વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૨/૧૫ પાન ૧૨-૧૭
  • ગર્વથી કહો કે ‘હું યહોવાહને ભજું છું!’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગર્વથી કહો કે ‘હું યહોવાહને ભજું છું!’
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરના સાચા ભક્તો બનીએ
  • સત્યને માર્ગે ચાલવું સહેલું નથી
  • આપણે હિંમત હારી જઈ શકીએ
  • ઈશ્વરભક્તો જે કદી યહોવાહને ભૂલ્યા નહિ
  • ગર્વથી કહો કે ‘હું યહોવાહની ભક્તિ કરું છું!’
  • તમારી શ્રદ્ધાને જાળવી રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • શું અભિમાની બનવું ખોટું છે?
    સજાગ બનો!—૧૯૯૯
  • નિરાશાનો સામનો કરવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ૯ સારી ઓળખ બનાવો
    સજાગ બનો!—૨૦૧૮
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૨/૧૫ પાન ૧૨-૧૭

ગર્વથી કહો કે ‘હું યહોવાહને ભજું છું!’

‘જે કોઈ અભિમાન કરે તે પ્રભુ યહોવાહમાં અભિમાન કરે.’—૧ કોરીંથી ૧:૩૧.

૧. આજે મોટા ભાગના લોકો કેવા છે?

એક લેખકે કહ્યું: ‘ઘણા લોકો ઈશ્વરમાં માને છે. તેઓની જીભમાં ઈશ્વરનું નામ પણ છે. પણ જોવા જઈએ તો, તેઓને ઈશ્વરની કંઈ પડી નથી.’

૨. (ક) આજે ધર્મને નામે ધતિંગ થાય છે એની લોકો પર શું છાપ પડી છે? (ખ) ઈસુના શબ્દોમાંથી આપણે શું શીખી શકીએ?

૨ આપણને ખબર છે કે આ દુનિયાના છેલ્લા દિવસોમાં લોકો ધાર્મિક હોવાનો ઢોંગ કરશે. (લુક ૧૮:૮) ધર્મ ઘણા લોકોને ગેરમાર્ગે દોરી ગયો છે. તેથી, ઘણા લોકો ધર્મથી કંટાળી ગયા છે. (પ્રકટીકરણ ૧૭:૧૫, ૧૬) પણ આપણે કંટાળવું ન જોઈએ. આપણે કદી યહોવાહની ભક્તિમાં ઠંડા પડવું ન જોઈએ. ઈસુએ પ્રથમ સદીના લાઓદીકીઆ મંડળને અરજ કરી: “તું ટાઢો નથી, તેમ ઊનો પણ નથી; તું ટાઢો અથવા ઊનો થાય એમ હું ચાહું છું. પણ તું હૂંફાળો છે.” (પ્રકટીકરણ ૩:૧૫-૧૮) આપણે તેઓની જેમ ભક્તિમાં નરમ ન થવું જોઈએ. ઘણા લોકો પાસે બાઇબલ તો છે, પણ કદી વાંચતા નથી. આપણે એવું ન કરવું જોઈએ.

ઈશ્વરના સાચા ભક્તો બનીએ

૩. આપણે કઈ રીતે ઈશ્વરને ભજવું જોઈએ?

૩ આપણે કઈ રીતે પૂરા દિલથી ઈશ્વરને ભજી શકીએ? આપણે ઈસુને પગલે ચાલવું જોઈએ. જો ચાલીશું તો આપણે ગર્વથી કહી શકીશું કે, હું ‘યહોવાહની ભક્તિ કરું છું.’ “દેવના સેવક” તરીકે આપણે હોંશથી “સુવાર્તા” ફેલાવીશું. (યશાયાહ ૪૩:૧૦; ૧ કોરીંથી ૩:૯; માત્થી ૨૪:૧૪) આપણે ‘એકબીજા પર પ્રેમ રાખીશું.’ (યોહાન ૧૩:૩૪) આપણે ઈશ્વરનું શિક્ષણ દિલમાં ઉતારીને ‘ખરૂંખોટું પારખીશું.’ (હેબ્રી ૫:૧૪) ઈસુના સાચા શિષ્યો તરીકે, આપણે જગતમાં “જ્યોતિઓ જેવાં” ચમકીશું. (ફિલિપી ૨:૧૫) આપણે હંમેશાં આ જગતમાં ‘સારાં આચરણો’ રાખીશું.—૧ પીતર ૨:૧૨; ૨ પીતર ૩:૧૧, ૧૪.

૪. ઈશ્વરના સાચા ભક્તો બીજું શું કરે છે?

૪ જગતના લોકો અંધકારમાં છે. તેથી “દેવના જીવનથી દૂર છે.” (એફેસી ૪:૧૭, ૧૮) પણ જેમ ઈસુ ‘જગતના ન હતા,’ તેમ આપણે દુનિયાના લોકોથી અલગ છીએ. (યોહાન ૧૭:૧૬) સાચા ભક્તો ‘અધર્મી જીવન અને સાંસારિક વાસનાથી દૂર રહીને ભક્તિભાવ રાખે છે અને પ્રામાણિક જીવન જીવે છે.’—તિતસ ૨:૧૨, IBSI.

૫. “પ્રભુમાં અભિમાન” રાખવાનો અર્થ શું થાય છે?

૫ ઈસુને પગલે ચાલવાથી આપણે પરમાત્માના સાચા ભક્તો બની શકીએ. પછી, જીવનમાં બીજા કોઈનું નહિ, પણ “પ્રભુમાં અભિમાન” રાખીશું. (૧ કોરીંથી ૧:૩૧) અભિમાન? એ કંઈ હોય શકે? હા, આ અભિમાન ખોટું નથી. યહોવાહ કહે છે: “જે કોઈ અભિમાન કરે તે આ વિષે અભિમાન કરે, કે તે સમજીને મને ઓળખે છે, કે હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ કરનાર યહોવાહ છું; કેમ કે એઓમાં મારો આનંદ છે, એમ યહોવાહ કહે છે.” (યિર્મેયાહ ૯:૨૪) યહોવાહને ઓળખવાનું આપણને અભિમાન છે. તેમનું કામ કરવાનો આપણને ગર્વ છે.

સત્યને માર્ગે ચાલવું સહેલું નથી

૬. ઈસુને પગલે ચાલવું કેમ સહેલું નથી?

૬ ઈસુને પગલે ચાલવું સહેલું નથી. અમુક ભાઈ-બહેનો વિચાર કરવા માંડે છે કે, ‘મારે ખ્રિસ્તી રહેવું જોઈએ કે નહિ? મારું જીવન ક્યાં જાય છે? મારે શું કરવું જોઈએ?’ એક યુવાન ભાઈને આવા વિચારો આવ્યા હતા. તેણે કહ્યું: ‘અમુક વાર હું વિચારતો, “હું શા માટે યહોવાહનો સાક્ષી છું?” નાનપણથી હું સત્ય જાણતો હતો. પણ મને લાગ્યું કે આ ધર્મ તો બીજા ધર્મોથી કંઈ જુદો નથી.’ જો આ દુનિયાની હવા ને મોહમાયા આપણા વિચારોને ઘડે, તો છેવટે આ દુનિયાને ઇશારે આપણે નાચીશું.—એફેસી ૨:૨, ૩.

૭. (ક) આજે ઘણા લોકો કોની સલાહ લે છે? (ખ) આપણે કેવી સલાહ પાળવી જોઈએ?

૭ આજે ઘણા લોકો ચિંતા હળવી કરવા માટે અને સ્વભાવ બદલવા માટે દુનિયાની સલાહ લે છે. શું આપણે એવું કંઈ કરવું જોઈએ? ના, કેમ કે દુનિયાની સલાહ નકામી છે. એ આપણી શ્રદ્ધાને પણ નબળી કરી શકે. આપણે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી આપણો ‘વિશ્વાસ ભાંગે.’a (૧ તીમોથી ૧:૧૯) પણ એનો અર્થ એ નથી કે આપણે પોતાના દિલ વિષે તપાસ ન કરવી જોઈએ. આપણે દુનિયાની નજરે નહિ પણ ઈશ્વરની નજરે વિચારવું જોઈએ કે ‘શું હું ખરેખર ઈસુને પગલે ચાલું છું? શું દિલથી યહોવાહની ભક્તિ કરું છું?’ પાઊલે આપણને કહ્યું: “તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો.” (૨ કોરીંથી ૧૩:૫) આપણા વાણી અને વર્તન વિષે પણ વિચારવું જોઈએ. પછી જ્યાં જરૂર પડે ત્યાં ફેરફારો કરવા જોઈએ. આમ, આપણે યહોવાહને પસંદ પડે એવા ભક્તો બનીશું.

આપણે હિંમત હારી જઈ શકીએ

૮, ૯. (ક) મુસાને મહત્ત્વનું કામ મળ્યું ત્યારે તેમને કેવું લાગ્યું? (ખ) મુસાની ચિંતાઓ સાંભળીને યહોવાહે શું કર્યું? (ગ) યહોવાહ આપણને સાથ આપે છે એ જાણીને તમને કેવું લાગે છે?

૮ જો આપણે અમુક વાર હિંમત હારી જઈએ તો શું એનો અર્થ એમ થાય કે આપણે નકામા છીએ? બિલકુલ નહિ! બાઇબલમાં પણ અમુક ઈશ્વરભક્તો પણ હિંમત હારી ગયા હતા. ચાલો આપણે મુસાનો વિચાર કરીએ. જીવનમાં તેમણે ઘણી શ્રદ્ધા બતાવી હતી. તોપણ, જ્યારે યહોવાહે તેમને મહત્ત્વનું કામ સોંપ્યું, ત્યારે તેમણે કહ્યું: ‘હું વળી કોણ’? (નિર્ગમન ૩:૧૧) મુસા હિંમત હારી ગયા હતા! શા માટે? એક તો તે એક મામૂલી ગુલામ જ હતા. બીજું કે, ખુદ ઈસ્રાએલી સમાજે, હા એમના જ ભાઈઓએ તેમનો ઇનકાર કર્યો હતો. ત્રીજું, બોલતી વખતે તે ઘણી વાર અચકાતા. (નિર્ગમન ૧:૧૩, ૧૪; ૨:૧૧-૧૪; ૪:૧૦) વધુમાં, મિસરીઓ ઘેટાંપાળકની નફરત કરતા હતા. અને મુસા ઘેંટાપાળક જ બન્યા. (ઉત્પત્તિ ૪૬:૩૪) આવા બોજા સાથે જીવવું ખૂબ અઘરું હતું.

૯ પણ યહોવાહે મુસાને હિંમત આપી: “હું નિશ્ચે તારી સાથે હોઈશ; અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ તારે માટે એ થશે કે જ્યારે તે લોકોને તું મિસરમાંથી કાઢી લાવે ત્યારે તમે આ પર્વત પર દેવનું ભજન કરશો.” (નિર્ગમન ૩:૧૨) ખરેખર, યહોવાહ મુસાને કહેતા હતા કે ‘ભલે ગમે તે થાય, હું તને સાથ દઈશ. વળી, હું ચોક્કસ મારા લોકોને આઝાદી અપાવીશ.’ યહોવાહે તેમનાં વચનો પાળ્યા. યહોવાહે બીજા અનેક ભક્તોને પણ સાથ આપ્યો છે. ઈસ્રાએલીઓ વચનના દેશમાં ગયા એ પહેલાં જ, યહોવાહે મુસા દ્વારા તેઓને કહ્યું: ‘બળવાન તથા હિંમતવાન થાઓ, કેમ કે જે તમારી સાથે જાય છે તે તો યહોવાહ તમારો દેવ છે; તમને તે છોડી દેશે નહિ ને તમને તજી દેશે નહિ.’ (પુનર્નિયમ ૩૧:૬) યહોવાહે પછી યહોશુઆને કહ્યું: ‘તારા આયુષ્યના સર્વ દિવસભર તને કોઈ હરાવશે નહિ; તારી સાથે હું રહીશ; હું તને તજીશ નહિ, ને તને મૂકી દઈશ નહિ.’ (યહોશુઆ ૧:૫) આજે યહોવાહ આપણને વચન આપે છે: “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” (હેબ્રી ૧૩:૫) એ જાણીને આપણે કેટલા ખુશ થઈએ છીએ.

૧૦, ૧૧. આસાફ ઉદાસીની ખીણમાંથી કેવી રીતે બહાર નીકળ્યો? તેને શું ખબર પડી?

૧૦ હવે આસાફનો વિચાર કરો. તે પણ એક વખત વિચારવા લાગ્યો કે ‘યહોવાહની ભક્તિ કરવામાં શું ફાયદો?’ તેને શા માટે એવું લાગ્યું? કેમ કે આજુ-બાજુના પાપી લોકો સુખી હતા, પણ પોતે દુઃખી હતો. અરે, જેઓએ ઈશ્વરનો ઇનકાર કર્યો હતો, તેઓ તો અમીર હતા! એટલે આસાફે ભારે હૈયે કહ્યું: “મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો. કેમકે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ટોની અદેખાઈ કરી.” પછી નિસાસા નાખતા તેણે કહ્યું: ‘ખરેખર, મેં મારૂં હૃદય અમથું શુદ્ધ કર્યું છે, અને મેં મારા હાથ નિર્દોષ રાખ્યા છે; પણ આખો દિવસ હું પીડાયા કરૂં છું, અને દર સવારે મને શિક્ષા થયા કરે છે.’—ગીતશાસ્ત્ર ૭૩:૨, ૩, ૧૩, ૧૪.

૧૧ તો આસાફ ઉદાસીની ખીણમાંથી કેવી રીતે બહાર નીકળ્યો? તેણે યહોવાહ આગળ હૈયું ઠાલવ્યું. એ લાગણીઓ ગીતશાસ્ત્ર ૭૩મા અધ્યાયમાં જોવા મળે છે. યહોવાહના પવિત્ર મંદિરમાં જઈને તેનું હૈયું ખુશીથી ઝૂમી ઊઠ્યું. તેને ખબર પડી કે ભલે પાપી લોકો હમણાં સુખી હોય, પણ નજીકમાં યહોવાહ તેઓનો હિસાબ લેશે. (ગીતશાસ્ત્ર ૭૩:૧૭-૧૯) આસાફને ખબર પડી કે ‘યહોવાહની ભક્તિ સિવાય જીવનમાં કંઈ નથી!’ તેનું દિલ ફરી ખુશીથી છલકાઈ ગયું. (ગીતશાસ્ત્ર ૩૪:૨) પ્રાર્થનામાં તેણે કહ્યું: “પરંતુ હું નિત્ય તારી પાસે રહું છું; તેં મારો જમણો હાથ ઝાલ્યો છે. તું તારા બોધથી મને માર્ગ બતાવશે, અને પછી તારા મહિમામાં મારો સ્વીકાર કરશે.”—ગીતશાસ્ત્ર ૭૩:૨૩, ૨૪.

ઈશ્વરભક્તો જે કદી યહોવાહને ભૂલ્યા નહિ

૧૨, ૧૩. કોણ કોણ ગર્વથી કહી શક્યું કે ‘હું યહોવાહની ભક્તિ કરું છું’?

૧૨ ઈશ્વરભક્તોએ કઈ કઈ રીતે દુઃખો સહન કર્યા એ જાણવાથી આપણી શ્રદ્ધા મજબૂત થઈ શકે. યાકૂબના દીકરા યુસફનો વિચાર કરો. તે કોમળ છોડ જેવો હતો ત્યારે તેના ભાઈઓએ તેને છીનવીને મિસરમાં દાસ તરીકે વેચી દીધો. કાંટા ભરેલી દુનિયામાં તે સાવ એકલો પડી ગયો. તકલીફો ઊભી થઈ ત્યારે તે તેના પિતા પાસે જઈ ન શક્યો. તેણે યહોવાહ પર પૂરો ભરોસો રાખવો પડ્યો. આસપાસના લોકો અનેક દેવદેવીઓને ભજતા હતા, પણ યુસફ કદી ન ભૂલ્યો કે તે યહોવાહનો ભક્ત છે. દુઃખો સહીને તે હિંમતથી યહોવાહની ભક્તિ કરતો રહ્યો. તે હંમેશાં ભલું કરતો રહ્યો.—ઉત્પત્તિ ૩૯:૭-૧૦.

૧૩ હવે એક ફૂલ જેવી ઈસ્રાએલી છોકરીનો વિચાર કરો. તે સેનાપતિ નાઅમાનની ગુલામ હતી. પણ તે બગડી ન ગઈ. એક વખત તેણે હિંમતથી નાઅમાનની પત્નીને કહ્યું કે એલીશા યહોવાહનો પ્રબોધક છે. (૨ રાજાઓ ૫:૧-૧૯) પછી યુવાન રાજા યોશીયાહનો જરા વિચાર કરો. તે રાજ કરવા લાગ્યો ત્યારે બધી બાજુ ભ્રષ્ટાચાર ફેલાયેલો હતો. પણ તે હિંમતથી યહોવાહને ભજતો રહ્યો. તેણે મંદિરનું સમારકામ કરાવ્યું ને દેશમાં સાચી ભક્તિની મહેક ફેલાવવા લાગ્યો. (૨ કાળવૃત્તાંત ૩૪ ને ૩૫ અધ્યાયો) દાનીયેલ અને તેના ત્રણ મિત્રોએ ગર્વથી યહોવાહની ભક્તિ કરી. બાબેલોનના પાપી લોકો જેવા તેઓ બન્યા નહિ. ત્યાંના લોકોએ તેઓને લલચાવ્યા. સતાવ્યા. પણ તેઓ યહોવાહની ભક્તિમાંથી જરાય ડગ્યા નહિ.—દાનીયેલ ૧: ૮-૨૦.

ગર્વથી કહો કે ‘હું યહોવાહની ભક્તિ કરું છું!’

૧૪, ૧૫. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણે યહોવાહના સાક્ષી છીએ?

૧૪ આ ઈશ્વરભક્તોને શા માટે આશીર્વાદ મળ્યો? કેમ કે તેઓ ગર્વથી કહી શક્યા કે ‘હું યહોવાહને ભજું છું!’ આપણે કઈ રીતે ગર્વથી એમ કહી શકીએ?

૧૫ પહેલા તો, આપણે ખુશ થવું જોઈએ કે આપણે યહોવાહના સાક્ષીઓ છીએ. આપણે તેમના આશીર્વાદોની કિંમત કરવી જોઈએ. જો એ કરીશું, તો યહોવાહ ગર્વથી કહેશે કે ‘તું જ મારી ખરી ભક્તિ કરે છે.’ પાઊલે કહ્યું: “જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે” છે. (૨ તીમોથી ૨:૧૯; ગણના ૧૬:૫) જુઓ, યહોવાહ આપણું કેટલું ધ્યાન રાખે છે, બાઇબલ કહે છે: ‘જે આપણને અડકે છે તે ઈશ્વરની આંખની કીકીને અડકે છે.’ (ઝખાર્યાહ ૨:૮) ચાલો આપણે પણ યહોવાહને દિલથી પ્રેમ કરીએ. જો કરીશું, તો પાઊલના શબ્દો સાચા પડશે: “જો કોઈ દેવ પર પ્રેમ રાખે છે, તો તેને તે ઓળખે છે.”—૧ કોરીંથી ૮:૩.

૧૬, ૧૭. આપણે કયા વારસાને લીધે ખુશ થવું જોઈએ?

૧૬ યુવાનો, શું તમે પૂરા દિલથી કહી શકો છો કે ‘હું યહોવાહની ભક્તિ કરું છું’? કે પછી માબાપ કહે છે એટલે તમે યહોવાહને ભજો છો? જો એમ હોય, તો યહોવાહ કદી ખુશ થશે નહિ. તમારા દિલમાં જે શ્રદ્ધા છે, એને વધારો! તમને સત્યનો વારસો મળ્યો છે. એની કિંમત કરો. પાઊલ સમજાવે છે કે, દરેક નોકરે પોતાના ધણીને હિસાબ દેવો પડશે. પછી તે કહે છે કે, એ જ રીતે ‘આપણે દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે.’—રૂમી ૧૪:૪, ૧૨.

૧૭ હાબેલ સૌથી પહેલો ઈશ્વરભક્ત હતો. પછી લગભગ ૬,૦૦૦ વર્ષ દરમિયાન, અનેક લોકોએ ઈશ્વરની ભક્તિ કરી છે. તેઓએ આપણને સત્યનો વારસો આપ્યો છે. આજે આપણે એક મોટી ટોળી તરીકે યહોવાહની ભક્તિ કરીએ છીએ! નજીકમાં આપણને સપનામાં કદીયે ન જોયા હોય, એવા સુંદર આશીર્વાદો મળશે. (પ્રકટીકરણ ૭:૯; હેબ્રી ૧૧:૪) સત્યનો વારસો મળ્યો છે એ માટે આપણે કેટલા આભારી છીએ!

૧૮. દુનિયા અને આપણી વચ્ચે કેવો ફરક છે?

૧૮ આપણે સત્યના ‘માર્ગ’ પર ચાલતા રહેવું જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૨) સાથે સાથે આપણા વાણી-વર્તન ને સંસ્કારોથી બતાવવું જોઈએ કે આપણે ઈસુને પગલે ચાલીએ છીએ. (એફેસી ૪:૨૨-૨૪) એમ કરીને આપણે યહોવાહને ખુશ કરીશું. ચાલો આપણે ‘સઘળાંની પારખ કરીએ ને જે સારૂં છે તે’ કરતા રહીએ. (૧ થેસ્સાલોનીકી ૫:૨૧) ચર્ચના ધર્મોથી અને આ દુનિયાના વિચારોથી આપણે ઘણા જુદા છીએ. યહોવાહે આપણને શીખવ્યું છે કે, “સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.”—માલાખી ૩:૧૮.

૧૯. આપણે કોના જેવા ન બનવું જોઈએ?

૧૯ આ દુનિયા ખરેખર કાદવ-કીચડમાં છે. ‘ઘણા લોકો ઈશ્વરમાં માને છે. તેઓની જીભમાં ઈશ્વરનું નામ પણ છે. પણ જોવા જઈએ તો, તેઓને ઈશ્વરની કંઈ પડી નથી.’ આપણે ધ્યાન રાખવું જોઈએ કે તેઓ જેવા ન બનીએ. આપણે બીજી કઈ કઈ રીતે ઈસુને પગલે ચાલી શકીએ? આપણે બીજી કઈ રીતે ગર્વથી કહી શકીએ કે ‘હું યહોવાહને ભજું છું’? એના જવાબો હવે પછીના લેખમાં જોવા મળશે.

[ફુટનોટ]

a અમુક બીમારીઓ માટે કદાચ મનોચિકિત્સકની સલાહ લેવી પડે.

તમને યાદ છે?

• આપણે કઈ રીતે “પ્રભુમાં અભિમાન” બતાવી શકીએ?

• મુસા અને આસાફના દાખલામાંથી તમે શું શીખ્યા?

• કયા ઈશ્વરભક્તો ગર્વથી કહી શક્યા કે ‘હું યહોવાહને ભજું છું’?

• યહોવાહના સાક્ષી હોવાથી આપણે કઈ રીતે ગર્વ બતાવી શકીએ?

[પાન ૧૪ પર ચિત્ર]

મુસા પણ એક વાર હિંમત હારી ગયા

[પાન ૧૫ પર ચિત્ર]

ઘણા ઈશ્વરભક્તો ગર્વથી કહી શક્યા કે તેઓ યહોવાહને ભજે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો