વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૧૨/૧ પાન ૨૭-૩૧
  • યહોવાહના સ્તુતિગીતો ગાઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહના સ્તુતિગીતો ગાઈએ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાહની ભક્તિમાં ગીત-સંગીતનું મહત્ત્વ
  • દાઊદના જમાના પછી ભક્તિમાં સંગીતનું મહત્ત્વ
  • સમયની સાથે સમજણમાં સુધારો
  • નવા ગીતોની કદર કરીએ
  • પૂરા ઉમંગથી ગાઓ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • પરમેશ્વરને - ખુશ કરતું સંગીત
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ગીતો ગાઈને આનંદથી યહોવાની સ્તુતિ કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • શું તમે જાણો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૧૨/૧ પાન ૨૭-૩૧

યહોવાહના સ્તુતિગીતો ગાઈએ

“મારી જિંદગી પર્યંત હું યહોવાહની સ્તુતિ કરીશ.”—ગીત. ૧૪૬:૨.

૧. શાના પરથી દાઊદે ઈશ્વરના ગુણ ગાતા ગીતો રચ્યાં?

દાઊદ નાનપણથી જ બેથલેહેમની નજીક આવેલા મેદાનમાં પિતાના ઘેટાંની દેખભાળ રાખવામાં ઘણો સમય વિતાવતા. એ સાથે સાથે તે યહોવાહની અજોડ કરામત પણ નિહાળતા. જેમ કે “રાની પશુઓ, આકાશનાં પક્ષીઓ” અને તારાઓ. એવી બાબતોથી તેમના દિલ પર ઊંડી અસર થતી. આમ સરજનહારની કરામત જોઈને તેમના ગુણ ગાતા અનેક ગીતો રચ્યાં. એમાંના અનેક ગીતો ગીતશાસ્ત્રના પુસ્તકમાં મળી આવે છે.a—ગીતશાસ્ત્ર ૮:૩, ૪, ૭-૯ વાંચો.

૨. (ક) દાખલો આપી સમજાવો કે સંગીતની વ્યક્તિ પર કેવી અસર થાય છે? (ખ) ગીતશાસ્ત્ર ૩૪:૭, ૮ અને ૧૩૯:૨-૮માં યહોવાહમાં દાઊદની શ્રદ્ધા વિષે આપણને શું શીખવા મળે છે?

૨ એવું લાગે છે કે દાઊદ ઘેટાંપાળક હતા ત્યારે વાજિંત્ર વગાડવામાં કુશળ બન્યા હતા. એટલે જ શાઊલ રાજાએ વીણા વગાડવા તેમને બોલાવ્યા. (નીતિ. ૨૨:૨૯) જેમ આજે સંગીતથી વ્યક્તિને તાજગી મળે છે તેમ શાઊલ પણ દાઊદનું સંગીત સાંભળીને પોતાની ચિંતા ભૂલીને ‘તાજામાજા થઈ જતા.’ તેમનું મન હળવું થઈ જતું. (૧ શમૂએલ ૧૬:૨૩) ઈશ્વરભક્ત દાઊદે રચેલા ભજનોથી આજે પણ ખૂબ ઉત્તેજન અને દિલાસો મળે છે. દાઊદના જન્મને આજે ૩,૦૦૦થી પણ વધારે વર્ષો થઈ ગયા છે. તોપણ જરા વિચાર કરો, દુનિયા ફરતે અનેક સંજોગોમાં રહેતા લાખો લોકો હજી પણ એ ગીતોથી વારંવાર દિલાસો અને આશા મેળવે છે!—૨ કાળવૃ. ૭:૬; ગીતશાસ્ત્ર ૩૪:૭, ૮; ૧૩૯:૨-૮ વાંચો; આમો. ૬:૫.

યહોવાહની ભક્તિમાં ગીત-સંગીતનું મહત્ત્વ

૩, ૪. યહોવાહની ભક્તિમાં દાઊદના જમાનામાં ગીત-સંગીતની કેવી ગોઠવણ કરવામાં આવી હતી?

૩ દાઊદે પોતાની આ સુંદર આવડતનો તન-મનથી યહોવાહના ગુણગાન ગાવા ઉપયોગ કર્યો. રાજા બન્યા પછી દાઊદે મંડપમાં થતી યહોવાહની ભક્તિમાં વાજિંત્રો સાથે ગીતો ગાવાની ગોઠવણ કરી. મંડપમાં સેવા આપતા બધા જ લેવીઓમાંથી દસ ટકાથી પણ વધારે, એટલે કે ૪,૦૦૦ લેવીઓને “યહોવાહની સ્તુતિ” કરવાની જવાબદારી સોંપાઈ હતી. તેઓમાંથી ૨૮૮ લેવીઓ “યહોવાહની આગળ ગાયન કરવામાં કુશળ તથા બાહોશ” હતા. તેઓને એમાં ખાસ તાલીમ મળી હતી.—૧ કાળ. ૨૩:૩, ૫; ૨૫:૭.

૪ દાઊદે રચેલા ઘણા સ્તુતિગીતો લેવીઓ સંગીત સાથે ગાતા. એ સમયે ત્યાં હાજર કોઈ પણ ઈસ્રાએલી વ્યક્તિ પર એની જરૂર ઊંડી અસર થઈ હશે. થોડા સમય પછી કરાર કોશ યરૂશાલેમમાં લાવવામાં આવ્યો ત્યારે ‘દાઊદે લેવીઓના મુખ્યોને વાજિંત્રો, એટલે સિતાર, વીણા તથા ઝાંઝ વગાડીને ઉત્સાહથી મોટે સ્વરે ગાવા માટે, પોતાના ગવૈયા ભાઈઓને નીમવા કહ્યું.’—૧ કાળ. ૧૫:૧૬.

૫, ૬. (ક) દાઊદના જમાનામાં સંગીત પર કેમ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હતું? (ખ) કઈ રીતે કહી શકાય કે એ જમાનામાં યહોવાહની ભક્તિમાં સંગીત મહત્ત્વનો ભાગ ભજવતું હતું?

૫ દાઊદના જમાનામાં સંગીત પર કેમ એટલું મહત્ત્વ આપવામાં આવ્યું હતું? દાઊદ પોતે સંગીતકાર હતા એટલે? ના, એનું કારણ બીજું હતું. સદીઓ પછી ન્યાયી રાજા હિઝકીયાહે મંદિરમાં ફરીથી ભક્તિની શરૂઆત કરી ત્યારે એ કારણ વિષે જણાવવામાં આવ્યું હતું. બીજો કાળવૃત્તાંત ૨૯:૨૫ જણાવે છે: “દાઊદની, દૃષ્ટા ગાદની તથા નાથાન પ્રબોધકની આજ્ઞા પ્રમાણે તેણે [હિઝકીયાહે] લેવીઓને ઝાંઝો, સિતારો, તથા વીણાઓ સહિત યહોવાહના મંદિરમાં સેવા કરવા સારૂ ઠરાવ્યા, કેમકે યહોવાહે પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા આપી હતી.”

૬ આમ, યહોવાહે પોતાના પ્રબોધકો દ્વારા જણાવ્યું હતું કે ભક્તિ ગીતોથી તેમના ભક્તો સ્તુતિ કરે. અરે, લેવીના કુળમાંથી ગવૈયાઓને બીજી જવાબદારીઓથી પણ મુક્ત કરવામાં આવતા, જેથી તેઓ પાસે ગીત-સંગીત રચવા અને એનો મહાવરો કરવા પૂરતો સમય હોય.—૧ કાળ. ૯:૩૩.

૭, ૮. મંડળમાં સ્તુતિગીતો ગાવાની વાત આવે ત્યારે શું મહત્ત્વનું છે અને શું નથી?

૭ કદાચ તમે કહેશો, ‘ગાવાની વાત આવે ત્યારે, એ જમાનામાં બીજા કુશળ ગાયકો સાથે મને કદી પસંદ કરવામાં આવ્યો ન હોત!’ જોકે બધા જ લેવી ગાયકો કે સંગીત વગાડનારા એટલા કુશળ ન હતા. પહેલો કાળવૃત્તાંત ૨૫:૮ પ્રમાણે ત્યાં અમુક ‘શિષ્યો’ કે શિખાઉ પણ હતા. એ પણ ભૂલવું ન જોઈએ કે લેવી સિવાયના ઈસ્રાએલના બીજા કુળોમાં પણ એવા લોકો હશે જેઓ વાજિંત્રો વગાડવામાં અને ગાવામાં કાબેલ હોય. પરંતુ યહોવાહે ફક્ત લેવીઓને જ એ જવાબદારી સોંપી હતી. ભલે તેઓ ‘ગુરુઓ’ અથવા શિષ્યો હોય, આપણે ખાતરી રાખી શકીએ કે તેઓ સર્વએ પૂરા દિલથી એ સેવા બજાવી હશે.

૮ દાઊદને સંગીત પ્રિય હતું અને તે એમાં કુશળ હતા. શું એનો એવો અર્થ થાય કે આવડત હોય એવી વ્યક્તિને જ ઈશ્વર વાપરે છે? કોલોસી ૩:૨૩માં પાઊલે લખ્યું: ‘માણસોને માટે નહિ પણ જાણે પ્રભુને માટે છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો.’ આ સંદેશો દીવા જેવો ચોખ્ખો છે. ઈશ્વર માટે મહત્ત્વનું તો એ છે કે આપણે “ખરા દિલથી” તેમના ગુણગાન ગાઈએ.

દાઊદના જમાના પછી ભક્તિમાં સંગીતનું મહત્ત્વ

૯. સુલેમાનના રાજમાં મંદિરના ઉદ્‍ઘાટન વખતે તમે ત્યાં હાજર હોત તો કેવું અનુભવ્યું હોત?

૯ સુલેમાનના રાજમાં પણ યહોવાહની ભક્તિમાં સંગીત મહત્ત્વનો ભાગ ભજવતું હતું. મંદિરના ઉદ્‍ઘાટન વખતે વાજિંત્રો વગાડનારાઓની પૂરી મંડળી ત્યાં હતી. એમાં એકસો વીસ જણા તો રણશિંગડું વગાડનારા હતા. (૨ કાળવૃત્તાંત ૫:૧૨ વાંચો.) બાઇબલ જણાવે છે કે “રણશિંગડાંવાળાઓ [બધા યાજકો] તથા ગાનારાઓએ યહોવાહની સ્તુતિ કરવા તથા આભાર માનવા માટે ઉચ્ચ સ્વરથી એક સરખો અવાજ કર્યો; . . . યહોવાહની સ્તુતિ કરીને કહ્યું, કે તે સારો છે, કેમકે તેની કૃપા સર્વકાળ ટકે છે.” એ હર્ષનો પોકાર યહોવાહ સુધી પહોંચ્યો ત્યારે “મંદિર મેઘથી ભરાઈ ગયું.” એ બતાવતું હતું કે યહોવાહની કૃપા તેઓ પર છે. જરા વિચાર કરો, રણશિંગડાં વગાડનારાઓ સાથે હજારો ગાયકોને એક સૂરમાં ગાતા સાંભળીને આપણું રોમેરોમ કેવું પુલકિત થઈ ઊઠ્યું હોત!—૨ કાળ. ૫:૧૩.

૧૦, ૧૧. શાના પરથી કહી શકીએ કે પહેલી સદીના ખ્રિસ્તીઓ સ્તુતિગીતો ગાતા હતા?

૧૦ પહેલી સદીમાં પણ ખ્રિસ્તીઓ યહોવાહની ભક્તિમાં ગીતો ગાતા. જોકે તેઓ મંડપ કે મંદિરમાં નહિ, પણ ઘરોમાં ભેગા મળતા. સતાવણી અને બીજી અનેક મુશ્કેલીઓના લીધે તેઓ માટે સ્તુતિગીતો ગાવા સહેલું ન હતું. તોપણ તેઓ ગીતોથી યહોવાહની સ્તુતિ કરતા.

૧૧ પ્રેરિત પાઊલે કોલોસી મંડળના ભાઈઓને ઉત્તેજન આપતા કહ્યું: ‘ગીતો, સ્તોત્રો તથા ભજનોથી એકબીજાને બોધ કરો, અને કૃપાસહિત તમારાં હૃદયોમાં પ્રભુ યહોવાહની આગળ ગાઓ.’ (કોલો. ૩:૧૬) પાઊલ અને સીલાસને જેલમાં નાખવામાં આવ્યા ત્યારે, તેઓ ત્યાં પણ “પ્રાર્થના કરતાં હતા તથા ઈશ્વરનાં સ્તોત્ર ગાતા હતા.” તેઓ પાસે જેલમાં ગીતની ચોપડી પણ ન હતી. (પ્રે.કૃ. ૧૬:૨૫) હવે ધારો કે તમે પાઊલની જેમ જેલમાં છો, તો ચોપડી વગર યાદ કરીને કેટલા સ્તુતિગીતો ગાઈ શકશો?

૧૨. આપણે કઈ રીતે સ્તુતિગીતો માટે કદર બતાવી શકીએ?

૧૨ યહોવાહની ભક્તિમાં સ્તુતિગીતોને આટલું મહત્ત્વ અપાતું હોવાથી આપણે આ સવાલો વિચારવા જોઈએ: ‘હું એ સ્તુતિગીતોને કેટલા મહત્ત્વના ગણું છું? શું સભાઓ અને બધા સંમેલનો શરૂ થતા પહેલા ત્યાં પહોંચી જાઉં છું જેથી હું ભાઈ-બહેનો સાથે ગીતો પૂરા દિલથી ગાઈ શકું? દેવશાહી સેવા શાળા અને સેવા સભા વચ્ચે તેમ જ જાહેર પ્રવચન અને ચોકીબુરજ અભ્યાસ વચ્ચે સ્તુતિગીત ગાવામાં આવે છે. શું હું બાળકોને એની કદર કરતા શીખવું છું? કે પછી એ સમયને રીસેસ તરીકે ગણીને તેઓને પગ છૂટા કરવા દઉં છું?’ સ્તુતિગીતો ગાવા એ આપણી ભક્તિનો એક ભાગ છે. ભલે આપણે ગાવામાં કુશળ કે શિખાઉ હોઈએ, આપણે સર્વએ પૂરા દિલથી અને એક સૂરથી સ્તુતિગીતો ગાવામાં જોડાવું જોઈએ.—વધુ માહિતી: ૨ કોરીંથી ૮:૧૨.

સમયની સાથે સમજણમાં સુધારો

૧૩, ૧૪. દાખલો આપીને સમજાવો કે સભાઓમાં પૂરા દિલથી સ્તુતિગીતો ગાવાં કેટલાં મહત્ત્વનાં છે.

૧૩ ઝાયન્સ વોચ ટાવરે સોએક વર્ષ પહેલા સમજાવ્યું હતું કે યહોવાહની ભક્તિમાં ગીતો આપણા માટે કેમ મહત્ત્વના છે. એમાં એક કારણ આ હતું: ‘સ્તુતિગીતો ગાવાથી ઈશ્વરના લોકોને સત્ય મનમાં અને દિલમાં ઉતારવા સૌથી સારી મદદ મળે છે.’ આપણા ઘણા ગીતોના શબ્દો બાઇબલમાંથી લેવામાં આવ્યા છે. એટલે જો આપણે અમુક ગીતો મોઢે કરીશું તો આપણા દિલમાં યહોવાહનું સત્ય ઉતારવા સારી મદદ મળશે. ઘણી વાર એવું બન્યું છે કે નવા લોકો મંડળમાં પહેલી વાર આવે ત્યારે આપણે દિલથી ગાતા હોવાથી એ સાંભળીને તેઓ પર ઊંડી અસર થઈ છે.

૧૪ ૧૮૬૯માં ભાઈ ચાર્લ્સ ટેઝ રસેલ કામેથી ઘરે જઈ રહ્યા હતા. તેમણે એક મકાનના ભોંયરામાં લોકોને સ્તુતિગીતો ગાતા સાંભળ્યા. એ દિવસોમાં તે એવું માનતા હતા કે ઈશ્વર વિષેનું સત્ય કદી જાણી નહિ શકે. એટલે તેમણે વેપાર-ધંધામાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. તેમને થયું કે ભલે હું ભગવાન વિષે લોકોને શીખવી ન શકું, પણ ઘણા પૈસા કમાઈને ગરીબોને મદદ તો કરી શકીશ. ભાઈ રસેલ એ ધૂળિયા ભોંયરામાં ગયા ત્યારે ત્યાં લોકો સત્સંગ કરી રહ્યા હતા. ભાઈ રસેલ તેઓ સાથે બેસીને સાંભળવા લાગ્યા. સમય જતાં તેમણે લખ્યું કે એ રાત્રે ‘તેમણે જે ઈશ્વરની મદદથી સાંભળ્યું એનાથી બાઇબલમાં શ્રદ્ધા ફરી મજબૂત થઈ.’ ભાઈ રસેલ શું સાંભળીને એ સભામાં ગયા? સ્તુતિ ગીત.

૧૫. નવી સમજણ પ્રમાણે ગીત પુસ્તકમાં શું કરવાની જરૂર દેખાઈ?

૧૫ સમય પસાર થતો ગયો તેમ શાસ્ત્રની આપણી સમજણમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. નીતિવચનો ૪:૧૮ કહે છે કે ‘સદાચારીનો માર્ગ પરોઢિયાના પ્રકાશ જેવો છે, જે દિવસ ચઢતા સુધીમાં વધતો ને વધતો જાય છે.’ સત્યમાં પ્રકાશ વધતો ગયો તેમ આપણા સ્તુતિગીતોમાં પણ સુધારો કરવાની જરૂર પડી છે. છેલ્લા પચીસ વર્ષથી અનેક દેશોમાં યહોવાહના સાક્ષીઓએ સીંગ પ્રેઈઝીસ ટુ જેહોવાહ જૂના અંગ્રેજી ગીત પુસ્તકમાંથી ગાવાનો ઘણો આનંદ માણ્યો છે.b એ બહાર પડ્યું ત્યારથી લઈને અનેક વિષયો પર યહોવાહના સત્યનો પ્રકાશ વધતો ગયો છે. એ કારણથી જૂના ગીત પુસ્તકમાં જોવા મળતા અમુક શબ્દો આજે આપણે વાપરતા નથી. દાખલા તરીકે, આપણે હવે “નવી વ્યવસ્થા”ને બદલે “નવી દુનિયા” વાપરીએ છીએ. તેમ જ, પહેલાં આપણે કહેતા કે “યહોવાહનું નામ દોષમુક્ત કરાશે.” એને બદલે હવે કહીએ છીએ કે “યહોવાહનું નામ પવિત્ર મનાશે.” એના પરથી આપણે જોઈ શકીએ કે નવી સમજણ પ્રમાણે ગીત પુસ્તકમાં સુધારો કરવાની જરૂર દેખાઈ.

૧૬. એફેસી ૫:૧૯ની પાઊલની સલાહ પ્રમાણે કરવા નવું ગીત પુસ્તક આપણને કઈ રીતે મદદ કરશે?

૧૬ એ અને બીજા અનેક કારણોને લીધે ગવર્નિંગ બૉડીએ સીંગ ટુ જેહોવાહc નવું ગીત પુસ્તક બહાર પાડવાની મંજૂરી આપી. એમાં ફક્ત ૧૩૫ ગીતો છે. ઓછા ગીતો હોવાથી હવે આપણે એમાંના અમુક ગીતો સહેલાઈથી યાદ રાખી શકીશું. એફેસી ૫:૧૯ની (વાંચો) પાઊલની સલાહ આપણે હવે દિલમાં ઉતારી શકીશું.

નવા ગીતોની કદર કરીએ

૧૭. મંડળમાં ગીત ગાવાનો ડર દૂર કરવા કયા વિચારો મદદ કરી શકે?

૧૭ માની લો કે આપણને બરાબર ગાતા આવડતું નથી કે પછી આપણો અવાજ બેસૂરો છે. શું એ કારણથી આપણે સભાઓમાં ગાવાનું ટાળવું જોઈએ? જરા આનો વિચાર કરો: બોલવાની વાત કરીએ તો “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ,” ખરું ને? (યાકૂ. ૩:૨) તોપણ ઘરે ઘરે આપણે યહોવાહ વિષે લોકોને જણાવવાનું બંધ નથી કરતા. જો એ બંધ ન કરતા હોય તો, આપણે કેમ સ્તુતિગીતો ગાવાનું ટાળવું જોઈએ? યહોવાહે ‘માણસને મુખ’ આપ્યું છે. એટલે આપણે તેમના ગુણગાન ગાઈએ એ તેમને ખૂબ ગમે છે.—નિર્ગ. ૪:૧૧.

૧૮. ગીતો યાદ રાખવાના અમુક સૂચનો આપો.

૧૮ સીંગ ટુ જેહોવાહ પુસ્તકમાં આપેલા ઘણાં ગીતોની અનેક ભાષામાં સીડી બહાર પાડવામાં આવી છે. એમાં વાજિંત્રો સાથે નવાં ગીતો ગાવામાં આવ્યા છે. એ સાંભળવાની ખૂબ જ મજા આવે છે. તમે સમજી શકતા હોવ એ ભાષામાં સીડી હોય તો એને વારંવાર સાંભળો. એમ કરવાથી તમે અમુક નવા ગીતો મોઢે કરી શકશો. એ ગીતોના શબ્દો એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે તમે એક પંક્તિ ગાવ એટલે પછીની પંક્તિના શબ્દો લગભગ તમારા હોઠ પર આવી જાય. તેથી તમે જ્યારે એ ગીતો વગાડો ત્યારે એની સાથે ગાવાનો જરૂર પ્રયત્ન કરજો. જો તમે ઘરે એ ગીતોના શબ્દો અને સંગીતથી સારી રીતે જાણકાર થશો તો પૂરા દિલથી મંડળમાં ગાઈ શકશો.

૧૯. સંમેલન માટે ખાસ સંગીત કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?

૧૯ ખાસ સંમેલન, સરકીટ અને ડિસ્ટ્રીક્ટ સંમેલન શરૂ થતા પહેલાં જે સંગીત વગાડવામાં આવે છે એને પણ આપણે સામાન્ય ગણવું ન જોઈએ. પણ એનો પૂરો આનંદ માણવો જોઈએ. એ સંગીત તૈયાર કરવા માટે ઘણી મહેનત કરવામાં આવે છે. એકવાર ગીત પસંદ કર્યા પછી જુદા જુદા વાજિંત્રો પર વગાડવા એનું સંગીત લખવામાં આવે છે. પછી એને ચોસઠ સભ્યોના બનેલા વોચટાવર ઑરકૅસ્ટ્રાને આપવામાં આવે છે. ત્યાર બાદ સંગીતકારો એ સંગીત બનાવીને પ્રેક્ટિસ કરવા ઘણા કલાકો આપે છે. પછી એનું પેટરસન, ન્યૂ યૉર્કમાં આવેલા આપણા સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ કરે છે. એ ચોસઠમાંથી દસ ભાઈ-બહેનો અમેરિકાની બહાર બીજા દેશોમાંથી આવે છે. આપણા સંમેલનો માટે સુંદર સંગીત રચવાને તેઓ એક લહાવો ગણે છે. તેઓ જે અથાક પ્રયત્નો કરે છે એની આપણે કદર કરીએ. આપણા સંમેલનોમાં જ્યારે ચેરમેન આપણને સંગીત સાંભળવા આમંત્રણ આપે ત્યારે જલદી જ પોતપોતાની બેઠક પર બેસીને શાંતિથી એનો આનંદ માણીએ, કેમ કે એ સંગીત ખાસ આપણા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

૨૦. તમે શું કરવાનો નિર્ણય કર્યો છે?

૨૦ આપણા સ્તુતિગીતો સાંભળીને યહોવાહને ખૂબ જ આનંદ થાય છે. તેમના માટે એ ખૂબ મહત્ત્વના છે. તેથી જ્યારે પણ આપણે ભક્તિ માટે ભેગા મળીએ ત્યારે પૂરા દિલથી ગાઈએ અને તેમના દિલને આનંદ પહોંચાડીએ. ભલે આપણે ગાવામાં કુશળ હોઈએ કે શિખાઉ, ચાલો પૂરા દિલથી ‘યહોવાહના ગુણ ગાઈએ.’—ગીત. ૧૦૪:૩૩. (w10-E 12/15)

[ફુટનોટ્‌સ]

a દાઊદ ગુજરી ગયા એની દસ સદી પછી યહૂદી ઘેટાંપાળકો એ જ પ્રમાણે બેથલેહેમ નજીક મેદાનમાં ઘેટાં ચરાવતા હતા. ત્યારે સ્વર્ગદૂતોએ તેઓને જણાવ્યું કે મસીહ જન્મ્યા છે.—લુક ૨:૪, ૮, ૧૩, ૧૪.

b જૂના અંગ્રેજી ગીત પુસ્તકમાં ૨૨૫ ગીતો હતા, જે ૧૦૦થી વધારે ભાષાઓમાં બહાર પાડવામાં આવ્યું હતું.

c સીંગ ટુ જેહોવાહ હાલમાં ગુજરાતીમાં પ્રાપ્ય નથી.

તમને શું લાગે છે?

• બાઇબલ સમયના કયા દાખલાઓ બતાવે છે કે ઈશ્વરની ભક્તિમાં સંગીત મહત્ત્વનો ભાગ ભજવે છે?

• માત્થી ૨૨:૩૭ મુજબ ઈસુની આજ્ઞા પાળવામાં અને પૂરા દિલથી યહોવાહના સ્તુતિગીતો ગાવામાં શું સંબંધ છે?

• યહોવાહના સ્તુતિગીતોની કદર બતાવવાની અમુક રીતો કઈ છે?

[પાન ૨૯ પર ચિત્ર]

શું તમારા બાળકોને ગીત ગાવાનું ઉત્તેજન આપો છો કે પછી હરવા ફરવા દો છો?

[પાન ૩૦ પર ચિત્ર]

શું તમે નવા ગીતો ગાવાની ઘરે પ્રેક્ટિસ કરો છો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો