વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૧૦/૧ પાન ૪-૭
  • શું ઈશ્વરને સ્ત્રીઓની પરવા છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું ઈશ્વરને સ્ત્રીઓની પરવા છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • સ્ત્રીઓ વિશે ઈશ્વરના વિચારો દર્શાવતા નિયમો
  • સ્ત્રીઓ વિશે ઈશ્વરના વિચારોની ખોટી રજૂઆત
  • યહોવાના હેતુમાં સ્ત્રીઓની શી ભૂમિકા છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ઈશ્વર ચાહે છે કે સ્ત્રીઓ સાથે માનથી વર્તવામાં આવે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • શું બાઇબલ સ્ત્રીઓ માટે ભેદભાવ રાખે છે?
    સજાગ બનો!—૨૦૦૬
  • સ્ત્રીઓનું ભાવિ શું છે?
    સજાગ બનો!—૧૯૯૮
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૧૦/૧ પાન ૪-૭

શું ઈશ્વરને સ્ત્રીઓની પરવા છે?

“સ્ત્રી પાપનું મૂળ છે, આપણા સૌના મોતનું કારણ એ છે.”—લગભગ ૨,૧૦૦ વર્ષ પહેલાંના ઈક્લેસીયાસ્ટીકસ નામના લખાણમાંથી.

‘તમે સ્ત્રીઓ શેતાનનું પ્રવેશદ્વાર છો: તમે મના કરેલા ઝાડ પરથી ફળ ખાધું: સૌથી પહેલા તમે ઈશ્વરની આજ્ઞા તોડી, તમે પ્રથમ પુરુષ પાસે પાપ કરાવડાવ્યું.’—ટર્ટુલિયન, ઑન ધી અપેરલ ઑફ વિમેન, આશરે ૧,૯૦૦ વર્ષ પહેલાંનું લખાણ.

અહીં જણાવેલા પ્રાચીન વિચારો બાઇબલના નથી. સદીઓથી આવા વિચારોનો ઉપયોગ સ્ત્રીઓ સાથેના ભેદભાવને યોગ્ય ગણવા માટે થયો છે. અરે, આજે પણ ઘણા ઝનૂનીઓ ધાર્મિક પુસ્તકોના વિચારો લઈને સ્ત્રીઓ સાથેના દુરવ્યવહારને વાજબી ઠેરવે છે. તેઓ દાવો કરે છે કે મનુષ્યોની સમસ્યાઓ માટે સ્ત્રીઓ દોષિત છે. શું સ્ત્રીઓ માટે ઈશ્વરનો એવો હેતુ હતો કે તેઓને ધિક્કારમાં આવે અને તેઓ પર પુરુષો અત્યાચાર કરે? ચાલો, આ વિષય પર બાઇબલ શું કહે છે એ જોઈએ.

શું ઈશ્વરે સ્ત્રીઓને શાપ આપ્યો છે?

ના. સ્ત્રીઓને નહિ પણ ‘તે જૂનો સર્પ જે શેતાન કહેવાય છે,’ તેને ઈશ્વરે “શાપિત” કર્યો હતો. (પ્રકટીકરણ ૧૨:૯; ઉત્પત્તિ ૩:૧૪) ઈશ્વરે જ્યારે કહ્યું કે આદમ પોતાની પત્ની હવા પર “ધણીપણું” કરશે, ત્યારે તે એમ કહેવા માંગતા નહોતા કે પુરુષો સ્ત્રીઓને મુઠ્ઠીમાં રાખશે. (ઉત્પત્તિ ૩:૧૬) ઈશ્વર તો પ્રથમ યુગલે કરેલા પાપને કારણે આવેલાં દુઃખદ પરિણામો જણાવતાં હતાં.

એટલે, સ્ત્રીઓ પરના અત્યાચારનું મૂળ કારણ મનુષ્યોનો પાપી સ્વભાવ છે, નહિ કે ઈશ્વરની ઇચ્છા. પ્રથમ પાપને કારણે, પુરુષો સ્ત્રીઓને પોતાની મુઠ્ઠીમાં રાખે, એ વિચારને બાઇબલ ટેકો નથી આપતું.—રોમનો ૫:૧૨.

શું ઈશ્વરે સ્ત્રીને પુરુષ કરતાં ઊતરતી કક્ષાની બનાવી છે?

ના. ઉત્પત્તિ ૧:૨૭ જણાવે છે કે, ‘ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેમણે તેને ઉત્પન્‍ન કર્યું; તેમણે તેઓને નરનારી ઉત્પન્‍ન કર્યાં.’ એટલે, શરૂઆતથી જ સ્ત્રી-પુરુષને એવી રીતે બનાવામાં આવ્યાં હતાં કે તેઓ ઈશ્વર જેવા ગુણો બતાવી શકે. આદમ-હવા લાગણીમય અને શારીરિક રીતે એકબીજાથી અલગ હતાં તોપણ, તેઓને ઈશ્વર પાસેથી એકસરખી આજ્ઞાઓ અને સમાન હક્ક મળ્યાં હતાં.—ઉત્પત્તિ ૧:૨૮-૩૧.

હવાને ઉત્પન્‍ન કર્યાં પહેલાં ઈશ્વરે જાહેર કર્યું હતું કે “હું તેને [આદમને] યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ.” (ઉત્પત્તિ ૨:૧૮) શું “સહાયકારી” શબ્દ એમ બતાવે છે કે પુરુષ કરતાં સ્ત્રી ઊતરતી કક્ષાની છે? ના. “સહાયકારી” માટેના મૂળ હિબ્રૂ શબ્દનો અર્થ ‘પૂરક’ અથવા ‘મદદગાર’ પણ થઈ શકે. એ સમજવા ડૉક્ટર અને તેના મદદગાર ઍનેસ્થેસિસ્ટનો (શીશી સૂંઘાડનારનો) દાખલો લઈએ. જરા વિચારો, સર્જરી દરમિયાન શું તેઓ એકબીજાની મદદ વગર કામ કરી શકે? જરાય નહિ! ખરું કે ઑપરેશન વખતે ડૉક્ટર મુખ્ય ભાગ ભજવે છે, પણ શું તે જ સૌથી મહત્ત્વના છે? ના. એવી જ રીતે, ઈશ્વરે સ્ત્રી-પુરુષને એકબીજાને સાથ આપવા બનાવ્યા છે, એકબીજાની સાથે હરીફાઈ કરવા માટે નહિ.—ઉત્પત્તિ ૨:૨૪.

ઈશ્વરને સ્ત્રીઓની પરવા છે એ શામાંથી દેખાઈ આવે છે?

ઈશ્વરને ખબર હતી કે પાપી મનુષ્યો સમય જતા શું કરશે, એટલે જ સ્ત્રીઓના રક્ષણ માટે તેમણે પોતાના વિચારો જણાવ્યા. તેમણે મુસા દ્વારા ઈસ્રાએલીઓને નિયમો આપ્યા હતા. એ વિશે આજથી લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાં, લૉરે એનાર્ડ નામની એક લેખિકાએ પોતાના લખાણમાં જણાવ્યું: ‘મોટા ભાગના કિસ્સાઓમાં, જ્યારે નિયમકરાર સ્ત્રી વિશે કંઈ જણાવે છે ત્યારે, એ તેઓનાં બચાવમાં હોય છે.’—લા બાઇબલ ઓવ ફેમિનિન, ફ્રેન્ચ પુસ્તક.

દાખલા તરીકે, એ નિયમોમાં આજ્ઞા હતી કે માતા-પિતા બંનેને આદર અને માન બતાવવાં જોઈએ. (નિર્ગમન ૨૦:૧૨; ૨૧:૧૫, ૧૭) નિયમો એ પણ જણાવતા કે ગર્ભવતી સ્ત્રીનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. (નિર્ગમન ૨૧:૨૨) ઈશ્વરના નિયમોમાં સ્ત્રીઓને રક્ષણ મળતું હતું. આજે દુનિયાના ઘણા દેશોમાં સ્ત્રીઓને કાનૂની હક્ક ઓછા મળે છે. એ સ્પષ્ટ બતાવે છે કે આજના નિયમો કરતાં ઈશ્વરના નિયમો કેટલા ચઢિયાતા છે. ઈશ્વર સ્ત્રીઓની સંભાળ રાખે છે, એની સાબિતી આપતા બીજા ઘણા નિયમો છે.

સ્ત્રીઓ વિશે ઈશ્વરના વિચારો દર્શાવતા નિયમો

યહોવાએ ઈસ્રાએલી સ્ત્રી-પુરુષોને આપેલા નિયમોથી, તેઓની તંદુરસ્તી સારી રહેતી અને ખરાબ કામોથી દૂર રહી શકતાં હતાં. તેમ જ, યહોવા સાથે ગાઢ સંબંધ જાળવી રાખવા મદદ મળતી. જ્યાં સુધી તેઓએ ઈશ્વરની આજ્ઞાઓ સાંભળી અને માની, ત્યાં સુધી તેઓ ‘પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં શ્રેષ્ઠ’ રહ્યાં. (પુનર્નિયમ ૨૮:૧, ૨) એ નિયમો હેઠળ સ્ત્રીઓનું સ્થાન શું હતું? આનો વિચાર કરો:

૧. સ્ત્રીઓને સ્વતંત્રતા. પ્રાચીન સમયની બીજી દેશજાતિઓ કરતાં ઈસ્રાએલી સ્ત્રીઓ વધુ સ્વતંત્રતાનો આનંદ માણતી. ઘર ચલાવવાની મુખ્ય જવાબદારી પતિની હતી. તોપણ, પતિના પૂરા ભરોસા હેઠળ સ્ત્રીઓ ‘કોઈ ખેતરનો વિચાર કરીને એ ખરીદી શકતી’ અને ‘દ્રાક્ષાવાડી રોપી શકતી.’ જો તેની પાસે ઊન કાંતવાની અને ગૂંથવાની કળા હોય, તો તે પોતાનો વેપાર પણ ચલાવી શકતી. (નીતિવચનો ૩૧:૧૧, ૧૬-૧૯) મુસાને આપેલા નિયમમાં સ્ત્રીઓને એક વ્યક્તિ તરીકે જોવામાં આવતી અને તેઓના અમુક હક્ક પણ હતા.

પ્રાચીન ઈસ્રાએલમાં સ્ત્રીઓ મુક્ત રીતે ઈશ્વર સાથે સંબંધ જોડી શકતી. બાઇબલ હાન્‍ના વિશે જણાવે છે, જેણે પોતાની ચિંતા માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને એક માનતા લીધી હતી. (૧ શમૂએલ ૧:૧૧, ૨૪-૨૮) શૂનેમ શહેરની એક સ્ત્રી સાબ્બાથના દિવસે ઈશ્વરભક્ત એલીશાની સલાહ લેતી. (૨ રાજાઓ ૪:૨૨-૨૫) દબોરાહ અને હુલ્દાહ નામની સ્ત્રીઓનો ઈશ્વરે પોતાના વતી બોલવા માટે ઉપયોગ કર્યો હતો. આગળ પડતા માણસો અને યાજકો એ સ્ત્રીઓની સલાહ લેવા આવતા.—ન્યાયાધીશો ૪:૪-૮; ૨ રાજાઓ ૨૨:૧૪-૧૬, ૨૦.

૨. શિક્ષણની તક. સ્ત્રીઓને પણ નિયમકરાર લાગુ પડતો હોવાથી, નિયમોના વાંચન વખતે તેઓને સાંભળવાનો લહાવો મળતો. એમાંથી તેઓ ઘણું શીખી શકતી. (પુનર્નિયમ ૩૧:૧૨; નહેમ્યા ૮:૨, ૮) બીજા ભક્તો સાથે ભક્તિમાં ભાગ લેવાની તેઓને તાલીમ પણ મળતી. કેટલી સ્ત્રીઓ મુલાકાતમંડપમાં ‘સેવા કરતી’ અને બીજી કેટલીક સ્તુતિગીતો ગાવામાં ભાગ લેતી.—નિર્ગમન ૩૮:૮; ૧ કાળવૃત્તાંત ૨૫:૫, ૬.

ઘણી સ્ત્રીઓ પાસે સારો વેપાર ચલાવવા જ્ઞાન અને આવડત હતાં. (નીતિવચનો ૩૧:૨૪) એ સમયના બીજા દેશોમાં ફક્ત પિતાઓએ દીકરાઓને શીખવવાનું હતું. જ્યારે કે ઈસ્રાએલી માતાઓને આજ્ઞા હતી કે તેઓ પોતાનાં દીકરાઓને પુખ્ત વયના થાય ત્યાં સુધી શીખવે. (નીતિવચનો ૩૧:૧) એ બતાવે છે કે પ્રાચીન ઈસ્રાએલમાં સ્ત્રીઓ અભણ રહેતી નહિ.

૩. આદર અને માન. દસ આજ્ઞાઓમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે “તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ.” (નિર્ગમન ૨૦:૧૨) શાણા રાજા સુલેમાને લખેલાં નીતિવચનો આ જણાવે છે: “મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ મા.”—નીતિવચનો ૧:૮.

નિયમકરારમાં કુંવારા લોકોએ એકબીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ, એના વિગતવાર નિયમો આપ્યા હતા. તેમ જ, એમાં સ્ત્રીઓને આદર બતાવવા વિશે પણ જણાવ્યું હતું. (લેવીય ૧૮:૬, ૯; પુનર્નિયમ ૨૨:૨૫, ૨૬) પતિએ પોતાની પત્નીની શારીરિક મર્યાદાઓ ધ્યાનમાં રાખવાની હતી.—લેવીય ૧૮:૧૯.

૪. રક્ષણ માટે હક્ક. બાઇબલમાં ઈશ્વર પોતાને ‘અનાથોના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ’ દર્શાવે છે. બીજા શબ્દોમાં, તે એવા લોકોનું રક્ષણ કરતા, જેઓને પિતા અથવા પતિ દ્વારા હક્ક ન મળતા. (ગીતશાસ્ત્ર ૬૮:૫; પુનર્નિયમ ૧૦:૧૭, ૧૮) એક પ્રબોધકની વિધવાના કિસ્સામાં, લેણદારો તેની સાથે અન્યાયથી વર્ત્યા હતા. એટલે, ઈશ્વરે ચમત્કાર કરીને વિધવાને મદદ કરી, જેથી તેનું ગુજરાન ચાલે અને સ્વમાન જળવાઈ રહે.—૨ રાજાઓ ૪:૧-૭.

ઈસ્રાએલીઓ વચનના દેશમાં જાય એ પહેલાં જ, કુટુંબના મુખી સલોફહાદ દીકરા વગર જ મરણ પામ્યા. તેમની પાંચ દીકરીઓએ મુસાને વિનંતી કરી કે તેઓને વચનના દેશમાં ‘વારસો’ મળે. યહોવાએ તેઓને માંગ્યા કરતાં વધારે આપ્યું. તેમણે મુસાને કહ્યું: “તું નિશ્ચે તેઓના બાપના ભાઈઓ મધ્યે તેઓને વારસાનું વતન આપ; અને તેઓને તેઓના બાપનો વારસો તું અપાવ.” એ સમયથી, ઈસ્રાએલમાં સ્ત્રીઓને પિતાનો વારસો મળતો અને તેઓ એ વારસો પોતાના બાળકોને આપી શકતી.—ગણના ૨૭:૧-૮.

સ્ત્રીઓ વિશે ઈશ્વરના વિચારોની ખોટી રજૂઆત

મુસાને આપેલા નિયમમાં સ્ત્રીઓને આદર મળતો અને તેઓના હક્કને માન અપાતું. જોકે, આશરે ૨,૩૦૦ વર્ષ પહેલાં યહુદી ધર્મને ગ્રીક સંસ્કૃતિની હવા લાગી, જેઓ સ્ત્રીઓને તુચ્છ ગણતા.—“પ્રાચીન લખાણોમાં સ્ત્રીઓ પ્રત્યેનો ભેદભાવ” બૉક્સ જુઓ.

દાખલા તરીકે, આશરે ૨,૭૦૦ વર્ષ પહેલાં ગ્રીક કવિ હેસીયદે મનુષ્યની બધી તકલીફો માટે સ્ત્રીઓને દોષિત ઠરાવી. તેણે પોતાના થિયોગ્‍નિ નામના પુસ્તકમાં આમ લખ્યું: “પુરુષો મધ્યે રહેતી સ્ત્રીઓની જીવલેણ જાતિ, પુરુષો માટે સૌથી મોટી આફત છે.” આશરે ૨,૧૦૦ વર્ષ પહેલાં આ વિચાર યહુદી ધર્મમાં પ્રચલિત થઈ ગયો. લગભગ ૧,૯૦૦ વર્ષ પહેલાંના તાલ્મુડ નામના લખાણમાં આ ચેતવણી છે: ‘સ્ત્રીઓ સાથે વધારે વાતચીત ન કરો, નહિ તો તેઓ તેમને ભ્રષ્ટ કરી નાખશે.’

સદીઓથી, આવી ખોટી માન્યતાએ યહુદી સમાજની સ્ત્રીઓ પર ઘણી અસર કરી છે. ઈસુના સમયમાં સ્ત્રીઓ માટે પહેલેથી જ હદ બંધાઈ ગઈ હતી. તેઓ ફક્ત મંદિરમાંના સ્ત્રીઓના વિભાગ સુધી જ જઈ શકતી. ધાર્મિક શિક્ષણ ફક્ત પુરુષોને જ મળતું અને સ્ત્રીઓને સભાસ્થાનોમાં પુરુષોથી અલગ રાખવામાં આવતી. તાલ્મુડમાં એક રાબ્બી આમ જણાવે છે: ‘જે કોઈ પણ પોતાની દીકરીને તોરાહ (મુસાએ લખેલાં બાઇબલનાં પાંચ પુસ્તકો) શીખવે છે, તે તેને અશ્લીલતા શીખવે છે.’ ઈશ્વરના વિચારોને ખોટી રીતે રજૂ કરીને યહુદી ધર્મગુરુઓએ, ઘણા માણસોના મનમાં સ્ત્રીઓ પ્રત્યે ઘૃણા ઊભી કરી.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે સ્ત્રીઓ પ્રત્યે થતો પક્ષપાત ધ્યાનમાં લીધો હતો, જેના મૂળ એ સમયના રીતરિવાજોમાં ઊંડા ઊતરેલા હતા. (માથ્થી ૧૫:૬, ૯; ૨૬:૭-૧૧) ઈસુના સમયની કેટલીક ખોટી માન્યતાઓની, સ્ત્રીઓ સાથેના તેમના વર્તનમાં શું કોઈ અસર થઈ? તેમના સારાં વર્તન અને વલણમાંથી આપણે શું શીખી શકીએ? ઈસુને પગલે ચાલનારા ભક્તો શું સ્ત્રીઓને રાહત આપે છે? હવે પછીનો લેખ આ સવાલોના જવાબ આપશે. (w12-E 09/01)

પ્રાચીન લખાણોમાં સ્ત્રીઓ પ્રત્યેનો ભેદભાવ

ઈસુના સમયથી જ એલેક્ઝાંડ્રિયાના ફિલોએ ગ્રીક ફિલસૂફીનો ઉપયોગ કરીને ઉત્પત્તિના અહેવાલને પોતાની રીતે સમજાવ્યા. તેણે એમ જણાવ્યું કે હવાએ જાતીયતાનું પાપ કર્યું હોવાથી તેની પાસેથી ‘સ્વતંત્રતા છીનવી લેવામાં આવી અને પોતાના પતિને તાબે કરવામાં આવી.’ સ્ત્રીઓ પ્રત્યેનો આવો તિરસ્કાર યહુદી ધર્મમાં અને ચર્ચના ધર્મગુરુઓના શિક્ષણમાં પણ દાખલ થયો.

બીજી સદીના યહુદી લખાણ, મિદ્રેશ રાબ્બામાં એક રાબ્બીને લાગ્યું કે સ્ત્રીઓએ માથે ઓઢવું જોઈએ, એનું કારણ જણાવતા તે કહે છે: ‘તે જાણે કોઈ પાપ કરનાર વ્યક્તિ જેવી છે, જે લોકોથી શરમાય છે.’ ધર્મો વિશે લખનારા ટર્ટુલિયન, કે જેનાં લખાણો બીજી સદીથી જ પ્રચલિત થયેલાં, તેણે શીખવ્યું કે સ્ત્રીઓએ ‘જાણે હવા દુઃખી થઈને પસ્તાવો કરતી ચાલતી હોય,’ એમ ચાલવું જોઈએ. મોટા ભાગે લોકોમાં એવી ખોટી માન્યતા હતી કે આવા વિચારો બાઇબલમાંથી છે. એટલે, એ વિચારોએ સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવમાં વધારો કર્યો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો