૧૧
તેઓએ ઈસુ વિશે લખ્યું
ચિત્રમાં બતાવેલા માણસોને તમે ઓળખો છો?— તેઓ માથ્થી, માર્ક, લુક, યોહાન, પીતર, યાકૂબ, યહુદા અને પાઊલ છે. આ માણસો ઈસુના સમયમાં જ જીવતા હતા. તેઓએ ઈસુ વિશે લખ્યું. ચાલો તેઓ વિશે શીખીએ.
આ માણસો વિશે તમે શું જાણો છો?
તેઓમાં ત્રણ પ્રેરિતો હતા. તેઓએ ઈસુ સાથે પ્રચાર કર્યો હતો. તેઓ કોણ છે એ તમે જાણો છો?— માથ્થી, યોહાન અને પીતર. પ્રેરિત માથ્થી અને યોહાન, ઈસુને સારી રીતે ઓળખતા હતા. ઈસુના જીવન વિશે પ્રેરિત માથ્થી અને યોહાને એક એક પુસ્તક લખ્યું હતું. પ્રેરિત યોહાને બીજું એક પુસ્તક પણ લખ્યું. એને પ્રકટીકરણ કહેવાય છે. યોહાને ત્રણ પત્રો પણ લખ્યા. પહેલો યોહાન, બીજો યોહાન અને ત્રીજો યોહાન. પ્રેરિત પીતરે પણ બે પત્રો લખ્યા. પહેલો પીતર અને બીજો પીતર. યહોવાએ સ્વર્ગમાંથી ઈસુ માટે જે કહ્યું, એ વિશે પીતરે બીજા પત્રમાં આમ લખ્યું: ‘આ મારો દીકરો છે. હું તેને ચાહું છું. તેનાથી હું બહુ ખુશ છું.’
ચિત્રમાં દેખાતા બીજા માણસોએ પણ ઈસુ વિશે લખ્યું. તેઓએ લખેલાં પુસ્તકોમાંથી પણ આપણે ઈસુ વિશે શીખી શકીએ છીએ. એમાંના એક માર્ક છે. ઈસુને પકડવામાં આવ્યા ત્યારે, માર્ક કદાચ તેમની જોડે હતા. ઈસુ સાથે જે બન્યું એ બધું માર્કે જોયું હશે. બીજા એક પ્રેરિત લુક છે. તે ડૉક્ટર હતા. તે કદાચ ઈસુના મરણ પછી ખ્રિસ્તી બન્યા હશે.
ચિત્રમાં ઈસુના નાના ભાઈઓ પણ દેખાય છે. તમને તેઓના નામ ખબર છે?— યાકૂબ અને યહુદા. શરૂઆતમાં તેઓ ઈસુમાં માનતા ન હતા. તેઓને એકવાર એવું પણ લાગ્યું કે ઈસુ પાગલ છે. સમય જતાં તેઓ ઈસુમાં માનવા લાગ્યા અને ખ્રિસ્તી બન્યા. તેઓએ પણ બાઇબલનાં પુસ્તક લખ્યાં.
ચિત્રમાં હજી એક માણસ છે. તેમનું નામ પાઊલ છે. ખ્રિસ્તી બન્યા એ પહેલાં તે શાઊલ નામથી ઓળખાતા હતા. શાઊલ ખ્રિસ્તીઓને નફરત કરતા. તેઓને હેરાન કરતા. તમને ખબર છે કયા બનાવ પછી પાઊલ ખ્રિસ્તી બન્યા?— એક દિવસ પાઊલ ચાલીને દમસ્ક જતા હતા. અચાનક તેમણે આકાશમાંથી અવાજ સાંભળ્યો. એ ઈસુનો અવાજ હતો. ઈસુએ પાઊલને કહ્યું: ‘જેઓ મને માને છે તેઓને તું કેમ હેરાન કરે છે?’ એ પછી પાઊલ ઈસુમાં માનવા લાગ્યા અને ખ્રિસ્તી બન્યા. પાઊલે બાઇબલનાં ચૌદ પુસ્તકો લખ્યાં. રોમનોને પત્રથી લઈને હિબ્રૂઓને પત્ર સુધી.
આપણે દરરોજ બાઇબલ વાંચીએ છીએ, ખરું ને?— બાઇબલ વાંચવાથી આપણે ઈસુ વિશે ઘણું શીખી શકીએ છીએ. શું તમને ઈસુ વિશે વધારે શીખવું છે?—