દુનિયાના અંત વિષે લોકો શું માને છે?
‘જૈતુનના પહાડ પર ઈસુ બેઠા હતા, એવામાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, કે એ બધું ક્યારે થશે? અને તમારા આવવાની તથા દુનિયાના અંતની શી નિશાની થશે? તે અમને કહો.’—માથ્થી ૨૪:૩.
તમે ‘દુનિયાના અંત’ વિષે સાંભળો ત્યારે મનમાં કેવા વિચારો આવે છે? કદાચ, અણધાર્યા વિનાશનું દૃશ્ય મનમાં આવે. આજના સમાચારો અને ધર્મગુરુઓ અવારનવાર ‘દુનિયાના અંત’ વિષે વાતો કરે છે.
શું દુનિયાના અંત વિષેના જાણીતા વિચારો બાઇબલ સાથે મેળ ખાય છે? આ સવાલનો જવાબ જાણવો મહત્ત્વનો છે. શા માટે? કારણ કે દુનિયાના અંત વિષે સાચી માહિતી જાણશો, તો તમારે નકામી ચિંતા કરવી નહિ પડે. તેમ જ, તમે જોઈ શકશો કે ભવિષ્ય કેવું ઉજ્જવળ છે. તમને ઈશ્વર વિષેની હકીકત પણ જાણવા મળશે.
હવે પછીના ત્રણ સવાલો પર વિચાર કરો. દુનિયાના અંત વિષેના જાણીતા વિચારો અને બાઇબલના શિક્ષણને સરખાવી જુઓ.
૧. શું દુનિયાના અંતનું કારણ મનુષ્યો હશે?
ઘણા પત્રકારો અને સંશોધકો અવારનવાર દુનિયાના અંતને ‘આર્માગેદન’ કહે છે. તેઓની માન્યતા પ્રમાણે એનું કારણ માણસો હશે. દાખલા તરીકે, પહેલા અને બીજા વિશ્વયુદ્ધને ઘણાં લોકો આર્માગેદન કહે છે. એ યુદ્ધો પછી, દુનિયાના લોકો ચિંતામાં પડી ગયા હતા કે અમેરિકા અને સોવિયત સંઘ સીધેસીધા એકબીજાની વિરુદ્ધ અણુશસ્ત્રોથી લડાઈ કરશે. એને મિડીયાએ “અણુશસ્ત્રોનું આર્માગેદન” કહ્યું હતું. જ્યારે કે કેટલાક સંશોધકોને ડર છે કે નજીકના ભાવિમાં “વાતાવરણનું આર્માગેદન” આવશે. કારણ કે પ્રદૂષણ વધવાથી પૃથ્વીના વાતાવરણમાં ચિંતાજનક ફેરફારો થઈ રહ્યા છે.
લોકો કહેવા માંગે છે કે . . . પૃથ્વી અને એમાં રહેતા જીવોનું ભવિષ્ય માણસોના હાથમાં છે. જો સરકારો સારા નિર્ણયો નહિ લે, તો પૃથ્વી અને એમાં રહેતા જીવો કાયમી નુકસાન ભોગવશે.
બાઇબલ શું શીખવે છે: ઈશ્વર માણસોને પૃથ્વીનો નાશ કરવા નહિ દે. બાઇબલ ખાતરી આપે છે કે યહોવા ઈશ્વરેa પૃથ્વી “ઉજ્જડ રહેવા” માટે નહિ, પણ ‘વસ્તી માટે’ બનાવી છે. (યશાયા ૪૫:૧૮) ઈશ્વર માણસોને પૃથ્વીનો સાવ જ નાશ કરવા નહિ દે. બલ્કે, “પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ” ઈશ્વર કરશે.
૨. શું આર્માગેદન કોઈ કુદરતી આફત છે?
પત્રકારો કેટલીક વાર મહા કુદરતી આફતને “આર્માગેદન” કહે છે. દાખલા તરીકે, ૨૦૧૦માં હૈતી નામના દેશમાં હચમચાવી દેનારો ભૂકંપ આવ્યો હતો. એમાં ઘણું નુકસાન થયું હતું અને હજારો લોકો મરણ પામ્યા હતા. એ વિષેના એક અહેવાલનું મુખ્ય મથાળું હતું: “હૈતીમાં ‘આર્માગેદન.’” પત્રકારો અને ફિલ્મકારો આર્માગેદન શબ્દ ફક્ત થઈ ગયેલી ઘટનાઓ માટે જ નહિ, પરંતુ ભવિષ્યમાં થનારી ભયાનક ઘટનાઓ માટે પણ વાપરે છે. જેમ કે, પૃથ્વી અને નાના ગ્રહોની ટક્કરથી થનારા વિનાશને તેઓ ‘આર્માગેદન’ કહે છે.
લોકો કહેવા માંગે છે કે . . . આર્માગેદન એક એવી આકસ્મિક ઘટના છે કે જે નિર્દોષ લોકોને બેરહેમીથી મારી નાંખે છે. એનાથી બચવા માટે આપણે બહુ કાંઈ કરી નહિ શકીએ.
બાઇબલ શું શીખવે છે: આર્માગેદન એ કંઈ બધા માણસોને બેરહેમીથી મારનારી આકસ્મિક ઘટના નથી. પરંતુ, આર્માગેદનમાં ફક્ત દુષ્ટ લોકોનો જ નાશ થશે. બાઇબલ વચન આપે છે: “દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ થઈ જશે. તું તેમને શોધવાની સખત મહેનત કરીશ, તોપણ તને તેમના નામોનિશાન નહીં મળે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ઈઝી-ટુ-રીડ વર્ઝન.
૩. શું ઈશ્વર આર્માગેદનમાં પૃથ્વીનો નાશ કરશે?
ઘણાં ધાર્મિક લોકો એવું માને છે કે સચ્ચાઈ અને બૂરાઈ વચ્ચે ટક્કર થશે અને એના લીધે પૃથ્વીનો વિનાશ થશે. અમેરિકામાં પ્રિન્સટન સર્વે રિસર્ચ અસોસીએટ્સ નામની સંસ્થાએ લોકો પર સર્વે કર્યો. એમાં તેઓને જાણવા મળ્યું કે ૪૦ ટકા લોકો માને છે કે આ દુનિયાનો અંત “આર્માગેદનની લડાઈ”માં થશે.
લોકો કહેવા માંગે છે કે . . . ઈશ્વરે ધરતી કાયમ ટકી રહે એ માટે બનાવી નથી. માણસોને પણ ધરતી પર કાયમ જીવવા માટે બનાવ્યા નથી. ઈશ્વરે માણસોને એ હેતુથી બનાવ્યા છે કે તેઓ કોઈક સમયે મરણ પામે.
બાઇબલ શું શીખવે છે: બાઇબલ સાફ બતાવે છે કે ઈશ્વરે ‘કદી ખસે નહિ એવી રીતે પૃથ્વીનો પાયો નાખ્યો છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૫) પૃથ્વી પર રહેનારા લોકો વિષે બાઇબલ કહે છે: “પ્રભુનો ભય રાખનારા લોકો દેશમાં સ્થિર થશે અને સદાકાળને માટે ત્યાં નિવાસ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯, IBSI.
આપણને સ્પષ્ટ જોવા મળે છે કે દુનિયાના અંત વિષેના જાણીતા વિચારો બાઇબલથી સાવ જુદા છે. તો પછી, હકીકત શું છે? (w12-E 02/01)
[ફુટનોટ]
a બાઇબલમાં ઈશ્વરનું નામ યહોવા છે.