વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp17 નં. ૨ પાન ૧૧-૧૨
  • ઇલિઆસ હટર અને તેમના નોંધપાત્ર હિબ્રૂ બાઇબલો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઇલિઆસ હટર અને તેમના નોંધપાત્ર હિબ્રૂ બાઇબલો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • “આવૃત્તિની ખાસિયત”
  • હિબ્રૂ ભાષામાં “નવો કરાર”
  • લાંબા સમય સુધી ઉપયોગી
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • પોતાના લોકો સાથે વાત કરનાર ઈશ્વર યહોવા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • બાઇબલ ભાષાંતરનો ઉત્તમ નમૂનો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
wp17 નં. ૨ પાન ૧૧-૧૨

ઇલિઆસ હટર અને તેમના નોંધપાત્ર હિબ્રૂ બાઇબલો

શું તમે બાઇબલના લખાણમાં વપરાયેલી મૂળ હિબ્રૂ ભાષા વાંચી શકો? કદાચ નહિ. બની શકે કે તમે હિબ્રૂ બાઇબલ જોયું પણ નહિ હોય. પણ ૧૬મી સદીના વિદ્વાન ઇલિઆસ હટર અને તેમણે બહાર પાડેલી હિબ્રૂ બાઇબલની બે આવૃત્તિઓ વિશે જાણશો ત્યારે, પવિત્ર શાસ્ત્ર માટે તમારી કદર વધશે. તમે જે બાઇબલ આવૃત્તિ વાપરો છો, એની પણ વધારે કદર કરવા લાગશો!

ઇલિઆસ હટરનો જન્મ ૧૫૫૩માં જર્મનીના ગોરલીટ્‌ઝ નામના નાના શહેરમાં થયો હતો. એ શહેર, પોલૅન્ડ અને ચેક પ્રજાસત્તાકની સાથે જોડાયેલી જર્મનીની સરહદ પર આવેલું છે. તેમણે લુથરન યુનિવર્સિટીમાં મધ્યપૂર્વ દેશોની ભાષાઓનો અભ્યાસ કર્યો હતો. એ યુનિવર્સિટી જેના શહેરમાં હતી. તે હજી ૨૪ વર્ષના પણ થયા ન હતા અને તેમને લાઇપસિકમાં હિબ્રૂના પ્રોફેસર નિમવામાં આવ્યા. શિક્ષણ ક્ષેત્રે તે સુધારો લાવવા માંગતા હતા. તેથી, તેમણે ન્યૂરેમ્બર્ગમાં એક સ્કૂલની સ્થાપના કરી, જેમાં ફક્ત ચાર વર્ષમાં વિદ્યાર્થીઓ હિબ્રૂ, ગ્રીક, લૅટિન અને જર્મન ભાષા શીખી શકતા. એ જમાનામાં કોઈ પણ સ્કૂલ કે યુનિવર્સિટી માટે એમ કરવું અશક્ય હતું.

“આવૃત્તિની ખાસિયત”

૧૫૮૭માં બહાર પડેલા હટરના બાઇબલનું કવર

૧૫૮૭માં બહાર પડેલા હટરના હિબ્રૂ બાઇબલનું મુખ્ય પાન

સાલ ૧૫૮૭માં હટરે બાઇબલના જૂના કરાર તરીકે ઓળખાતા ભાગની હિબ્રૂ આવૃત્તિ બહાર પાડી. એ આવૃત્તિનું નામ દેરેખ હા-કોદેશ પાડવામાં આવ્યું. એ નામ યશાયા ૩૫:૮માંથી લેવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય, “પવિત્રતાનો માર્ગ.” એ આવૃત્તિ પર સુંદર અક્ષરોમાં છાપવામાં આવ્યું હતું: “આ આવૃત્તિની દરેક બાબતમાં ખાસિયત છે.” આ બાઇબલની સૌથી અજોડ ખાસિયત હતી કે, એની મદદથી વિદ્યાર્થીઓ હિબ્રૂ ભાષા શીખી શકતા હતા.

હિબ્રૂ શીખવા માટે હટરનું બાઇબલ શા માટે મદદરૂપ હતું? હિબ્રૂ ભાષામાં બાઇબલ વાંચતી વખતે વિદ્યાર્થીઓને બે અડચણો નડતી. પહેલી, હિબ્રૂ ભાષાના મૂળાક્ષરો બીજી ભાષા કરતાં સાવ અલગ છે અને ઓછા જાણીતા છે. બીજી, વાક્ય રચનામાં અમુક શબ્દોની આગળ-પાછળ બીજા અક્ષરો જોડવામાં આવે છે, જેના કારણે મૂળ શબ્દોને ઓળખવા મુશ્કેલ બની જાય છે. દાખલા તરીકે, હિબ્રૂ શબ્દ નેફેશ (મૂળ હિબ્રૂમાં נפשׁ) જેનો અર્થ થાય “જીવ”. હઝકીએલ ૧૮:૪માં એ શબ્દની આગળ એક અક્ષર હા (મૂળ હિબ્રૂમાં ה) મૂકવામાં આવ્યો છે, જેનો અર્થ થાય “એ”. એટલે, હવે જોડાયેલાં શબ્દોથી એક શબ્દ બને હાનેફેશ (મૂળ હિબ્રૂમાં הנפשׁ), જેનો અર્થ થાય “એ જીવ”. હિબ્રૂ શીખતી વ્યક્તિને નેફેશ (נפשׁ) અને હાનેફેશ (הנפשׁ) શબ્દો તદ્દન જુદાં લાગી શકે.

વિદ્યાર્થીઓને મદદ મળે માટે હટરે એક જોરદાર તરકીબ શોધી કાઢી. તેમણે મૂળ હિબ્રૂ શબ્દોને ઘાટા અક્ષરોમાં છાપ્યાં પણ બાકીની જોડણીને આછા અક્ષરોમાં છાપી. આ સરળ પદ્ધતિને લીધે વિદ્યાર્થીઓ માટે મૂળ હિબ્રૂ શબ્દો પારખવા સહેલા બની ગયા અને તેઓને ભાષા શીખવામાં મદદ મળી. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ—વીથ રેફરન્સીસ બાઇબલની ફુટનોટમાં પણ આ સરળ રીતનો ઉપયોગ થયો છે.a એમાં હિબ્રૂ શબ્દોને અંગ્રેજીમાં લખવામાં આવ્યા છે, જેમાં મૂળ હિબ્રૂ શબ્દને ઘાટા અક્ષરોમાં લખ્યા છે અને બાકીની જોડણીને આછા અક્ષરોમાં લખી છે. ચિત્રમાં, હટરે છાપેલી હઝકીએલ ૧૮:૪ કલમ અને રેફરન્સ બાઇબલમાં એ કલમ માટે આપેલી ફુટનોટ જોઈ શકાય છે.

હટરે છાપેલી હઝકીએલ ૧૮:૪ કલમ અને ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ—વીથ રેફરન્સીસમાં એ કલમ માટે આપેલી ફુટનોટ

હિબ્રૂ ભાષામાં “નવો કરાર”

બાઇબલના “નવો કરાર” તરીકે ઓળખાતા ભાગને, હટરે ૧૨ ભાષામાં છાપ્યો. એ આવૃત્તિ ૧૫૯૯માં ન્યૂરેમ્બર્ગમાં બહાર પાડવામાં આવી અને એ આવૃત્તિ ન્યૂરેમ્બર્ગ પોલિગ્લોટ તરીકે પણ ઓળખાય છે. હટરની ઇચ્છા હતી કે તે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોને હિબ્રૂ ભાષામાં છાપે. પરંતુ તેમને લાગતું કે જો તે “મોટી રકમ આપવા તૈયાર થાય” તોપણ, નવા કરારનું હિબ્રૂ ભાષાંતર મેળવવું લગભગ અશક્ય હતું.b એટલે તેમણે બીડું ઉઠાવ્યું કે તે પોતે નવા કરારનું હિબ્રૂમાં ભાષાંતર કરશે. બીજા બધાં પ્રોજેક્ટ બાજુ પર મૂકીને, તે ભાષાંતરના કામે લાગી ગયા. એક જ વર્ષમાં તેમણે એ ભાષાંતર પૂરું કર્યું!

હટરે કરેલું ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનું હિબ્રૂ ભાષાંતર કેવું હતું? ૧૯મી સદીના જાણીતા વિદ્વાન ફ્રાન્ઝ ડીલીત્ઝે લખ્યું: “તેમણે કરેલું હિબ્રૂ ભાષાંતર બતાવે છે કે, ભાષા પર તેમની પકડ જોરદાર હતી; બહુ ઓછા ખ્રિસ્તીઓમાં એવી કુશળતા જોવા મળતી હતી. અને આજે પણ તેમના ભાષાંતરની મદદ લઈ શકાય, કારણ કે લગભગ બધી જ જગ્યાએ તેમણે એકદમ યોગ્ય શબ્દ વાપર્યા છે.”

લાંબા સમય સુધી ઉપયોગી

હટર પોતાના ભાષાંતર કામથી પૈસા કમાઈ ન શક્યા. લાગે છે, તેમણે બહાર પાડેલી આવૃત્તિઓ જોઈએ એવી વેચાઈ નહિ. છતાં, તેમનું કામ મહત્ત્વનું હતું અને એની અસર લાંબા સમય સુધી રહી. દાખલા તરીકે, ૧૬૬૧માં વિલિયમ રોબર્ટસને અને પછીથી ૧૭૯૮માં રીચર્ડ કેડીકે હટરના ભાષાંતરની સુધારેલી આવૃત્તિ બહાર પાડી. મૂળ ગ્રીકમાંથી ભાષાંતર કરતી વખતે, હટરે ખિતાબોનું યોગ્ય રીતે ભાષાંતર કર્યું. જેમ કે, નવા કરારમાં હિબ્રૂ શાસ્ત્રમાંથી ટાંકેલી કલમોમાં જો ગ્રીક શબ્દો કીરીઓસ (પ્રભુ) અને થીઓસ (ઈશ્વર) વપરાયો હોય, તો ત્યાં “યહોવા” (יהוה, યહવહ) નામ મૂક્યું. તેમજ, જ્યાં તેમને લાગ્યું કે કલમ યહોવાનો ઉલ્લેખ કરે છે, ત્યાં પણ “યહોવા” નામ મૂક્યું. એ રસપ્રદ છે, કારણ કે નવા કરારના મોટાભાગના ભાષાંતરોમાંથી ઈશ્વરનું નામ કાઢી નાંખવામાં આવ્યું છે. પણ, હટરનું ભાષાંતર વધુ એક સાબિતી છે કે, ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ પાછું મૂકવું જોઈએ.

હવે જ્યારે તમે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં અથવા રેફરન્સ બાઇબલની ફુટનોટમાં ઈશ્વર યહોવાનું નામ જુઓ, ત્યારે ઇલિઆસ હટરનું નોંધપાત્ર કામ અને તેમના હિબ્રૂ બાઇબલોને જરૂર યાદ કરજો.

a રેફરન્સ બાઇબલમાં હઝકીએલ ૧૮:૪ માટે આપેલી બીજી ફુટનોટ અને ઍપેન્ડિક્સ 3B જુઓ.

b અગાઉ પણ બીજા વિદ્વાનોએ નવા કરારનું હિબ્રૂમાં ભાષાંતર કર્યું હતું. જેમ કે, આશરે ૧૩૬૦માં બાઇઝંટાઈના સંત સાયમન અટાઉમાનોસે અને આશરે ૧૫૬૫માં જર્મન વિદ્વાન ઓસ્વાલ્ડ સ્ક્રેચેનફૂચ્સે. પણ એ ભાષાંતરો ક્યારેય બહાર પાડવામાં આવ્યાં ન હતાં અને હવે એ ગુમ થઈ ગયાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો