મુખ્ય વિષય | શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?
શું કોઈ પ્રાર્થના સાંભળે છે?
અમુક લોકોને લાગે છે કે, પ્રાર્થના કરવાનો કોઈ ફાયદો નથી. કેમ કે, કોઈ એને સાંભળતું નથી. બીજા કેટલાકે પ્રાર્થના કરી છે, પરંતુ તેઓને એનો જવાબ મળ્યો નથી. એક નાસ્તિક વ્યક્તિએ પોતાના મનમાં ઈશ્વરને ધારી લીધા અને પછી પ્રાર્થનામાં કહ્યું: ‘મારા કાનમાં ધીરેથી કંઈક કહો.’ તે વ્યક્તિ આગળ જણાવે છે કે, ઈશ્વરે મને ‘કંઈ જ ન કહ્યું.’
જોકે, પવિત્ર શાસ્ત્ર આપણને ખાતરી આપે છે કે, ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે. એક શાસ્ત્રવચન જણાવે છે કે, “તારા પોકારનો અવાજ સાંભળીને તે [ઈશ્વર] તારા પર દયા કરશે જ કરશે; તે સાંભળતાં જ તને ઉત્તર આપશે.” (યશાયા ૩૦:૧૯) બીજું એક શાસ્ત્રવચન જણાવે છે કે, ‘પ્રામાણિક વ્યક્તિની પ્રાર્થનાથી ઈશ્વરને આનંદ થાય છે.’—નીતિવચનો ૧૫:૮.
ઈસુએ તેમના પિતાને પ્રાર્થના કરી અને ‘તેમની પ્રાર્થના સાંભળવામાં આવી.’—હિબ્રૂ ૫:૭
શાસ્ત્રમાં એવા અમુક લોકો વિશે જણાવવામાં આવ્યું છે, જેઓની પ્રાર્થના સાંભળવામાં આવી હતી. એક શાસ્ત્રવચન જણાવે છે કે, ઈસુએ ‘મોટે ઘાંટે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા. તેમણે ઈશ્વરનો ડર રાખ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી.’ (હિબ્રૂ ૫:૭) બીજા દાખલાઓ આપણને દાનીયેલ ૯:૨૧ અને ૨ કાળવૃત્તાંત ૭:૧માં જોવા મળે છે.
તો પછી, શા માટે અમુકને લાગે છે કે તેઓની પ્રાર્થના સાંભળવામાં નથી આવતી? આપણી પ્રાર્થના સાંભળવામાં આવે માટે જરૂરી છે કે, પૂર્વજો અને બીજા કોઈ દેવોને નહિ પણ ફક્ત યહોવાa ઈશ્વરને પ્રાર્થના કરીએ. ઈશ્વર ચાહે છે કે આપણે ‘તેમની ઇચ્છા પ્રમાણે માંગીએ.’ તે ખાતરી આપે છે કે, એ રીતે પ્રાર્થના કરીશું તો તે આપણું સાંભળશે.’ (૧ યોહાન ૫:૧૪) તેથી, આપણી પ્રાર્થના સાંભળવામાં આવે માટે સાચા ઈશ્વર વિશે જાણીએ અને તેમની ઇચ્છા શું છે એ શીખીએ.
ઘણા લોકો માને છે કે, પ્રાર્થના ફક્ત એક ધાર્મિક વિધિ નથી. પરંતુ, ઈશ્વર ખરેખર આપણી પ્રાર્થના સાંભળે છે અને એનો જવાબ પણ આપે છે. કેન્યામાં રહેતા આઈઝેક જણાવે છે કે, ‘બાઇબલ સમજવા મેં પ્રાર્થના કરી. એના થોડા સમયમાં મારી પાસે એક વ્યક્તિ આવી અને બાઇબલ સમજવા મને મદદ આપી.’ ફિલિપાઇન્સમાં રહેતી હિલ્ડાનો વિચાર કરો. તેણે સિગારેટ છોડવાનો ઘણી વાર પ્રયત્ન કર્યો. પણ, તે નિષ્ફળ ગઈ. તેના પતિએ સૂચવ્યું, ‘કેમ નહિ તું ઈશ્વર પાસે મદદ માંગે?’ એ સલાહ લાગુ પાડ્યા પછી તે જણાવે છે કે, ‘માનવામાં નથી આવતું એ રીતે મને મદદ મળી છે. મને જાણે એવું લાગ્યું કે, સિગારેટ પીવાની મારી ઇચ્છા જતી રહી છે. હું એ આદત છોડી શકી.’
તમારી ચિંતાઓ દૂર કરવામાં શું ઈશ્વરને કોઈ રસ છે? (w15-E 10/01)
a પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.