પાઠ ૮૨
ઈસુએ પ્રાર્થના કરતા શીખવ્યું
ફરોશીઓ દરેક કામ લોકોની વાહવાહ મેળવવા કરતા. તેઓ ફક્ત દેખાડો કરવા બીજાઓને મદદ કરતા. લોકો તેઓને જોઈ શકે, એવી જગ્યાએ ઊભા રહીને પ્રાર્થના કરતા. ફરોશીઓ લાંબી લાંબી પ્રાર્થનાઓ ગોખી લેતા. પછી તેઓ સભાસ્થાનો અને રસ્તાઓનાં નાકાં પર ઊભા રહીને એ પ્રાર્થનાઓનું રટણ કરતા, જેથી લોકો તેઓને સાંભળી શકે. એટલે લોકોને બહુ નવાઈ લાગી જ્યારે ઈસુએ કહ્યું: ‘ફરોશીઓની જેમ પ્રાર્થના ન કરો. તેઓને લાગે છે કે તેઓની લાંબી લાંબી પ્રાર્થના સાંભળીને ઈશ્વર ખુશ થશે, પણ એનાથી તે ખુશ થતા નથી. પ્રાર્થના તો ફક્ત તમારી અને યહોવા વચ્ચેની વાતચીત છે. એકની એક વાતનું રટણ ન કરો. યહોવા તો ચાહે છે કે તમે તમારા દિલની વાત તેમને જણાવો.
‘તમારે આ રીતે પ્રાર્થના કરવી જોઈએ: “હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.”’ ઈસુએ તેઓને એ પણ કહ્યું કે રોજના ખોરાક માટે, પાપોની માફી માટે અને જીવનની બીજી બાબતો માટે પ્રાર્થના કરવી જોઈએ.
ઈસુએ કહ્યું: ‘પ્રાર્થના કરવાનું ક્યારેય છોડશો નહિ. તમારા પિતા યહોવા પાસે માંગતા રહો. દરેક માતા-પિતા ચાહે છે કે તે પોતાના બાળકને સારી વસ્તુઓ આપે. જો તમારો દીકરો રોટલી માંગે તો શું તમે પથ્થર આપશો? જો તે માછલી માંગે તો શું તમે સાપ આપશો?’
પછી ઈસુએ સમજાવ્યું: ‘જો તમે તમારાં બાળકોને સારી વસ્તુઓ આપો છો, તો શું તમારા પિતા યહોવા તમને પવિત્ર શક્તિ નહિ આપે? તમારે ફક્ત માંગવાનું છે.’ શું તમે ઈસુની સલાહ પ્રમાણે કરો છો? તમે કઈ કઈ બાબતો માટે પ્રાર્થના કરો છો?
“માંગતા રહો અને તમને આપવામાં આવશે. શોધતા રહો અને તમને જડશે. ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે.”—માથ્થી ૭:૭