બાળકોને ઈશ્વર વિષે કોણે શીખવવું જોઈએ?
‘શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ દરેક જણ પૂરું શિક્ષણ મેળવ્યા પછી પોતાના ગુરુ સરખો થશે.’—લુક ૬:૪૦.
અમુક માતા-પિતાને લાગે છે કે બાળકોને ઈશ્વર વિષે શીખવવા તેઓ પાસે પૂરતી લાયકાત નથી. તેઓને લાગે છે કે પોતે બહુ ભણેલા નથી અથવા ધર્મ વિષેનું પૂરતું જ્ઞાન નથી. પરિણામે તેઓ આ મહત્ત્વની જવાબદારી સગાં કે ધર્મગુરુઓ પર છોડી દે છે.
પણ સવાલ થાય કે બાળકોને ધર્મ વિષે કોણ સૌથી સારી રીતે શીખવી શકે? સારા સંસ્કાર કોણ આપી શકે? ચાલો જોઈએ કે આ વિષે બાઇબલ શું કહે છે. પછી એ માહિતીને સંશોધકોના વિચારો સાથે સરખાવીએ.
પિતાની જવાબદારી શું છે?
બાઇબલ કહે છે: “પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.”—એફેસી ૬:૪.
સંશોધકોને શું જોવા મળ્યું: જો પિતા ધાર્મિક હશે તો એનાથી શું ફાયદો થશે? ૨૦૦૯માં બહાર પડેલો એક લેખ જણાવે છે: ‘ધાર્મિક સંગત રાખવાથી વ્યક્તિ એક સારો પિતા બની શકે છે. ધર્મને લીધે વ્યક્તિને પોતાના સમાજનો સાથ મળે છે અને સ્વભાવ સારો બને છે. એ ઉપરાંત ધર્મનું શિક્ષણ અને માર્ગદર્શન વ્યક્તિને જીવન કઈ રીતે જીવવું એ પણ બતાવે છે.’—પિતાની ધાર્મિકતા અને નાના બાળકનું વર્તન (અંગ્રેજી).
બાળકોને ઉછેરવાની અને શિક્ષણ આપવાની પિતાની જવાબદારી પર બાઇબલ ભાર મૂકે છે. (નીતિવચનો ૪:૧; કોલોસી ૩:૨૧; હેબ્રી ૧૨:૯) પણ શું બાઇબલની સલાહ આજે કામ આવી શકે? ૨૦૦૯માં અમેરિકાના ફ્લોરિડાની યુનિવર્સિટીએ એક લેખ બહાર પાડ્યો. એ લેખમાં પિતાની બાળક પર શું અસર થાય છે, એ વિષે ચર્ચા કરવામાં આવી. સંશોધકોએ શોધી કાઢ્યું કે જે પિતાઓ બાળકોના ઉછેરમાં વધારે ધ્યાન આપે છે, એવા બાળકો બીજાઓની કાળજી રાખે છે. પોતે કંઈક સારું કર્યું છે એ માટે ગર્વ અનુભવે છે. છોકરીઓની લાગણીઓમાં ઓછો ઉતાર-ચઢાવ આવે છે. તેમ જ છોકરાઓ ઓછું તોફાન કરે છે. આ સાફ બતાવે છે કે બાઇબલની સલાહ આજે પણ ઉપયોગી છે.
માતાની જવાબદારી કેટલી મહત્ત્વની છે?
બાઇબલ કહે છે: ‘તારી માનું શિક્ષણ તજીશ નહિ.’—નીતિવચનો ૧:૮.
સંશોધકોને શું જોવા મળ્યું: બાળકના વિકાસ વિષે એક પુસ્તક જણાવે છે: ‘પિતા કરતાં માતા સરેરાશ ૬૫થી ૮૦ ટકા વધારે સમય પોતાના બાળક સાથે વિતાવે છે. મોટા ભાગના દેશોમાં આવું જ જોવા મળે છે.’ (હેન્ડ બુક ઑફ ચાઇલ્ડ સાઇકોલૉજી, ૨૦૦૬) એટલે માતાના વાણી-વર્તન અને સ્વભાવની બાળકના વિકાસ પર ઘણી અસર થાય છે.
માતા-પિતા સાથે મળીને ઈશ્વરના સત્ય વિષે શીખવે છે, ત્યારે તેઓ બાળકને ઓછામાં ઓછી બે મહત્ત્વની ભેટ આપે છે. પહેલી, બાળકને ઈશ્વરને ઓળખવાની અને તેમની સાથે મિત્રતા બાંધવાની સારી તક મળે છે. મિત્રતા બાંધવાથી તેને આખી જિંદગી ફાયદો થશે. બીજી, બાળક શીખશે કે પતિ-પત્ની કઈ રીતે ભેગા કામ કરીને કોઈ પણ ધ્યેયને પૂરો કરી શકે છે. (કોલોસી ૩:૧૮-૨૦) ખરું કે બીજા લોકો બાળકના ઉછેરમાં માતા-પિતાને મદદ કરી શકે. પણ ઈશ્વર વિષે શીખવવાની મુખ્ય જવાબદારી તો માબાપની છે. કુટુંબ ચલાવવા વિષેની ઈશ્વરની ઇચ્છા શી છે તેનું પણ શિક્ષણ માબાપે આપવું જોઈએ.
તો પછી માતા-પિતાએ બાળકોને કઈ રીતે શીખવવું જોઈએ? કઈ રીતો સૌથી અસરકારક છે? (w11-E 08/01)