વિજ્ઞાન અને ધર્મ વચ્ચે શરૂ થયેલી લડાઈ
નિકોલસ કોપરનિક્સ નામે એક ખગોળશાસ્ત્રી થઈ ગયા. વર્ષ ૧૫૪૩ની આ વાત છે. નિકોલસ ૭૦ વર્ષની વયે મરણ પથારીએ પડ્યા હતા ને કંઈક વાંચવા મથી રહ્યા હતા. એ તેમનું પોતાનું લખાણ હતું જેને હવે છાપવાનું જ બાકી હતું. તેમના એ લખાણથી લોકોમાં હલચલ મચી જવાની હતી. કોપરનિક્સને એ વાતનો અંદાજો હતો કે નહિ, એ આપણે જાણતા નથી, પણ તેમનું એ પુસ્તક વિશ્વ વિષે દુનિયાના લોકોની આંખો ખોલી દેવાનું હતું. અરે, એનાથી આગળ પડતા કહેવાતા ખ્રિસ્તીઓની અમુક માન્યતાઓના પાયા હલબલી જવાના હતા જેની અસર આજે પણ જોવા મળે છે.
કોપરનિક્સ કૅથલિક હતા. તેમનું એ બહાર પડેલું પુસ્તક, ‘આકાશી પદાર્થોની ગતિ’ (અંગ્રેજી) હતું. એ પુસ્તકમાં તેમણે બતાવ્યું કે વિશ્વના કેન્દ્રમાં સૂર્ય છે, પૃથ્વી નહિ. આમ, ખાલી આ એક પુસ્તકથી તેમણે એ જટિલ માન્યતાને ખોટી પાડી કે વિશ્વના કેન્દ્રમાં પૃથ્વી છે. તેમણે સાવ સાદો સિદ્ધાંત વિકસાવીને સમજાવ્યું કે વિશ્વના કેન્દ્રમાં સૂર્ય છે.
શરૂ શરૂમાં તો એમ લાગતું હતું કે એનાથી બહુ હોબાળો નહિ મચે. કેમ કે આ નવો વિચાર વહેતો મૂકતી વખતે કોપરનિક્સે બહુ હોશિયારીથી કામ લીધું હતું. એ સમયે કૅથલિક ચર્ચ માનતું હતું કે પૃથ્વી સૂર્યમંડળના કેન્દ્રમાં છે. તોપણ એ વિજ્ઞાનના અનુમાનોને ખુલ્લા મને વધાવી લેતું હતું. ચર્ચના પોપે પણ કોપરનિક્સને તેનું પુસ્તક બહાર પાડવા ઉત્તેજન આપ્યું હતું. આખરે કોપરનિક્સે પોતાનું પુસ્તક છપાવ્યું ત્યારે, એના ડરપોક સંપાદકે પ્રસ્તાવનામાં લખ્યું: સૂર્ય વિશ્વનું કેન્દ્ર છે એ વિચાર ગણિતના સિદ્ધાંતોને આધારે છે, પણ એ ખગોળશાસ્ત્રને આધારે સાચું ન પણ હોય.
વધુ તકરાર જોર પકડે છે
ઈટાલીના ગેલિલિયો ગેલિલીએ પણ કોપરનિક્સના આ સિદ્ધાંતને સ્વીકારી લીધો. તે ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી હતા. ગેલિલિયો પણ કૅથલિક હતા. તેમણે એ જ વખતે શોધાયેલા દૂરબીનની જાણકારી મેળવીને પોતે એક વિશાળ દૂરબીન બનાવ્યું. એની મદદથી તેમણે આકાશનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું, આવું પહેલાં બીજા કોઈએ કર્યું ન હતું. એનાથી તેમને ખાતરી થઈ કે કોપરનિક્સ સાચા હતા. ગેલિલિયોએ સૂર્યની સપાટી પર આપણે જે કાળા ડાઘા જોઈએ છીએ એ સૂર્યકલંકોની પણ શોધ કરી. એનાથી ફરી હલચલ મચી ગઈ. કેમ કે ત્યારના ફિલોસોફર ને ધર્મએ વર્ષોથી એ જ સ્વીકારી લીધું હતું કે સૂર્ય ક્યારેય બદલાતો નથી કે એની ઉર્જા ક્યારેય ઓછી થતી નથી. પણ ગેલિલિયોએ સૂર્યકલંકોની શોધ કરીને એ માન્યતા સામે પડકાર ઊભો કર્યો.
એ સમયે ચર્ચ પાછું પોતાની જૂની માન્યતાઓ પર અડગ રહેતું હતું. તેઓ કોપરનિક્સના સિદ્ધાંતનો પણ ખુલ્લેઆમ વિરોધ કરતા હતા. પણ ગેલિલિયો કોપરનિક્સની જેમ ડરપોક ન હતા. તે પોતાના વિચારો જણાવવામાં હિંમતવાન ને ઉત્સાહી હતા. તેથી તેમણે આવા કપરા સંજોગોમાં પણ નિર્ભયપણે પુરાવા સાથે સમજાવ્યું કે સૂર્ય જ વિશ્વનું કેન્દ્ર છે. તેમણે એ પણ દલીલ કરી કે બાઇબલ પ્રમાણે એ સાચું છે. પણ એનાથી ચર્ચે તેમના પર નાસ્તિક હોવાનો આરોપ મૂકી દીધો.a
ગેલિલિયો પોતાનો બચવા કરવા રોમમાં ગયા, પણ એનાથી કંઈ ફેર ન પડ્યો. વર્ષ ૧૬૧૬માં ચર્ચે તેમને હુકમ કર્યો કે કોપરનિક્સના વિચારો ફેલાવવાનું બંધ કરે. તેથી થોડા સમય માટે ગેલિલિયોએ મોઢું બંધ રાખ્યું. પણ ૧૬૩૨માં તેમણે કોપરનિક્સના વિચારોને સમર્થન આપતું એક પુસ્તક બહાર પાડ્યું. એના બીજા જ વર્ષે તેમને ઉંમર કેદની સજા થઈ. પરંતુ ઉંમરને ધ્યાનમાં રાખીને તેમની સજા નજરકેદમાં બદલાઈ ગઈ.
ચર્ચ સામેની ગેલિલિયોની આ લડાઈને ઘણા લોકો વિજ્ઞાને ધર્મ પર મોટી જીત મેળવી હોય એમ સમજે છે. બીજા શબ્દોમાં, તેઓ એને બાઇબલ પર જીત માને છે. પરંતુ હવે પછીના લેખમાં આપણે જોઈશું કે આ ખોટી ધારણા છે. એ પણ જોઈશું કે બધી હકીકતને ધ્યાનમાં લેતા બાઇબલ વિજ્ઞાનના સુમેળમાં છે.
[ફુટનોટ]
a જોકે ગેલિલિયોએ હાથે કરીને આ મુસીબત વહોરી લીધી હતી. તેમણે પોતાના સિદ્ધાંતને સાચો ઠરાવવા શબ્દોના બાણ ચલાવીને મોટા મોટા દુશ્મનો ઊભા કર્યા હતા. વળી તેમણે દલીલ કરી કે પોતાના વિચારો બાઇબલની સુમેળમાં છે. એનાથી તેમણે એવું બતાવવાની કોશિશ કરી કે જાણે પોતે ધર્મનો અધિકારી હોય. એનાથી તો ચર્ચના ધર્મગુરુઓ વધારે ભડકી ગયા હતા.
[પાન ૩ પર ચિત્ર]
કોપરનિક્સ
[ક્રેડીટ લાઈન]
Taken from Giordano Bruno and Galilei (German edition)
[પાન ૩ પર ચિત્ર]
ગેલિલિયો રોમન અદાલતમાં પોતાનો બચાવ કરે છે
[ક્રેડીટ લાઈન]
From the book The Historian’s History of the World, Vol. IX, 1904
[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Background: Chart depicting Copernicus’ concept of the solar system