પાઠ ૪૪
યહોવા માટે મંદિર
સુલેમાન ઇઝરાયેલના રાજા બન્યા ત્યારે, યહોવાએ તેમને પૂછ્યું: ‘બોલ, હું તને શું આપું?’ સુલેમાને કહ્યું: ‘હું તો યુવાન છું. મને વધારે કંઈ નથી ખબર. એટલે તમે મને બુદ્ધિ આપો, જેથી હું તમારા લોકોની સંભાળ રાખી શકું.’ યહોવાએ કહ્યું: ‘તેં બુદ્ધિ માંગી છે, એટલે દુનિયાના બધા લોકો કરતાં તને સૌથી વધારે બુદ્ધિ અને સમજણ આપીશ. એટલું જ નહિ, હું તને ઘણી ધનદોલત પણ આપીશ. જો તું મારી આજ્ઞા પાળીશ, તો તું ઘણું લાંબું જીવીશ.’
સુલેમાને મંદિર બાંધવાનું કામ શરૂ કરી દીધું. તેમણે સૌથી સારાં સોના-ચાંદી, લાકડાં અને કીમતી પથ્થરોથી મંદિર બનાવડાવ્યું. એ મંદિર બાંધવામાં હજારો કુશળ પુરુષો અને સ્ત્રીઓએ કામ કર્યું. એને બાંધતા સાત વર્ષ લાગ્યાં. હવે એ મંદિર યહોવાની ભક્તિ માટે તૈયાર હતું. મંદિરમાં એક વેદી હતી, જેનાં પર બલિદાનો મૂકવામાં આવ્યાં હતાં. સુલેમાને વેદી સામે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી: ‘હે યહોવા, આ મંદિર તમને સમાવી શકે એટલું મોટું નથી. એટલું સુંદર પણ નથી. અમે અહીંયા આવીને તમારી ભક્તિ કરીએ અને તમને પ્રાર્થના કરીએ ત્યારે, દયા કરીને અમારી પ્રાર્થના સાંભળજો.’ યહોવાને એ મંદિર અને સુલેમાનની પ્રાર્થના વિશે કેવું લાગ્યું? સુલેમાનની પ્રાર્થના પૂરી થઈ કે તરત જ આકાશમાંથી અગ્નિ ઊતરી આવ્યો અને વેદી પર મૂકેલાં બલિદાનો ભસ્મ થઈ ગયાં. આમ યહોવાએ બતાવ્યું કે તે મંદિર જોઈને બહુ ખુશ છે. એ જોઈને ઇઝરાયેલીઓની ખુશીનો પાર ન રહ્યો!
આખા ઇઝરાયેલમાં અને દૂર દૂરના દેશોમાં લોકો જાણતા હતા કે રાજા સુલેમાન ઘણા બુદ્ધિમાન છે. લોકો પોતાની મુશ્કેલીઓ લઈને તેમની પાસે આવતા. એક વખતે, શેબા દેશનાં રાણી રાજા સુલેમાનની બુદ્ધિની પરીક્ષા કરવા આવ્યાં. તેમણે સુલેમાનને અઘરા સવાલો પૂછ્યા. સુલેમાનના જવાબ સાંભળીને તેમણે કહ્યું: ‘લોકોએ મને તમારા વિશે જણાવ્યું હતું. પણ મને તેઓની વાત પર ભરોસો ન હતો. હવે હું જાણું છું કે તેઓએ તમારા વિશે જે કહ્યું હતું, એનાથી પણ વધારે બુદ્ધિ તમારામાં છે. તમારા ઈશ્વર યહોવાએ તમને આશીર્વાદ આપ્યો છે.’ ઇઝરાયેલ દેશમાં બધું બરાબર ચાલી રહ્યું હતું અને લોકો ખુશ હતા. પણ સંજોગો જલદી જ બદલાવાના હતા.
“જુઓ! અહીં સુલેમાન કરતાં કોઈક મહાન છે.”—માથ્થી ૧૨:૪૨