મુખ્ય વિષય | ચિંતાનો સામનો કઈ રીતે કરવો?
કુટુંબની ચિંતા
જેનેટ જણાવે છે: ‘મારા પિતાના મૃત્યુ પછી, થોડા સમયમાં મારા પતિએ કહ્યું કે, હું બીજી સ્ત્રીને પસંદ કરું છું. એટલું કહ્યા પછી, તરત તેણે પોતાનો સામાન લીધો અને મને મૂકીને જતો રહ્યો. તે અમારાં બે બાળકોને મળવા પણ રોકાયો નહિ.’ ખરું કે, જેનેટને નોકરી તો મળી ગઈ. પરંતુ, ઘરની લોન ચૂકવવા એ પગાર પૂરતો ન હતો. એ ઉપરાંત, જેનેટને બીજી પણ ચિંતાઓ હતી. તે કહે છે કે, “હવે મારે એકલા હાથે બધી જ જવાબદારીઓ ઉપાડવાની હતી. એના લીધે હું ચિંતાના ભારથી દબાઈ ગઈ હતી. બીજાં માબાપની જેમ મારાં બાળકોની જરૂરિયાતો પૂરી નથી પાડી રહી, એ જોઈને મારું મન કચવાતું. મને હજી પણ એ ચિંતા છે કે, લોકો મારા અને મારાં બાળકો વિશે શું વિચારતા હશે. શું તેઓ એવું વિચારતા હશે કે, મેં લગ્નને બચાવવા કોઈ જ કોશિશ કરી નથી?”
જેનેટ
પ્રાર્થના કરવાથી જેનેટને પોતાની લાગણીઓ કાબૂમાં રાખવા અને ઈશ્વર સાથે સંબંધ મજબૂત કરવા મદદ મળી. તે જણાવે છે: ‘રાતનો સમય મારા માટે બહુ જ અઘરો હતો. ઘરનું બધું કામકાજ પતાવ્યા પછી જ્યારે હું એકલી પડી જતી ત્યારે, ચિંતાનાં વાદળો મને ઘેરી લેતા. પ્રાર્થના કરવાથી અને બાઇબલ વાંચવાથી હું નિરાંતે ઊંઘી શકતી. મારી મનગમતી કલમ ફિલિપી ૪:૬, ૭ છે, જે જણાવે છે: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર માનતા તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” મેં ઘણી રાતો પ્રાર્થના કરવામાં કાઢી છે અને ઈશ્વરની શાંતિનો અનુભવ કર્યો છે.’
પહાડ પરના ભાષણમાં ઈસુએ ખાતરી આપતા કહ્યું કે, ઈશ્વર આપણી દરેક ચિંતાઓ જાણે છે. તેમણે કહ્યું: ‘તમને અગત્ય છે, તે તમારા માંગ્યા અગાઉ પિતા જાણે છે.’ (માથ્થી ૬:૮) તેથી, તમારે પ્રાર્થનામાં પિતા પાસે મદદ માંગવી જોઈએ. પ્રાર્થના દ્વારા તમે ‘ઈશ્વરની પાસે જઈ’ શકો છો. એમ કરવાથી ‘ઈશ્વર પણ તમારી પાસે આવશે.’—યાકૂબ ૪:૮.
ખરું કે, પ્રાર્થનામાં પોતાની ચિંતાઓ જણાવવાથી મન હળવું થાય છે. ઉપરાંત, જે કોઈ ઈશ્વર પર ભરોસો કરે છે તેઓ માટે તે પગલાં પણ ભરે છે. કેમ કે, યહોવા ઈશ્વર “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) એ કારણે જ ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું હતું કે, ‘હંમેશાં પ્રાર્થના કરો’ અને નિરાશ થશો નહિ. (લુક ૧૮:૧) આપણે હંમેશાં ઈશ્વર પાસે માર્ગદર્શન અને મદદ માંગતા રહેવું જોઈએ. તેમ જ, પૂરી ખાતરી રાખવી જોઈએ કે, વિશ્વાસથી કરેલી પ્રાર્થના ઈશ્વર ચોક્કસ સાંભળશે. ઈશ્વર આપણને મદદ કરશે કે નહિ એવી ક્યારેય શંકા ન કરીએ. ‘નિયમિત પ્રાર્થના કરીને’ બતાવીએ છીએ કે, ઈશ્વરમાં આપણને પૂરો વિશ્વાસ છે.—૧ થેસ્સાલોનીકી ૫:૧૭.
વિશ્વાસ રાખવાનો શું અર્થ થાય?
વિશ્વાસ રાખવાનો અર્થ થાય કે,ઈશ્વરને એક વ્યક્તિ તરીકે ‘ઓળખવા.’ (યોહાન ૧૭:૩) ઈશ્વરને ઓળખવા બાઇબલ આપણને મદદ કરે છે. એમાંથી આપણે તેમના વિચારો પારખી શકીએ છીએ. તેમ જ, જાણવા મળે છે કે, તે આપણા પર પ્રેમાળ નજર રાખે છે અને મદદ કરવા ચાહે છે. જોકે, ઈશ્વર વિશેનું જ્ઞાન મેળવવું જ પૂરતું નથી. વિશ્વાસ રાખવામાં ઈશ્વર સાથે મિત્રતા કેળવવાનો પણ સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે, કોઈના પાકા દોસ્ત રાતોરાત બની જવાતું નથી. એવી જ રીતે, ઈશ્વર સાથે સંબંધ કેળવવા મહેનત કરવી પડે છે. ઈશ્વર વિશે વધારે શીખવાથી, તેમને ‘જે કામો ગમે છે’ એ કરવાથી અને તેમની મદદ મેળવવાથી સમય જતાં આપણો “વિશ્વાસ વધશે.” (૨ કોરીંથી ૧૦:૧૫; યોહાન ૮:૨૯) એવો વિશ્વાસ રાખવાથી જેનેટને ચિંતાઓનો સામનો કરવા મદદ મળી.
જેનેટ જણાવે છે: ‘યહોવાએ મારા જીવનમાં ડગલેને પગલે મદદ કરી છે. એનો અનુભવ કરવાથી મારો વિશ્વાસ મજબૂત બન્યો છે. અમે ઘણી વાર એવા અન્યાયનો સામનો કર્યો જે સહેવા અશક્ય લાગતા. પરંતુ, વારંવાર પ્રાર્થના કરવાથી એ મુશ્કેલીમાંથી બહાર આવવા યહોવાએ એવો રસ્તો બતાવ્યો જેનો મેં સપનામાંયે વિચાર કર્યો ન હતો. હું ઈશ્વરનો આભાર માનું છું ત્યારે, મારા ધ્યાનમાં આવે છે કે તેમણે મારી માટે કેટલું બધું કર્યું છે. તેમણે હંમેશાં ખરા સમયે અમને મદદ કરી છે. ઉપરાંત, મંડળમાં એવાં ભાઈ-બહેનો મળ્યાં છે જેઓ મારા સાચા દોસ્તો છે. તેઓ કાયમ મારી પડખે ઊભા રહ્યાં છે અને મારાં બાળકો માટે સારો દાખલો બેસાડ્યો છે.’a
“હવે હું સમજી શકું છું કે, શા માટે યહોવાએ માલાખી ૨:૧૬માં જણાવ્યું છે કે: ‘હું છૂટાછેડાને ધિક્કારું છું.’ (કોમન લેંગ્વેજ) નિર્દોષ સાથી માટે એ કેટલો મોટો વિશ્વાસઘાત! મારો પતિ મને છોડીને ગયો એને વર્ષો વીત્યાં છે. તેમ છતાં, હજી પણ હું એકલતા અનુભવું છું. બીજા લોકોને મદદ કરવા હું કંઈ કરું છું ત્યારે, મને પોતાને જ મદદ મળે છે.” બાઇબલ સલાહ આપે છે કે, પોતાને એકલા પાડી ન દો. એ સલાહને લાગુ પાળવાથી હું પોતાની ચિંતાઓ ઓછી કરી શકી છું.b—નીતિવચનો ૧૮:૧.
ઈશ્વર “અનાથનો પિતા, અને વિધવાઓનો ન્યાયાધીશ” છે.—ગીતશાસ્ત્ર ૬૮:૫
જેનેટ કહે છે: ‘ઈશ્વર “અનાથનો પિતા, અને વિધવાઓનો ન્યાયાધીશ” છે. એ જાણવાથી મને ઘણો દિલાસો મળ્યો છે. (ગીતશાસ્ત્ર ૬૮:૫) મારા પતિએ જેમ દગો કર્યો, તેમ ઈશ્વર ક્યારેય નહિ કરે.’ જેનેટ સારી રીતે જાણે છે કે, ઈશ્વર ક્યારેય “દુષ્ટતાથી” કોઈનું પરીક્ષણ કરતા નથી. એના બદલે તે “સર્વને ઉદારતાથી” જ્ઞાન આપે છે. તેમ જ, ચિંતાઓનો સામનો કરવા “પરાક્રમની અધિકતા” પણ આપે છે.—યાકૂબ ૧:૫, ૧૩; ૨ કોરીંથી ૪:૭.
હવે ચાલો જોઈએ કે, જીવન જોખમમાં હોવાથી થતી ચિંતાનો સામનો કરવા શું કરીશું. (w૧૫-E ૦૭/૦૧)
a ૧ કોરીંથી ૧૦:૧૩; હિબ્રૂ ૪:૧૬ જુઓ.
b ચિંતાઓનો બીજી કઈ રીતોએ સામનો કરવો એ વિશે વધુ જાણવા જુલાઈ ૨૦૧૫ અંગ્રેજી સજાગ બનો! અંકનો મુખ્ય વિષય જુઓ. એ તમે www.pr418.com વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો.