અસલામતી
એક ગોળાવ્યાપી બીમારી
શું તમે ઘણી વખત એવું અનુભવો છો કે તમારું જીવન અને જીવનઢબ ભયમાં અને અનિશ્ચિત છે? તમે એકલા એવું અનુભવતા નથી. કરોડો લોકો એવું અનુભવે છે. રાષ્ટ્ર, ધર્મ, કે સામાજિક બંધનથી મર્યાદિત ન હોવા છતાં, અસલામતી બીમારીની જેમ ફેલાય છે, જેનાથી મોસ્કોથી માંડીને મન્હેટન સુધીના લોકો પીડાય છે.
એક શબ્દકોશ અનુસાર, આપણું જીવન અસલામત હોય ત્યારે, આપણે “ભય અને ચિંતાથી ઘેરાઈ જઈએ છીએ.” ચિંતા એક લાગણીમય બોજ છે જે દબાણ પેદા કરે છે, અને આપણી તંદુરસ્તી બગાડી શકે. પરંતુ શા માટે આપણે ચિંતા અને અસલામતી અનુભવીએ છીએ?
યુરોપમાં ચિંતાઓ
એકલા યુરોપના દેશોમાં જ, ૬માંથી ૧ વ્યક્તિ અતિશય ગરીબીમાં જીવે છે, ૧ કરોડ ૮૦ લાખ પાસે નોકરી નથી, અને બીજા અસંખ્ય લોકો પોતાની નોકરી ગુમાવવાના ભયમાં જીવે છે. ત્યાંના અનેક દેશોમાં, માબાપો એ ધમકીથી બીહે છે કે પોતાનાં બાળકો સાથે જાતીય અત્યાચાર કરવામાં આવશે. એક યુરોપીય દેશમાં, ૩માંથી ૨ વ્યક્તિ ગુનાની ધમકી હેઠળ હોય છે. યુરોપના અન્ય રહેવાસીઓ ભાંગફોડ, આતંકવાદ, અને પ્રદૂષણને કારણે વધુને વધુ ભય અનુભવે છે.
જીવન અને આજીવિકા, ફક્ત આવી સામાજિક મનોવિકૃતિને કારણે જ નહિ પરંતુ કુદરતી આફતોને લીધે પણ જોખમરૂપ છે. દાખલા તરીકે, ૧૯૯૭ અને ૧૯૯૮માં, મુશળધાર વરસાદ, એને કારણે ધસી જતી કાદવવાળી જમીન, અને વંટોળિયાએ યુનાઈટેડ સ્ટેટ્સના વિસ્તારોને પાયમાલ કર્યા. વર્ષ ૧૯૯૭માં, ઓડર અને નીસી નદીના કિનારા છલકાયા ત્યારે, મધ્ય યુરોપમાં પૂર આવ્યું. પૉલિશ સાપ્તાહિક પૉલિટિકા અનુસાર, ખેતીવાડીના મોટા વિસ્તારો, ઉપરાંત ૮૬ શહેરો, નગરો, અને કંઈક ૯૦૦ ગામોમાં રેલમછેલ થઈ ગઈ. એ દેશમાં, ૧૩,૦૦૦ ઘરો ડૂબી ગયાં, અને ૫૦ વ્યક્તિઓએ પોતાનાં જીવન ગુમાવ્યાં. અને ૧૯૯૮ની શરૂઆતમાં કાદવ-જમીન ધસી જવાથી દક્ષિણ ઇટાલીમાં અનેક લોકો મરી ગયા.
વ્યક્તિગત સલામતીની બાબત
પરંતુ શું આપણને ખાતરી કરાવવામાં નથી આવતી કે અગાઉના દસ વર્ષ કરતાં જીવન વધારે સલામત થયું છે? શું શીત યુદ્ધની સમાપ્તિનો અર્થ સૈન્ય બળમાં ઘટાડો થયો નથી? હા, રાષ્ટ્રીય સલામતીમાં સુધારો થયો હોય શકે. તેમ છતાં, ઘરમાં અને ફળિયાઓમાં જે કંઈ બને છે એની વ્યક્તિગત સલામતી પર અસર થાય છે. આપણે આપણી નોકરી ગુમાવીએ કે ચોરોનો ભય હોય અથવા બાળકોનું જાતીય શોષણ થતું હોય તો, પછી ભલેને ગમે તેટલાં હથિયારો નાબૂદ કરવામાં આવે, આપણે ચિંતા અને અસલામતી અનુભવીશું.
જીવનની અનિશ્ચિતતાઓનો કેટલાક લોકો કેવી રીતે સામનો કરી રહ્યા છે? વધુ મહત્ત્વનું તો, શું તમારા જીવન સમેત, દરેકનું જીવન કાયમી રીતે સલામત બનાવવાનો કોઈ માર્ગ છે? આ મુદ્દાઓ હવે પછીના બે લેખોમાં વિચારવામાં આવશે.
UN PHOTO 186705/J. Isaac
FAO photo/B. Imevbore