આફતના સમયે મહેનતુ બનવા અને સમજી-વિચારીને ખર્ચ કરવા આ પગલાં ભરો
ખર્ચો ઓછો કરો
ખર્ચો ઓછો કરો
નવાં કપડાં, ફોન અથવા બીજી વસ્તુઓની ખરેખર જરૂર હોય ત્યારે જ ખરીદો. નવી ગાડી લેતાં પહેલાં વિચારો કે શું તમને ખરેખર એની જરૂર છે કે પછી એના વગર ચાલી શકે? શાકભાજીનો ખર્ચો ઓછો કરવા શું તમે ઘરમાં જ અમુક શાકભાજી ઉગાડી શકો?
કોઈ વસ્તુ ખરીદતાં પહેલાં પોતાને પૂછો, ‘શું મને ખરેખર એની જરૂર છે? શું એને ખરીદવાના મારી પાસે પૈસા છે?’
સરકારી કે પ્રાઈવેટ સંસ્થા કોઈ પણ પ્રકારની મદદ આપે તો એ લેતાં અચકાશો નહિ.
જેડન કહે છે, “કુટુંબ તરીકે ભેગા મળીને અમે નક્કી કર્યુ કે કઈ રીતે ખર્ચો ઓછો કરી શકાય. અમે વિચાર્યું કે હરવા-ફરવા અને મનોરંજન પાછળ ઓછો ખર્ચો કરીશું. અમે મોંઘું ખાવા-પીવાનું ઓછું કરી દીધું.”
બજેટ બનાવો
બજેટ બનાવો
શાસ્ત્રમાં લખ્યું છે: “મહેનતુ માણસની યોજનાઓ સફળ થાય છે, પણ ઉતાવળિયો માણસ ગરીબીમાં ધકેલાય છે.” (નીતિવચનો ૨૧:૫) બજેટ બનાવવાથી તમે જોઈ શકશો કે તમારો ખર્ચો આવક કરતાં વધી તો નથી જતો ને! તમે કઈ રીતે બજેટ બનાવી શકો?
સૌથી પહેલા તમારી મહિનાની આવક કેટલી છે એ લખો.
પછી મહિનામાં કેટલો ખર્ચ થાય છે એ લખો. જેમ કે લાઇટ બીલ, કરિયાણું અને બીજા અમુક પરચૂરણ ખર્ચા.
પછી વિચારો કે શું આવકમાંથી મહિનાના ખર્ચને પહોંચી વળો છો? જો પહોંચી વળતા ન હોય, તો બિનજરૂરી વસ્તુ ખરીદવાનું ઓછું કરી દો અથવા બંધ કરી દો.
કાર્લ કહે છે, “હું અને મારી પત્ની મહિનાની આવક અને ખર્ચો લખી લઈએ છીએ. અમે અમુક પૈસા બચાવીએ છીએ, જેથી જરૂર પડ્યે કામમાં આવે. જો અમને ખબર હોય કે કોઈ મોટો ખર્ચો આવવાનો છે, તો પહેલેથી પૈસા ભેગા કરવાનું શરૂ કરીએ છીએ. આ રીતે અમે બજેટ બનાવીએ છીએ. એનાથી ખબર પડે છે કે અમારા પૈસા ક્યાં વપરાય છે. અમારી ચિંતા પણ ઓછી થઈ જાય છે.”
દેવું ન કરો અને પૈસા બચાવો
દેવું ન કરો અને પૈસા બચાવો
બની શકે તો દેવું જ ન કરો. પણ જો તમારે માથે દેવું હોય તો એને વહેલી તકે પૂરું કરી દો. જો તમારે કંઈ ખરીદવું હોય, તો એના માટે પહેલેથી પૈસા ભેગા કરો.
દર મહિને થોડા થોડા પૈસા બચાવવાનો પ્રયત્ન કરો. જેથી અચાનક જરૂર પડે, તો તમારી પાસે બે પૈસા હોય.
મહેનત કરો અને નોકરી જાળવી રાખો
શાસ્ત્રમાં લખ્યું છે: “મહેનતના દરેક કામથી ફાયદો થાય છે.”—નીતિવચનો ૧૪:૨૩.
મહેનત કરો અને નોકરી જાળવી રાખો
કામ પ્રત્યે યોગ્ય વલણ રાખો. ભલે તમારી નોકરી મનગમતી ન હોય પણ એનાથી તમારું ઘર તો ચાલે છે ને!
મહેનતુ અને પ્રમાણિક બનવાનો પ્રયત્ન કરો, જેથી તમારી નોકરી ટકી રહે. જો કદાચ નોકરી છૂટી પણ જાય, તો તમારા સારા ગુણોને લીધે બીજી જગ્યાએ સહેલાઈથી નોકરી મળી શકે.
ડેની કહે છે, “મને જે કામ મળે એ હું કરી લઉં છું. ભલે એ કામ મારું મનગમતું ન હોય અથવા એનાથી ઓછા પૈસા મળતા હોય. હું જે કામ કરું છું એ પૂરી ઈમાનદારીથી અને સારી રીતે કરું છું, જાણે મારા પોતાના માટે કરતો હોઉં.”
જો તમે નોકરી શોધતા હોવ તો શું કરી શકો?
જો તમે નોકરી શોધતા હોવ તો પોતે પહેલ કરો. તમને લાગે કે કોઈ કંપનીમાં નોકરી મળી શકે એમ છે તો ત્યાં મળવા જાઓ કે ફોન કરો, પછી ભલેને તેઓએ કોઈ જાહેરાત ન આપી હોય. સગાં-સંબંધીઓ અને મિત્રોને જણાવો કે તમને નોકરીની જરૂર છે.
આજના સમયમાં આપણી મનગમતી નોકરી મળવી મુશ્કેલ છે. એટલે નાનું-મોટું જે કંઈ કામ મળે એ કરવા તૈયાર રહો.