ઘોંઘાટ આધુનિક ઉપાધિ
સ જા ગ બ નો ! ના બ્રિ ટ ન માં ના ખ બ ર પ ત્રી ત ર ફ થી
“જીવનના મોટા દબાણોમાંનું એક.”
—મેકીસ ટ્સાપોગસ, વિશ્વ આરોગ્ય સંસ્થાના સલાહકાર.
“અમેરિકાનું સૌથી વ્યાપક પ્રદૂષક.”
—ધ બૉસ્ટન સન્ડે ગ્લોબ, યુ.એસ.એ.
“આપણા સમયનું સૌથી ખરાબ પ્રદૂષક.”
—ડેઈલી એક્ષપ્રેસ, લંડન, ઇંગ્લૅંડ.
ત મે એને જોઈ, સૂંઘી, ચાખી, કે સ્પર્શી ન શકો. ઘોંઘાટ, આધુનિક શહેરના જીવનનું ઝેર, જે હવે ગ્રામ્ય પ્રદેશને પણ ગંદુ કરી રહ્યું છે.
એક અમેરિકી પ્રકૃતિશાસ્ત્રી, જેણે કુદરતી અવાજો રેકર્ડ કરવામાં કંઈક ૧૬ વર્ષો પસાર કર્યા, તેને પોતાનું કાર્ય વધુને વધુ મુશ્કેલ થતું માલૂમ પડે છે. તેણે ૧૯૮૪માં વૉશિંગ્ટન, યુ.એસ.એ.ના રાજ્યમાં ૨૧ જગ્યાઓનો અભ્યાસ કર્યો, જે ૧૫ કે એથી વધુ મિનિટ ઘોંઘાટ મુક્ત હતી. પાંચ વર્ષ પછી, માત્ર ત્રણ જ બાકી રહી હતી.
જગતના ઘણા રહેવાસીઓ માટે, ત્રણ ઘોંઘાટ મુક્ત જગ્યા શોધવી પણ પડકારરૂપ છે. જાપાનમાં, ૧૯૯૧નો સમગ્ર રાષ્ટ્રનો અહેવાલ બતાવે છે કે બીજા કોઈ પણ પ્રદૂષણ કરતાં ઘોંઘાટ વધુ ફરિયાદો ઊભી કરે છે. ખરેખર, લંડનનું ધ ટાઈમ્સ યોગ્ય રીતે જ ઘોંઘાટને “વર્તમાન જીવનના સૌથી મોટા શાપ તરીકે” વર્ણવે છે. કૂતરાના ચીડભર્યા સતત ભસવાથી માંડીને કાન બહેરા કરી નાખતા પડોશીના સ્ટીરીઓ અથવા કારના સતત વાગતા બર્ગલર-એલાર્મ કે રેડિયો સુધી, ઘોંઘાટ સામાન્ય બની ગયો છે. તોપણ, ઘોંઘાટનું પ્રદૂષણ કંઈ નવું નથી. એનો ઇતિહાસ લાંબો છે.
નવી સમસ્યા નથી
જુલિયસ સીઝરે માર્ગવ્યવહાર ભરચક થતો રોકવા રોમના કેન્દ્રમાં દિવસના સમયે પૈડાવાળા વાહનો પર પ્રતિબંધ મૂક્યો. તેના અને તેના સાથી રોમનો માટે દુઃખદપણે, એ હુકમે રાત્રે, “લાકડા કે લોઢે જડેલાં ગાડાના પૈડાનો પત્થરવાળા રસ્તા પરના અવાજે” અતિશય ઘોંઘાટ સર્જ્યો. (લુઈસ મમફર્ડ રચિત ધ સિટી ઈન હિસ્ટરી) એક સદી કરતાં વધુ સમય પછી, કવિ જુવેનલે ફરિયાદ કરી કે ઘોંઘાટે રોમનોને કાયમી અનિદ્રાને હવાલે કર્યા છે.
સોળમી સદી સુધીમાં તો, ઇંગ્લૅંડનું પાટનગર, લંડન ઘોંઘાટિયું શહેર બની ગયું હતું. “મોટા ભાગના મુલાકાતીઓ પર સહુ પ્રથમ પ્રભાવ પાડનાર બાબત,” એલીઝાબેથન ઇંગ્લૅંડની લેખિકા, એલીશન પ્લોડન લખે છે, “ઘોંઘાટ હતોઃ હજારો કારખાનાઓમાંથી આવતો કોલાહલ અને હથોડા મારવાનો અવાજ, ગાડાંનાં પૈડાં ફરવાનો કર્કશ અવાજ, બજારમાંથી હાંકી કઢાયેલી ગાયો ભાંભરવાનો અવાજ, શેરીમાં પોતાનો માલ વેચનારાઓની કાન બહેરા કરી નાખતી બૂમો.”
અઢારમી સદીએ ઔદ્યોગિક પરિવર્તન જોયું. હવે કારખાનાના કામદારોએ પોતાની શ્રવણશક્તિની હાનિ ભોગવી તેમ યંત્રોના ઘોંઘાટની અસર થતી ગઈ. પરંતુ કારખાનાઓ નજીક ન રહેતા શહેરીજનોએ પણ વધતા જતા ઘોંઘાટની ફરિયાદ કરી. ઇતિહાસકાર થોમસ કાર્લિલે કૂકડાના કૂકડેકૂક, પાડોશીના પિયાનો, અને નજીકની શેરીના વાહનવ્યવહારનો અવાજ ટાળવા પોતાના લંડનમાંના ઘરના માળિયામાં “અવાજ-મુક્ત ઓરડા”માં આશરો લીધો. ધ ટાઈમ્સ અહેવાલ આપે છે: “એનાથી કંઈ વળ્યું નહિ.” શા માટે? “તેને નદીની બોટની અને રેલ્વેની સીટીના અવાજ સમેત નવા ઘટકોના ઘોંઘાટે બેબાકળો બનાવી દીધો”!
વ્યાપક આધુનિક પ્રદૂષક
વિમાની કંપનીઓ પૂરજોશથી ઘોંઘાટ પ્રદૂષણ વિરોધી ઘડાતા કાયદાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે તેમ, આજે ઘોંઘાટ વિરોધીઓ વિમાનીમથકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇંગ્લૅંડમાંના માનચેસ્ટર વિમાનીમથકને માથે સુપરસોનિક કોન્કોર્ડ ઊડ્યું એ દર વખતે આપમેળે જ દંડ લાદવામાં આવ્યો, શું એ અસરકારક હતું? ના. એક કોન્કોર્ડના અધિકારીએ કબૂલ્યું કે વિમાન ઘોંઘાટિયું હતું પરંતુ ઘોંઘાટ ઓછો કરવા એને ઇંધણનું વજન ઓછું લઈને ઊડાડવામાં આવે તો, એ થંભ્યા વિના ટોરન્ટો અથવા ન્યૂયૉર્ક પહોંચશે નહિ.
રસ્તા પરના વાહનવ્યવહારનો ઘોંઘાટ રોકવો એટલું જ સમસ્યાભર્યું છે. દાખલા તરીકે જર્મનીમાં, અભ્યાસો પ્રગટ કરે છે કે આ પ્રકારનું પ્રદૂષણ વસ્તીના ૬૪ ટકા લોકોને અસર કરે છે. અને એ વધી રહેલી સમસ્યા છે, અહેવાલ અનુસાર સમાજ વાહનવાળો બન્યો એના કરતાં એક હજાર ગણી મોટી સમસ્યા છે. ગ્રીસમાંનો અહેવાલ બતાવે છે કે “ઍથેન્સ યુરોપનાં ઘોંઘાટિયાં શહેરોમાંનું એક છે અને ઘોંઘાટ એટલો ખરાબ છે કે એ ઍથેન્સવાસીઓની તંદુરસ્તી બગાડી રહ્યો છે.” એ જ પ્રમાણે, જાપાનની વાતાવરણીય આડત વાહનવ્યવહારના વધતા જતા ઘોંઘાટની નોંધ લે છે અને એને માટે વાહનોના ઉપયોગમાં થઈ રહેલા વધારાને જવાબદાર ઠરાવે છે. ઓછી ઝડપે કારનું એંજિન ઘોંઘાટનો ઉદ્ભવ બને છે, પરંતુ કલાકના ૬૦થી વધુ કિમીની ઝડપે, ટાયરો સૌથી વધુ ઘોંઘાટ કરે છે.
બ્રિટનમાં ઘોંઘાટની સૌથી વધુ ફરિયાદો ઘરેલું ઘોંઘાટની હોય છે. બ્રિટનની વાતાવરણીય આરોગ્યની ચાર્ટર્ડ ઇન્સ્ટીટ્યૂટે, ૧૯૯૬માં ઘોંઘાટિયા પડોશી વિષેની ફરિયાદોમાં ૧૦-ટકા વધારો નોંધ્યો. ઇન્સ્ટીટ્યૂટના પ્રતિનિધિએ જણાવ્યું: “એ સમજાવવું અઘરું છે. એક ઘટક એ પણ હોય શકે કે વ્યવસાયી લોકોના તણાવમય જીવનને કારણે તેઓ ઘરે શાંતિ અને સ્વસ્થતાની ઊંચી માંગ કરતા હોય.” બ્રિટનમાં ૧૯૯૪ દરમિયાન કરવામાં આવેલી સર્વ ફરિયાદોના બે તૃત્યાંશ ભાગમાં મોડી-રાત્રિના સંગીત અને કાર એંજિન, એલાર્મ, તથા હૉર્નનો સમાવેશ થાય છે. પરંતુ અંદાજે ૭૦ ટકા જેટલા ઘોંઘાટ-પ્રદૂષણના એવા ભોગ બનેલાઓનું શું જેઓ બદલાની બીકના માર્યા ફરિયાદ જ કરતા નથી? સમસ્યા ખરેખર વ્યાપક છે.
ઘોંઘાટની વ્યાપક ઉપાધિને કારણે, વાતાવરણની રક્ષા કરવાનો દાવો કરતી આડતો ઘોંઘાટના પ્રદૂષણ પર અંકુશ લાવતા કાયદા પર ભાર મૂકે છે. દાખલા તરીકે, યુનાઈટેડ સ્ટેટ્સમાં અમુક વિસ્તારોએ ઘાસ કાપવાના યંત્ર જેવા સાધનોનો મર્યાદિત ઉપયોગ કરવાનો સ્થાનિક નિયમ અપનાવ્યો છે. બ્રિટનમાં ઘોંઘાટ માટે ઘડાયેલો નવો કાયદો ઘોંઘાટિયા પાડોશીઓને અસર કરે છે અને રાત્રે ૧૧:૦૦થી સવારે ૭:૦૦ના સમય વચ્ચે એનો ભંગ કરનારાઓને તરત જ દંડ કરવાની સત્તા આપે છે. સ્થાનિક સત્તાઓને કાયદોભંગ કરનારના સ્ટીરીઓ જપ્ત કરવાની સત્તા પણ આપવામાં આવી છે. તોપણ, ઘોંઘાટ ચાલુ જ રહે છે.
ઘોંઘાટનું પ્રદૂષણ સાચે જ વધતી જતી સમસ્યા છે ત્યારે, તમે વિચાર કરી શકો કે એક ભોગ બનેલી વ્યક્તિ તરીકે તમે શું કરી શકો? પરંતુ, એ સાથે જ તમે કઈ રીતે ઘોંઘાટ કરવાનું ટાળી શકો? શું કદી પણ કાયમી શાંતિ અને સ્વસ્થતા આવશે? જવાબ માટે હવે પછીના લેખો વાંચો.