પ્રકરણ ૧૧૮
સૌથી મોટું કોણ એ વિશે તકરાર
માથ્થી ૨૬:૩૧-૩૫ માર્ક ૧૪:૨૭-૩૧ લુક ૨૨:૨૪-૩૮ યોહાન ૧૩:૩૧-૩૮
મોટા બનવા ચાહનારાઓને ઈસુ સલાહ આપે છે
પીતરના નકાર વિશે ભવિષ્યવાણી
ઈસુના શિષ્યોની ઓળખ, પ્રેમ
ઈસુએ જીવનની છેલ્લી સાંજ પ્રેરિતો સાથે ગુજારી ત્યારે, તેમણે તેઓના પગ ધોઈને નમ્રતાનો બોધપાઠ શીખવ્યો હતો. એ કેમ જરૂરી હતું? કેમ કે તેઓમાં મોટા બનવાની લાલસા જોવા મળતી હતી. ખરું કે તેઓ ઈશ્વરના સમર્પિત ભક્તો હતા, તોપણ સૌથી મોટું કોણ, એ વાતને લીધે તેઓમાં હજુ પણ ચડસાચડસી જોવા મળતી હતી. (માર્ક ૯:૩૩, ૩૪; ૧૦:૩૫-૩૭) એ સાંજે ફરીથી પ્રેરિતોની એ નબળાઈ દેખાઈ આવી.
પ્રેરિતો ‘વચ્ચે ગરમાગરમ ચર્ચા ઊભી થઈ કે તેઓમાં કોણ સૌથી મોટું ગણાય.’ (લુક ૨૨:૨૪) તેઓમાં ફરીથી તકરાર થતી જોઈને ઈસુ કેટલા દુઃખી થયા હશે! તેમણે શું કર્યું?
પ્રેરિતોનાં એવાં વલણ અને વર્તન માટે ઈસુએ તેઓને ઠપકો આપવાને બદલે ધીરજથી સમજાવતા કહ્યું: “દુનિયાના રાજાઓ પ્રજાઓ પર હુકમ ચલાવે છે અને પ્રજાઓ પર જેઓને અધિકાર છે, તેઓ દાતા કહેવાય છે. તેમ છતાં, તમારે એવા ન થવું. . . . કેમ કે મોટું કોણ, જમવા બેસનાર કે પીરસનાર?” પછી, ઈસુએ યાદ અપાવ્યું કે તેઓ માટે તેમણે હંમેશાં આ દાખલો બેસાડ્યો હતો: “પણ, હું તમારી વચ્ચે પીરસનારના જેવો છું.”—લુક ૨૨:૨૫-૨૭.
પ્રેરિતોમાં ઘણી નબળાઈઓ હતી, તોપણ તેઓ અનેક મુશ્કેલ સંજોગોમાં ઈસુને વળગી રહ્યા હતા. એટલે, તેમણે કહ્યું: “હું તમારી સાથે રાજ્યનો કરાર કરું છું, જેમ મારા પિતાએ મારી સાથે રાજ્યનો કરાર કર્યો છે.” (લુક ૨૨:૨૯) તેઓ ઈસુના વફાદાર શિષ્યો હતા. ઈસુએ તેઓને ખાતરી આપી કે તેમની અને તેઓની વચ્ચે થયેલા આ કરારને લીધે તેઓ રાજ્યમાં હશે. તેમ જ, ઈસુની રાજસત્તાના ભાગીદાર બનશે.
ખરું કે પ્રેરિતો પાસે અદ્ભુત ભાવિની આશા હતી, પણ તેઓ હજુ અપૂર્ણ માણસો હતા. ઈસુએ તેઓને કહ્યું: “શેતાને તમને બધાને ઘઉંની જેમ ચાળવાની માંગ કરી છે,” જેથી તેઓ વેરવિખેર થઈ જાય. (લુક ૨૨:૩૧) તેમણે તેઓને ચેતવ્યા પણ ખરા: “આજે રાતે મને જે થશે એના લીધે તમે બધા ઠોકર ખાશો, કેમ કે આમ લખેલું છે: ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ અને ટોળામાંનાં ઘેટાં આમતેમ વિખેરાઈ જશે.’”—માથ્થી ૨૬:૩૧; ઝખાર્યા ૧૩:૭.
પરંતુ, પીતરે પૂરા ભરોસાથી કહ્યું: “તમને જે થવાનું છે એને લીધે બીજા બધા ભલે ઠોકર ખાય, પણ હું કદીયે ઠોકર નહિ ખાઉં!” (માથ્થી ૨૬:૩૩) ઈસુએ પીતરને કહ્યું કે, એ રાતે કૂકડો બે વાર બોલે એ પહેલાં, પીતર તેમનો નકાર કરશે. તોપણ, ઈસુએ આગળ જણાવ્યું: “મેં તારા માટે વિનંતી કરી છે કે તારી શ્રદ્ધા ખૂટે નહિ; અને તું, હા, તું પસ્તાવો કરીને એક વાર પાછો ફરે ત્યારે, તારા ભાઈઓને દૃઢ કરજે.” (લુક ૨૨:૩૨) પીતરે પૂરા જુસ્સાથી કહ્યું: “જો મારે તમારી સાથે મરવું પડે, તોયે હું તમને ઓળખવાનો કદી પણ નકાર નહિ કરું.” (માથ્થી ૨૬:૩૫) બીજા પ્રેરિતોએ પણ એવું જ કહ્યું.
ઈસુએ શિષ્યોને કહ્યું: “હું તમારી સાથે થોડી વાર છું. તમે મને શોધશો; અને મેં યહુદીઓને કહ્યું હતું કે, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી,’ એ જ વાત હવે હું તમને પણ કહું છું.” પછી, તેમણે આ વાત જણાવી: “હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો પ્રેમ મેં તમારા પર રાખ્યો છે, એવો પ્રેમ તમે પણ એકબીજા પર રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૩-૩૫.
ઈસુ થોડી વાર માટે જ શિષ્યો સાથે છે, એ સાંભળીને પીતરે પૂછ્યું: “પ્રભુ, તમે ક્યાં જાઓ છો?” ઈસુએ જવાબ આપ્યો: “હું જ્યાં જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી, પણ તું પછીથી આવીશ.” મૂંઝાયેલા પીતરે કહ્યું: “પ્રભુ, હું તમારી પાછળ હમણાં કેમ નથી આવી શકતો? હું તમારા માટે મારો જીવ પણ આપી દઈશ.”—યોહાન ૧૩:૩૬, ૩૭.
પછી, ઈસુએ એ સમયનો ઉલ્લેખ કર્યો જ્યારે તેમણે પ્રેરિતોને પૈસાની કે ખોરાકની થેલી વગર ગાલીલમાં પ્રચાર કરવા મોકલ્યા હતા. (માથ્થી ૧૦:૫, ૯, ૧૦) તેમણે પૂછ્યું: “તમને શું કશાની ખોટ પડી હતી?” તેઓએ કહ્યું: “ના!” પણ, હવે આવનાર દિવસોમાં તેઓએ શું કરવાનું હતું? ઈસુએ તેઓને સૂચના આપતા કહ્યું: “જેની પાસે પૈસાની થેલી હોય તે એને લઈ લે, એવી જ રીતે ખોરાકની થેલી લે અને જેની પાસે તલવાર ન હોય, તે પોતાનો ઝભ્ભો વેચીને એ ખરીદે. કેમ કે હું તમને જણાવું છું, જે કંઈ લખવામાં આવ્યું છે એ મારામાં પૂરું થવું જોઈએ, એટલે કે ‘તેને દુષ્ટો સાથે ગણવામાં આવ્યો.’ એ મારા વિશે પૂરું થઈ રહ્યું છે.”—લુક ૨૨:૩૫-૩૭.
ઈસુ એ સમયની વાત કરી રહ્યા હતા, જ્યારે તેમને દુષ્ટો કે ગુનેગારોની બાજુમાં વધસ્તંભે જડવામાં આવશે. એ પછી, તેમના શિષ્યો પર ભારે સતાવણી આવી પડવાની હતી. શિષ્યોને થયું કે તેઓ એ માટે તૈયાર છે, એટલે તેઓએ કહ્યું: “પ્રભુ, જુઓ! આ રહી બે તલવાર.” તેમણે કહ્યું: “એ પૂરતી છે.” (લુક ૨૨:૩૮) થોડા જ સમય પછી, પ્રેરિતોમાંથી એકે એમાંની એક તલવારનો ઉપયોગ કર્યો ત્યારે, ઈસુએ તેઓને મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો.