પરોપજીવીથી
પોતાને બચાવો!
હોન્ડુરાસમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
તમે ઊલટી જેવી લાગણી અનુભવો છો. તમે જલદી થાકી જાઓ છો. તમારું પેટ થોડું સૂજી ગયું છે. શું સગર્ભાવસ્થાના લક્ષણ છે? કદાચ. પરંતુ તમે જગતના ઉષ્ણકટિબંધ કે ગરમ પ્રદેશના કોઈ ભાગમાં રહેતા હોવ તો, આ સમસ્યા આંતરડામાં થતા પરોપજીવીની હોય શકે. આંતરડાના પરોપજીવીઓ કયા છે, અને તમે કઈ રીતે જાણી શકો કે તમે આ અનિચ્છનીય મહેમાનના યજમાન છો?
સરળ રીતે કહીએ તો, આ પરોપજીવીઓ જીવંત જીવરચના છે જે એના પોતાના યજમાન, જીવંત જીવરચના કે જેમાં એ રહે છે એમાંથી લાભ મેળવે છે. આંતરડાનાં પરોપજીવીઓ બે પ્રકારના હોય છે કે જેમાં અમીબા કે કૃમિનો સમાવેશ થાય છે. યજમાનને કેટલી હદ સુધી નુકસાન કરશે એ એના પ્રકાર અને કેટલા પ્રમાણમાં પરોપજીવી છે તથા યજમાનની વય અને સ્વાસ્થ્ય પર આધારિત છે.
દાખલા તરીકે, માદા ગોળાકાર કૃમિ (રાઉન્ડવોમ) દિવસની અંદર ૨,૦૦,૦૦૦ ઈંડા મૂકી શકે છે. તેમ છતાં, જીવ બનવા માટે ઈંડા સેવાવા જોઈએ. એક વ્યક્તિના પેટમાં કેટલા ગોળાકાર કૃમિ છે એ વ્યક્તિમાં ઊછરી રહેલા ઈંડા કે કેટલી ઇયળો છે એના પર આધારિત છે. ઘણા લોકોને તેઓ થોડા ગોળાકાર કૃમિના યજમાન હોય છે એની ખબર પણ હોતી નથી. પરંતુ વધારે પ્રમાણમાં ગોળાકાર કૃમિઓ આંતરડાંમાં ગંભીર અવરોધકનું કારણ બની શકે છે.
પેઢામાં દુ:ખાવો, ઊબકા આવવા, ભૂખ ન લાગવી, પેટ સૂજી જવું, થાક લાગવો, અને અવારનવાર અપચો થવો, મરડો થવો એ આંતરડાંમાં પરોપજીવી હોવાના સામાન્ય લક્ષણો છે. વજનમાં ઘટાડો, અપૂરતી ઊંઘ, ખંજવાળ, શરદી અને તાવ પણ પરોપજીવીના લક્ષણો હોય શકે. અલબત્ત, આ લક્ષણો એ બીજી ઘણી બીમારીઓના લક્ષણો હોય શકે. પરંતુ, બેત્રણ વખત ઝાડાની તપાસ કરાવવાથી જીવાણુ છે કે નહિ એ પારખી શકાય છે.
યોગ્ય સારવાર જરૂરી છે. દાખલા તરીકે, ગોળાકાર કૃમિ અને બીજા પ્રકારના જીવાણુઓ હોય તો, સૌ પ્રથમ ગોળાકાર કૃમિની સારવાર કરવી જરૂરી છે. શા માટે? કારણ કે અમુક દવાઓ કૃમિને મારી નાખતી નથી, પરંતુ એઓને ઉશ્કેરે છે જેથી એ શરીરના બીજા ભાગોમાં જતા રહે છે અને ગંભીર નુકસાન પહોંચાડે છે.
ઇલાજ કરતાં અટકાવ સારો
પરોપજીવીઓને દૂર કરવા માટે દવા અસરકારક પુરવાર થઈ છે પરંતુ, પ્રથમ તબક્કે જ એની અસરથી દૂર રહેવું સારું છે. તેથી પરોપજીવીથી તમે કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકો?
સ્વચ્છતા સૌથી સારું રક્ષણ છે. મળમૂત્ર માટે બહાર જવું જોઈએ નહિ. સંડાસની સગવડને પાણીથી દૂરના અંતરે રાખવી જોઈએ. માનવ મળમૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ નહિ. યોગ્ય સ્વચ્છતા રાખવી એ પણ અનિવાર્ય છે. વધુમાં, બાળકોને માટી ખાવા ન દો. એક બાળકમાં પણ પરોપજીવી જોવા મળે તો, કુટુંબના બધા જ સભ્યો તપાસ કરાવે એ સારું થશે.
ખોરાક ખરીદવામાં અને તૈયાર કરવામાં પણ કાળજી લેવાવી જોઈએ. સારા વિસ્તારોમાં ઉગાડેલી વસ્તુઓ ખરીદવાનો પ્રયત્ન કરો. મટનને સારી રીતે રાંધવું જોઈએ. ક્યારેય કાચું મટન ન ખાઓ. કાચા ફળ અને શાકભાજીને સૌ પ્રથમ સારી રીતે ધોવા જોઈએ. તેમ છતાં, ફરીથી એ જ પાણીનો ઉપયોગ ન કરો કારણ કે એ પાણી દૂષિત હોય શકે.
પીવાના પાણીને બરાબર ઉકાળવું જોઈએ. પાણી ઠંડુ થાય પછી ઑક્સિજન પાછો મેળવવા, એકમાંથી બીજા જગમાં નાખો. મોટા ભાગના ઘરોમાં પરોપજીવીઓ દૂર કરવા માટે પાણીને ગાળવામાં આવે છે પરંતુ એ પૂરતું નથી. બજારમાં બૉટલમાં મળતા પાણીનું જ્યાં ઉત્પાદન કરવામાં આવે છે એ કારખાનું કેટલી સાવચેતી રાખે છે એના પર પાણીની સ્વચ્છતા આધારિત છે.
મુસાફરી કરતા કે બહાર ખાવામાં પણ વધારે સાવચેતી રાખવાની જરૂર પડશે. ઠંડા પીણાંને સામાન્ય રીતે બરફ નાખ્યા વગર આપવા એ વધારે સલામત છે. અમુક પરોપજીવીઓ બરફના ઠંડા તાપમાનમાં પણ બચી જાય છે તેથી બરફની શુદ્ધતા પાણીની શુદ્ધતા પર આધારિત હોય છે. તમે રસ્તા પર વેચાતા ખોરાક વિષે પણ સજાગ રહેવાનું ઇચ્છી શકો. સરસ રીતે કાપેલા અનાનસ અથવા તડબૂચને જોઈને તમને ખાવાનું મન થાય, અને અવારનવાર પાણી છાંટીને મૂકેલા હોવાથી એ એકદમ તાજા લાગી શકે—પરંતુ પાણી અશુદ્ધ હોય શકે. સાવધ રહો, પરંતુ તમે વધુ પડતા ગભરાઈ જશો નહિ કે જેથી તમે તમારા લાંબા સમયની મુસાફરીનો આનંદ માણી ન શકો. વાજબી સાવચેતી લઈને તમે પોતાને પરોપજીવીથી બચાવવા ઘણું બધુ કરી શકો છો.
સ્વચ્છતા સૌથી સારું રક્ષણ છે
પાણી જેટલું શુદ્ધ હશે એટલો બરફ પણ શુદ્ધ હશે
અમીબા અને કૃમિ એ બે
પ્રકારના પરોપજીવીઓ છે
DPDx, the CDC Parasitology Website