વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૧/૧૫ પાન ૭-૧૧
  • હિંમતવાન થાઓ યહોવા તમારી સાથે છે!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હિંમતવાન થાઓ યહોવા તમારી સાથે છે!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોશુઆની સાથે યહોવા હતા
  • આપણે કેવી રીતે સફળ થઈ શકીએ
  • ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા તેઓએ હિંમત બતાવી
  • ઘણાએ પોતાનું જીવન જોખમમાં નાખ્યું!
  • યાદ રાખો, યહોવા આપણી સાથે છે!
  • ‘બળવાન તથા બહુ હિંમતવાન થાઓ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • ‘બળવાન તથા હિંમતવાન થાઓ!’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • હિંમતવાન બનો અને યહોવાનું કામ પૂરું કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • યહોવા, તું હિંમત આપ!
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૧/૧૫ પાન ૭-૧૧
[પાન ૭ પર ચિત્ર]

હિંમતવાન થાઓ યહોવા તમારી સાથે છે!

‘બળવાન તથા હિંમતવાન થા, તારો ઈશ્વર યહોવા તારી સાથે છે.’—યહો. ૧:૯.

તમે કેવો જવાબ આપશો?

  • શ્રદ્ધા અને હિંમત જાળવી રાખવા યહોશુઆએ શું કરવાનું હતું?

  • હિંમત બતાવતાં કયાં ઉદાહરણો તમને ગમ્યાં?

  • શ્રદ્ધા અને હિંમતનો કોનો દાખલો, તમને પ્રચાર કરવા મદદ કરશે?

૧, ૨. (ક) મુશ્કેલીઓનો સામનો કરવા કેવા ગુણો મદદ કરશે? (ખ) તમારા મને શ્રદ્ધા એટલે શું? સમજાવો.

યહોવાની ભક્તિ કરવાથી આપણને આનંદ મળે છે. જોકે, મનુષ્યો પર આવતી તકલીફોનો આપણે સામનો કરવો પડે છે. તેમ જ, “ન્યાયીપણાને માટે સહન” પણ કરવું પડી શકે. (૧ પીત. ૩:૧૪; ૫:૮, ૯; ૧ કોરીં. ૧૦:૧૩) આવી મુશ્કેલીઓનો સામનો કરવા આપણને શ્રદ્ધા અને હિંમતની જરૂર છે.

૨ શ્રદ્ધા કે વિશ્વાસ એટલે શું? પ્રેરિત પાઊલે લખ્યું: “વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” (હિબ્રૂ ૧૧:૧) ‘આશા રાખીએ’ માટે વપરાયેલો ગ્રીક શબ્દ ઘણી વાર વેપાર-ધંધાના દસ્તાવેજોમાં વપરાતો. તેમ જ, એ શબ્દ ખાતરી અપાવતો કે ખરીદેલી વસ્તુ ભાવિમાં તમારી માલિકની થશે. એવી જ રીતે, જેઓને શ્રદ્ધા છે કે ઈશ્વર પોતાનાં બધાં વચનો પૂરાં કરશે, તેઓ જરૂર પોતાની આશા પૂરી થતા જોશે. આપણી શ્રદ્ધા ખાતરી અપાવે છે કે બાઇબલમાં આપેલાં વચનો, જેની આપણે આશા રાખીએ છીએ, એ જરૂર પૂરાં થશે. યહોવાએ બાઇબલમાં જે કંઈ લખાવ્યું છે એ ચોક્કસ થશે. અરે, આપણે જોઈ શકતા નથી એવી બાબતો પણ પૂરી થશે.

૩, ૪. (ક) હિંમત એટલે શું? (ખ) શ્રદ્ધા અને હિંમત મજબૂત કરવાની એક રીતે કઈ છે?

૩ જ્યારે આપણે અઘરા કે ખતરનાક સંજોગોમાં આવી પડીએ, ત્યારે ડર્યા વગર બોલવું કે વર્તવું એ હિંમત કહેવાય. જો આપણામાં હિંમત હશે તો ગભરાઈશું નહિ અને બહાદુર બનીશું.—માર્ક ૬:૪૯, ૫૦; ૨ તીમો. ૧:૭.

૪ આપણે બધા શ્રદ્ધા અને હિંમત કેળવવા ચાહીએ છીએ. પણ કદાચ એમ લાગે કે આપણને વધારે શ્રદ્ધાની જરૂર છે અને પોતાનામાં હિંમત નથી, તો શું? બાઇબલમાં હજારો ઈશ્વરભક્તોનાં ઉદાહરણ જોવા મળે છે, જેઓએ એ ગુણો બતાવ્યા હતા. એટલે, શ્રદ્ધા અને હિંમત મજબૂત કરવાની એક રીતે એ છે કે આપણે એમાંથી અમુક ઉદાહરણોનો વિચાર કરીએ.

યહોશુઆની સાથે યહોવા હતા

૫. પોતાની જવાબદારીમાં સફળ થવા યહોશુઆને કેવા ગુણોની જરૂર હતી?

૫ ચાલો ઇતિહાસમાં ૩,૫૦૦ વર્ષ પાછળ જઈએ. યહોવાએ પોતાની શક્તિથી લાખો ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા, એનાં ૪૦ વર્ષ પસાર થઈ ગયા છે. પ્રબોધક મુસા તેઓના આગેવાન છે. ૧૨૦ વર્ષની ઉંમરે તે વચનનો દેશ દૂરથી જુએ છે અને નબો પર્વત પર મૃત્યુ પામે છે. તેમના પછી યહોશુઆ આગેવાન બને છે. તે ‘જ્ઞાનથી ભરપૂર છે.’ (પુન. ૩૪:૧-૯) ઈસ્રાએલીઓ કનાન દેશ પર કબજો મેળવવાની તૈયારીમાં છે. આગેવાન તરીકે સફળ થવા યહોશુઆને ઈશ્વર પાસેથી મળતા જ્ઞાનની જરૂર પડશે. તેમણે યહોવામાં શ્રદ્ધા રાખવી પડશે. તેમ જ, હિંમતવાન અને બળવાન થવું પડશે.—પુન. ૩૧:૨૨, ૨૩.

૬. (ક) યહોશુઆ ૨૩:૬ પ્રમાણે આપણને શું કરવા હિંમતની જરૂર પડી શકે? (ખ) પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૮-૨૦ અને ૫:૨૯ના શબ્દો આપણને શું શીખવે છે?

૬ કનાન દેશ જીતવા યહોશુઆએ લાંબો સમય યુદ્ધ કર્યું, એ દરમિયાન તેમણે ડહાપણ, હિંમત અને શ્રદ્ધા બતાવી હતી. એ જોઈને ઈસ્રાએલીઓની શ્રદ્ધા ચોક્કસ વધી હશે. તેઓને યુદ્ધમાં લડવા માટે જ નહિ, યહોવાની આજ્ઞાઓ માનવા માટે પણ હિંમતની જરૂર હતી. યહોશુઆએ મરણ પામતા પહેલાં કહ્યું: “મુસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે જે લખેલું છે, તે સર્વ પાળવાને તથા અમલમાં આણવાને ઘણા હિંમતવાન થાઓ, કે તમે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ.” (યહો. ૨૩:૬) આપણને પણ દરેક સમયે યહોવાની આજ્ઞાઓ માનવા હિંમતની જરૂર પડે છે. એમાં એવા સંજોગોનો પણ સમાવેશ થાય છે, જ્યારે માણસો આપણને ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ કરવા કહે. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૮-૨૦; ૫:૨૯ વાંચો.) જો આપણે યહોવાના માર્ગદર્શન માટે પ્રાર્થના કરીએ અને તેમના પર ભરોસો મૂકીએ, તો તે જરૂર આપણને હિંમતવાન બનવા મદદ કરશે.

આપણે કેવી રીતે સફળ થઈ શકીએ

૭. હિંમત બતાવવા અને સફળ થવા, યહોશુઆએ શું કરવાની જરૂર હતી?

૭ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા હિંમત કેળવવી હોય તો, આપણે બાઇબલનો અભ્યાસ કરવો જ જોઈએ. તેમ જ, જે શીખીએ એને લાગુ પાડવું જોઈએ. મુસા પછી યહોશુઆ આગેવાન બન્યા ત્યારે, યહોવાએ તેમને કહ્યું હતું: ‘મારા સેવક મુસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિંમતવાન થા. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ; પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે; કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું સફળ થશે.’ (યહો. ૧:૭, ૮) યહોશુઆએ એ સલાહ પાળી અને ‘તે સફળ થયા.’ જો આપણે પણ એવું કરીશું તો હિંમતવાન થઈશું અને યહોવાની સેવામાં સફળ થઈશું.

૨૦૧૩નું આપણું વાર્ષિક વચન: ‘બળવાન તથા હિંમતવાન થા, તારો ઈશ્વર યહોવા તારી સાથે છે.’—યહોશુઆ ૧:૯

૮. ૨૦૧૩નું વાર્ષિકવચન કઈ કલમમાંથી લેવામાં આવ્યું છે? તમને એ શબ્દો કેવી રીતે મદદ કરશે?

૮ યહોવાએ જે શબ્દો કહ્યા, એ સાંભળીને યહોશુઆ ખૂબ જ હિંમતવાન થયા હશે. યહોવાએ કહ્યું: “બળવાન તથા હિંમતવાન થા; ભયભીત ન થા, ને ગભરાતો મા; કારણ કે જ્યાં કહીં તું જાય છે, ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે છે.” (યહો. ૧:૯) યહોવા આપણી સાથે પણ છે. ભલે આપણા પર મુશ્કેલીઓ આવે તોપણ, આપણે ‘ભયભીત કે ગભરાઈશું નહિ.’ ખાસ કરીને આપણે આ શબ્દો પર ધ્યાન આપવું જોઈએ: ‘બળવાન તથા હિંમતવાન થા, તારો ઈશ્વર યહોવા તારી સાથે છે.’ યહોશુઆ ૧:૯ના એ શબ્દો ૨૦૧૩ના વાર્ષિકવચન માટે પસંદ કરવામાં આવ્યા છે. એ શબ્દો આવતા મહિનાઓમાં આપણને ઘણી હિંમત આપશે. એ ઉપરાંત જેઓએ શ્રદ્ધા અને હિંમત બતાવી હતી એવા ઈશ્વરભક્તોનાં વાણી-વર્તનમાંથી પણ ઉત્તેજન મળશે.

ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા તેઓએ હિંમત બતાવી

૯. રાહાબે કઈ રીતે શ્રદ્ધા અને હિંમત બતાવી?

૯ યહોશુઆએ બે જાસૂસોને કનાનમાં મોકલ્યા ત્યારે રાહાબ, જે વેશ્યા હતી, તેણે તેઓને સંતાડ્યા અને તેઓના દુશ્મનોને ગેરમાર્ગે દોર્યા. રાહાબે શ્રદ્ધા અને હિંમત બતાવી હોવાથી, ઈસ્રાએલીઓએ જ્યારે યરેખોનો નાશ કર્યો ત્યારે તે અને તેના ઘરના બધા બચી ગયા. (હિબ્રૂ ૧૧:૩૦, ૩૧; યાકૂ. ૨:૨૫) એમાં કોઈ શંકા નથી કે યહોવાને ખુશ કરવા રાહાબે ખોટાં કામ છોડી દીધાં. અમુક લોકો જેઓ ખ્રિસ્તી બન્યા, તેઓએ પણ શ્રદ્ધા અને હિંમત બતાવી અને જીવનમાં ફેરફારો કર્યાં, જેથી ઈશ્વરને ખુશ કરી શકે.

૧૦. રૂથે કયા સંજોગોમાં સાચી ભક્તિ માટે હિંમત બતાવી? એનાથી તેમને કેવા આશીર્વાદ મળ્યા?

૧૦ યહોશુઆના મૃત્યુના અમુક સમય પછી, મોઆબી સ્ત્રી રૂથે સાચી ભક્તિ માટે હિંમત બતાવી. તે એક ઈસ્રાએલી સાથે પરણ્યા હતાં, એટલે યહોવા વિશે કદાચ તે કંઈક તો જાણતા જ હશે. રૂથનાં સાસુ નાઓમી મોઆબમાં રહેતા હતાં. પણ નાઓમીના પતિ અને દીકરાઓ મરણ પામ્યા હોવાથી, તેમણે ઈસ્રાએલના શહેર બેથલેહેમમાં પાછા જવાનું નક્કી કર્યું. રસ્તામાં, નાઓમીએ રૂથને પોતાના લોકો સાથે જતાં રહેવા અરજ કરી. પણ રૂથે કહ્યું: “તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર; કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની; અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની; તારા લોક તે મારા લોક, ને તારો ઈશ્વર તે મારો ઈશ્વર થશે.” (રૂથ ૧:૧૬) રૂથ પોતાના નિર્ણયમાં મક્કમ હતાં. સમય જતાં, નાઓમીના સગા બોઆઝે રૂથ સાથે લગ્‍ન કર્યાં. રૂથે પુત્રને જન્મ આપ્યો, આમ તે દાઊદ અને ઈસુના પૂર્વજ બન્યાં. સાચે જ, શ્રદ્ધા અને હિંમતનાં કાર્યને યહોવા આશીર્વાદ આપે છે.—રૂથ ૨:૧૨; ૪:૧૭-૨૨; માથ. ૧:૧-૬.

ઘણાએ પોતાનું જીવન જોખમમાં નાખ્યું!

૧૧. યહોયાદા અને યહોશેબાએ કઈ રીતે હિંમત બતાવી? એનું શું પરિણામ આવ્યું?

૧૧ જેઓ ઈશ્વરની ઇચ્છાને પ્રથમ રાખવા અને સાથી ભાઈ-બહેનોનું રક્ષણ કરવા, પોતાનું જીવન જોખમમાં નાંખે છે, તેઓ સાથે યહોવા છે. એ જોઈને આપણી શ્રદ્ધા અને હિંમત પણ વધે છે. દાખલા તરીકે, પ્રમુખ યાજક યહોયાદા અને તેમની પત્ની યહોશેબાનો વિચાર કરો. રાજા અહાઝ્યાહના મૃત્યુ પછી તેમની માતા અથાલ્યાહે, યોઆશ સિવાય રાજાનાં બાકી રહેલાં બધા સંતાનોને મારી નંખાવ્યા અને રાજગાદી મેળવી લીધી. યહોયાદા અને યહોશેબાએ પોતાનું જીવન જોખમમાં નાંખીને, અહાઝ્યાહના પુત્ર યોઆશને બચાવ્યો અને છ વર્ષ સુધી સંતાડી રાખ્યો. સાતમે વર્ષે યહોયાદાએ રાજકુમાર યોઆશને રાજા બનાવ્યો અને અથાલ્યાહને મારી નાંખવાનો હુકમ કર્યો. (૨ રાજા. ૧૧:૧-૧૬) સમય જતાં, યહોયાદાએ રાજા યોઆશને મંદિરનું સમારકામ કરવા સાથ આપ્યો. યહોયાદા ૧૩૦ વર્ષની ઉંમરે મરણ પામ્યા ત્યારે, તેમને રાજાઓ સાથે દફનાવવામાં આવ્યા, ‘કેમ કે તેમણે ઈસ્રાએલમાં તથા ઈશ્વરના અને મંદિરના સંબંધમાં સારી સેવા બજાવી હતી.’ (૨ કાળ. ૨૪:૧૫, ૧૬) વધુમાં, યહોયાદા અને તેમની પત્નીએ હિંમતથી દાઊદનો રાજવંશ બચાવી રાખ્યો, જેમાંથી મસીહ આવવાના હતા.

૧૨. એબેદ-મેલેખે કેવી રીતે હિંમત બતાવી?

૧૨ રાજા સિદકીયાહના મહેલમાં એબેદ-મેલેખ કામ કરતા હતા. તેમણે યિર્મેયાને બચાવવા પોતાનું જીવન જોખમમાં નાખ્યું હતું. યહુદાના રાજકુમારોએ રાજાને કહ્યું કે સૈનિકો અને બધા લોકોને યિર્મેયા નાહિંમત કરે છે. રાજાએ તેઓને યિર્મેયા સાથે ગમે એ રીતે વર્તવા પરવાનગી આપી દીધી. એટલે તેઓએ યિર્મેયાને એક કાદવવાળા ટાંકામાં નાંખી દીધો. (યિર્મે. ૩૮:૪-૬) લોકોને યિર્મેયા માટે ઘણી નફરત હતી તોપણ, એબેદ-મેલેખે પોતાનો જીવ જોખમમાં નાખીને, રાજા સાથે યિર્મેયાની વાત કરી. રાજાએ તેમની વાત સાંભળી અને યિર્મેયાને બચાવવા, તેમની સાથે ત્રીસ માણસોને મોકલ્યાં. પછી યિર્મેયા દ્વારા યહોવાએ એબેદ-મેલેખને વચન આપ્યું કે યરૂશાલેમ જ્યારે બાબેલોનીઓથી નાશ પામશે, ત્યારે તે બચી જશે. (યિર્મે. ૩૯:૧૫-૧૮) જેઓ યહોવાની ઇચ્છા પ્રમાણે કરવા હિંમત બતાવે છે, તેઓને તે આશીર્વાદ આપે છે.

૧૩. ત્રણ હિબ્રૂ ભક્તોએ કેવી રીતે હિંમત બતાવી? તેમના અનુભવથી આપણને કેવી રીતે લાભ થાય છે?

૧૩ આજથી લગભગ ૨,૬૦૦ વર્ષ પહેલાં, યહોવાના ત્રણ હિબ્રૂ ભક્તોએ શ્રદ્ધા અને હિંમત બતાવી, એ માટે તેઓને આશીર્વાદો મળ્યા હતા. નબૂખાદનેસ્સાર રાજાએ બાબેલોનના સર્વ આગળ પડતા પુરુષોને ભેગા કર્યા અને આજ્ઞા કરી કે સોનાની ઊંચી મૂર્તિની ઉપાસના કરે. જે કોઈ એમ નહિ કરે, તેને અગ્‍નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. પણ ત્રણ હિબ્રૂ ભક્તોએ માનથી નબૂખાદનેસ્સારને કહ્યું: “અમારો ઈશ્વર, જેની અમે ઉપાસના કરીએ છીએ, તે અમને બળતા અગ્‍નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે; અને હે રાજા, તે અમને આપના હાથમાંથી છોડાવશે. પણ જો નહિ છોડાવે, તોપણ, હે રાજા, આપે ખચીત જાણવું, કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહિ, તેમ જ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહિ.” (દાની. ૩:૧૬-૧૮) એ ત્રણ ભક્તોનો અદ્‍ભૂત રીતે બચાવ થયો, એની વિગતવાર માહિતી દાનીયેલ ૩:૧૯-૩૦માં જોવા મળે છે. કદાચ આપણને અગ્‍નિની ભઠ્ઠીમાં નાંખી દેવાની ધમકી ન મળે, પણ આપણી શ્રદ્ધાની કસોટી તો થાય છે. આપણે ખાતરી રાખી શકીએ કે શ્રદ્ધા અને હિંમત બતાવીશું તો ઈશ્વર આશીર્વાદો આપશે.

૧૪. દાનીયેલના છઠ્ઠા અધ્યાય પ્રમાણે, દાનીયેલે કેવી રીતે હિંમત બતાવી? એનું શું પરિણામ આવ્યું?

૧૪ દાનીયેલના દુશ્મનોએ રાજા દાર્યાવેશને હુકમ ફરમાવવા કહ્યું કે “જે કોઈ ત્રીસ દિવસ સુધી આપના સિવાય કોઈ ઈશ્વરની કે માણસની પાસે અરજ ગુજારે, તેને સિંહોના બીલમાં નાખવામાં આવે.” દાનીયેલે એવા સંજોગોમાં પણ શ્રદ્ધા અને હિંમત બતાવી. દાનીયેલે સાંભળ્યું કે એ હુકમ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે, ‘તે પોતાના ઘરે ગયા; તેમના ઓરડાની બારીઓ તો યરુશાલેમ તરફ ઉઘાડી રહેતી હતી; અને તે અગાઉ કરતા હતા તેમ, દિવસમાં ત્રણ વાર ઘૂંટણે પડીને પ્રાર્થના કરી, ને પોતાના ઈશ્વરની ઉપકારસ્તુતિ કરી.’ (દાની. ૬:૬-૧૦) હિંમતવાન દાનીયેલને સિંહોના બીલમાં નાંખવામાં આવ્યા. પણ યહોવાએ તેમને બચાવી લીધા.—દાની. ૬:૧૬-૨૩.

૧૫. (ક) આકુલા અને પ્રિસ્કીલાએ શ્રદ્ધા અને હિંમત બતાવવાનો કેવો દાખલો બેસાડ્યો? (ખ) યોહાન ૧૩:૩૪માં ઈસુના શબ્દો શું બતાવે છે? ઘણા ખ્રિસ્તીઓએ એવો પ્રેમ કેવી રીતે બતાવ્યો છે?

૧૫ આકુલા અને પ્રિસ્કીલાએ ‘પાઊલના જીવ માટે પોતાની ગરદનો ધરી હતી.’ પણ બાઇબલ એ નથી જણાવતું કે તેઓએ કયા સંજોગોમાં એમ કર્યું હતું. (પ્રે.કૃ. ૧૮:૨; રોમ. ૧૬:૩, ૪) ઈસુના આ શબ્દો પ્રમાણે તેઓ હિંમતથી વર્ત્યા: “હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો.” (યોહા. ૧૩:૩૪) મુસાના નિયમ પ્રમાણે, વ્યક્તિએ પોતાની જેમ બીજાઓને પણ પ્રેમ બતાવવાનો હતો. (લેવી. ૧૯:૧૮) બીજાઓને પ્રેમ બતાવવા માટે ઈસુની આજ્ઞા કેમ “નવી” હતી? કેમ કે એમાં ઈસુએ આપણને જણાવ્યું છે કે બીજા પર પ્રેમ બતાવવા માટે પોતાનો જીવ પણ આપી દેવાની તૈયારી બતાવીએ, જેમ તેમણે કરી બતાવ્યું. ઘણાં ભાઈ-બહેનોએ ‘પોતાની ગરદનો ધરીને’ પ્રેમ બતાવ્યો છે. દુશ્મનોએ કરેલા જુલમ, અરે મોતના મોંમાંથી પણ તેઓએ ભાઈ-બહેનોને બચાવ્યાં છે.—૧ યોહાન ૩:૧૬ વાંચો.

પહેલી સદીના ખ્રિસ્તીઓએ રોમન સમ્રાટને ભજવાનો ઇન્કાર કર્યો

૧૬, ૧૭. શ્રદ્ધાની કેવી કસોટી પહેલી સદીના ખ્રિસ્તીઓએ સહી હતી? કેવી રીતે આપણા સમયના ખ્રિસ્તીઓએ પણ એવી જ સતાવણીનો સામનો કર્યો?

૧૬ ઈસુની જેમ પહેલી સદીના ખ્રિસ્તીઓએ પણ, ફક્ત યહોવાની ભક્તિ કરવા હિંમત બતાવી. (માથ. ૪:૮-૧૦) રોમન સમ્રાટના માનમાં ધૂપ બાળવાનો તેઓએ ઇન્કાર કર્યો. (ચિત્ર જુઓ.) આ સંબંધી ડેનિયલ પી. મેનિક્સે લખ્યું: “ખ્રિસ્તી કેદીઓની સગવડ માટે અખાડામાં સળગતી વેદી રાખવામાં આવી હતી. તેમ છતાં, બહુ જ થોડા ખ્રિસ્તીઓએ પોતાની શ્રદ્ધા તોડી. તેઓએ ફક્ત ચપટીભર ધૂપ અગ્‍નિમાં નાખવાનો હતો અને તેને ‘બલિદાનનું પ્રમાણપત્ર’ આપીને મુક્ત કરવામાં આવતો. તેમ જ, તેને કાળજીપૂર્વક સમજાવવામાં આવતું કે તે સમ્રાટની ભક્તિ કરતો નથી, ફક્ત રોમન રાજના આગેવાન તરીકે તેને સ્વીકારે છે, જે ઈશ્વર સમાન છે. તોપણ, મોટા ભાગના ખ્રિસ્તીઓએ છટકવાની એ તકનો લાભ લીધો નહિ.”—ધોઝ અબાઉટ ટુ ડાઈ.

૧૭ જે યહોવાના સાક્ષીઓને નાઝી જુલમી છાવણીઓમાં નાખવામાં આવ્યા હતા, તેઓને એમાંથી છૂટવાની અને જીવન બચાવવાની ઘણી તક આપવામાં આવી હતી. તેઓએ ફક્ત કાગળ પર સહી કરવાની હતી, જેમાં લખેલું હતું કે તેઓ હવેથી યહોવાની ભક્તિ નહિ કરે. પણ બહુ થોડાએ સહી કરી. હાલના સમયમાં, રુવાન્ડામાં હુતુ અને તુત્સી જાતિના સાક્ષીઓએ પોતાનો જીવ જોખમમાં નાખીને એકબીજાને કત્લેઆમથી બચાવ્યા હતા. આવી કસોટી હિંમત અને શ્રદ્ધા માંગી લે છે.

યાદ રાખો, યહોવા આપણી સાથે છે!

૧૮, ૧૯. શ્રદ્ધા અને હિંમત બતાવતાં બાઇબલનાં કયાં ઉદાહરણો આપણને પ્રચારકાર્યમાં લાગુ રહેવા મદદ કરશે?

૧૮ ઈશ્વરે પોતાના રાજ્યનો સંદેશો જાહેર કરવાનું અને શિષ્ય બનાવવાનું કામ પોતાના ભક્તોને સોંપ્યું છે. આ એક સૌથી મોટું કાર્ય છે, જે તેમણે પૃથ્વી પરના પોતાના સેવકોને આપ્યું છે. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) ઈસુએ જે ઉદાહરણ બેસાડ્યું એ માટે આપણે કેટલા આભારી છીએ! ‘તે શહેરેશહેર તથા ગામેગામ ઉપદેશ કરતા તથા ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા ફર્યા.’ (લુક ૮:૧) તેમની જેમ પ્રચાર કરવા આપણને પણ શ્રદ્ધા અને હિંમતની જરૂર છે. ઈશ્વરની મદદથી આપણે પણ નુહની જેમ હિંમતવાન બનીશું. તેમના સમયનું જગત જળપ્રલયમાં નાશ પામવાનું હતું. એવા ‘અધર્મી જગતમાં’ તેમણે “ન્યાયીપણાના ઉપદેશક” તરીકે કામ કર્યું.—૨ પીત. ૨:૪, ૫.

૧૯ પ્રચારમાં લાગુ રહેવા પ્રાર્થના મદદ કરે છે. ઈસુ ખ્રિસ્તના શિષ્યોની સતાવણી થઈ ત્યારે, તેઓએ ‘ઈશ્વરની વાત હિંમતથી બોલવા’ પ્રાર્થના કરી. તેઓની અરજનો જવાબ મળ્યો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૯-૩૧ વાંચો.) જો તમે ઘરે ઘરે જઈને પ્રચાર કરવામાં થોડા શરમાતા હો, તો વધારે હિંમત અને શ્રદ્ધા મેળવવા પ્રાર્થના કરો. તમારી પ્રાર્થનાઓનો યહોવા ચોક્કસ જવાબ આપશે.—ગીતશાસ્ત્ર ૬૬:૧૯, ૨૦ વાંચો.a

૨૦. યહોવાના સેવકો તરીકે આપણને કોનો સાથ છે?

૨૦ આ દુષ્ટ દુનિયામાં આપણા પર સતાવણીઓ આવતી હોવાથી, ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવું અઘરું છે. તેમ છતાં આપણે એકલા નથી. યહોવા આપણી સાથે છે. મંડળના શિર ઈસુ ખ્રિસ્ત પણ આપણી સાથે છે. તેમ જ, દુનિયા ફરતે ૭૦ લાખથી વધુ યહોવાના સાક્ષીઓ આપણી સાથે છે. તેઓ સાથે ચાલો આપણે શ્રદ્ધા બતાવતા રહીએ અને ખુશખબર ફેલાવતા રહીએ. ૨૦૧૩નું વાર્ષિક વચન આપણને એમ કરવા મદદ કરશે: ‘બળવાન તથા હિંમતવાન થા, તારો ઈશ્વર યહોવા તારી સાથે છે.’—યહો. ૧:૯.

a હિંમત બતાવતા વધુ અનુભવો માટે ફેબ્રુઆરી ૧, ૨૦૧૨ના ચોકીબુરજમાં આ લેખ જુઓ: ‘બળવાન તથા બહુ હિંમતવાન થાઓ.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો