બાઇબલ સવાલોના જવાબો
કેમ પ્રાર્થના કરવી જોઈએ?
યહોવા ઈશ્વર ચાહે છે કે આપણે નિયમિત પ્રાર્થના કરીને તેમને આપણી ચિંતાઓ જણાવીએ. (લુક ૧૮:૧-૭) તેમને આપણામાં રસ હોવાથી તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. ઈશ્વર પ્રાર્થના કરવાનું આમંત્રણ આપતા હોવાથી આપણે એ સ્વીકારવું જ જોઈએ.—ફિલિપી ૪:૬ વાંચો.
પ્રાર્થનાનો અર્થ એ નથી કે ઈશ્વર પાસેથી ફક્ત માંગ્યા કરીએ. પણ, પ્રાર્થના આપણને ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા મદદ કરે છે. (ગીતશાસ્ત્ર ૮:૩, ૪) પ્રાર્થનામાં આપણી લાગણીઓ વ્યક્ત કરવાથી ઈશ્વર સાથે ગાઢ મિત્રતા બાંધીએ છીએ.—યાકૂબ ૪:૮ વાંચો.
કઈ રીતે પ્રાર્થના કરવી જોઈએ?
પ્રાર્થનામાં દેખાડો કરવા મોટા મોટા શબ્દો વાપરીએ કે મંત્રની જેમ રટણ કરીએ એ ઈશ્વરને જરાય પસંદ નથી. આપણે કોઈ ખાસ રીતે બેસીને કે ઊભા રહીને પ્રાર્થના કરવાની જરૂર નથી. યહોવા ચાહે છે કે આપણે દિલથી પ્રાર્થના કરીએ. (માથ્થી ૬:૭) દાખલા તરીકે, પ્રાચીન ઈસ્રાએલમાં ઈશ્વરભક્ત હાન્ના રહેતા હતા. તેમના કુટુંબમાં મુશ્કેલી આવી ત્યારે તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી. સમય જતાં, સંજોગો સારાં થયા ત્યારે પણ તેમણે ઈશ્વરનો આભાર માનવા પ્રાર્થના કરી.—૧ શમૂએલ ૧:૧૦, ૧૨, ૧૩, ૨૬, ૨૭; ૨:૧ વાંચો.
સર્જનહારને આપણી ચિંતાઓ જણાવી શકીએ છીએ. એ આપણા માટે કેટલો મોટો લહાવો છે! ઈશ્વર આપણા માટે જે કરે છે એ માટે પણ આપણે તેમની કદર કરી શકીએ અને આભાર માની શકીએ. આપણે એ કીમતી લહાવાની કદર કરવી જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪-૧૬ વાંચો. (w14-E 07/01)