પાઠ ૨૩
ઇઝરાયેલીઓએ યહોવાને વચન આપ્યું
ઇજિપ્ત છોડ્યાના લગભગ બે મહિના પછી ઇઝરાયેલીઓ સિનાઈ પર્વત નજીક આવી પહોંચ્યા. ત્યાં તેઓએ રહેવા માટે તંબુઓ ઊભા કર્યા. યહોવાએ મૂસાને પર્વત પર બોલાવ્યા અને કહ્યું: ‘મેં ઇઝરાયેલીઓને બચાવ્યા છે. જો તેઓ મારી વાત માનશે અને મારા નિયમો પાળશે, તો તેઓ મારા ખાસ લોકો બનશે.’ મૂસા પર્વત પરથી નીચે આવ્યા અને યહોવાએ કહેલી વાત ઇઝરાયેલીઓને જણાવી. એ સાંભળીને તેઓએ શું જવાબ આપ્યો? તેઓએ કહ્યું: ‘યહોવાએ જે કહ્યું છે, એ બધું જ અમે કરીશું.’
મૂસા ફરીથી પર્વત પર ગયા. ત્યાં યહોવાએ તેમને કહ્યું: ‘હું ત્રીજા દિવસે ઇઝરાયેલીઓ સાથે વાત કરીશ. તેઓને કહેજે કે તેઓ સિનાઈ પર્વત પર ચઢવાની કોશિશ ન કરે.’ મૂસાએ નીચે આવીને ઇઝરાયેલીઓને જણાવ્યું કે તેઓ યહોવાની વાત સાંભળવા તૈયાર થઈ જાય.
ત્રીજા દિવસે ઇઝરાયેલીઓએ જોયું કે પર્વત પર કાળું વાદળ છવાઈ ગયું છે. એમાંથી મોટી મોટી ગર્જનાઓ અને વીજળીઓ થઈ રહી છે. રણશિંગડાનો (વાજિંત્રનો) અવાજ સંભળાવા લાગ્યો. પછી યહોવા આગ દ્વારા પર્વત પર ઊતર્યા. ઇઝરાયેલીઓ એટલા ડરી ગયા કે થરથર કાંપવા લાગ્યા. આખો પર્વત ધ્રૂજતો હતો અને ધુમાડાથી ઢંકાઈ ગયો હતો. રણશિંગડાનો અવાજ વધતો ને વધતો ગયો. પછી ઈશ્વરે કહ્યું: ‘હું યહોવા છું, તમારે મારા સિવાય બીજા કોઈ ઈશ્વરની ભક્તિ કરવી નહિ.’
મૂસા ફરી પર્વત પર ગયા. ત્યાં યહોવાએ જણાવ્યું કે લોકોએ તેમની ભક્તિ કઈ રીતે કરવી અને જીવન કઈ રીતે જીવવું. મૂસાએ એ નિયમો લખી લીધા અને ઇઝરાયેલીઓને વાંચી સંભળાવ્યા. તેઓએ યહોવાને વચન આપ્યું: ‘તમે જે કહ્યું છે એ બધું જ અમે કરીશું.’ પણ શું તેઓએ પોતાના વચન પ્રમાણે કર્યું?
“તું પૂરા દિલથી અને પૂરા જીવથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.”—માથ્થી ૨૨:૩૭