‘બળવાન તથા હિંમતવાન થાઓ!’
“હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”—યોહાન ૧૬:૩૩.
ઈસ્રાએલીઓ યરદન નદી પાર કરીને વચનના દેશમાં જવાના જ હતા ત્યારે, મુસાએ તેઓને કહ્યું: “બળવાન તથા હિમ્મતવાન થાઓ, બીહો મા, ને તેઓથી ભયભીત ન થાઓ; કેમકે જે તારી સાથે જાય છે તે તો યહોવાહ તારો દેવ છે.” યહોશુઆ ઈસ્રાએલીઓને કનાન દેશમાં લઈ જવાના હતા. એટલે મુસાએ તેમને હિંમતવાન થવાની સલાહ આપી. (પુનર્નિયમ ૩૧:૬, ૭) પછીથી યહોવાહે પણ યહોશુઆને ઉત્તેજન આપ્યું: “બળવાન તથા હિમ્મતવાન થા . . . બળવાન તથા બહુ હિમ્મતવાન થા.” (યહોશુઆ ૧:૬, ૭, ૯) પણ શા માટે આ સલાહ આપવામાં આવી હતી? કેમ કે, યરદન નદીની પેલે પાર કનાન દેશમાં ઘણા બળવાન દુશ્મનો રહેતા હતા. એ માટે તેઓને હિંમતની જરૂર હતી.
૨ આજે આપણે વચન આપેલી સુખચેનભરી નવી દુનિયાની બહુ નજીક છીએ. તેથી, આપણે પણ યહોશુઆની જેમ હિંમતવાન થવાની જરૂર છે. (૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૭:૧૪) જોકે, આપણા દિવસો યહોશુઆના દિવસો કરતાં જુદા છે. યહોશુઆએ તલવાર અને ભાલાથી લડાઈ કરી હતી. પરંતુ, આપણે હથિયાર વગર લડાઈ કરીએ છીએ. આપણે યહોવાહની ભક્તિ કરવા માટે શેતાનની સામે લડીએ છીએ. (યશાયાહ ૨:૨-૪; એફેસી ૬:૧૧-૧૭) યહોશુઆએ વચનના દેશમાં પહોંચ્યા પછી લડાઈઓ લડી હતી. પરંતુ, આપણે નવી દુનિયામાં જતા પહેલાં આજે લડાઈ લડી રહ્યા છીએ. તેથી, ચાલો આપણે જોઈએ કે કયા સંજોગોમાં આપણે હિંમત રાખવાની જરૂર છે.
શા માટે આપણે મુશ્કેલીઓ સહીએ છીએ?
૩ પ્રેષિત યોહાને લખ્યું: “આપણે દેવના છીએ, અને આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે, એવું આપણે જાણીએ છીએ.” (૧ યોહાન ૫:૧૯) આ કલમ બતાવે છે કે આપણે શા માટે સતાવણી સહેવી પડે છે. આપણે યહોવાહને વફાદાર રહીએ છીએ ત્યારે, શેતાનને લાગે છે કે તે હારી ગયો છે. તેથી, તે “ગાજનાર સિંહની પેઠે” આપણને ફાડી ખાવા માગે છે. તે આપણા દરેક માર્ગમાં કાંટા બિછાવતો હોય છે. (૧ પીતર ૫:૮) ખરેખર, શેતાન આજે અભિષિક્ત ખ્રિસ્તીઓ અને આપણી સાથે લડી રહ્યો છે. (પ્રકટીકરણ ૧૨:૧૭) આપણને હેરાન કરવા શેતાન કઠપૂતળીની જેમ માણસોને નચાવી રહ્યો છે. તેથી, શેતાન સામે ઊભા થવું હિંમત માગી લે છે.
૪ ઈસુ જાણતા હતા કે લોકો પરમેશ્વર તરફથી ખુશખબરી ન સાંભળે એ માટે, શેતાન અને તેના સાથીઓ બનતા બધા જ પ્રયાસો કરશે. તેથી તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.” (માત્થી ૨૪:૯) પ્રથમ સદીમાં એમ જ થયું હતું અને આજે પણ એ બની રહ્યું છે. ખરેખર, આજે આપણા ઘણા ભાઈબહેનોને ક્રૂર રીતે સતાવવામાં આવ્યા છે. તોપણ તેઓ હિંમત હાર્યા નથી. તેઓ જાણે છે કે “માણસની બીક ફાંદારૂપ છે,” તેથી તેઓ શેતાનના કોઈ પણ ફાંદામાં ફસાવા માગતા નથી.—નીતિવચનો ૨૯:૨૫.
૫ આપણે સતાવણી સિવાય પણ બીજી ઘણી બાબતોમાં હિંમત બતાવવાની જરૂર છે. અમુક ભાઈબહેનોને અજાણ્યા લોકોને પ્રચાર કરવાનું અઘરું લાગે છે. અમુક સ્કૂલમાં બાળકોને ઝંડાને સલામી આપવી પડે છે. પણ આપણા યુવાનો ઈશ્વરભક્ત છે. તેથી તેઓ હિંમત બતાવીને એવા કોઈ પણ રિવાજમાં ભાગ લેવાની ના પાડે છે. એવી હિંમત જોઈને યહોવાહ કેટલા ખુશ થતા હશે! શું એ જોઈને આપણે પણ ખુશ નથી થતા?
૬ અમુક વાર, વિરોધીઓ મીડિયા દ્વારા આપણા વિષે ખોટી અફવા ફેલાવે છે. અથવા, સરકારો આપણી સાચી ભક્તિ પર પ્રતિબંધ મૂકી દે છે જેથી, આપણે યહોવાહની સેવા કરવાનું મૂકી દઈએ. આવા સમયે આપણે વધુ હિંમત રાખવાની જરૂર છે. (ગીતશાસ્ત્ર ૯૪:૨૦) દાખલા તરીકે, છાપામાં, રેડિયો કે ટેલિવિઝન પર યહોવાહના સાક્ષીઓ વિષે ખોટી અફવાઓ ફેલાવવામાં આવે ત્યારે આપણને કેવું લાગે છે? શું આપણને એનાથી આઘાત લાગે છે? બિલકુલ નહીં, કેમ કે આપણને ખબર છે કે યહોવાહના દુશ્મનો એવી બાબતો કરશે. (ગીતશાસ્ત્ર ૧૦૯:૨) તેમ જ જો કોઈ વ્યક્તિ અફવાઓ માની લે તો આપણે ચિંતા કરવી ન જોઈએ. કેમ કે ‘મૂર્ખ માણસ દરેક વાત માની લે છે.’ (નીતિવચનો ૧૪:૧૫, IBSI) પરંતુ, આપણે કંઈ દરેક વાત માની લેવી ન જોઈએ. ભલે અફવાઓ ફેલાતી હોય, આપણે એ સાંભળીને સભામાં કે પ્રચારમાં જવાનું બંધ કરી દેવું જોઈએ નહિ. એ ઉપરાંત, આપણે વિશ્વાસમાં પણ ક્યારેય ઠંડા ન પડવું જોઈએ. એના બદલે, ‘બીજા લોકો આપણને માન આપે કે આપણું અપમાન કરે, ટીકા કરે કે પ્રશંસા કરે, તોપણ આપણે ઈશ્વરને વિશ્વાસુ રહેવું જોઈએ.’—૨ કોરીંથી ૬:૪, ૮, IBSI.
૭ પાઊલે તીમોથીને લખ્યું: ‘દેવે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો આત્મા આપ્યો છે. માટે પ્રભુની સાક્ષી વિષે તું શરમાઈશ નહિ.’ (૨ તીમોથી ૧:૭, ૮; માર્ક ૮:૩૮) આ કલમ વાંચીને આ પ્રશ્નો પર વિચાર કરો: ‘શું હું પ્રચાર કામમાં શરમાઉં છું કે હિંમત બતાવું છું? શું હું કામ પર કે સ્કૂલમાં પોતાને યહોવાહના સાક્ષી તરીકે ઓળખાવું છું કે છૂપાવું છું? શું મને દુઃખ લાગે છે કે હું દુનિયાના લોકો જેવો નથી? કે પછી સાક્ષી હોવાથી હું એકદમ ખુશ છું?’ જો તમે પણ એવી બાબતોમાં શરમાતા હોવ તો, યહોવાહે યહોશુઆને આપેલી સલાહ યાદ રાખો: “બળવાન તથા હિમ્મતવાન થા.” લોકો આપણા વિષે ભલે ગમે એવું વિચારે, આપણે હંમેશાં યહોવાહ અને ઈસુને ખુશ કરવા જોઈએ!—ગલાતી ૧:૧૦.
હિંમતવાન બનો
૮ આ મુશ્કેલીના સમયમાં સચ્ચાઈના માર્ગ પર ચાલવા તમે કઈ રીતે હિંમત બતાવી શકો? પ્રથમ સદીના ખ્રિસ્તીઓનો વિચાર કરો. યરૂશાલેમમાં યાજકો અને વડીલોએ પીતર અને યોહાનને પ્રચાર બંધ કરી દેવા કહ્યું. પરંતુ, તેઓએ ના પાડી. એટલે વધુ ધમકાવીને તેઓને છોડી મૂકવામાં આવ્યા. ત્યાર બાદ, બધા ભાઈઓએ ભેગા મળીને આ પ્રાર્થના કરી: “હે પ્રભુ, તું તેઓની ધમકીઓ ધ્યાનમાં લે, અને તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩-૨૯) જવાબમાં યહોવાહે તેઓને શક્તિ આપી. એને લીધે પછીથી યહુદી ધર્મગુરુઓએ કહ્યું કે તેઓએ પોતાના શિક્ષણથી “આખા યરૂશાલેમને ગજાવી મૂક્યું છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૮.
૯ આ બનાવમાંથી આપણે શું શીખી શકીએ? ભલે યહુદી ધર્મગુરુઓએ શિષ્યોને ધમકી આપી, તોપણ તેઓએ પ્રચાર કરવાનું બંધ કરી દીધું નહિ. એના બદલે, તેઓએ વધુ હિંમત માટે પ્રાર્થના કરી. પછી, તેઓ પ્રાર્થના પ્રમાણે પ્રચાર કામ કરતા રહ્યા, અને યહોવાહે તેઓને હિંમત અને શક્તિ આપી. બીજા કિસ્સામાં પાઊલે પોતે કહ્યું કે “મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૩.
૧૦ જો કોઈ ભાઈ-બહેનનો સ્વભાવ ફૂલ જેવો કોમળ હોય તો, શું તેઓ સતાવણીના સમયે હિંમતવાન રહી શકે? હા, ચોક્કસ! વિચાર કરો કે યહોવાહે યિર્મેયાહને પ્રબોધક તરીકે નીમ્યા, ત્યારે યિર્મેયાહે શું કહ્યું: “હું હજી બાળક છું.” તેમને લાગ્યું કે પોતે એ કામ કરી શકશે નહિ. તોપણ, યહોવાહે તેમને કહ્યું: “હું બાળક છું, એમ ન બોલ; જેઓની પાસે હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને ફરમાવું તે તારે બોલવું. તેઓથી બીતો ના; કેમકે તારો છૂટકો કરવા સારૂ હું તારી સાથે છું.” (યિર્મેયાહ ૧:૬-૧૦) યિર્મેયાહને યહોવાહમાં પૂરો વિશ્વાસ હતો. એના લીધે યહોવાહે તેમને શક્તિ આપી અને તેમણે ઈસ્રાએલમાં હિંમતથી પ્રચાર કર્યો.
૧૧ યિર્મેયાહની જેમ, આજે અભિષિક્ત ખ્રિસ્તીઓને પણ પ્રચારનું કામ સોંપવામાં આવ્યું છે. એ કામમાં આપણે “મોટું ટોળું” તરીકે તેઓને સાથ આપીએ છીએ. ભલે લોકો આપણું સાંભળે નહિ, મશ્કરી કે સતાવણી કરે તોપણ, આપણે એ કામ છોડી દેવું ન જોઈએ. (પ્રકટીકરણ ૭:૯; યોહાન ૧૦:૧૬) યિર્મેયાહની જેમ, યહોવાહ આપણને કહે છે: “બીતો ના.” આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે સત્ય ફેલાવવાનું કામ પરમેશ્વર તરફથી મળ્યું છે.—૨ કોરીંથી ૨:૧૭.
સરસ ઉદાહરણોને અનુસરો
૧૨ હિંમતવાન બનવા આપણે યિર્મેયાહ જેવા બીજા ઘણા યહોવાહના સેવકોના ઉદાહરણ પર વિચાર કરવો જોઈએ. (ગીતશાસ્ત્ર ૭૭:૧૨) ઈસુ વિષે થોડું વિચારો. શેતાને તેમને લાલચ આપી હતી અને પછી યહુદી ધર્મગુરુઓએ પણ તેમની સતાવણી કરી હતી. તોપણ, તે હિંમત ન હાર્યા. (લુક ૪:૧-૧૩; ૨૦:૧૯-૪૭) યહોવાહની શક્તિથી ઈસુ હિંમતવાન હતા. તેથી, તેમણે મરણ પહેલાં શિષ્યોને કહ્યું: “જગતમાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.” (યોહાન ૧૬:૩૩; ૧૭:૧૬) ઈસુને પગલે ચાલીને તેમના શિષ્યો પણ જગત પર જીત મેળવી શકતા હતા. (૧ યોહાન ૨:૬; પ્રકટીકરણ ૨:૭, ૧૧, ૧૭, ૨૬) પરંતુ, એ માટે તેઓએ ‘હિંમત રાખવાની’ જરૂર હતી.
૧૩ ઈસુ મરણ પામ્યા એના થોડાં વર્ષો પછી, પાઊલ અને સિલાસને ફિલિપીમાં જેલમાં પૂરવામાં આવ્યા. થોડા સમય પછી પાઊલે ફિલિપીના મંડળને કહ્યું: ‘તમે સર્વે સ્થિર રહીને સુવાર્તાના વિશ્વાસને સારૂ પ્રયત્ન કરો. અને વિરોધીઓથી જરા પણ બીશો નહિ.’ તેઓ હિંમતવાન બને એ માટે પાઊલે કહ્યું: ‘એ તેઓને વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો તારણની નિશાની છે, અને તે વળી દેવથી છે. કેમકે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહિ, પણ તેની ખાતર દુઃખ પણ સહેવું. એ માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે.’—ફિલિપી ૧:૨૭-૨૯.
૧૪ પાઊલે ફિલિપી મંડળને લખ્યું ત્યારે તે ફરીથી જેલમાં હતા. રોમની જેલમાં હોવા છતાં, તે હિંમતથી પ્રચાર કરતા રહ્યા. એનું પરિણામ શું આવ્યું? તેમણે લખ્યું: “વિશ્વાસી હોવાને લીધે હું અહીં જેલના બંધનમાં છું. એ વાત સૌ લોકોમાં જ નહી પરંતુ રાજાના સૈનિકોમાં પણ જાહેર થઈ ગઈ છે. મારા જેલવાસને કારણે અહીંના ઘણા ખ્રિસ્તીઓને હવે બંધનનો કોઈ ડર રહ્યો નથી. મારી ધીરજને લીધે તેઓને ઉત્તેજન મળ્યું છે, અને ઈસુ ખ્રિસ્ત વિશે બીજાંઓ સમક્ષ કહેવા માટે તેઓ વધુ હિંમતવાન બન્યા છે.”—ફિલિપી ૧:૧૩, ૧૪.
૧૫ પાઊલના ઉદાહરણથી આપણને કેટલું ઉત્તેજન મળે છે! વળી, ઘણા ભાઈ-બહેનોએ પાદરીઓના રાજમાં કે જુલમી સરકારોથી સતાવણી સહન કરીને સારું ઉદાહરણ બેસાડ્યું છે. તેઓમાંથી ઘણાના અનુભવો ચોકીબુરજ અને સજાગ બનો! મેગેઝિનમાં તથા યહોવાહના સાક્ષીઓની યરબુકમાં જોવા મળે છે. તમે આ ભાઈ-બહેનોના અનુભવો વાંચો ત્યારે, યાદ રાખજો કે તેઓ પણ આપણા જેવા જ સામાન્ય માણસો હતા. પરંતુ, મુશ્કેલીઓના સમયમાં યહોવાહે તેઓને શક્તિ આપી અને તેઓએ હિંમત ન હારી. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે જરૂર પડે ત્યારે યહોવાહ આપણને પણ શક્તિ આપશે.
હિંમતવાન બનો અને યહોવાહને ખુશ કરો
૧૬ આપણે સત્ય માટે લડીએ છીએ ત્યારે હિંમતવાન બનીએ છીએ. પરંતુ આપણને બીક લાગતી હોય તોપણ સત્ય માટે લડીએ છીએ ત્યારે, આપણે જોરદાર હિંમત બતાવીએ છીએ! હા, આપણે બધા હિંમતવાન અને જોરદાર સાક્ષીઓ બની શકીએ છીએ. પણ હિંમત અને શક્તિ મેળવવા આપણે શું કરવાની જરૂર છે? એ માટે આપણે યહોવાહ માટે કંઈ પણ કરવા તૈયાર રહેવું જોઈએ. તેમને વફાદાર રહેવું જોઈએ. તેમનામાં પૂરેપૂરો ભરોસો રાખવો જોઈએ. આપણે બીજા ભાઈ-બહેનોને પણ યાદ રાખવા જોઈએ કે યહોવાહે કઈ રીતે તેઓને શક્તિ અને હિંમત આપી. જ્યારે આપણે હિંમતવાન બનીએ છીએ ત્યારે યહોવાહને મહિમા મળે છે. એનાથી યહોવાહને કેટલો આનંદ થતો હશે! હા, જો આપણે યહોવાહને પૂરા દિલથી પ્રેમ કરીશું, તો કોઈ પણ બાબત સહન કરવા તૈયાર હોઈશું.—૧ યોહાન ૨:૫; ૪:૧૮.
૧૭ યાદ રાખો કે આપણે સત્ય માટે કંઈ સહન કરવું પડે તો, એનો અર્થ એ નથી કે આપણે કંઈ ખોટું કર્યું છે. (૧ પીતર ૩:૧૭) આપણે સર્વોપરી તરીકે યહોવાહને પસંદ કર્યા છે, સારું કરવામાં લાગુ રહીએ છીએ અને દુનિયાના લોકો જેવા નથી. એ કારણે શેતાન ગુસ્સે થાય છે અને આપણા પર સતાવણી લાવે છે. એટલે પ્રેષિત પીતરે કહ્યું: ‘જો તમે ઈશ્વરની ઇચ્છા માટે સતાવણી સહન કરો છો, તો જે સારું છે એ કરવાનું ચાલુ રાખો અને તમારા ઉત્પન્નકર્તા ઈશ્વરમાં વિશ્વાસ રાખો, કેમ કે તે તમને કદી નિરાશ થવા દેશે નહિ.’ (૧ પીતર ૨:૨૦; ૪:૧૯, IBSI) ખરેખર, આપણા વિશ્વાસને લીધે યહોવાહ ખૂબ ખુશ થાય છે. વળી, હિંમત બતાવીને આપણે યહોવાહને મહિમા આપીએ છીએ. તો પછી, શું આપણે હિંમતવાન ન બનવું જોઈએ?
અદાલતમાં હિંમતથી બોલો
૧૮ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે તેઓની સતાવણી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે “તેઓ તમને ન્યાયસભામાં સોંપશે, ને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે. અને તેઓને તથા વિદેશીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો.” (માત્થી ૧૦:૧૭, ૧૮) જો જૂઠા આરોપો મૂકીને આપણને અદાલતમાં લઈ જવામાં આવે તો, આપણે હિંમત બતાવવી પડશે. એ સમયે આપણે હિંમતથી સાક્ષી આપી શકીએ. એમ કરીને આપણે ન્યાય કરનારાઓને યહોવાહની આ સલાહ આપીએ છીએ: “હે રાજાઓ, તમે સમજણ રાખો; પૃથ્વીના ન્યાયાધીશો, તમે હવે શિખામણ લો. ભયથી યહોવાહની સેવા કરો.” (ગીતશાસ્ત્ર ૨:૧૦, ૧૧) અમુક વાર, યહોવાહના સાક્ષીઓ પર આરોપો મૂકવામાં આવે છે, ત્યારે ન્યાયાધીશો આપણને સાથ આપે છે. એવા કિસ્સામાં આપણે તેઓનો આભાર માનીએ છીએ. પરંતુ, અમુક ન્યાયાધીશો આપણા દુશ્મનોને સાથ આપતા હોય છે. આવા કિસ્સામાં બાઇબલ તેઓને કહે છે કે “તમે હવે શિખામણ લો.”
૧૯ ન્યાયાધીશોને ખબર હોવી જોઈએ કે યહોવાહ પરમેશ્વરના નિયમો સૌથી ઊંચા છે. તેઓએ એ પણ યાદ રાખવું જોઈએ કે બધા માણસોએ યહોવાહ અને ઈસુને હિસાબ આપવાનો છે. (રૂમીઓને પત્ર ૧૪:૧૦) ભલે જગતના ન્યાયાધીશો આપણને સાથ આપે કે ન આપે, યહોવાહ હંમેશાં આપણને સાથ આપશે! તેથી, આપણે હિંમત ન હારીએ. બાઇબલ કહે છે: ‘જેઓ યહોવાહ પર વિશ્વાસ રાખે છે, તેઓ પુષ્કળ આનંદ કરશે!’—ગીતશાસ્ત્ર ૨:૧૨.
૨૦ ઈસુએ પહાડ પરના ઉપદેશમાં કહ્યું: “મારા અનુયાયી હોવાના કારણે જ્યારે તમારી નિંદા કરવામાં આવે, તમારી સતાવણી કરવામાં આવે ત્યારે પણ તમે આશીર્વાદિત છો. ત્યારે તમે આનંદ કરો અને ખૂબ હરખાઓ, કારણ કે સ્વર્ગમાં તમને મોટો બદલો મળશે. યાદ રાખો કે તમારી અગાઉના પ્રબોધકોની પણ એવી જ સતાવણી થઈ હતી.” (માત્થી ૫:૧૧, ૧૨, IBSI) આપણી સતાવણી થાય કે મીડિયા દ્વારા જૂઠી અફવાઓ ફેલાવવામાં આવે, એ કંઈ ખુશીની વાત નથી. તેમ છતાં, જો આપણે હિંમતથી એનો સામનો કરીશું તો ખુશ રહીશું. એનાથી આપણે યહોવાહને પણ ખુશ કરીશું અને તેમનો આશીર્વાદ મેળવીશું. હા, હિંમતવાન બનીને આપણે બતાવીએ છીએ કે આપણને યહોવાહમાં પૂરેપૂરો ભરોસો છે. એનાથી આપણને એ પણ ખાતરી મળે છે કે યહોવાહની કૃપા આપણા પર છે. યહોવાહ પર આવો ભરોસો બતાવવો કેમ મહત્ત્વનું છે એ વિષે હવે પછીનો લેખ સમજાવશે.
તમે શું શીખ્યા?
• આજે કેવી પરિસ્થિતિમાં આપણે હિંમત બતાવવાની જરૂર છે?
• આપણે કઈ રીતે હિંમત રાખી શકીએ?
• હિંમત રાખી હોય એવા સારા ઉદાહરણો આપો.
• શા માટે આપણે હિંમત રાખવી જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. ઈસ્રાએલીઓને દુશ્મનોથી ન ડરવા કેવું ઉત્તેજન આપવામાં આવ્યું?
૨. આજે આપણે કેવી લડાઈ લડીએ છીએ અને આપણને શાની જરૂર છે?
૩. બાઇબલ શેતાન વિષે શું જણાવે છે?
૪. આપણા માટે ઈસુએ કઈ ચેતવણી આપી હતી અને સાચા ખ્રિસ્તીઓએ કેવું વલણ બતાવ્યું છે?
૫, ૬. (ક) આપણે કેવા સંજોગોમાં હિંમત રાખવાની જરૂર છે? (ખ) આપણા વિષે કોઈ અફવા ફેલાવે ત્યારે આપણે શું કરવું જોઈએ?
૭. આપણે કેવા પ્રશ્નો પર વિચાર કરવાની જરૂર છે?
૮, ૯. (ક) પ્રથમ સદીમાં ખ્રિસ્તીઓ માટે કઈ મુશ્કેલી ઊભી થઈ? (ખ) પીતર અને યોહાનને ધમકાવવામાં આવ્યા ત્યારે તેઓએ શું કર્યું અને બીજા ભાઈઓ સાથે તેઓને શું મળ્યું?
૧૦. યિર્મેયાહના અનુભવમાંથી આપણે શું શીખી શકીએ છીએ?
૧૧. યિર્મેયાહની જેમ આપણે ક્યાંથી હિંમત મેળવી શકીએ?
૧૨. ઈસુએ કેવું ઉદાહરણ બેસાડ્યું અને તેમણે પોતાના શિષ્યોને કયું ઉત્તેજન આપ્યું?
૧૩. ફિલિપીના મંડળને પાઊલે કેવું ઉત્તેજન આપ્યું?
૧૪. પાઊલે રોમમાં હિંમતથી પ્રચાર કર્યો એનું શું પરિણામ આવ્યું?
૧૫. આપણને હિંમત આપતા બીજાં ઉદાહરણો ક્યાં જોવા મળે છે?
૧૬, ૧૭. આપણે કઈ રીતે હિંમતવાન બની શકીએ?
૧૮, ૧૯. આપણે ન્યાયાધીશો આગળ હિંમતથી બોલીને શું કરીએ છીએ?
૨૦. આપણે સતાવણી કે જૂઠી અફવાઓ સહેવી પડે તોપણ, શા માટે ખુશ રહી શકીએ છીએ?
[પાન ૯ પર ચિત્ર]
જર્મનીમાં સિમોન આરનોલ્ડ (હવે લિબસ્ટેર), મલાવીમાં વીડ્સ માડોના અને યુક્રેઈનમાં લિડીયા તથા ઑલેક્સી કુરડાસે હિંમતથી દુષ્ટોનો સામનો કર્યો
[પાન ૧૦ પર ચિત્ર]
આપણે સાક્ષી આપતા શરમાવું જોઈએ નહીં
[પાન ૧૧ પર ચિત્ર]
પાઊલે જેલમાં હોવા છતાં હિંમત બતાવીને ખુશખબર ફેલાવ્યા
[પાન ૧૨ પર ચિત્ર]
ન્યાયાધીશો આગળ સત્ય વિષે હિંમતથી બોલીને આપણે મહત્ત્વનો સંદેશો ફેલાવીએ છીએ