મેલેરિયા વિશે તમારે શું જાણવું જોઈએ?
વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૩માં આશરે ૨૦ કરોડ લોકો મેલેરિયાનો શિકાર બન્યા હતા. આશરે ૫,૮૪,૦૦૦ લોકો મરણ પામ્યા હતા. એમાં લગભગ ૮૩ ટકા બાળકો હતાં, જેઓની ઉંમર પાંચ વર્ષથી ઓછી હતી. આ બીમારીના લીધે ૧૦૦ કરતાં વધારે દેશો પર ખતરો તોળાઈ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, આશરે ૩.૨ અબજ લોકોનો જીવ જોખમમાં છે.
૧ મેલેરિયા શું છે?
મેલેરિયા એક પ્રકારના જીવાણુથી થતો રોગ છે. એમાં તાવ આવે, ઠંડી ચડી જાય, પરસેવો થાય, માથું દુઃખે, શરીર દુઃખે, ઊબકા આવે અને ઊલટી થાય. શરીરમાં કયા પ્રકારના અને કેટલા સમયથી જીવાણુ પ્રવેશ્યા છે, એના આધારે આ લક્ષણો અમુક વાર ૪૮થી ૭૨ કલાકમાં ઊથલો મારે છે.
૨ મેલેરિયા કઈ રીતે ફેલાય છે?
- ૧. મેલેરિયા માટે પ્લાઝમોડીયમ નામના જીવાણુઓ જવાબદાર છે. માદા ઍનોફિલસ મચ્છર કરડે ત્યારે આ જીવાણુઓ વ્યક્તિના લોહીમાં પ્રવેશે છે. 
- ૨. આ જીવાણુઓ વ્યક્તિના લીવરમાં જાય છે અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં વધે છે. 
- ૩. લીવરના કોષો ફાટે ત્યારે, આ જીવાણુઓ વ્યક્તિના રક્તકણોમાં પ્રવેશે છે. ત્યાં પણ એની સંખ્યા વધે છે. 
- ૪. હવે રક્તકણો ફાટે ત્યારે, આ જીવાણુઓ બીજા રક્તકણોમાં પ્રવેશે છે. 
- ૫. રક્તકણો ફાટવાનું અને જીવાણુઓનું બીજા રક્તકણોમાં પ્રવેશવાનું ચક્ર ચાલ્યા કરે છે. વ્યક્તિના શરીરમાં જ્યારે ઘણા પ્રમાણમાં રક્તકણો ફાટે છે ત્યારે મેલેરિયાનાં લક્ષણો દેખાય છે. 
૩ તમે કઈ રીતે રક્ષણ મેળવી શકો?
મેલેરિયા ફેલાયો છે એ વિસ્તારમાં તમે રહેતા હો તો . . .
- મચ્છરદાનીનો ઉપયોગ કરો. - એના પર જંતુનાશક દવા છાંટેલી હોવી જોઈએ. 
- એ કાણાંવાળી કે ફાટેલી ન હોવી જોઈએ. 
- ગાદલા નીચે સારી રીતે ભરાવી દીધેલી હોવી જોઈએ. 
 
- ઘરમાં વપરાતી જંતુનાશક દવા છાંટો. 
- શક્ય હોય તો, બારી-બારણાં પર મચ્છરજાળી લગાવો. એ.સી. અથવા પંખા વાપરો. 
- આછા રંગના અને શરીર પૂરું ઢંકાય એવાં કપડાં પહેરો. 
- શક્ય હોય તો, ઝાડી-ઝાંખરામાં જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છર ભરાઈ રહે છે. ભરાયેલા પાણી પાસે જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છર ઉછરે છે. 
- જો તમને મેલેરિયા થયો હોય, તો તરત સારવાર લો. 
મેલેરિયા ફેલાયો હોય એવા વિસ્તારમાં તમે જવાના હો, તો . . .
- તમે મુસાફરી કરો એ પહેલાં ત્યાંની માહિતી મેળવી લો. એક વિસ્તારમાં જોવા મળતાં મેલેરિયાના જીવાણુઓ બીજા વિસ્તારથી અલગ હોઈ શકે. એનાથી, કયા પ્રકારની દવા લેવી એ પારખી શકશો. ઉપરાંત, તમારી તંદુરસ્તી વિશે જાણકાર ફૅમિલી ડૉક્ટરની સલાહ લો. 
- તમે એવા વિસ્તારમાં રહો ત્યાં સુધી, ઉપર જણાવેલાં સૂચનો પ્રમાણે કરો. 
- જો તમને મેલેરિયા થાય, તો તરત સારવાર લો. ધ્યાન રાખો કે, આ બીમારીનાં લક્ષણો ૧-૪ અઠવાડિયામાં દેખાઈ શકે.