અમારા વાચકો તરફથી
જ્ઞાતિ પ્રથા હું ૧૨ વર્ષની છું, અને ગઈ કાલે જ મને શાળામાંથી જ્ઞાતિ પ્રથા વિષે લખવા માટે ઘરકામ સોંપવામાં આવ્યું. મારા અમુક વંશજો આદિવાસી છે. આજે મેં તમારો “ખ્રિસ્તીઓ અને જ્ઞાતિભેદ” લેખ મેળવ્યો. (એપ્રિલ ૮, ૧૯૯૮) તમે સમજાવ્યું છે એ રીતે અમારી શાળાનાં પુસ્તકો આ વિષય પર સ્પષ્ટ સમજણ આપતાં નથી.
એસ. એસ. એન., યુનાઈટેડ સ્ટેટ્સ
તણાવ સાથે જીવવું મેં જાણીતા સામયિકોમાંથી થાક, નિર્ગતતા, અને માનસિક થકાવટનો સામનો કરવા વિષેના લેખો વાંચ્યા છે. તેથી ઘણી વખત હું વિચારુ છું કે હું ઠીક છું કે નહિ! તણાવ સહેવા માટે તમારા ૧૫ સૂચનો વાંચીને હું ખુશ થયો કે કાયમી આરામ લેવાનું તમે નથી સૂચવતા. (“તમે તણાવ સહી શકો છો!,” એપ્રિલ ૮, ૧૯૯૮) એને બદલે, તમે બતાવ્યું કે કોઈના જીવનમાં તણાવ આવે ત્યારે એને કઈ રીતે ઓછો કરીને જીવનની ઢબ ચાલુ રાખી શકાય.
જે. બી., બોલિવિયા
લેખો સમયસર આવ્યા હતા, કેમ કે હું ચિંતાથી પીડાતી હતી. હું પૂરા-સમયની સુવાર્તિક છું, અને હું વિચારતી હતી કે મને આવી સમસ્યાઓ હોય જ નહિ. મેં આ લેખો વાંચ્યા ત્યારે, મારી આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. મને સમજણ પડી કે યહોવાહ પોતાના સેવકોની કોમળ કાળજી રાખે છે અને એ આપણી તકલીફો સમજે છે.
ડી. એમ., ઇટાલી
હું ચામડીના કાયમી રોગથી પીડાતી હોવાથી, મારી એ તણાવવાળી પરિસ્થિતિ વિષે જે વાંચવું જોઈતું હતું એ જ એમાં હતું. કેટલીક વખત મને લાગતું હતું કે હું યહોવાહ માટે મહત્ત્વની નથી, પરંતુ તમારા લેખે મને જણાવ્યું કે બાબત એમ નહોતી. તે ખરેખર મારી કાળજી રાખે છે—એથી તણાવ વિષેની મારી જરૂરિયાત માટેની સર્વ માહિતી તેમણે પૂરી પાડી છે.
એસ. એસ., બ્રાઝિલ
“અસામાન્ય અનુભવના સામાન્ય પ્રત્યાઘાતો” બૉક્સ માટે હું તમારો પૂરા હૃદયથી આભાર માનવા માંગુ છું. મારું બાળપણ ખરાબ હતું, અને એ ભુતકાળની યાદો હજુ પણ મને સતાવે છે છતાં, લેખે મને ખરેખર દિલાસો આપ્યો.
આર. એન., યુનાઈટેડ સ્ટેટ્સ
મને લેખો ખૂબ જ સારા લાગ્યા. શેતાન તરફથી દબાણો વધી રહ્યાં છે ત્યારે, વિશ્વાસમાં રહેવા માટે આપણને આ પ્રકારની માહિતીની જરૂર છે. એણે મને સમજણ પાડી કે તમે અમારી સમસ્યાઓમાં ઊંડો રસ લો છો અને એથી એનો સામનો કરવા માટે જે જરૂરી છે એ આપો છો.
વી. ટી., ફિજી
માર્કમાં સુધારો કરવો હું વિદ્યાર્થી છું, અને હું “યુવાન લોકો પૂછે છે . . . શું હું શાળામાં વધુ સારું કરી શકું?” લેખ માટે આભાર માનવા માંગુ છું. (એપ્રિલ ૮, ૧૯૯૮) મારા માર્ક સરેરાશ કરતાં વધારે હોય છે છતાં, મેં કંઈક વધારે સુધારા કરવાનું કારણ ખરેખર કદી જોયું નહોતું. પરંતુ આ રસપ્રદ અને પ્રેરણાદાયક લેખને કારણે, મેં સ્પષ્ટપણે જોયું કે વ્યાજબી ધ્યેયો ગોઠવીને હું વધારે સિદ્ધ કરી શકું છું.
બી. આર., યુનાઈટેડ સ્ટેટ્સ
હું ૧૪ વર્ષની છું, અને હું કદી ખરેખર સમજી નહિ કે કઈ રીતે અભ્યાસ કરવો. મેં નક્કી કર્યું કે કેટલીક બાબતો ભવિષ્યમાં મારા માટે ઉપયોગી નથી અને એનો અભ્યાસ કરવો નકામો છે. આ લેખ વાંચવાથી મારા વિચારમાં ફેરફાર થયો. વધુમાં, કઈ રીતે અભ્યાસ કરવો એની એકદમ વ્યવહારુ રીત જણાવવા બદલ હું આભાર વ્યક્ત કરવા માંગુ છું!
કે. એફ., જાપાન