કુટુંબ માટે મદદ | યુવાનો
ગુસ્સો કાબૂમાં રાખવો—કઈ રીતે?
મુશ્કેલી
“મોટી બેન પર ગુસ્સે થઈને મેં એટલા જોરથી દરવાજો પછાડ્યો કે, એની કડી દીવાલમાં ઘૂસી ગઈ. આજે પણ દીવાલનું એ કાણું મને સતત યાદ અપાવે છે કે, હું કેવા નાના બાળકની જેમ વર્તી હતી.”—ડીયાન.a
“મેં ગુસ્સામાં બૂમ પાડી, ‘તમે બહુ ખરાબ પપ્પા છો!’ અને જોરથી દરવાજો બંધ કર્યો. દરવાજો બંધ થતો હતો ત્યારે મેં પપ્પાનો દુઃખી ચહેરો જોયો. મને થયું કે કાશ એ શબ્દો હું બોલી જ ન હોત!”—લોરેન.
શું તમે લોરેન અને ડીયાન જેવું અનુભવો છો? જો એમ હોય તો, આ લેખ તમને મદદ કરી શકશે.
તમારે શું જાણવું જોઈએ?
ગુસ્સાથી નામ બગડે છે. ૨૧ વર્ષની બ્રિયાના જણાવે છે: “મને લાગતું કે મારા ખરાબ ગુસ્સાને લોકોએ સ્વીકારવો જોઈએ. પરંતુ, પછી મેં જોયું કે ગુસ્સા પર કાબૂ નથી રાખતા તેઓ મૂર્ખ લાગે છે. એનાથી મને થયું કે, હું પણ લોકોની નજરમાં મૂર્ખ લાગતી હોઈશ. એ મારા દિલને અસર કરી ગયું.”
બાઇબલ કહે છે: “જેને જલદી ક્રોધ ચઢે છે, તે મૂર્ખાઈ કરશે.”—નીતિવચનો ૧૪:૧૭.
જ્વાળામુખીથી લોકો દૂર ભાગે છે, એવી જ રીતે ગુસ્સાવાળી વ્યક્તિથી પણ દૂર ભાગે છે
તમારા ગુસ્સાને લીધે લોકો તમને ટાળી શકે. ૧૮ વર્ષનો દાનીયેલ કહે છે: “ગુસ્સા પર કાબૂ નહિ રાખો તો, લોકોને તમારા માટે માન નહિ રહે.” ૧૮ વર્ષની ઈલેન પણ એ વાત સાથે સહમત થતા કહે છે: “ગુસ્સો કરવાથી તમારો વટ નહિ પડે, પણ લોકો તમારાથી ડરશે.”
બાઇબલ કહે છે: “ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને તામસી માણસની સોબત ન કર.”—નીતિવચનો ૨૨:૨૪.
તમે સુધારો કરી શકો છો. ૧૫ વર્ષની સારા જણાવે છે: “સંજોગોને લીધે થતી અસરને આપણે હંમેશાં કાબૂમાં નથી રાખી શકતા. પરંતુ, લાગણીઓને કઈ રીતે વ્યક્ત કરવી એ આપણા હાથમાં છે. તમારે ગુસ્સે થવાની જરૂર નથી.”
બાઇબલ કહે છે: “જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.”—નીતિવચનો ૧૬:૩૨.
તમે શું કરી શકો?
ધ્યેય બાંધો. ‘હું તો આવો જ છું,’ એવું કહેવાને બદલે અમુક ચોક્કસ સમયમાં કે કદાચ છ મહિનામાં સુધારો કરવાનો ધ્યેય બાંધો. એ સમયમાં તમે કેવો સુધારો કર્યો એની નોંધ રાખો. તમે ગુસ્સા પરથી કાબૂ ગુમાવો ત્યારે, આ ત્રણ બાબતો લખી લો. (૧) શું થયું હતું? (૨) તમે કેવું વર્ત્યા? અને (૩) તમે હજુ સારું કઈ રીતે વર્તી શક્યા હોત અને શા માટે? પછી નક્કી કરો કે, તમે ફરી વાર ઉશ્કેરાઈ જાઓ ત્યારે સારી રીતે વર્તશો. સૂચન: તમે સારું કર્યું હોય એની પણ નોંધ રાખો. લાગણીઓને કાબૂમાં રાખવાથી તમને કેટલું સારું લાગ્યું એ પણ લખો.—બાઇબલ સિદ્ધાંત: કોલોસી ૩:૮.
બોલતા પહેલાં વિચારો. કોઈ બાબતથી અથવા કોઈનાથી તમને ખોટું લાગે ત્યારે, મન ફાવે તેમ બોલી ન કાઢો. એના બદલે, થોડી રાહ જુઓ. જરૂર લાગે તો ઊંડા શ્વાસ લો. ૧૫ વર્ષનો એરીક જણાવે છે: “ઊંડો શ્વાસ લેવાથી ફાયદો થાય છે. એમ કરવાથી, અફસોસ થાય એવી કોઈ પણ બાબત કરતા કે બોલતા પહેલાં મને વિચારવાનો સમય મળી જાય છે.”—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૨૧:૨૩.
સિક્કાની બીજી બાજુ પણ વિચારો. અમુક વાર ફક્ત પોતાને અસર કરતી બાબતો જોવાથી ગુસ્સો આવી શકે. એવા સમયે એ પણ વિચારો કે, સામેવાળી વ્યક્તિને કેવું લાગ્યું હશે. યુવાન જેસિકા જણાવે છે: ‘લોકો ભલે ગમે એટલી ખરાબ રીતે વર્તે. તેમ છતાં, સિક્કાની બીજી બાજુનો વિચારી કરવાથી તેઓ પ્રત્યે સમજુ બનવા મને મદદ મળે છે.’—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૯:૧૧.
જરૂર લાગે તો, ત્યાંથી જતા રહો. બાઇબલ જણાવે છે: ‘ઝઘડો થાય એ પહેલાં તકરાર મૂકી દો.’ (નીતિવચનો ૧૭:૧૪) કોઈ બાબત બની હોય તો એના પર વિચાર્યા કરીને ગુસ્સે ન થઈએ. એના બદલે, બાઇબલ જણાવે છે તેમ એવા સંજોગોમાં ત્યાંથી જતા રહીએ એ સારું રહેશે. દાનીયેલા નામની યુવાન જણાવે છે: “એવું કરવાથી મને મનની શાંતિ મળતી અને ગુસ્સાને કાબૂમાં રાખી શકતી.”
જતું કરવાનું શીખો. બાઇબલ જણાવે છે: ગુસ્સે ‘થાઓ, પણ પાપ ન કરો; પોતાના હૃદયમાં વિચાર કરો, ને છાના રહો.’ (ગીતશાસ્ત્ર ૪:૪) ગુસ્સો આવે એમાં કંઈ ખોટું નથી. પણ, સવાલ થાય કે ગુસ્સે થવાથી શું થશે? રીચર્ડ નામનો યુવાન જણાવે છે: “બીજાઓ તમને ઉશ્કેરે અને તમે ગુસ્સે થઈ જાઓ તો એનો અર્થ થાય કે, લોકોનો તમારા પર કાબૂ છે. એના બદલે, સમજુ બનો અને નજર અંદાજ કરતા શીખો.” એમ કરવાથી તમે ગુસ્સાને કાબૂમાં રાખશો, નહિ કે ગુસ્સો તમને કાબૂમાં રાખે. (g15-E 01)
a આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.