વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bt પ્રકરણ ૭ પાન ૫૨-૫૯
  • ફિલિપે “ઈસુ વિશેની ખુશખબર” જણાવી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફિલિપે “ઈસુ વિશેની ખુશખબર” જણાવી
  • ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • મથાળાં
  • સરખી માહિતી
  • “વિખેરાઈ ગયેલા શિષ્યો” (પ્રે.કા. ૮:૪-૮)
  • “મને પણ આ અધિકાર આપો” (પ્રે.કા. ૮:૯-૨૫)
  • “તમે જે વાંચો છો શું એ ખરેખર સમજો છો?” (પ્રે.કા. ૮:૨૬-૪૦)
  • શું તમે જાણો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • બાઇબલ સમજવા માટે જરૂરી મદદ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સહેલાઈથી વાતચીત કરો
    પ્રેમથી શીખવીએ
  • બાપ્તિસ્મા લેવા શું કરવું જોઈએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
bt પ્રકરણ ૭ પાન ૫૨-૫૯

પ્રકરણ ૭

ફિલિપે “ઈસુ વિશેની ખુશખબર” જણાવી

ફિલિપે ઉત્સાહી પ્રચારક તરીકે સરસ દાખલો બેસાડ્યો

પ્રેરિતોનાં કાર્યો ૮:૪-૪૦ના આધારે

૧, ૨. વિરોધીઓએ પ્રચાર બંધ કરાવવાની કોશિશ કરી ત્યારે શું થયું?

શિષ્યોની આકરી સતાવણી શરૂ થાય છે. શાઉલ મંડળ પર “ભારે જુલમ” ગુજારવા લાગે છે. (પ્રે.કા. ૮:૩) એના લીધે શિષ્યો યરૂશાલેમથી નાસીને દૂર દૂરના વિસ્તારોમાં વિખેરાઈ જાય છે. એવું લાગે છે કે શાઉલ પ્રચાર બંધ કરાવવામાં સફળ થશે. પણ એવું કંઈક બને છે, જે કોઈએ સપનામાંય વિચાર્યું નહિ હોય.

૨ વિખેરાઈ ગયેલા શિષ્યો જ્યાં પણ જાય છે, ત્યાં તેઓ ‘ઈશ્વરના સંદેશાની ખુશખબર જાહેર કરે છે.’ (પ્રે.કા. ૮:૪) આમ સંદેશો ફેલાવવાનું કામ બંધ તો ન થયું, પણ ફેલાતું ગયું. દુશ્મનોએ શિષ્યોને પોતાનું ઘર છોડવા મજબૂર કર્યા, પણ અજાણતાં તેઓ શિષ્યોની મદદ કરી રહ્યા હતા. એનાથી તેઓ દૂર દૂરના વિસ્તારોમાં સંદેશો પહોંચાડી શક્યા. આજે એવું જ કંઈક બની રહ્યું છે. ચાલો એ વિશે હવે પછીના ફકરાઓમાં જોઈએ.

“વિખેરાઈ ગયેલા શિષ્યો” (પ્રે.કા. ૮:૪-૮)

૩. (ક) ફિલિપ કોણ હતા? (ખ) સમરૂનના લોકોએ કેમ ખુશખબર સાંભળી ન હતી? ઈસુએ સ્વર્ગમાં જતાં પહેલાં સમરૂન વિશે શું કહ્યું હતું?

૩ ‘વિખેરાઈ ગયેલા શિષ્યોમાં’ ફિલિપ પણ એક હતા.a (પ્રે.કા. ૮:૪; “ફિલિપ—એક ઉત્સાહી ‘પ્રચારક’” બૉક્સ જુઓ.) તે યરૂશાલેમ છોડીને સમરૂન શહેર જતા રહ્યા. ત્યાંના મોટા ભાગના લોકોએ હજી સુધી ખુશખબર સાંભળી ન હતી. કેમ કે ઈસુએ પ્રેરિતોને કહ્યું હતું: “સમરૂનીઓના કોઈ શહેરમાં જશો નહિ. ફક્ત ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં પાસે જાઓ.” (માથ. ૧૦:૫, ૬) ઈસુ જાણતા હતા કે સમય જતાં આખા સમરૂનમાં ખુશખબર જણાવવામાં આવશે. એટલે તેમણે સ્વર્ગમાં જતા પહેલાં શિષ્યોને કહ્યું: “તમે યરૂશાલેમમાં, આખા યહૂદિયા અને સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.”—પ્રે.કા. ૧:૮.

૪. ફિલિપે સમરૂનીઓને ખુશખબર જણાવી ત્યારે તેઓએ શું કર્યું અને શા માટે?

૪ ફિલિપે જોયું કે સમરૂનમાં ખેતરો “કાપણી માટે તૈયાર” હતા. (યોહા. ૪:૩૫) જેમ સવારના ઠંડા ઠંડા પવનથી તાજગી મળે છે, તેમ સમરૂનીઓને ફિલિપના સંદેશાથી તાજગી મળી હતી. શા માટે? યહૂદીઓ સમરૂનીઓ સાથે કોઈ સંબંધ રાખતા ન હતા. ઘણા યહૂદીઓ તેઓને નફરત કરતા હતા. તેઓ ફિલિપના સંદેશાથી જોઈ શક્યા કે એ સંદેશો બધા લોકો માટે હતો અને ફરોશીઓના શિક્ષણથી એકદમ અલગ હતો. ફરોશીઓ તેઓને નીચા ગણતા હતા, પણ ફિલિપે પૂરા ઉત્સાહથી ખુશખબર જણાવીને બતાવી આપ્યું કે તેમના દિલમાં કોઈ ભેદભાવ ન હતો. એટલે સમજી શકાય કે સમરૂનીઓએ કેમ ફિલિપની વાતો “ખૂબ ધ્યાનથી” સાંભળી હતી.—પ્રે.કા. ૮:૬.

૫-૭. સતાવણી વખતે ઈશ્વરભક્તોને કઈ રીતે ખુશખબર ફેલાવવાની તક મળે છે એના અનુભવો જણાવો.

૫ પહેલી સદીની જેમ આજે ઈશ્વરભક્તોની સતાવણી કરનારાઓ પ્રચારકામ બંધ કરાવી શક્યા નથી. એ સાચું છે કે સતાવણીને લીધે અમુકને જેલ થાય છે, તો અમુકે પોતાનો દેશ છોડીને બીજા દેશ ભાગવું પડે છે. પણ એનાથી તેઓને નવી જગ્યાએ પ્રચાર કરવાની તક મળી જાય છે. દાખલા તરીકે, બીજા વિશ્વયુદ્ધ વખતે યહોવાના સાક્ષીઓને નાઝી જુલમી છાવણીમાં મોકલવામાં આવ્યા હતા. તેઓ ત્યાંય ખુશખબર જણાવતા હતા. એવી જ એક છાવણીમાં એક યહૂદી માણસ સાક્ષીઓને મળ્યો. તે કહે છે: “સાક્ષીઓની હિંમત જોઈને મને ખાતરી થઈ ગઈ કે તેઓની શ્રદ્ધા બાઇબલને આધારે છે. પછી હું પણ એક સાક્ષી બની ગયો.”

૬ અમુક વાર એવું પણ બન્યું છે કે સાક્ષીઓએ સતાવણી કરનારાઓને સંદેશો જણાવ્યો હતો અને તેઓએ સંદેશો સ્વીકાર્યો પણ ખરો. ચાલો ભાઈ ફ્રાંઝ ડેશનો અનુભવ જોઈએ. તેમને ઑસ્ટ્રિયાની એક જુલમી છાવણીમાંથી બીજી છાવણીમાં મોકલવામાં આવ્યા. ત્યાં તેમણે એક અધિકારી સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. વર્ષો પછી તેઓ એક મહાસંમેલનમાં મળ્યા. એ અધિકારી હવે એક યહોવાના સાક્ષી હતા. જરા વિચારો, એકબીજાને મળીને તેઓને કેટલી ખુશી થઈ હશે!

૭ સાક્ષીઓએ સતાવણીને લીધે પોતાનો દેશ છોડીને બીજા દેશમાં જવું પડે તોપણ, તેઓ ખુશખબર જણાવવાનું ચાલુ રાખે છે. જેમ કે, ૧૯૭૦ના દાયકામાં મલાવીનાં ભાઈ-બહેનોએ મોઝામ્બિકમાં આશરો લેવો પડ્યો ત્યારે તેઓએ એવું જ કર્યું હતું. પછી મોઝામ્બિકમાં તેઓનો વિરોધ થયો. એવા સમયે તેઓએ પ્રચાર કરવાનું છોડ્યું નહિ. ભાઈ ફ્રાન્સિસ્કો કોઆના જણાવે છે: “ઘણી વાર અમારી ધરપકડ થઈ, તોપણ અમે પ્રચારકામમાં મંડ્યા રહ્યા અને ઘણા લોકોએ ખુશખબર સ્વીકારી. એ જોઈને અમને ખાતરી થઈ કે જેમ ઈશ્વરે પહેલી સદીના શિષ્યોને મદદ કરી હતી, તેમ તે અમારી પણ મદદ કરી રહ્યા છે.”

૮. રાજકીય ઊથલ-પાથલ અને આર્થિક મુશ્કેલીને લીધે કઈ રીતે ખુશખબર ઝડપથી ફેલાઈ રહી છે?

૮ બીજાં અમુક કારણોને લીધે પણ ખુશખબર ઝડપથી ફેલાઈ રહી છે અને વધારે લોકોને સંદેશો સાંભળવાની તક મળી છે. હાલનાં અમુક વર્ષોમાં રાજકીય ઊથલ-પાથલ, આર્થિક મુશ્કેલી અને યુદ્ધોને લીધે ઘણા લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં રહેવા ગયા છે. ત્યાં તેઓને ખુશખબર સાંભળવા મળી અને બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો. મોટા ભાગે એ લોકોની ભાષા અલગ હોય છે, એટલે તેઓની ભાષામાં ખુશખબર જણાવવાની જરૂર ઊભી થાય છે. શું તમે પોતાના વિસ્તારમાં ‘દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીના લોકોને’ ખુશખબર જણાવવા બનતું બધું કરો છો?—પ્રકટી. ૭:૯.

“મને પણ આ અધિકાર આપો” (પ્રે.કા. ૮:૯-૨૫)

સિમોન જે અગાઉ જાદુગર હતા, તે પૈસાની થેલી લઈને એક પ્રેરિત પાસે આવે છે. એ પ્રેરિત એક શિષ્ય પર હાથ મૂકે છે. પાછળ બીજા એક શિષ્ય અપંગ છોકરીને સાજી કરી રહ્યા છે અને એ જોઈને લોકો ખુશ થાય છે.

‘જ્યારે સિમોને જોયું કે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર શક્તિ મળે છે, ત્યારે તે તેઓને પૈસા આપવા લાગ્યો.’—પ્રેરિતોનાં કાર્યો ૮:૧૮

૯. સિમોન કોણ હતા અને ફિલિપનાં કયાં કામો જોઈને તે દંગ રહી ગયા?

૯ ફિલિપે સમરૂનમાં ઘણા ચમત્કારો કર્યા. જેમ કે, તેમણે લૂલાં-લંગડાં લોકોને સાજા કર્યા અને લોકોમાંથી ખરાબ દૂતો કાઢ્યા. (પ્રે.કા. ૮:૬-૮) એ શહેરમાં સિમોન નામના એક માણસ હતા. તે જાદુવિદ્યા કરતા હતા અને લોકો તેમને બહુ માન આપતા હતા. તેમના વિશે લોકો કહેતા હતા: “આ માણસ પાસે ઈશ્વરની શક્તિ છે.” પણ જ્યારે તેમણે ફિલિપને ચમત્કાર કરતા જોયા, ત્યારે તે દંગ રહી ગયા. તેમણે પોતાની નજરે સાચા ઈશ્વરની શક્તિને કામ કરતા જોઈ, એટલે તેમણે શ્રદ્ધા મૂકી. (પ્રે.કા. ૮:૯-૧૩) જોકે આગળ જતાં તેમના ઇરાદાની પરખ થઈ. કઈ રીતે?

૧૦. (ક) સમરૂનમાં પિતર અને યોહાને શું કર્યું? (ખ) એ જોઈને સિમોને શું કર્યું?

૧૦ પ્રેરિતોને ખબર પડી કે સમરૂનમાં ઘણા લોકો શિષ્યો બની રહ્યા હતા. એટલે તેઓએ પિતર અને યોહાનને મોકલ્યા. (“પિતર ‘સ્વર્ગના રાજ્યની ચાવીઓ’ વાપરે છે” બૉક્સ જુઓ.) સમરૂન જઈને એ બંને પ્રેરિતોએ નવા શિષ્યો પર પોતાના હાથ મૂક્યા અને પછી, એ દરેકને પવિત્ર શક્તિ મળી.b એ જોઈને સિમોનને આશ્ચર્ય થયું. તેમણે પ્રેરિતોને કહ્યું: “મને પણ આ અધિકાર આપો, જેથી હું જેના પર મારા હાથ મૂકું તેને પવિત્ર શક્તિ મળે.” અરે, તેમણે પ્રેરિતોને પૈસા આપીને એ વરદાન ખરીદવાની કોશિશ કરી!—પ્રે.કા. ૮:૧૪-૧૯.

૧૧. પિતરે સિમોનને કડક શબ્દોમાં શું કહ્યું? પછી સિમોને શું કર્યું?

૧૧ સિમોનની વાત સાંભળીને પિતરે તેમને કડક શબ્દોમાં જવાબ આપ્યો. પિતરે કહ્યું: “શું તને એમ લાગે છે કે તું ઈશ્વરની ભેટ પૈસાથી ખરીદી શકે છે? જા, તારી સાથે તારી ચાંદી પણ નાશ થઈ જાય. આ સેવામાં તારો કોઈ ભાગ કે કોઈ હિસ્સો નથી, કેમ કે ઈશ્વરની નજરમાં તારું હૃદય સાફ નથી.” પછી પિતરે સિમોનને એમ પણ કહ્યું કે તે પસ્તાવો કરે અને પ્રાર્થના કરીને યહોવા પાસે માફી માંગે. તેમણે કહ્યું: “યહોવાને કાલાવાલા કર. પછી કદાચ તારા હૃદયના ખરાબ ઇરાદા માટે તને માફ કરવામાં આવે.” સિમોન કંઈ દુષ્ટ ન હતા, તે તો સારું કરવા માંગતા હતા. પણ એ સમયે તેમણે ખોટા વિચારોને પોતાના પર હાવી થવા દીધા હતા. એટલે તેમણે પ્રેરિતોને અરજ કરી: “મારા માટે યહોવાને કાલાવાલા કરો કે તમે કહેલી કોઈ પણ વાત મારા પર આવી ન પડે.”—પ્રે.કા. ૮:૨૦-૨૪.

૧૨. ખ્રિસ્તી હોવાનો દાવો કરતા લોકોમાં કઈ વાત સામાન્ય છે?

૧૨ પિતરે સિમોનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો, એમાંથી બધા ઈશ્વરભક્તોને ચેતવણી મળે છે. મંડળમાં કોઈ જવાબદારી માટે પૈસા આપવા અથવા પૈસા લેવા એકદમ ખોટું છે. જોકે ખ્રિસ્તી હોવાનો દાવો કરતા લોકોમાં એ સાવ સામાન્ય છે. દાખલા તરીકે, ૧૮૭૮ના એક પુસ્તકમાં જણાવ્યું છે કે જ્યારે પણ પોપની પસંદગી થવાની હોય, ત્યારે લોકો એ પદ મેળવવા પૈસા આપતા હતા. ઘણા લોકો એ ખુલ્લેઆમ કરતા હતા અને એમાં તેઓને કોઈ શરમ પણ આવતી ન હતી.

૧૩. યહોવાના સાચા ભક્તોએ શું કરવું ન જોઈએ?

૧૩ મંડળમાં જવાબદારીઓ માટે કંઈક લેવું અથવા આપવું, એ પાપ છે. યહોવાના સાચા ભક્તોએ એનાથી દૂર રહેવું જોઈએ. આપણે કદાચ સીધેસીધા પૈસા ન આપીએ. પણ બની શકે કે આપણે કોઈ જવાબદારી અથવા સેવાનો કોઈ ખાસ લહાવો મેળવવા, ભાઈઓને ભેટો આપીએ અથવા તેઓના વધારે પડતા વખાણ કરીએ. અથવા બની શકે કે જવાબદાર ભાઈઓ અમીર ભાઈ-બહેનો પાસેથી કંઈક મેળવવાના ઇરાદાથી તેઓની તરફેણ કરે. એવું કરવું જરાય યોગ્ય નથી. એના બદલે બધા જ ભક્તોએ ‘પોતાને સૌથી નાના’ ગણવા જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે જ્યારે યહોવાને લાગશે કે આપણે તૈયાર છીએ, ત્યારે તે પવિત્ર શક્તિ દ્વારા આપણને જવાબદારી સોંપશે. (લૂક ૯:૪૮) પણ જેઓ ‘પોતાનો જ મહિમા શોધતા’ રહે છે, તેઓની યહોવાના સંગઠનમાં કોઈ જ જગ્યા નથી.—નીતિ. ૨૫:૨૭.

પિતર “સ્વર્ગના રાજ્યની ચાવીઓ” વાપરે છે

ઈસુએ પિતરને કહ્યું હતું: “હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ.” (માથ. ૧૬:૧૯) ‘ચાવીઓનો’ ઉલ્લેખ કરીને ઈસુ કહેવા માંગતા હતા કે પિતર ત્રણ અલગ અલગ સમૂહના લોકો માટે એક દ્વાર ખોલશે. એનાથી એ લોકો ખુશખબર જાણી શકશે અને સ્વર્ગના રાજ્યમાં ઈસુ સાથે રાજ કરવાની આશા મેળવી શકશે. પિતરે એ ચાવીઓ ક્યારે વાપરી?

  • પિતરે પહેલી ચાવી સાલ ૩૩ના પચાસમા દિવસે વાપરી. એ દિવસે તેમણે યહૂદીઓ અને યહૂદી થયેલા લોકોને પસ્તાવો કરવાની અને બાપ્તિસ્મા લેવાની અરજ કરી. પરિણામે આશરે ૩,૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું અને તેઓને ઈશ્વરના રાજ્યના વારસદાર બનવાની આશા મળી.—પ્રે.કા. ૨:૧-૪૧.

  • પિતરે બીજી ચાવી સ્તેફનના મરણના થોડા સમય પછી વાપરી. પિતર અને યોહાને સમરૂનીઓ પર હાથ મૂક્યો, જેઓએ હાલમાં જ બાપ્તિસ્મા લીધું હતું, પછી એ નવા શિષ્યોને પવિત્ર શક્તિ મળી.—પ્રે.કા. ૮:૧૪-૧૭.

  • પિતરે ત્રીજી ચાવી સાલ ૩૬માં વાપરી. પિતરે કર્નેલિયસને સાક્ષી આપી અને તેમણે સંદેશો સ્વીકાર્યો. તે સુન્‍નત ન થયેલા લોકોમાંથી એવા પહેલા માણસ હતા, જે ઈસુ ખ્રિસ્તના શિષ્ય બન્યા હતા. (પ્રે.કા. ૧૦:૧-૪૮) ત્યારથી સુન્‍નત ન થયેલા બીજી પ્રજાના લોકોને ઈશ્વરના રાજ્યમાં રાજ કરવાની આશા મળી.

“તમે જે વાંચો છો શું એ ખરેખર સમજો છો?” (પ્રે.કા. ૮:૨૬-૪૦)

૧૪, ૧૫. (ક) ‘ઇથિયોપિયાના મોટા અધિકારી’ કોણ હતા? ફિલિપ સાથે તેમની મુલાકાત કઈ રીતે થઈ? (ખ) ફિલિપની વાત સાંભળીને અધિકારી શું સમજી ગયા? આપણે કેમ કહી શકીએ કે તેમણે ઉતાવળે બાપ્તિસ્મા લીધું ન હતું? (ફૂટનોટ જુઓ.)

૧૪ હવે યહોવાના દૂતે ફિલિપને યરૂશાલેમથી ગાઝા તરફ જતા રસ્તે જવાનું કહ્યું. ફિલિપને થયું હશે કે તેમને કેમ એ રસ્તે જવાનું કહ્યું. જલદી જ તેમને પોતાના સવાલનો જવાબ મળ્યો. એ રસ્તા પર તે ઇથિયોપિયાના એક મોટા અધિકારીને મળ્યા. એ અધિકારી પોતાના રથમાં બેસીને ‘યશાયા પ્રબોધકનું લખાણ મોટેથી વાંચી રહ્યા હતા.’ (“‘મોટો અધિકારી’ કે ‘ખોજો’?” બૉક્સ જુઓ.) યહોવાની પવિત્ર શક્તિ ફિલિપને એ માણસના રથ પાસે દોરી ગઈ. ફિલિપ રથની સાથે દોડ્યા અને અધિકારીને પૂછ્યું: “તમે જે વાંચો છો શું એ ખરેખર સમજો છો?” અધિકારીએ કહ્યું: “કોઈના શીખવ્યા વિના હું કેવી રીતે સમજી શકું?”—પ્રે.કા. ૮:૨૬-૩૧.

૧૫ પછી અધિકારીએ ફિલિપને રથમાં બેસવાનું કહ્યું. જરા વિચારો, પછી તેઓ બંને વચ્ચે કેટલી જોરદાર વાતચીત થઈ હશે. ઘણા લોકોની જેમ, એ અધિકારી જાણતા ન હતા કે યશાયાની ભવિષ્યવાણીમાં જણાવવામાં આવેલું ‘ઘેટું’ અને “સેવક” કોને રજૂ કરે છે. (યશા. ૫૩:૧-૧૨) પણ ફિલિપે તેમને સમજાવ્યું કે એ ભવિષ્યવાણી ઈસુ ખ્રિસ્તમાં પૂરી થઈ. યાદ કરો, સાલ ૩૩ના પચાસમા દિવસે ઘણા લોકો તરત સમજી ગયા હતા કે તેઓએ બાપ્તિસ્મા લેવું જોઈએ. તેઓની જેમ, યહૂદી થયેલા આ અધિકારી તરત સમજી ગયા કે તેમણે પણ બાપ્તિસ્મા લેવું જોઈએ. તેમણે ફિલિપને કહ્યું: “જો, અહીં પાણી છે! બાપ્તિસ્મા લેતા મને શું રોકે છે?” ફિલિપે જરાય મોડું કર્યા વગર તેમને બાપ્તિસ્મા આપ્યું.c (“બાપ્તિસ્મા લેવાની યોગ્ય રીત” બૉક્સ જુઓ.) પછી ફિલિપ પવિત્ર શક્તિના માર્ગદર્શનથી આશ્દોદ ગયા અને ત્યાં પ્રચારકામ ચાલુ રાખ્યું.—પ્રે.કા. ૮:૩૨-૪૦.

“મોટો અધિકારી” કે “ખોજો”?

અમુક બાઇબલ ભાષાંતરમાં ગ્રીક શબ્દ યુનોકોસ માટે “ખોજો” શબ્દ વપરાયો છે. (પ્રે.કા. ૮:૨૭, પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ. વી., સંપૂર્ણ) એ ગ્રીક શબ્દનો અર્થ રાજદરબારનો મોટો અધિકારી થઈ શકે અથવા નપુંસક માણસ થઈ શકે. રાજાની પત્નીઓ અને ઉપપત્નીઓની દેખરેખ રાખતા મોટા ભાગના અધિકારીઓને નપુંસક બનાવી દેવામાં આવતા હતા. પણ દ્રાક્ષદારૂ પીરસનાર કે ખજાનચી જેવા બીજા અધિકારીઓ નપુંસક હોય એ જરૂરી ન હતું. ફિલિપે ઇથિયોપિયાના જે અધિકારીને બાપ્તિસ્મા આપ્યું હતું, તે રાજવી ભંડારના અધિકારી હતા. તે એક નાણામંત્રી હતા. એટલે કહી શકાય કે તે નપુંસક ન હતા, પણ એક મોટા અધિકારી હતા, જેમની પાસે રાજદરબારમાં ઊંચી પદવી હતી.

ઇથિયોપિયાના એ અધિકારી યહૂદી બન્યા હતા. તે યરૂશાલેમમાં ઈશ્વરની ભક્તિ કરવા ગયા હતા. એના આધારે પણ કહી શકાય કે ઇથિયોપિયાના એ અધિકારી નપુંસક ન હતા. કેમ કે નિયમશાસ્ત્રમાં લખ્યું હતું કે કોઈ નપુંસક માણસ ઇઝરાયેલના મંડળનો ભાગ બની શકતો ન હતો.—પુન. ૨૩:૧.

બાપ્તિસ્મા લેવાની યોગ્ય રીત

બાપ્તિસ્મા લેવાની યોગ્ય રીત કઈ છે? અમુક લોકોનું માનવું છે કે બાપ્તિસ્મા માટે માથા પર પાણી રેડવું કે છાંટવું પૂરતું છે. પણ ઇથિયોપિયાના અધિકારીને “ઘણું પાણી” હોય એવી જગ્યાએ બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું. બાઇબલમાં જણાવ્યું છે: “ફિલિપ તથા અધિકારી બંને પાણીમાં ઊતર્યા.” (પ્રે.કા. ૮:૩૬, ૩૮) જો બાપ્તિસ્મા માટે માથા પર પાણી રેડવું કે છાંટવું પૂરતું હોત, તો અધિકારીએ ઘણું પાણી હોય એવી જગ્યાએ રથ ઊભો રાખવાનો હુકમ આપ્યો ન હોત. કદાચ મશકમાં ભરેલા પાણીથી પણ કામ ચાલી ગયું હોત. તેમની પાસે જરૂર એક મશક હશે, કેમ કે તેમના પાછા જવાનો “રસ્તો રણમાં થઈને” જતો હતો.—પ્રે.કા. ૮:૨૬.

એક ગ્રીક-અંગ્રેજી શબ્દકોશમાં જણાવ્યું છે કે ગ્રીક શબ્દ બાપ્ટિસોનો અર્થ થાય “ડુબાડવું અથવા પાણીમાં ડૂબકી મરાવવી.” બાઇબલમાં આપેલા બાપ્તિસ્માના દરેક કિસ્સાથી ખબર પડે છે કે બાપ્તિસ્માનો એ જ અર્થ છે. યોહાન ૩:૨૩માં લખ્યું છે કે યોહાન “શાલીમ પાસેના એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો, કારણ કે ત્યાં ઘણું પાણી હતું.” એવી જ રીતે ઈસુના બાપ્તિસ્મા વિશે બાઇબલમાં જણાવ્યું છે: “ઈસુ તરત જ પાણીમાંથી બહાર આવ્યા અને તેમણે આકાશ ઊઘડી ગયેલું જોયું.” (માર્ક ૧:૯, ૧૦) એટલે પાણીમાં પૂરેપૂરી રીતે અંદર જવું એ બાપ્તિસ્મા લેવાની યોગ્ય રીત છે.

૧૬, ૧૭. આજે દૂતો પ્રચારકામમાં આપણને કઈ રીતે મદદ કરે છે?

૧૬ આજે ઈશ્વરભક્તો પાસે ફિલિપની જેમ ખુશખબર ફેલાવવાનો અનેરો લહાવો છે. તેઓ ખુશખબર જણાવવાની એકેય તક જવા દેતા નથી, જેમ કે તેઓ મુસાફરી કરતા હોય ત્યારે પણ સંદેશો જણાવે છે. ઘણી વાર તેઓને એવા લોકો મળે છે, જેઓ ખુશખબર સાંભળવા તરસતા હોય છે. એ કંઈ એમ જ બનતું નથી. બાઇબલમાં જણાવ્યું છે કે દૂતો પ્રચારકામમાં આપણી મદદ કરે છે, જેથી “દરેક દેશ, કુળ, બોલી અને પ્રજાને” સંદેશો જણાવી શકીએ. (પ્રકટી. ૧૪:૬) ઈસુએ પણ ભવિષ્યવાણી કરી હતી કે દૂતો એ કામમાં આપણને સાથ આપશે. તેમણે ઘઉં અને જંગલી છોડના ઉદાહરણથી સમજાવ્યું કે કાપણીના સમયે એટલે કે, દુનિયાના અંતના સમયે “કાપણી કરનારા દૂતો” હશે. પછી તેમણે જણાવ્યું કે દૂતો તેમના “રાજ્યમાંથી એવા સર્વ લોકોને ભેગા કરશે, જેઓ પાપ કરે છે અને જેઓ બીજાઓ પાસે પાપ કરાવે છે.” (માથ. ૧૩:૩૭-૪૧) યહોવા જે લોકોને પોતાના સંગઠનમાં લાવવા ચાહે છે, તેઓને પણ દૂતો અંતના સમયે ભેગા કરશે. એ લોકોમાં અભિષિક્તોનો અને ‘બીજાં ઘેટાંના’ લોકોથી બનેલા ‘મોટા ટોળાનો’ સમાવેશ થાય છે.—પ્રકટી. ૭:૯; યોહા. ૬:૪૪, ૬૫; ૧૦:૧૬.

૧૭ આજે દૂતો આપણને પ્રચારકામમાં ઘણી મદદ કરે છે. આપણે પ્રચારમાં એવા અનેક લોકોને મળીએ છીએ, જેઓ કહે છે કે તેઓ થોડા સમય પહેલાં જ પ્રાર્થનામાં ઈશ્વર પાસે મદદ માંગી રહ્યા હતા. ચાલો એક દાખલો જોઈએ. બે સાક્ષીઓ પ્રચાર કરતા હતા અને તેઓ સાથે એક નાનું બાળક હતું. પ્રચાર કરતાં કરતાં બપોર થઈ ગઈ, એટલે તેઓએ વિચાર્યું કે પ્રચાર બંધ કરીએ. પણ એ બાળકને બાજુના ઘરે જવાની ખૂબ જ તાલાવેલી હતી. એટલે તે એકલો જ એ ઘરે ગયો અને દરવાજો ખખડાવ્યો. એક યુવાન સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને સાક્ષીઓએ તેની સાથે વાત કરી. તેણે જણાવ્યું કે હમણાં જ તે પ્રાર્થના કરી રહી હતી કે કોઈ તેના ઘરે આવે અને તેને બાઇબલની વાતો સમજાવે. સાક્ષીઓને એ સાંભળીને ખૂબ નવાઈ લાગી. પછી તેઓએ તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો.

પ્રચારમાં પતિ-પત્ની એક ઘરની ઘંટડી વગાડે છે. એ જ ઘરની અંદર એક સ્ત્રી પ્રાર્થના કરી રહી છે.

“હે ભગવાન, તમે ક્યાં છો? મારી મદદ કરો”

૧૮. ખુશખબર ફેલાવવાના કામને આપણે કેમ મામૂલી ગણવું ન જોઈએ?

૧૮ પહેલાં ક્યારેય થયું ન હોય એટલા મોટા પાયે ખુશખબર ફેલાવવાનું કામ ચાલી રહ્યું છે. ખ્રિસ્તી મંડળનો ભાગ હોવાથી તમને દૂતો સાથે એ કામ કરવાનો લહાવો મળ્યો છે. એટલે એ લહાવાને જરાય મામૂલી ગણશો નહિ. જો તમે “ઈસુ વિશેની ખુશખબર” જણાવવા પૂરી મહેનત કરતા રહેશો, તો તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે.—પ્રે.કા. ૮:૩૫.

ફિલિપ—એક ઉત્સાહી “પ્રચારક”

સતાવણીને લીધે ઈસુના શિષ્યો વિખેરાઈ ગયા ત્યારે, ફિલિપ સમરૂન શહેર જતા રહ્યા. એવું લાગે છે કે ત્યાં જે કંઈ થઈ રહ્યું હતું એ વિશે ફિલિપ પહેલી સદીના નિયામક જૂથને માહિતી આપતા હતા. એટલે “યરૂશાલેમમાં રહેતા પ્રેરિતોએ જ્યારે સાંભળ્યું કે સમરૂનમાં લોકોએ ઈશ્વરનો સંદેશો સ્વીકાર્યો છે, ત્યારે તેઓએ પિતર અને યોહાનને ત્યાં મોકલ્યા.” એ પછી નવા શિષ્યોને પવિત્ર શક્તિની ભેટ મળી.—પ્રે.કા. ૮:૧૪-૧૭.

ફિલિપ ઇથિયોપિયાના અધિકારી સાથે રથમાં બેઠા છે.

પ્રેરિતોનાં કાર્યોના આઠમા અધ્યાય પછી ફિલિપનો એક જ વાર ઉલ્લેખ થયો છે. તેમણે સમરૂનમાં પ્રચાર કર્યો એના આશરે ૨૦ વર્ષ પછી તેમના વિશે વાત થાય છે. એ સમયે પાઉલ તેમની ત્રીજી પ્રચારકાર્યની મુસાફરી પૂરી કરીને યરૂશાલેમ આવ્યા હતા. તે અને તેમના સાથીઓ ટાલેમાઈસ શહેરમાં રોકાયા હતા. લૂક જણાવે છે: “બીજા દિવસે અમે નીકળીને કાઈસારીઆ આવ્યા. અમે પ્રચારક ફિલિપના ઘરે ગયા, જે સાત માણસોમાંનો એક હતો. અમે તેની સાથે રોકાયા. આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, જેઓ ભવિષ્યવાણી કરતી હતી.”—પ્રે.કા. ૨૧:૮, ૯.

ફિલિપ કદાચ પ્રચાર કરવા કાઈસારીઆ ગયા હતા અને પછી ત્યાં જ વસી ગયા હતા. ધ્યાન આપો કે લૂકે ફિલિપને “પ્રચારક” કહ્યા. બાઇબલમાં આ શબ્દ એવા લોકો માટે વપરાયો છે, જેઓ પોતાનું ઘર છોડીને પ્રચાર ન થયો હોય એવી જગ્યાએ જતા હતા. એમાં કોઈ શંકા નથી કે ફિલિપનો પ્રચાર માટેનો ઉત્સાહ વર્ષો પછી પણ એવો ને એવો જ હતો. તેમની ચાર દીકરીઓ ભવિષ્યવાણી કરતી હતી, એનાથી ખબર પડે છે કે તેમણે પોતાના કુટુંબને યહોવાને પ્રેમ કરવાનું અને તેમની સેવા કરવાનું શીખવ્યું હતું.

a અહીં પ્રેરિત ફિલિપની વાત થતી નથી. આ ફિલિપ એ સાત માણસોમાંથી એક હતા, ‘જેઓની શાખ સારી હતી.’ તેઓને હિબ્રૂ અને ગ્રીક બોલતી વિધવાઓને રોજ ખોરાકની વહેંચણી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. (પ્રે.કા. ૬:૧-૬) તેઓ વિશે આપણે પાંચમા પ્રકરણમાં જોઈ ગયા.

b સામાન્ય રીતે પહેલી સદીમાં બાપ્તિસ્મા વખતે નવા શિષ્યોને પવિત્ર શક્તિ મળતી હતી અથવા તેઓ અભિષિક્ત થતા હતા. આમ, તેઓને ઈસુ સાથે સ્વર્ગમાં યાજકો અને રાજાઓ તરીકે રાજ કરવાની આશા મળતી હતી. (૨ કોરીં. ૧:૨૧, ૨૨; પ્રકટી. ૫:૯, ૧૦; ૨૦:૬) પણ સમરૂનમાં નવા શિષ્યોને બાપ્તિસ્મા વખતે પવિત્ર શક્તિ મળી ન હતી. પિતર અને યોહાને તેઓ પર હાથ મૂક્યા, પછી તેઓને પવિત્ર શક્તિ મળી અને ચમત્કાર કરવાનું વરદાન મળ્યું.

c ઇથિયોપિયાના અધિકારીએ ઉતાવળે બાપ્તિસ્મા લીધું ન હતું, એવું આપણે કેમ કહી શકીએ? તે યહૂદી બન્યા હતા, તેમની પાસે શાસ્ત્રનું સારું જ્ઞાન હતું અને તે મસીહ વિશેની ભવિષ્યવાણીઓ જાણતા હતા. એટલે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં ઈસુ કયો ભાગ ભજવે છે એ જાણ્યા પછી, તે બાપ્તિસ્મા લેવા તૈયાર હતા.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો