મુખ્ય વિષય | તમે ઈશ્વરના મિત્ર બની શકો છો
ઈશ્વરનું નામ જાણો અને વાપરો
શું તમારો એવો કોઈ ગાઢ મિત્ર છે જેનું નામ તમે જાણતા ન હો? ના, એવું બને જ નહિ. બલ્ગેરિયામાં રહેતા ઈરીનાએ એવું જ અનુભવ્યું. તે જણાવે છે કે, “જો તમે ઈશ્વરનું નામ જાણતા ન હો, તો તેમની સાથે ગાઢ સંબંધ બાંધવો શક્ય નથી.” આગળના લેખમાં જોઈ ગયા તેમ ઈશ્વર ચાહે છે કે, તમે તેમની સાથે ગાઢ સંબંધ રાખો. તેથી, બાઇબલ દ્વારા તે પોતાની ઓળખ આપે છે. તે જણાવે છે: “હું યહોવા છું; એ જ મારું નામ છે.”—યશાયા ૪૨:૮.
બાઇબલ દ્વારા ઈશ્વર પોતાની ઓળખ આપે છે. તે જણાવે છે: “હું યહોવા છું; એ જ મારું નામ છે.”—યશાયા ૪૨:૮
આપણે યહોવાનું નામ જાણીએ કે ન જાણીએ, એનો ઉપયોગ કરીએ કે ન કરીએ, એનાથી શું યહોવાને કોઈ ફરક પડે છે? આનો વિચાર કરો: ઈશ્વરનું નામ ચાર હિબ્રૂ અક્ષરોથી લખાયેલું છે, જે મૂળ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં લગભગ ૭,૦૦૦ વખત આવે છે. બીજા કોઈનું પણ નામ બાઇબલમાં આટલી બધી વખત નથી. એ સાબિતી આપે છે કે, યહોવા ઇચ્છે છે કે લોકો તેમનું નામ જાણે અને એનો ઉપયોગ કરે.a
મિત્રતાની શરૂઆત એકબીજાનું નામ જાણ્યા પછી થાય છે. શું તમે ઈશ્વરનું નામ જાણો છો?
બની શકે કે, કેટલાક લોકો આવું વિચારે: ઈશ્વર તો પવિત્ર અને સર્વશક્તિમાન છે. તેથી, તેમના નામનો ઉપયોગ કરવાથી તેમનો અનાદર થશે. આપણે પોતાના ગાઢ મિત્રના નામનો ખોટી રીતે ઉપયોગ કરતા નથી. એ જ રીતે, ઈશ્વરના નામનો અયોગ્ય રીતે ઉપયોગ કરવો પણ ખોટો છે. પરંતુ, યહોવા પોતે ઇચ્છે છે કે, જેઓ તેમને પ્રેમ કરે છે તેઓ તેમના નામને આદર આપે અને તેમનું નામ બધાને જણાવે. (ગીતશાસ્ત્ર ૬૯:૩૦, ૩૧; ૯૬:૨, ૮) યાદ કરો, ઈસુએ પણ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા આમ શીખવ્યું: ‘ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.’ ઈશ્વરનું નામ બીજાઓને જણાવીને આપણે તેમનું નામ પવિત્ર મનાવીએ છીએ. આમ કરવાથી આપણે તેમની સાથે ગાઢ સંબંધ બાંધીશું.—માથ્થી ૬:૯.
બાઇબલ જણાવે છે કે, જેઓ ઈશ્વરના નામનું “ચિંતન” એટલે કે મનન કરે છે અથવા એ નામને અમૂલ્ય ગણે છે તેઓના પર તે ખાસ ધ્યાન આપે છે. (માલાખી ૩:૧૬) યહોવા તેઓને વચન આપે છે: ‘તેં મારું નામ જાણ્યું છે માટે હું તને બચાવીશ; તેં મને અરજ કરી છે એટલે હું તને ઉત્તર દઈશ; હું સંકટ સમયે તને સાથ આપીશ.’ (ગીતશાસ્ત્ર ૯૧:૧૪, ૧૫) જો યહોવાના મિત્ર બનવા ચાહતા હોઈએ, તો તેમનું નામ જાણવું અને એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. (w૧૪-E ૧૨/૦૧)
a હિબ્રૂ શાસ્ત્રવચનો, જેને જૂનો કરાર પણ કહેવાય છે, એમાં ઈશ્વરનું નામ આટલી બધી વખત આવે છે. તેમ છતાં, દુઃખની વાત છે કે ઘણા બાઇબલ અનુવાદકોએ એ નામ બાઇબલમાંથી કાઢી નાખ્યું છે. “યહોવા” નામને બદલે તેઓએ “પ્રભુ” કે “ઈશ્વર” જેવા ખિતાબોનો ઉપયોગ કર્યો છે. એ વિશે વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પાન ૧૯૫-૧૯૭ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.