‘બળવાન તથા બહુ હિંમતવાન થાઓ’
‘બળવાન તથા બહુ હિંમતવાન થા. યહોવા તારી સાથે છે.’—યહો. ૧:૭-૯.
તમે કેવો જવાબ આપશો?
હનોખ અને નુહે કેવી રીતે હિંમત બતાવી?
અમુક સ્ત્રીઓએ વિશ્વાસ અને હિંમત માટે કેવો દાખલો બેસાડ્યો?
કયા યુવાન લોકોના દાખલાઓમાંથી તમને ઉત્તેજન મળ્યું?
૧, ૨. (ક) સાચા માર્ગે ચાલતા રહેવા શાની જરૂર પડે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
ડર, બીક અને કાયરતાનો વિરોધી શબ્દ હિંમત છે. કદાચ આપણે એવી વ્યક્તિને હિંમતવાન કહીશું જે બળવાન કે બહાદુર લાગે. પરંતુ, અમુક વાર રોજિંદા જીવનમાં સાચું કરતા રહેવા માટે પણ હિંમતની જરૂર પડે છે.
૨ બાઇબલમાં કેટલાક એવા લોકોના દાખલા છે, જેઓએ ડર્યા વગર ખૂબ જ મુશ્કેલ સંજોગોનો સામનો કર્યો હતો. બીજા કેટલાક એવા દાખલા છે, જેમાં યહોવાના ભક્તોએ સામાન્ય મુશ્કેલીઓનો હિંમતથી સામનો કર્યો હતો. હિંમત બતાવનારા એવાં લોકો પાસેથી આપણે શું શીખી શકીએ? કેવી રીતે આપણે પણ હિંમતવાન બની શકીએ?
તેઓએ દુષ્ટ દુનિયામાં હિંમત બતાવી
૩. દુષ્ટ લોકો માટે હનોખે શું જાહેર કર્યું?
૩ નુહના સમયમાં જળપ્રલય આવ્યો એ પહેલાં દુનિયામાં ઘણી દુષ્ટતા હતી. એવાં સંજોગોમાં યહોવાના પક્ષે રહેવા હિંમત હોવી બહુ જરૂરી હતી. હનોખ ‘આદમથી સાતમી પેઢીમાં થઈ ગયેલા પુરુષ’ હતા. તેમણે ભાવિમાં થનાર બાબતો વિષે લોકોને જણાવ્યું: ‘જુઓ, સઘળાંનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ, જે સર્વ અધર્મી કામો કર્યાં અને પાપીઓએ તેની વિરુદ્ધ, જે સર્વ કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારોહજાર સ્વર્ગદૂતો સહિત આવ્યા.’ (યહુ. ૧૪, ૧૫) અહીં, હનોખ આ બાબતો જાણે થઈ ગઈ હોય એવી રીતે બોલે છે. કેમ કે, તેમને પૂરી ખાતરી હતી કે એ પ્રમાણે જ થશે. ખરેખર, એવું જ બન્યું બધા જ દુષ્ટ લોકોનો જળપ્રલયમાં નાશ થયો.
૪. કેવા સંજોગો હોવા છતાં નુહ ‘ઈશ્વરની સાથે ચાલ્યા’?
૪ હનોખે સંદેશો જાહેર કર્યો એના ૬૫૦ વર્ષ પછી ઈ.સ. પૂર્વે ૨૩૭૦માં જળપ્રલય આવ્યો. એ જળપ્રલય પહેલાં નુહનો જન્મ થયો હતો. તેમણે પોતાનું કુટુંબ રચ્યું અને પોતાના દીકરાઓ સાથે મળીને વહાણ બાંધ્યું. મનુષ્યોનું રૂપ લઈને દુષ્ટ સ્વર્ગદૂતોએ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. તેઓના જે બાળકો થયા એ કદાવર રાક્ષસો હતા. વધુમાં, મનુષ્યોની દુષ્ટતા એટલી વધી ગઈ કે આખી દુનિયા હિંસાથી ભરાઈ ગઈ હતી. (ઉત. ૬:૧-૫, ૯, ૧૧) એવા સંજોગો હતા તોપણ ‘નુહ ઈશ્વરની સાથે ચાલ્યા.’ તેમણે હિંમતથી “ન્યાયીપણાના ઉપદેશક” તરીકે ઈશ્વરનો સંદેશો જણાવ્યો. (૨ પીતર ૨:૫ વાંચો.) આ છેલ્લા દિવસોમાં આપણે પણ એવી જ હિંમત બતાવવાની જરૂર છે.
તેઓએ વિશ્વાસ અને હિંમત બતાવ્યા
૫. મુસાએ કઈ રીતે વિશ્વાસ અને હિંમત બતાવ્યા?
૫ વિશ્વાસ અને હિંમત બતાવવામાં મુસાએ પણ સરસ દાખલો બેસાડ્યો. (હિબ્રૂ ૧૧:૨૪-૨૭) મિસરમાંથી ઈસ્રાએલીઓને કાઢી લાવવા અને અરણ્યમાં માર્ગદર્શન આપવા ઈશ્વરે મુસાનો ઉપયોગ કર્યો. મુસાએ ઈ.સ. પૂર્વે ૧૫૧૩થી ૧૪૭૩ સુધી એ જવાબદારી અદા કરી. પહેલાં તો તેમને લાગતું હતું કે એ જવાબદારી પોતે નિભાવી નહિ શકે, જોકે પછીથી તેમણે એ સોંપણી સ્વીકારી. (નિર્ગ. ૬:૧૨) મુસા અને તેમના ભાઈ હારુનને વારંવાર મિસરના જુલમી રાજા આગળ જવું પડ્યું. તેઓએ દસ મરકીઓ વિષે હિંમતથી રાજાને જાહેર કર્યું. યહોવાએ મરકીઓથી સાબિત કર્યું કે મિસરના દેવો જૂઠાં છે. તેમ જ, મરકીઓ દ્વારા પોતાના લોકોને મિસરમાંથી છોડાવ્યાં. (નિર્ગ. અધ્યાય ૭-૧૨) મુસા હિંમત અને વિશ્વાસ બતાવી શક્યા કેમ કે તેમની પાસે ઈશ્વરનો સહારો હતો. આજે આપણી પાસે પણ ઈશ્વરનો સહારો છે.—પુન. ૩૩:૨૭.
૬. જો અધિકારીઓ આપણી માન્યતા વિષે સવાલો કરે, તો કઈ રીતે તેઓને હિંમતથી જવાબ આપીશું?
૬ મુસા પાસે જેવી હિંમત હતી એવી આપણને પણ જરૂર છે. ઈસુએ કહ્યું કે ‘મારે લીધે તમને સાશકો અને રાજાઓની સમક્ષ સજાને માટે લઈ જવામાં આવશે અને તેમને તથા બિનયહુદીઓને શુભસંદેશ જણાવવાને કારણે એવું બનશે. જ્યારે તમારો ન્યાય કરવામાં આવે ત્યારે શું બોલવું અથવા કેવી રીતે બોલવું તે સંબંધી ચિંતા ન કરો. તમારે જે કહેવાનું છે તે તે જ સમયે તમને આપવામાં આવશે. કારણ, જે શબ્દો તમે બોલશો તે તમારા પોતાના નહિ હોય, પણ તમારા ઈશ્વરપિતાની પવિત્ર શક્તિ તમારા દ્વારા બોલશે.’ (માથ. ૧૦:૧૮-૨૦, કોમન લેંગ્વેજ) જો અધિકારીઓ આપણી માન્યતા વિષે સવાલો કરે તો ઈશ્વર શક્તિ આપણને માનથી જવાબ આપવા મદદ કરશે. તેમ જ, આપણને વિશ્વાસ અને હિંમત રાખવા પણ મદદ કરશે.—લુક ૧૨:૧૧, ૧૨ વાંચો.
૭. યહોશુઆ કેમ હિંમતવાન અને સફળ થઈ શક્યા?
૭ મુસા પછી યહોશુઆએ તેમની જગ્યા લીધી. તે નિયમિત રીતે ઈશ્વરના નિયમોનો અભ્યાસ કરતા. એટલે, તેમનો વિશ્વાસ અને હિંમત વધ્યા. ઈ.સ. પૂર્વે ૧૪૭૩માં ઈસ્રાએલીઓ વચનના દેશમાં પહોંચવાની અણીએ હતા. એ સમયે ઈશ્વરે તેઓને આજ્ઞા કરી, ‘બળવાન તથા બહુ હિંમતવાન થાઓ.’ નિયમો પ્રમાણે ચાલવાથી યહોશુઆ સમજદારીથી પગલા ભરી શક્યા અને એમાં સફળ પણ થયા. તેમને કહેવામાં આવ્યું હતું કે ‘ભયભીત ન થા, ને ગભરાતો નહિ, કારણ કે જ્યાં કહીં તું જાય છે, ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે છે.’ (યહો. ૧:૭-૯) આ શબ્દોથી સાચે જ યહોશુઆને ઘણી હિંમત મળી હશે. આપણે ખાતરીથી કહી શકીએ કે ઈશ્વર તેમની સાથે હતા. કારણ કે ફક્ત છ વર્ષની અંદર (ઈ.સ. પૂર્વે ૧૪૬૭) તેમણે મોટાભાગનો વચનનો પ્રદેશ જીતી લીધો.
હિંમતવાન સ્ત્રીઓ અડગ રહી
૮. રાહાબે વિશ્વાસ અને હિંમતનો કેવો દાખલો બેસાડ્યો?
૮ ઇતિહાસમાં ઘણી હિંમતવાન સ્ત્રીઓએ અડગ રહીને યહોવાની ભક્તિ કરી. દાખલા તરીકે, યરેખોમાં રહેતી રાહાબનો વિચાર કરો. તેણે ઈશ્વરમાં વિશ્વાસ બતાવ્યો હતો. યહોશુઆએ મોકલેલા બે જાસૂસોને તેણે હિંમતથી પોતાને ત્યાં સંતાડી રાખ્યા. પછી રાજાએ મોકલેલા સિપાઈઓને તેણે ગેરમાર્ગે દોર્યા. આમ કરવાને લીધે ઈસ્રાએલીઓએ જ્યારે યરેખોને જીતી લીધું, ત્યારે તે અને તેના ઘરના વ્યક્તિઓ બચી ગયા. રાહાબે પાપી કામો કરવાનું છોડી દીધું અને વિશ્વાસથી યહોવાની ભક્તિ કરવા લાગી. એને લીધે, તેને મસીહના પૂર્વજ બનવાનો લહાવો મળ્યો. (યહો. ૨:૧-૬; ૬:૨૨, ૨૩; માથ. ૧:૧, ૫) વિશ્વાસ અને હિંમત બતાવવાને લીધે રાહાબને ઘણાં આશીર્વાદો મળ્યાં.
૯. દબોરાહ, બારાક અને યાએલે કેવી રીતે હિંમત બતાવી?
૯ આશરે ઈ.સ. પૂર્વે ૧૪૫૦માં યહોશુઆનું મરણ થયું. એ પછી ન્યાયાધીશો ઈસ્રાએલમાં ન્યાય કરતા હતા. કનાનનો રાજા યાબીન ૨૦ વર્ષથી ઈસ્રાએલીઓ પર જુલમ કરતો હતો. એટલે, ઈશ્વરે દબોરાહ પ્રબોધિકા દ્વારા ન્યાયાધીશ બારાકને કહેવડાવ્યું કે એ માટે પગલા ભરે. પછી, બારાકે દસ હજાર માણસોને તાબોર પર્વત પર ભેગા કર્યા. તેઓ યાબીનના લશ્કરના અધિકારી સીસરા સાથે લડવા તૈયાર હતા. સીસરા પોતાનું લશ્કર અને નવસો રથ કીશોન નદીની ખીણમાંથી લઈને આવતો હતો. ઈસ્રાએલીઓ જ્યારે એ ખીણમાં ઉતર્યા ત્યારે ઈશ્વર અચાનક પૂર લાવ્યા. ત્યાંનું આખું યુદ્ધ મેદાન કાદવકીચડ થઈ ગયું. કનાની રથો એમાં ફસાઈ ગયા. પછી, બારાકના માણસોએ ‘સીસરાના આખા સૈન્યને તરવારથી’ મારી નાખ્યાં. પછી સીસરાએ યાએલ નામની સ્ત્રીના તંબુમાં આશરો લીધો. તે સૂતો હતો ત્યારે યાએલે તેને મારી નાખ્યો. આમ, દબોરાહે પહેલાં ભવિષ્યવાણી કહી હતી, તેમ એ જીતનો “જશ” યાએલને મળ્યો. દબોરાહ, બારાક અને યાએલ હિંમતથી વર્ત્યા એના લીધે, ‘ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.’ (ન્યા. ૪:૧-૯, ૧૪-૨૨; ૫:૨૦, ૨૧, ૩૧) ઘણાં ઈશ્વરભક્તોએ એવો વિશ્વાસ અને હિંમત બતાવ્યાં છે.
આપણા શબ્દો હિંમત જગાડી શકે
૧૦. કેવી રીતે કહી શકીએ કે આપણા શબ્દોથી બીજાઓને હિંમત મળે છે?
૧૦ આપણા શબ્દો ભાઈ-બહેનોમાં હિંમત જગાડી શકે છે. ઈ.સ. પૂર્વે ૧૧મી સદીમાં રાજા દાઊદે પોતાના દીકરા સુલેમાનને કહ્યું: “બળવાન તથા ખૂબ હિંમતવાન થઈને એ કામ કર; બીશ નહિ, ને ગભરાઈશ પણ નહિ; કેમ કે યહોવા ઈશ્વર, હા, મારો ઈશ્વર તારી સાથે છે; યહોવાના મંદિરની સર્વ સેવાનું કામ સંપૂર્ણ થતાં સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહિ, ને તને તજી દેશે નહિ.” (૧ કાળ. ૨૮:૨૦) સુલેમાને ઘણી હિંમત બતાવી અને યરુશાલેમમાં યહોવા માટે ભવ્ય મંદિર બાંધ્યું.
૧૧. ઈસ્રાએલી છોકરીએ હિંમતપૂર્વક જે કહ્યું એનાથી એક માણસના જીવન પર કેવી અસર થઈ?
૧૧ ઈ.સ. પૂર્વે દસમી સદીમાં, એક નાની ઈસ્રાએલી છોકરીએ હિંમત બતાવી. તેની હિંમતથી એક કોઢ થયેલી વ્યક્તિ સાજી થઈ. એ છોકરીને સીરિયાની એક ટોળકી ઊપાડી ગઈ હતી. પછી, તે સીરિયાના લશ્કરના અધિકારી નાઅમાનને ત્યાં દાસી તરીકે કામ કરવા લાગી. તેના માલિકને કોઢ થયો હતો. એ નાની છોકરીને ખબર હતી કે એલીશા યહોવાની શક્તિ વડે ચમત્કારો કરતા હતા. એટલે, તેણે પોતાની શેઠાણીને કહ્યું કે જો તેમના પતિ નાઅમાન, ઈસ્રાએલ જશે તો ઈશ્વરના પ્રબોધક તેમને સાજા કરશે. નાઅમાન ઈસ્રાએલ ગયા અને ચમત્કારથી સાજા થયા. પછી, તે યહોવાની ભક્તિ કરવા લાગ્યા. (૨ રાજા. ૫:૧-૩, ૧૦-૧૭) શું તમે યુવાન છો? પેલી નાની છોકરીની જેમ શું તમને પણ યહોવા માટે પ્રેમ છે? જો એમ હોય તો ચોક્કસ યહોવા તમને હિંમત આપશે. એનાથી તમે સાથે ભણતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બીજા લોકોને સાક્ષી આપી શકશો.
૧૨. રાજા હિઝકીયાહના શબ્દોની લોકો પર કેવી અસર થઈ?
૧૨ યોગ્ય શબ્દો કહેવાથી કોઈને પણ સંકટના સમયે હિંમત મળી શકે. ઈ.સ. પૂર્વે આઠમી સદીમાં, આશ્શૂરના લશ્કરે યરૂશાલેમ પર ચઢાઈ કરી, ત્યારે હિઝકીયાહ રાજાએ લોકોને કહ્યું: ‘બળવાન તથા હિંમતવાન થાઓ. આશ્શૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ડરશો નહિ, તેમ ગભરાશો પણ નહિ. કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જે છે, તે વધારે મોટો છે. તેની સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવાને તથા યુદ્ધો લડવાને આપણી સાથે ઈશ્વર યહોવા છે.’ આ શબ્દોની લોકો પર કેવી અસર થઈ? બાઇબલ જણાવે છે: “યહુદાહના રાજા હિઝકીયાહના બોલવા પર લોકોએ ભરોસો રાખ્યો.” (૨ કાળ. ૩૨:૭, ૮) એવી જ રીતે, સતાવણીમાં આવાં ઉત્તેજનભર્યા શબ્દોથી પોતાને અને બીજા ભાઈ-બહેનોને હિંમત મળે છે.
૧૩. ઓબાદ્યાએ કેવી રીતે હિંમત બતાવી?
૧૩ અમુક વખતે ચૂપ રહીને પણ હિંમત બતાવી શકાય. દાખલા તરીકે, ઈ.સ. પૂર્વે દસમી સદીમાં, રાજા આહાબના કારભારી ઓબાદ્યાએ ચૂપ રહીને હિંમત બતાવી. તેમણે યહોવાના સોએક પ્રબોધકોને “પચાસ પચાસની ટોળી” કરીને ગુફામાં સંતાડી રાખ્યા. કારણ કે દુષ્ટ રાણી ઇઝેબેલ તેઓને મારી નાંખવા ચાહતી હતી. (૧ રાજા. ૧૮:૪) આજે પણ યહોવાના ઘણાં વિશ્વાસુ ભક્તો ઓબાદ્યાની જેમ વર્તે છે. સતાવણીમાં અધિકારીઓ આપણા ભાઈ-બહેનો પર બીજા સાક્ષીઓની માહિતી આપવા દબાણ કરે છે. પરંતુ, તેઓ ચૂપ રહીને ઘણી હિંમત બતાવે છે.
એસ્તેર—હિંમતવાન રાણી
૧૪, ૧૫. એસ્તેર રાણીએ કઈ રીતે હિંમત અને વિશ્વાસ બતાવ્યાં? એનું શું પરિણામ આવ્યું?
૧૪ રાણી એસ્તેરે પણ ઘણો વિશ્વાસ અને હિંમત બતાવ્યાં. ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં, દુષ્ટ હામાને ઈરાનના આખા રાજ્યમાંથી યહુદીઓને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. યહુદીઓએ જ્યારે એ સાંભળ્યું ત્યારે શોક અને ઉપવાસ કર્યા. તેઓએ યહોવાને દિલથી પ્રાર્થના પણ કરી. (એસ્તે. ૪:૧-૩) યહુદીઓ માટે એસ્તેર રાણી પણ ઘણી ઉદાસ હતી. મોર્દખાય તેમના સગા હતા. યહુદીઓની કત્લેઆમ થવાની હતી, એ વિષેનું ફરમાન તેમણે એસ્તેર રાણીને મોકલ્યું. તેમણે એસ્તેરને રાજા આગળ જઈને પોતાના લોકોનો જીવ બચાવવા માટે આજીજી કરવા પણ કહ્યું. પરંતુ, જો કોઈ રાજાને મળવા આમંત્રણ વગર જાય, તો મરણની સજા પામતું.—એસ્તે. ૪:૪-૧૧.
૧૫ મોર્દખાય, એસ્તેરને કહે છે ‘જો તું આ સમયે શાંત બેસી રહેશે તો યહુદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગાએથી મળશે.’ એસ્તેર મોર્દખાયને અરજ કરે છે કે તે યહુદીઓને સૂસા નામની જગ્યામાં ભેગા કરે અને ત્યાં તેઓ એસ્તેર માટે ઉપવાસ કરે. એસ્તેર કહે છે કે હું પણ ‘એવી જ રીતે ઉપવાસ કરીશ. જોકે, એ નિયમ વિરુદ્ધ છે, તોપણ હું રાજાની હજૂરમાં જઈશ; જો મારો નાશ થાય, તો ભલે થાય.’ (એસ્તે. ૪:૧૨-૧૭) એસ્તેરે હિંમતથી કામ લીધું. તેમના નામનું બાઇબલ પુસ્તક જણાવે છે કે યહોવાએ પોતાના લોકોને છોડાવ્યા. આપણા દિવસોમાં પણ અભિષિક્ત જનો અને તેમને સાથ આપતા બીજા ભાઈ-બહેનો સતાવણીમાં એવી જ હિંમત બતાવે છે. “પ્રાર્થનાના સાંભળનાર” ઈશ્વર હંમેશા તેઓને સાથ આપે છે.—ગીતશાસ્ત્ર ૬૫:૨; ૧૧૮:૬ વાંચો.
“હિંમત રાખો”
૧૬. યુવાનો ઈસુના દાખલામાંથી શું શીખી શકે?
૧૬ પહેલી સદીના એક બનાવનો વિચાર કરો. ઈસુ બાર વર્ષના હતા, ત્યારે તે મંદિરમાં ‘ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતા તથા તેઓને સવાલો પૂછતા દેખાયા.’ વધુમાં, ‘જેઓએ તેમનું સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી નવાઈ પામ્યાં.’ (લુક ૨:૪૧-૫૦) ઈસુ નાના હતા છતાં, તે હિંમતથી અને પૂરા વિશ્વાસથી મંદિરના ધર્મગુરુઓને જવાબ આપી શક્યા. આજે મંડળના યુવાનો પણ ઈસુના દાખલાને ધ્યાનમાં રાખીને મદદ મેળવી શકે. આપણી આશા વિષે જો કોઈ ‘ખુલાસો માગે, તો તેને નમ્રતાથી તથા સત્યતાથી જવાબ આપવાને સદા’ તૈયાર રહો.—૧ પીત. ૩:૧૫.
૧૭. ઈસુએ શા માટે શિષ્યોને અરજ કરી કે “હિંમત રાખો”? આપણે કેમ હિંમતથી વર્તવાની જરૂર છે?
૧૭ ઈસુએ શિષ્યોને અરજ કરી કે “હિંમત રાખો.” (માથ. ૯:૨, ૨૨) તેમણે શિષ્યોને કહ્યું કે, “જુઓ, એવી ઘડી આવે છે, હા, હમણાં આવી છે કે જ્યારે તમે દરેક માણસ પોત-પોતાનાની તરફ વિખેરાઈ જશો, અને મને એકલો મૂકશો; તો પણ હું એકલો નથી, કેમ કે બાપ મારી સાથે છે. મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે; જગતમાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.” (યોહા. ૧૬:૩૨, ૩૩) ઈસુના શિષ્યોને લોકો નફરત કરતા હતા, એમ આજે પણ લોકો આપણને નફરત કરે છે. આપણે દુનિયાના લોકો જેવા બનવું જોઈએ નહિ. ઈસુએ બતાવેલી હિંમત પર વિચાર કરવાથી, આપણે પણ દુષ્ટ જગતમાં હિંમત બતાવી શકીએ છીએ. તેમણે જગતને જીત્યું છે, એવી જ રીતે આપણે પણ જીતી શકીએ છીએ.—યોહા. ૧૭:૧૬; યાકૂ. ૧:૨૭.
૧૮, ૧૯. પ્રેરિત પાઊલે કઈ રીતે હિંમત અને વિશ્વાસની સાબિતી આપી?
૧૮ પ્રેરિત પાઊલે પણ ઘણી કસોટીઓ સહી હતી. એક વખતે યરૂશાલેમમાં, રોમન સૈનિકોએ તેમને બચાવ્યા ન હોત, તો યહુદીઓએ તેમને મારી નાખ્યા હોત. ‘એ જ રાત્રે પ્રભુએ તેમની પાસે ઊભા રહીને કહ્યું, કે હિંમત રાખ; કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે.’ (પ્રે.કૃ. ૨૩:૧૧) પાઊલે એમ જ કર્યું.
૧૯ પોતાને “સહુથી ઉત્તમ પ્રેરિતો” ગણતા હતા, તેઓને પાઊલે ડર્યા વગર ઠપકો આપ્યો. તેઓ કોરીંથ મંડળમાં ખોટા વિચારો ફેલાવતા હતા. (૨ કોરીં. ૧૧:૫; ૧૨:૧૧) એ પ્રેરિતો ખોટા હતા. પરંતુ, પાઊલ પોતે ખરા પ્રેરિત છે, એની સાબિતી આપી શકતા હતા. કેમ કે, તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા, જોખમવાળી મુસાફરી કરી હતી, ભૂખ્યા-તરસ્યા રહ્યા હતા, ઘણી રાતો ઊંઘ વગરની કાઢી હતી. તેમણે બીજા ઘણા જોખમો પણ સહ્યાં હતાં. ઉપરાંત, તેમને સાથી ભાઈ-બહેનોની ઘણી ચિંતા હતી. (૨ કોરીંથી ૧૧:૨૩-૨૮ વાંચો.) સાચે જ, પાઊલે જોરદાર હિંમત અને વિશ્વાસ બતાવ્યા હતા. એ પુરાવો હતો કે ઈશ્વરે તેમને શક્તિ આપી હતી.
૨૦, ૨૧. (ક) દાખલો આપીને સમજાવો કે શા માટે આપણે હિંમત કેળવવાની જરૂર છે. (ખ) કેવા સંજોગોમાં હિંમત બતાવવી પડે છે? આપણે શાની ખાતરી રાખી શકીએ?
૨૦ જોકે, દરેક ઈશ્વરભક્તને સખત સતાવણીઓ સહેવી પડતી નથી. છતાં, દરેકે જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા હિંમત કેળવવી જોઈએ. એ સમજવા બ્રાઝિલમાં રહેતા એક યુવાનનો વિચાર કરો. તે કાળા ધંધા કરતી એક ગેંગનો સભ્ય હતો. પરંતુ, બાઇબલનો અભ્યાસ કર્યા પછી તેને જીવનમાં ફેરફાર કરવાની જરૂર લાગી. પણ, તેની સામે એક પડકાર હતો. જે કોઈ એ ગેંગ છોડતું તેને મારી નાખવામાં આવતો. તેણે પ્રાર્થના કરી અને બાઇબલનો ઉપયોગ કરીને તેના બોસને સમજાવ્યું કે તે શા માટે ગેંગ છોડવા માગે છે. એ યુવાનને કોઈ પણ સજા વગર છૂટો કરી દેવામાં આવ્યો. હવે તે દિલ લગાવીને યહોવાની ભક્તિ કરે છે.
૨૧ ખુશખબર ફેલાવવા હિંમતની ઘણી જરૂર પડે છે. સ્કૂલમાં ભણતા યુવાન સાક્ષીઓને વિશ્વાસમાં મક્કમ રહેવા હિંમતની ખાસ જરૂર પડે છે. સંમેલનો માટે નોકરી પરથી રજા માંગવા હિંમતની જરૂર પડે છે. એવી અનેક બાબતો છે, જેમાં હિંમતની જરૂર પડે છે. જીવનમાં ભલે ગમે તેવી મુશ્કેલીઓ આવે, યહોવા આપણી “વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના” સાંભળે છે. (યાકૂ. ૫:૧૫) ચોક્કસ, તે પોતાની પવિત્ર શક્તિ આપશે, જેનાથી આપણે “બળવાન તથા બહુ હિંમતવાન” થઈ શકીશું. (w12-E 02/15)
[પાન ૧૯ પર ચિત્ર]
દુષ્ટ જગતમાં હનોખે હિંમતથી ઈશ્વરનો સંદેશો જાહેર કર્યો
[પાન ૨૦ પર ચિત્ર]
યાએલ હિંમતવાન અને બળવાન હતી