મુખ્ય વિષય
સારા પિતા બનવા શું કરશો?
“મેં શું ખોટું કર્યું?” દક્ષિણ આફ્રિકામાં રહેતા માઇકલનેa એ સવાલ કોરી ખાય છે. તેમણે સારા પિતા બનવા ખૂબ જ મહેનત કરી હતી. તોપણ, પોતાના ૧૯ વર્ષના વંઠી ગયેલા દીકરા વિશે વિચારતા તેમને થાય છે: ‘મેં શું કર્યું હોત તો સારો પિતા બન્યો હોત.’
સ્પેનમાં રહેતા ટેરીનો દાખલો લો. તે સારા પિતા બનવામાં સફળ થયા છે. તેમનો દીકરો એન્ડ્રુ કહે છે: “મારા નાનપણની ઘણી મીઠી યાદો છે. મારા પપ્પા મને વાંચી સંભળાવતા, સાથે રમતા. તેમ જ, જુદી જુદી જગ્યાએ ફરવા જતા, જ્યાં અમે બંને સાથે સમય વિતાવતા. મઝા આવે એ રીતે તે મને શીખવતા.”
હકીકતમાં, સારા પિતા બનવું સહેલું નથી. પણ, અમુક સાદા સિદ્ધાંતો પ્રમાણે જીવવાથી મદદ મળે છે. ઘણા પિતાઓને જોવા મળ્યું છે કે બાઇબલની સલાહ લાગુ પાડવાથી તેઓને અને કુટુંબને મદદ મળી છે. ચાલો, આપણે બાઇબલના અમુક સિદ્ધાંતો જોઈએ જેનાથી પિતાઓને મદદ મળી શકે.
૧. કુટુંબ માટે સમય કાઢો
પિતા તરીકે તમે કઈ રીતે બતાવો છો કે બાળકો તમને વહાલાં છે? ખરું કે, તમે તમારાં બાળકો માટે ઘણું જ કરો છો. જેમ કે, તેઓને રોટી-કપડાં અને મકાન પૂરાં પાડવાં તમે ઘણો ભોગ આપો છો. જો બાળકો તમને વહાલાં ન હોય, તો તમે એવું કરો જ નહિ. બાળકો સાથે પૂરતો સમય વિતાવવો બહુ મહત્ત્વનું છે. એમ નહિ કરો તો, બાળકો માની લેશે કે તેઓનાં કરતાં તમને બીજી બાબતોમાં વધારે રસ છે. જેમ કે, નોકરી-ધંધો, મિત્રો અને મોજશોખ.
પિતાએ ક્યારથી બાળકો સાથે સમય વિતાવવાનું શરૂ કરવું જોઈએ? બાળક કૂખમાં હોય ત્યારથી જ મા તેની સાથે સંબંધ બાંધવા લાગે છે. ગર્ભ રહ્યાનાં સોળ અઠવાડિયા પછી કદાચ બાળક સાંભળવા લાગે. આ સમયે પિતા પણ બાળક સાથે સંબંધ બાંધવાની શરૂઆત કરી શકે. બાળકના હૃદયના ધબકારા તે સાંભળી શકે; તેની આગળ વાત કરી શકે અને ગીત ગાઈ શકે; બાળક લાત મારતું હોય એ પણ અનુભવી શકે.
બાઇબલ સિદ્ધાંત: બાઇબલ સમયમાં બાળકોને શીખવવાની જવાબદારી પિતાની હતી. તેઓને ઉત્તેજન આપવામાં આવતું કે નિયમિત રીતે બાળકો સાથે સમય કાઢે. એ વિશે બાઇબલ આમ કહે છે: “આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિશે વાત કર.”—પુનર્નિયમ ૬:૬, ૭.
૨. સારા પિતા સારા સાંભળનાર હોય છે
બાળકો સાથે સારી રીતે વાત કરવા માટે સારા સાંભળનાર બનવું જોઈએ. ઉશ્કેરાઈ જવાને બદલે તેઓનું ધ્યાનથી સાંભળવું જોઈએ.
જો બાળકોને લાગે કે તમે તરત ગુસ્સે થઈ જાઓ છો અને વાંક કાઢવા લાગો છો, તો તેઓ તમારી સાથે દિલ ખોલીને વાત નહિ કરે. પરંતુ, તમે શાંતિથી તેઓની વાત સાંભળશો તો, તેઓ માટેનો તમારો પ્રેમ દેખાઈ આવશે. એનાથી બાળકો પણ પોતાના વિચારો અને ભાવનાઓ રાજીખુશીથી તમને જણાવશે.
બાઇબલ સિદ્ધાંત: બાઇબલનું શિક્ષણ જીવનના અનેક પાસાંઓમાં મદદ કરે છે. દાખલા તરીકે, બાઇબલ કહે છે: “દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.” (યાકૂબ ૧:૧૯) આ સિદ્ધાંત પ્રમાણે જીવે છે એવા પિતા પોતાનાં બાળકોનું ધ્યાનથી સાંભળે છે.
૩. પ્રેમથી શિસ્ત અને શાબાશી આપો
પિતાએ બાળક પર ગુસ્સો ન કાઢવો જોઈએ પણ પ્રેમથી તેને શિસ્ત આપવી જોઈએ, જેથી આગળ જતા પણ બાળકને ફાયદો થાય. એમાં, સલાહ, શિખામણ, શિક્ષા અને સુધારાનો પણ સમાવેશ થાય છે.
પિતા જ્યારે બાળકોના વારંવાર વખાણ કરે છે ત્યારે શિસ્ત અસરકારક બને છે. એક જૂની કહેવત છે: “પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.” (નીતિવચનો ૨૫:૧૧) બાળકના વખાણ કરવાથી તેઓને સારાં ગુણો કેળવવા મદદ મળે છે. માબાપ પોતાના બાળકોની કદર કરે છે અને શાબાશી આપે છે ત્યારે, તેઓના સારા ગુણો ફૂલની જેમ મહેંકી ઊઠે છે. પિતા જો બાળકોને શાબાશી આપવાની તક શોધતા રહે, તો તેઓનો પોતામાં ભરોસો વધશે અને જે સારું છે એ કરવા માટે તેઓને મન થશે.
બાઇબલ સિદ્ધાંત: “પિતાઓ, તમે તમારાં છોકરાંને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.”—કોલોસી ૩:૨૧.
૪. પત્નીને પ્રેમ અને માન આપો
પત્ની સાથે પતિ જે રીતે વર્તે છે એની બાળકો પર ચોક્કસ અસર પડે છે. બાળકોના વિકાસનો અભ્યાસ કરતા નિષ્ણાતોના એક ગ્રૂપે આમ કહ્યું: ‘બાળકોની માતા સાથે પિતા માનથી વર્તે એ ખૂબ મહત્ત્વનું છે. માતા-પિતા એકબીજા સાથે માનથી વર્તશે તો, એનાથી બાળકો તેઓનો પ્રેમ અનુભવશે અને ખુશ રહેશે.’—ધી ઇમ્પૉર્ટન્સ ઑફ ફાધર ઈન ધ હેલ્ધી ડેવલપમૅન્ટ ઑફ ચિલ્ડ્રન.b
બાઇબલ સિદ્ધાંત: ‘પતિઓ, પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે.’—એફેસી ૫:૨૫, ૩૩.
૫. ઈશ્વરનું શિક્ષણ લાગુ પાડો
ઈશ્વર માટે ઊંડો પ્રેમ હોય એવા પિતા પોતાનાં બાળકોને અમૂલ્ય વારસો આપે છે. એ છે ઈશ્વર સાથેનો ગાઢ સંબંધ.
એન્ટોન્યો, યહોવાના એક સાક્ષી છે. તેમણે છ બાળકોને મોટા કરવામાં ઘણાં વર્ષો મહેનત કરી. તેમની એક દીકરીએ પત્રમાં આમ લખ્યું: “વહાલા પપ્પા, તમે મને યહોવા ઈશ્વર, મારા પાડોશીઓ અને મારા પોતાના માટે પ્રેમ કેળવવા જે મદદ કરી એ માટે તમારો આભાર માનું છું. તમે એ પણ બતાવ્યું કે પોતે યહોવાને કેટલા ચાહો છો અને હું તમને કેટલી વહાલી છું. યહોવાને તમે જીવનમાં પ્રથમ મૂક્યા અને અમને બાળકોને તેમના તરફથી એક ભેટ ગણી એ માટે પણ તમારો ખૂબ આભાર!”
બાઇબલ સિદ્ધાંત: “યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે.”—પુનર્નિયમ ૬:૫, ૬.
દેખીતું છે કે સારા પિતા બનવા અહીં જણાવેલા પાંચ મુદ્દાઓ પ્રમાણે કરવું જ પૂરતું નથી. સારા પિતા બનવાની પૂરી કોશિશ કરો તોય સંપૂર્ણ પિતા બની શકાય નહિ. પરંતુ, બાળકોને પ્રેમ કરવાથી અને તેઓની જરૂરિયાતો પૂરી પાડવા સખત મહેનત કરવાથી, તમે સારા પિતા બની શકો છો.c ◼ (g13-E 03)
[ફુટનોટ્સ]
a આ લેખમાં અમુક નામ બદલ્યા છે.
b પિતાએ પોતાના બાળકોની માતાને છૂટાછેડા આપી દીધા હોય તોપણ, બાળકોનો પોતાની મા સાથે સારો સંબંધ જળવાઈ રહે એ માટે પિતાએ માતા સાથે માનથી વર્તવું જોઈએ.
c સુખી કુટુંબ બનાવવા વિશે વધારે માર્ગદર્શન મેળવવા કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક અમારી આ વેબ સાઇટ પર જુઓ: www.pr418.com/gu
[પાન ૬ પર બોક્સ/ચિત્ર]
કુટુંબ માટે સારા પિતા પાસે સમય હોય છે
સિલ્વાન બાર્બાડોસ દેશના છે. તે ન્યૂ યૉર્ક શહેરમાં પત્ની અને ત્રણ તરુણ દીકરાઓ સાથે રહે છે. સિલ્વાન બસ ડ્રાઇવર છે અને તેમના કામનું શેડ્યુલ થોડું અટપટું છે. તે બપોરે ત્રણેક વાગ્યાથી લઈને વહેલી સવારના ચારેક વાગ્યા સુધી કામ કરે છે. તેમની ગુરુ-શુક્ર રજા હોય છે, પણ શનિ-રવિ રાત્રે કામ કરે છે. તોપણ, તે બાળકો માટે સમય કાઢે છે.
તે કહે છે, ‘સમય કાઢવો અઘરું છે, તોપણ હું પ્રયત્ન કરું છું. ત્રણેય દીકરાઓ ચાહે છે કે હું તેઓને સમય આપું. ગુરુવાર બપોર પછી મોટો દીકરો સ્કૂલેથી ઘરે આવે ત્યારે તેની સાથે સમય વિતાવું છું. શુક્રવારે વચલા સાથે અને રવિવાર સવારે નાના દીકરા સાથે હું સમય વિતાવું છું.’
[ચિત્ર]
[પાન ૭ પર બોક્સ/ચિત્ર]
બાળકોને પિતા વિશે શું ગમે છે?
“પપ્પા મારી સાથે રમે છે અને રાત્રે મને વાંચી આપે છે.”—સીઆરા, પાંચ વર્ષ.
“પપ્પા સાથે રમવાની ખૂબ મઝા આવે છે. રમ્યા પછી તે કહેશે કે ‘ચાલો હવે બધું પાછું મૂકી દઈએ.’ બીજા સમયે અમે કામ કરતા હોઈએ ત્યારે પપ્પા કામ કરવાનું બંધ કરશે અને કહેશે, ‘ચાલો થોડી વાર રમીએ.’”—માઇકલ, ૧૦ વર્ષ.
“મમ્મીને ઘરે મદદ કરવામાં પપ્પા કદી પોતાનું કામ કે મોજશોખને વચ્ચે આવવા દેતા નથી. આટલાં વર્ષો પછી આજે પણ તે મમ્મી જેટલો જ સમય રસોઈ બનાવવામાં આપે છે. વાસણ ધોવામાં અને ઘર સાફસૂફ કરવામાં પણ તે મદદ કરે છે. તે મમ્મી સાથે પ્રેમથી અને કોમળતાથી વર્તે છે.”—એન્ડ્રુ, ૩૨ વર્ષ.
[ચિત્ર]
[પાન ૪ પર ચિત્ર]
[પાન ૫ પર ચિત્ર]
વાંક કાઢ્યા વગર શાંતિથી સાંભળો
[પાન ૬ પર ચિત્ર]
[પાન ૭ પર ચિત્ર]