખે છે, અને ઘણી વાર મળે પણ છે. તેઓ ગભરાય છે કે અવાજ ધીમો કરવાનું માયાળુ સૂચન બોલાચાલીમાં પરિણમી શકે જેમ ઘોંઘાટિયા પડોશી તેઓની ફરિયાદને દખલગીરી ગણી કાઢી શકે. આપણા હાલના સમાજનું આ કેવું કદરૂપું ચિત્ર છે! એ બાઇબલના કથન જેવું છે કે “સંકટના વખતો”માં, સામાન્યપણે લોકો ‘સ્વાર્થી, ગર્વિષ્ઠ, નિર્દય, અને ઉદ્ધત’ હશે!—૨ તીમોથી ૩:૧-૪.
ભોગ બનેલી વ્યક્તિ કેવો અભિગમ અપનાવે છે એના પર ઘણું આધારિત છે. વુમન્સ વીકલી સામયિકે આક્રમક ફરિયાદથી ગુનેગાર નારાજગી દર્શાવે ત્યારે કઈ રીતે તણાવમય સ્થિતિ ઉકેલવી એનું કાલ્પનિક દૃશ્ય રજૂ કર્યું: “[પ્રતિકાર કરતા પડોશી સાથે] સુલેહ કરવા કદાચિત ફક્ત ઉષ્માભરી રીતે અને સમજણપૂર્વક એટલું જ કહેવાની જરૂર પડે કે, ‘જુઓ ભાઈ, હું ગુસ્સે થઈ ગયો એ માટે દિલગીર છું—પરંતુ હું ઊંઘી શકતો નથી ત્યારે હું ખૂબ જ થાકી જાઉં છું.’” કદાચ તેઓ સહર્ષપણે એમ્પ્લીફાઈંગ ઈક્વીપમેન્ટ જોડેલી દીવાલથી ખસેડી લેશે અને અવાજ ધીમો કરશે.
વાસ્તવિકપણે જોતા, તમારા પડોશી સાથે તમે સારા સંબંધો જાળવો તો લાભદાયી છે. કેટલીક સ્થાનિક સરકારી સત્તાઓ વિરોધી પડોશીઓ વચ્ચે સુલેહ કરાવવાની સેવા આપે છે. અધિકૃત ફરિયાદોથી ઉશ્કેરાતી વિરોધી લાગણીની દૃષ્ટિએ અમલ-બજવણી આડત બોલાવવી “એકદમ અંતિમ ઉપાય” તરીકે જોવું જોઈએ.
તમે નવા રહેઠાણમાં જવાના હો તો, તમે નિર્ણય લો એ પહેલાં ઘોંઘાટથી થતી ખલેલના સંભવિત ઉદ્ભવો તપાસી લેવા ડહાપણભર્યું થશે. સ્થાવર મિલકત દલાલો ઘોંઘાટ વિષે તપાસ કરવા તમે ભાવિ ઘરની મુલાકાત દિવસના અલગ અલગ સમયે લો એવી ભલામણ કરે છે. તમે પડોશીને તેઓના મંતવ્યો પૂછી શકો. તમે તમારા નવા રહેઠાણમાં રહેવા ગયા પછી સમસ્યા અનુભવો તો, એઓને માયાળુ રીતે ઉકેલવાનો પ્રયત્ન કરો. વાદવિવાદથી સામાન્યપણે દુશ્મનાવટ ઊભી થાય છે.
પરંતુ તમે ઘોંઘાટિયા પડોશી પાસે રહેતા હો અને બીજે ક્યાંય સ્થળાંતર કરવાનો કોઈ માર્ગ ન હોય તો શું? શું તમારે કાયમ માટે સહન કરવું જ રહ્યું? એવું જરૂરી નથી.
ઘોંઘાટથી રક્ષણ કેવી રીતે મેળવવું
બહારના ઘોંઘાટ અટકાવવા તમારા ઘરમાં શું થઈ શકે એ વિચારો. દીવાલો અને ભોંયતળિયે કોઈક બાકોરું હોય તો જુઓ કે એ ભરી દઈ શકાય કે કેમ. ખાસ કરીને વીજળીના સોકેટ આવેલા હોય ત્યાં જુઓ. શું એ સલામતીભર્યા છે?
ઘણી વાર અવાજ બારણાં અને બારીઓમાંથી આવે છે. બારીઓમાં (બમણાં કાચ) બીજો કાચ લગાડવાથી ઘોંઘાટ ઓછો કરવામાં મદદ મળી શકે. તમારી બારસાખમાં વાદળીનો પાતળો લીરો લગાવવાથી પણ બારણું બરાબર બંધ થાય છે એની ખાતરી થશે. કદાચિત છાપરાવાળું પ્રવેશદ્વાર બનાવવાથી ખલેલ પહોંચાડતા માર્ગવ્યવહારના ઘોંઘાટથી તમારા પ્રવૃત્તિમય વિસ્તારમાં શાંતિ મળી શકે.
માર્ગવ્યવહાર ઘોંઘાટ ઘણી ઝડપથી વધી રહ્યો છે છતાં, વાહન બનાવનારાઓ સતતપણે નવી સામગ્રી અને રીતો વિકસાવી રહ્યા છે જે તમારા વાહનના અવાજનું સ્તર નીચું રાખે. તમારા વાહનના ટાયરો શાંત હોવા પણ મદદરૂપ થઈ શકે. ઘણા દેશોમાં રસ્તાની અલગ અલગ સપાટીના અખતરાએ “વીસ્પર કોંક્રીટ” જેવી રસ્તાની શાંત સપાટી વિકસાવી છે, જેમાં કોંક્રીટની છો આમ જ પડી રહેવા દેવામાં આવે છે અને પરિણામે ટાયરના ખાંચા જવલ્લે જ રોડ સાથે ઘસાય છે. અહેવાલ અનુસાર આવી સપાટીનો ઉપયોગ ઘોંઘાટના સ્તરને હલકા વાહનોથી બે ડેસિબેલ્સ અને ભારે ટ્રકોથી એક ડેસિબેલ્સ ઘટાડે છે. આ બહુ મહત્ત્વનું ન દેખાય છતાં, અવાજમાં સરેરાશ ત્રણ ડેસિબેલ્સ ઘટાડો વાહનવ્યવહારના ઘોંઘાટમાં અડધોઅડધ ઓછો થયા બરાબર છે!
હવે રસ્તા બનાવનારા એવી રીતે ધોરીમાર્ગોની રચના કરે છે જે વાડ અથવા દીવાલથી સંતાડેલા હોય, આમ અસરકારકપણે ઘોંઘાટ ઘટાડે છે. એ માટે જગ્યા ન હોય ત્યાં પણ, ખાસ બનાવવામાં આવેલી વાડનો ઉપયોગ થાય છે. જેમ કે પૂર્વ લંડનમાં નેતરની ડાળખી અને હંમેશા લીલા રહેતા છોડથી ગૂંથેલી વાડ છે. એ રહેવાસીઓને હાઈવેના અનિચ્છનીય ઘોંઘાટથી રક્ષણ આપે છે.
ખલેલ પહોંચાડતા અવાજને ‘સફેદ ઘોંઘાટʼથી—દાખલા તરીકે સ્થિર કે ધસી જતી હવાના ઘોંઘાટથી—આવરી લેવો ઑફિસો જેવા વાતાવરણમાં ઉપયોગી નીવડી શકે.b જાપાનમાં શાંત પિયાનો મળે છે. એના કીબોર્ડનો ઉપયોગ કરવાને બદલે, એની મોગરી ઇલેક્ટ્રોનિક સરકીટ કાર્યરત કરે છે જે વગાડનારાના ઈઅરફોનમાં સૂર પેદા કરે છે.
વૈજ્ઞાનિકોએ, તેઓ જેને ઘોંઘાટ વિરોધી કહે છે એના ઉત્પાદનની શોધમાં કલાકો પસાર કર્યા છે. મૂળ તો, એમાં અવાજનો બીજો ઉદ્ભવ ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે જે ઘોંઘાટની અસરને રદબાતલ કરે એવા કંપન વિકસાવે. અલબત્ત, એમાં વધારાના સાધન અને વધુ ખર્ચનો સમાવેશ થાય છે અને વાસ્તવમાં સમસ્યાના ઉદ્ભવને હલ કરતું નથી. “લોકો ઘોંઘાટને ધ્વનિ પ્રદૂષણ ગણવાનું શરૂ ન કરે ત્યાં સુધી,” યુ.એસ. ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રીપોર્ટ ટીકા કરે છે, “શાંતિની એક પળ મેળવવાનો એકમાત્ર માર્ગ ઘોંઘાટ વિરોધી બનવું છે.” કદાચ સાચું, પરંતુ શું શાંતિ જ ઘોંઘાટના પ્રદૂષણનો ઉકેલ છે?
શું ખરેખર તમારા ઘર અને તમારા પડોશમાં શાંતિ અને સૌમ્યતાનું કોઈ ભાવિ છે? અમારો હવે પછીનો લેખ સાચી આશા રજૂ કરે છે.
તમે ઘોંઘાટિયા પડોશી બનવાનું કઈ રીતે ટાળી શકો ● તમે ઘોંઘાટ થાય એવું કંઈક કરવાના હો ત્યારે તમારા પડોશીનો વિચાર કરો, અને તેઓને અગાઉથી જાણ કરો. ● પડોશી ઘોંઘાટ ઓછો કરવાનું કહે ત્યારે સહકાર આપો. ● તમારો આનંદ તમારા પડોશી માટે દુઃખનું કારણ ન બને એનો ખ્યાલ રાખો. ● યાદ રાખો કે ઘોંઘાટ, ધ્વનિતરંગ ઓરડા અને ભોંયતળિયામાંથી સહેલાઈથી પસાર થાય છે. ● ઘરેલું ઘોંઘાટવાળા સાધનોને નરમ ગાદી પર રાખો. ● ઘર અને કારમાં ખોટા એલાર્મ વાગે ત્યારે હાથ ધરવા કોઈકને બોલાવી શકાય એની ખાતરી રાખો. ● મોડી રાત્રે ઘોંઘાટવાળું કામ ન કરો અથવા ઘોંઘાટિયા ઘરેલું સાધનો ન વાપરો. ● તમારા પડોશીને ચીડવે એટલી જોરથી સંગીત ન વગાડો. ● લાંબા સમય સુધી કૂતરાં એકલા ન મૂકો. ● એપાર્ટમેન્ટમાં, બાળકોને કૂદાકૂદ કરવા ન દો જેથી નીચે રહેતા લોકોને ખલેલ પહોંચે. ● રાત્રે કારનું હૉર્ન ન વગાડો, કે દરવાજા જોરથી ખોલબંધ ન કરો, અથવા એંજિનનો ઘોંઘાટ ન કર્યા કરો.
ઘોંઘાટ અને તમે “બ્રિટનમાં આજે ઘોંઘાટ સહુથી વધુ વ્યાપક ઔદ્યોગિક જોખમ છે,” ધ ટાઈમ્સ નોંધે છે, “અને એનું સામાન્ય પરિણામ બહેરાશ છે.” અમુક વ્યવસાયી-આરોગ્ય અભ્યાસો દર્શાવે છે કે ૮૫ ડેસિબેલ્સથી વધુ ઘોંઘાટ ભ્રણને હાનિ પહોંચાડી શકે. બાળકનું શ્રવણ નુકસાન પામે છે, અને બાળકના હોર્મોનને ખલેલ પહોંચી શકે તેમ જ જન્મથી ખોડ પણ ધરાવી શકે. ઘણા ઘોંઘાટથી રક્તવાહિનીઓ સંકોચાય છે અને તમારા શરીરના ભાગોમાં રક્તનું વહેણ ઘટે છે. પરિણામે, તમારું શરીર એવા હોર્મોન ઉત્પન્ન કરી પ્રત્યાઘાત પાડે છે જે લોહીનું દબાણ વધારીને તમારા હૃદયના ધબકારા વધારે છે, જે અમુક સમયે સ્પંદન કે એન્જાઈનામાં પણ પરિણમી શકે. ઘોંઘાટ તમારા નિત્યક્રમને ખલેલ પહોંચાડે છે ત્યારે, બીજી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે. ઓછી ઊંઘ તમને દિવસના સમયે અસર કરી શકે. ઘોંઘાટથી તમારા કાર્યની ઝડપમાં એકંદરે ફરક ન પણ પડે, પરંતુ એની અસર તમે કેટલી ભૂલો કરો છો એના પર પડી શકે.
કામના સ્થળે રક્ષણ તમને કામના સ્થળે ઘોંઘાટની સમસ્યા જણાય તો, કાનને રક્ષણ આપી શકે એવું કંઈક પહેરવાનું વિચારો.* હેડફોનની જેમ તમને માફક આવે એવા ઈઅરમફ્સ, ઘણો ઘોંઘાટ હોય ત્યાં સામાન્યપણે અસરકારક હોય છે. એનાથી તમને એ લાભ છે કે તમે હજુ મૌખિક સંદેશાઓ અને યંત્રોની ચેતવણીના સંકેત, એ કઈ બાજુથી આવ્યા એ ચીંધવાનું મુશ્કેલ થઈ શકે છતાં, સાંભળી શકો. ઈઅરપ્લગ્સ તમારા માટે બરાબર માપના હોવા જોઈએ અને તમને કાનનો રોગ અથવા કાનની નળીમાં ખંજવાળ થતી હોય તો એ નકામા થશે.
યંત્રની સારી જાળવણી કંપન ઘટાડી શકે. સાધનને રબરની ગાદી પર મૂકવાથી તેમ જ ઘોંઘાટવાળા યંત્રોને અલગ જ રાખવાથી ઘોંઘાટ ઘટાડી શકાશે.
[Footnotes]
a સામાન્યપણે ઘોંઘાટનું સ્તર અવાજના ડેસિબેલ્સમાં માપતા યંત્ર (મીટર)નો ઉપયોગ કરી નક્કી કરવામાં આવે છે. કાન અમુક દર બીજા કરતાં વધુ સતેજપણે સાંભળતો હોવાથી આ મીટરની રચના એ જ પ્રમાણે પ્રતિક્રિયા કરે એવી બનાવવામાં આવી છે.
b ‘સફેદ પ્રકાશ’ જેમ પ્રકાશ રંગપટમાંના સર્વ તરંગોનું મિશ્રણ છે, તેમ જ ‘સફેદ ઘોંઘાટ’ એવો અવાજ છે જે લગભગ અવાજના સરખા જ દરે, સંભળાય એટલા ધ્વનિ તરંગો ધરાવે છે.
[Caption on page ૮]
તમે વાહનોવાળા સમાજના ઘોંઘાટથી પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકો?
[Caption on page ૯]
*ઘણા દેશોમાં કાયદો જરૂરી બનાવે છે કે નિયોક્તા ખાતરી કરે કે તેઓના કામદારો શ્રવણશક્તિને પૂરતું રક્ષણ આપતા સાધનો પહેરે.