વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 માર્ચ પાન ૮-૧૨
  • જેઓ માનના હકદાર છે, તેઓને માન આપો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જેઓ માનના હકદાર છે, તેઓને માન આપો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • યોગ્ય રીતે માન આપો
  • બીજાઓને માન આપો
  • માન બતાવવાથી ફાયદો થાય છે
  • મંડળમાં બધાને માન આપવામાં શું તમે પહેલ કરો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • શું તમે બીજાને માન આપો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • “તમે સઘળા ભાઈઓ છો”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • “તમારાં માતા-પિતાને માન આપો”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 માર્ચ પાન ૮-૧૨
પ્રકટીકરણમાં જણાવેલા ૨૪ વડીલો યહોવાના રાજ્યાસન આગળ દંડવત્‌ કરે છે

જેઓ માનના હકદાર છે, તેઓને માન આપો

“રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને અને ઘેટાને સ્તુતિ, મહિમા, માન અને બળ હંમેશાં ને હંમેશાં મળો.”—પ્રકટી. ૫:૧૩.

ગીતો: ૯, ૧૪

જવાબમાં તમે શું કહેશો?

  • યહોવા અને ઈસુને શા માટે માન આપવું જોઈએ?

  • કયા માણસો માન અને આદરના હકદાર છે અને શા માટે?

  • બીજાઓને માન આપવાથી આપણને કયા ફાયદા થાય છે?

૧. અમુક લોકો શા માટે માનને પાત્ર છે? આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આપણે કઈ રીતે બીજાઓને માન બતાવી શકીએ? તેઓને ખાસ ધ્યાન આપીને અને આદર બતાવીને. મોટા ભાગે, આપણે એવા લોકોને માન આપીએ છીએ, જેઓએ માનને યોગ્ય કંઈ કામ કર્યું હોય અથવા જેઓ પાસે મહત્ત્વની જવાબદારી કે હોદ્દો હોય. આ લેખમાં આપણે જોઈશું કે કોને માન આપવું અને શા માટે આપવું.

૨, ૩. (ક) યહોવા શા માટે ખાસ માનના હકદાર છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) પ્રકટીકરણ ૫:૧૩માં જણાવેલ ઘેટું કોણ છે અને શા માટે તેને માન આપવું જોઈએ?

૨ પ્રકટીકરણ ૫:૧૩ કહે છે, “રાજ્યાસન પર જે બેઠેલા છે” તે અને ‘ઘેટું’ માનના હકદાર છે. “રાજ્યાસન પર જે બેઠેલા છે” એ યહોવા છે, જે “હંમેશને માટે જીવે છે.” તેમને માન આપવાનું એક કારણ પ્રકટીકરણ અધ્યાય ૪માં જણાવવામાં આવ્યું છે. દૂતો તેમનો મહિમા ગાતા કહે છે: “હે યહોવા અમારા ઈશ્વર, મહિમા, માન અને અધિકાર મેળવવાને તમે જ યોગ્ય છો, કેમ કે તમે બધી વસ્તુઓ ઉત્પન્‍ન કરી અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવી અને ઉત્પન્‍ન થઈ.”—પ્રકટી. ૪:૯-૧૧.

૩ પ્રકટીકરણ ૫:૧૩માં જણાવેલું ‘ઘેટું’ ઈસુ ખ્રિસ્ત છે. આપણે શાને આધારે એમ કહી શકીએ? ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમના વિશે કહેવામાં આવ્યું કે, “ઈશ્વરનું ઘેટું, જે દુનિયાનું પાપ દૂર કરે છે!” (યોહા. ૧:૨૯) બાઇબલ જણાવે છે કે, ઈસુ બીજા કોઈ પણ રાજા કરતાં ચઢિયાતા છે. એ કહે છે: “તે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે.” (૧ તિમો. ૬:૧૪-૧૬) શું બીજા કોઈ રાજાએ પોતાની પ્રજા માટે પોતાનો જીવ આપ્યો છે? કોઈએ પણ નહિ. માન આપવાનું કેટલું યોગ્ય કારણ! તમને પણ કદાચ હજારો સ્વર્ગદૂતો જેવું લાગે, જેઓ ગીત ગાતા કહે છે: “જે ઘેટાનું બલિદાન ચઢાવવામાં આવ્યું હતું, તે શક્તિ, સંપત્તિ, ડહાપણ, બળ, માન, મહિમા અને સ્તુતિ મેળવવાને યોગ્ય છે.”—પ્રકટી. ૫:૧૨.

૪. યહોવા અને ઈસુને માન આપવું શા માટે યોગ્ય છે?

૪ યોહાન ૫:૨૨, ૨૩ જણાવે છે કે યહોવાએ ઈસુને મનુષ્યો પર ન્યાયાધીશ ઠરાવ્યા છે. એટલે આપણે તેમને માન આપવું જોઈએ. એમ કરીએ છીએ ત્યારે, આપણે યહોવાને પણ માન આપીએ છીએ. ઈસુ અને તેમના પિતા યહોવાને માન આપીએ છીએ ત્યારે, આપણને હંમેશ માટેના જીવનની તક મળે છે.—ગીતશાસ્ત્ર ૨:૧૧, ૧૨ વાંચો.

૫. શા માટે દરેક મનુષ્ય માન અને આદરના હકદાર છે?

૫ મનુષ્યોને “ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે” બનાવવામાં આવ્યા છે. (ઉત. ૧:૨૭) એનો અર્થ થાય કે, મોટા ભાગના લોકો અમુક હદે ઈશ્વર જેવા ગુણો બતાવી શકે છે. જેમ કે, પ્રેમ, ભલાઈ અને દયા. મનુષ્યોને અંતઃકરણ આપવામાં આવ્યું છે. એનાથી તેઓ યોગ્ય-અયોગ્ય, પ્રમાણિકતા-અપ્રમાણિકતા અને ખરા-ખોટા વચ્ચેનો ભેદ પારખી શકે છે. (રોમ. ૨:૧૪, ૧૫) મોટા ભાગના લોકો સુંદરતા અને સ્વચ્છતા પસંદ કરે છે. તેઓને બીજાઓ સાથે હળીમળીને રહેવું ગમે છે. એ જોઈને આપણને નવાઈ નથી લાગતી. કારણ કે, યહોવા વ્યવસ્થા અને શાંતિના ઈશ્વર છે. સાફ દેખાઈ આવે છે કે, દરેક મનુષ્યમાં એક અથવા બીજી રીતે યહોવા જેવા ગુણો બતાવવાની ક્ષમતા છે. એ કારણે, મનુષ્યો પણ માન અને આદરના હકદાર છે.—ગીત. ૮:૫.

યોગ્ય રીતે માન આપો

૬, ૭. યહોવાના ભક્તો કઈ રીતે બીજા લોકો કરતાં અલગ છે?

૬ આપણે જાણીએ છીએ કે બીજા મનુષ્યોને માન આપવું જોઈએ. પરંતુ, કેવું માન આપવું અને કેટલી હદે આપવું એ જાણવું મુશ્કેલ બની શકે. કારણ કે, મોટા ભાગના મનુષ્યોમાં શેતાનની દુષ્ટ દુનિયાનું વલણ જોવા મળે છે. ઘણા લોકો કોઈ સ્ત્રી કે પુરુષને પોતાના આદર્શ બનાવે છે. ખરું કે, યહોવા ચાહે છે કે આપણે બીજાઓને માન આપીએ. પણ, ઘણા લોકો બીજાઓને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપે છે. અરે, અમુકે તો માણસોને પોતાના ભગવાન બનાવી દીધા છે. તેઓ રાજકીય નેતાઓ, ધાર્મિક આગેવાનો, ખેલાડીઓ, સિનેજગતના સિતારાઓ અને બીજી નામી હસ્તીઓનાં પહેરવેશ અને વાણી-વર્તનનું અનુકરણ કરે છે.

૭ સાચા ઈશ્વરભક્તો જાણે છે કે, એટલી હદે માણસોને માન આપવું ખોટું છે. પૃથ્વી પર જીવી ગયેલા બધા માણસોમાં ફક્ત ઈસુ જ એવા વ્યક્તિ છે, જેમના પગલે આપણે ચાલવું જોઈએ. તેમને જ આપણા આદર્શ બનાવવા જોઈએ. (૧ પીત. ૨:૨૧) જ્યારે કે, બીજા “બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા સુધી પહોંચવામાં બધા અધૂરા છે.” (રોમ. ૩:૨૩) તેથી, કોઈ વ્યક્તિને જરૂર કરતાં વધારે માન આપીએ છીએ ત્યારે, યહોવા નાખુશ થાય છે. ખરેખર, કોઈ પણ મનુષ્ય ભક્તિને યોગ્ય નથી.

૮, ૯. (ક) યહોવાના સાક્ષીઓ સરકારી અધિકારીઓને કેવા ગણે છે? (ખ) કેવા સંજોગોમાં આપણે અધિકારીઓની આજ્ઞા પાળીશું નહિ?

૮ અમુક લોકો તેઓના હોદ્દાને લીધે આપણા માન અને મહિમાના હકદાર છે. દાખલા તરીકે, સરકારી અધિકારીઓ. તેઓ આપણા માટે ઘણું કરે છે. તેઓ દરેક નાગરિકની જરૂરિયાત અને સલામતીનું ધ્યાન રાખે છે. તેઓનાં કામથી આપણને ઘણા ફાયદા થાય છે. પ્રેરિત પાઊલે કહ્યું હતું કે આપણે સરકારી અધિકારીઓને ‘ઉચ્ચ અધિકારીઓ’ ગણવા જોઈએ અને તેઓના નિયમો પાળવા જોઈએ. તેમણે કહ્યું હતું: “એ સર્વને તેઓનો હક આપ: જે કર માંગે, તેને કર; . . . જેને માન આપવું જોઈએ, તેને માન.”—રોમ. ૧૩:૧, ૭.

૯ યહોવાના સાક્ષીઓ તરીકે આપણે સરકારી અધિકારીઓને માન આપવા બનતું બધું કરીએ છીએ. આપણે યાદ રાખીએ છીએ કે, દરેક દેશના કાયદાઓ અને અધિકારીઓની અપેક્ષા અલગ અલગ હોય છે. છતાં, આપણે તેઓનાં કામને સાથ-સહકાર આપીએ છીએ અને કાયદાઓનું પાલન કરીએ છીએ. પણ, જો તેઓ એવું કંઈ કરવાનું કહે જેનાથી યહોવાનો નિયમ તૂટતો હોય, તો શું? એવા સંજોગોમાં, આપણે માણસોને બદલે યહોવાને આધીન રહીએ છીએ અને તેમને માન આપીએ છીએ.—૧ પીતર ૨:૧૩-૧૭ વાંચો.

૧૦. અગાઉના ઈશ્વરભક્તોએ આપણા માટે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો છે?

૧૦ અગાઉના ઈશ્વરભક્તોએ પણ સરકારો અને અધિકારીઓને માન આપ્યું હતું. આપણે તેઓ પાસેથી શીખી શકીએ. યુસફ અને મરિયમનો દાખલો લો. રોમન અધિકારીઓ દેશની વસ્તી ગણતરી કરવા ચાહતા હતા. એ અરસામાં ગર્ભવતી મરિયમને કોઈ પણ સમયે પ્રસૂતિ થઈ શકતી હતી. એવી હાલતમાં પણ તેઓએ આદેશનું પાલન કરવાનું નક્કી કર્યું અને નોંધણી કરાવવા બેથલેહેમ સુધી ગયાં. (લુક ૨:૧-૫) પ્રેરિત પાઊલનો વિચાર કરો. તેમના પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે રાજા હેરોદ અગ્રીપા અને રોમન પ્રાંતના રાજ્યપાલ ફેસ્તુસ આગળ આદરપૂર્વક પોતાનો બચાવ કર્યો. આમ, તેમણે પણ અધિકારીઓને માન આપ્યું.—પ્રે.કા. ૨૫:૧-૧૨; ૨૬:૧-૩.

૧૧, ૧૨. (ક) શા માટે આપણે ધાર્મિક અધિકારીઓને વિશેષ માન આપતા નથી? (ખ) એક સાક્ષીએ સરકારી અધિકારીને માન આપ્યું ત્યારે, કેવું પરિણામ આવ્યું?

૧૧ શું ધર્મગુરુઓને વિશેષ માન આપવું જોઈએ? બની શકે કે, તેઓ વિશેષ માનની અપેક્ષા રાખતા હોય. છતાં, બીજાઓને આપીએ છીએ એટલું જ માન તેઓને આપવું જોઈએ. એવું શા માટે? કારણ કે, તેઓ ઈશ્વર અને બાઇબલ વિશે સત્ય શીખવતા નથી. અરે, ઈસુએ તો એ જૂઠા ધર્મગુરુઓની ટીકા કરી હતી! તેઓને ઢોંગીઓ અને આંધળા દોરનારાઓ કહ્યા હતા! (માથ. ૨૩:૨૩, ૨૪) બીજી બાજુ, સરકારી અધિકારીઓને ખાસ માન આપવામાં કંઈ ખોટું નથી. એમ કરવાથી તેઓએ ઘણી વાર આપણી મદદ કરી છે.

૧૨ ચાલો ઑસ્ટ્રિયાનો એક કિસ્સો જોઈએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી લોકોએ હાઈનરીક ગલાઈસનાની ધરપકડ કરી હતી. તે ઑસ્ટ્રિયાના એક સરકારી અધિકારી હતા. જુલમી છાવણીમાં પહોંચાડવા તેમને ટ્રેનમાં લઈ જવામાં આવ્યા. ટ્રેનમાં તેમની મુલાકાત ભાઈ લીઓપોલ્ડ ઇંગલાઈટન સાથે થઈ. તે ઑસ્ટ્રિયાના ઉત્સાહી પ્રચારક હતા. ભાઈએ આદરપૂર્વક પોતાની માન્યતા હાઈનરીકને જણાવી અને તેમણે એ ધ્યાનથી સાંભળ્યું. યુદ્ધ પછી, હાઈનરીક જ્યારે પોતાની પદવીએ પાછા ગયા, ત્યારે તેમણે પોતાના અધિકારનો સારો ઉપયોગ કરીને ઑસ્ટ્રિયાના સાક્ષીઓને મદદ કરી. સાક્ષીઓએ અધિકારીઓને માન આપ્યું હોય અને એનાં સારાં પરિણામ મળ્યાં હોય, એવા ઘણા દાખલા છે. એમાંના અમુક તમે પણ જાણતા હશો.

બીજાઓને માન આપો

૧૩. કોણ વિશેષ માન અને આદરના હકદાર છે અને શા માટે?

૧૩ આપણાં ભાઈ-બહેનો માન અને આદરના હકદાર છે. ખાસ કરીને, આગેવાની લેતા ભાઈઓ. જેમ કે, વડીલો, સરકીટ નિરીક્ષકો, શાખા સમિતિના ભાઈઓ અને નિયામક જૂથના સભ્યો. (૧ તિમોથી ૫:૧૭ વાંચો.) તેઓ ઈશ્વરભક્તોની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. બાઇબલ તેઓને માણસોમાં “ભેટ” તરીકે વર્ણવે છે. (એફે. ૪:૮) ભલે તેઓનો દેશ, ભણતર, સામાજિક હોદ્દો કે આર્થિક સ્થિતિ ગમે એ હોય, આપણે તેઓને માન આપવું જોઈએ. પહેલી સદીના ખ્રિસ્તીઓએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. તેઓએ આગેવાની લેતા ભાઈઓને માન આપ્યું હતું. આજે આપણે પણ એવું જ કરીએ છીએ. ખરું કે, એ ભાઈઓને આપણે ઊંચે દરજ્જે નથી મૂકતા, પણ તેઓની સખત મહેનત અને નમ્રતા માટે તેઓને માન આપીએ છીએ.—૨ કોરીંથીઓ ૧:૨૪; પ્રકટીકરણ ૧૯:૧૦ વાંચો.

૧૪, ૧૫. મંડળના વડીલો કઈ રીતે બીજા ધર્મગુરુઓ કરતાં સાવ અલગ છે?

૧૪ એ વડીલો નમ્ર રહીને મંડળની કાળજી રાખે છે. તેઓ પોતાને નામી હસ્તી ગણતા નથી અને ચાહતા પણ નથી કે આપણે તેઓને એવો કોઈ દરજ્જો આપીએ. તેઓ આજના અને પ્રથમ સદીના ધર્મગુરુઓ કરતાં સાવ અલગ છે. ઈસુએ એ ધર્મગુરુઓ વિશે જણાવ્યું હતું: “તેઓને સાંજના જમણવારોમાં મુખ્ય જગ્યા અને સભાસ્થાનોમાં આગળની બેઠકો ગમે છે.”—માથ. ૨૩:૬, ૭.

૧૫ જ્યારે કે, વડીલો ઈસુના આ શબ્દો પાળે છે: “તમે, તમે પોતાને ગુરુ ન કહેવડાવો, કેમ કે તમારા ગુરુ એક છે અને તમે બધા ભાઈઓ છો. વધુમાં, પૃથ્વી પર કોઈને તમારા ‘પિતા’ ન કહો, કેમ કે તમારા પિતા એક છે, જે સ્વર્ગમાં છે. વળી, પોતાને આગેવાન ન કહેવડાવો, કેમ કે તમારા આગેવાન એક છે, ખ્રિસ્ત. પરંતુ, તમારામાં જે સૌથી મોટો છે, એ તમારો સેવક થાય. જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.” (માથ. ૨૩:૮-૧૨) મંડળના વડીલો નમ્ર રહે છે અને ઈસુની આજ્ઞા પાળે છે ત્યારે, ભાઈ-બહેનો તેઓને દિલથી પ્રેમ, આદર અને માન આપે છે.

શ્રોતાઓ એક વડીલનું પ્રવચન સાંભળે છે; વડીલ સાફ-સફાઈમાં મદદ કરે છે

વડીલો નમ્ર રહે છે ત્યારે, ભાઈ-બહેનો તેઓને દિલથી પ્રેમ, માન અને આદર આપે છે (ફકરા ૧૩-૧૫ જુઓ)

૧૬. બીજાઓને માન બતાવવા આપણે શા માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ?

૧૬ કોને માન આપવું અને કઈ રીતે માન આપવું એ શીખવું સમય માંગી લે છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓને પણ સમય લાગ્યો હતો. (પ્રે.કા. ૧૦:૨૨-૨૬; ૩ યોહા. ૯, ૧૦) પણ, જો પ્રયત્ન કરતા રહીશું, તો એક દિવસે આપણી મહેનત રંગ લાવશે. યહોવા ચાહે છે એ રીતે બીજાઓને માન આપીશું તો, આપણને ઘણા ફાયદા થશે.

માન બતાવવાથી ફાયદો થાય છે

૧૭. જેઓને અધિકાર છે, તેઓને માન આપવાથી કેવા ફાયદા થાય છે?

૧૭ જેઓને અધિકાર છે તેઓને માન અને આદર આપીશું તો, તેઓ પ્રચાર કરવાના આપણા હકનો કદાચ બચાવ કરે. આપણા કામ પ્રત્યે કદાચ સારું વલણ બતાવે. વર્ષો અગાઉ, જર્મનીનાં આપણાં પાયોનિયર બહેન બરગીટ સાથે એવું જ બન્યું હતું. તે પોતાની દીકરીની સ્કૂલના કાર્યક્રમમાં ગયાં હતાં, જ્યાં તેમની દીકરીને ભણતર પૂરું કર્યાનું સર્ટિફિકેટ મળવાનું હતું. શિક્ષકોએ બહેનને જણાવ્યું: ‘અમને ઘણી ખુશી છે કે, અમારી સ્કૂલમાં સાક્ષી બાળકો હતાં. તેઓને લીધે સ્કૂલનો માહોલ ઘણો સારો હતો.’ બહેને તેઓને જણાવ્યું: ‘અમારાં બાળકોને શીખવવામાં આવે છે કે, તેઓ ઈશ્વરનું કહ્યું માને તેમજ શિક્ષકો અને બીજાઓને આદર આપે.’ એક શિક્ષિકાએ કહ્યું કે જો બધાં જ બાળકો સાક્ષીઓ જેવા હોત, તો શિક્ષકોનું કામ ઘણું આસાન બની જાત. એ શિક્ષકો સાક્ષી બાળકોના વર્તનથી ઘણા પ્રભાવિત હતાં. એક શિક્ષિકાએ તો અમુક અઠવાડિયા પછી યોજાયેલ સંમેલનમાં હાજરી આપી.

૧૮, ૧૯. વડીલોને માન આપતી વખતે આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૮ મંડળના વડીલોને કઈ રીતે માન આપવું એ સમજવા બાઇબલ સિદ્ધાંતો આપણને મદદ કરી શકે છે. (હિબ્રૂઓ ૧૩:૭, ૧૭ વાંચો.) આપણે વડીલોની મહેનત માટે તેઓની પ્રશંસા કરી શકીએ છીએ અને કરવી પણ જોઈએ. તેઓને સાથ-સહકાર આપીએ છીએ ત્યારે, તેઓ માટે ખુશી ખુશી સેવા કરવી સહેલું બને છે. બાઇબલ જણાવે છે કે, આપણે તેઓની શ્રદ્ધાનું અનુકરણ કરવું જોઈએ. પણ એનો એવો અર્થ નથી કે આપણે કોઈ માનીતા વડીલના પહેરવેશ, વાણી-વર્તન અને શીખવવાની રીતની આબેહૂબ નકલ કરીએ. જો એવું કરીશું તો આપણે ખ્રિસ્તને નહિ, પણ કદાચ માણસોને અનુસરનારા બનીશું. આપણે ભૂલવું ન જોઈએ કે, વડીલો પણ આપણી જેમ અપૂર્ણ છે.

૧૯ ખરું કે, વડીલો આપણા માન અને આદરના હકદાર છે. પણ, તેઓને ઊંચે દરજ્જે નથી મૂકતા ત્યારે તેઓને મદદ મળે છે. કઈ રીતે? તેઓને નમ્ર બની રહેવા, પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ન ગણવા અને કામ કરવાની પોતાની જ રીત સાચી છે એ વિચાર ટાળવા મદદ મળે છે.

૨૦. બીજાઓને માન આપવાથી આપણને કયા ફાયદા થાય છે?

૨૦ બીજાઓને માન આપવાથી આપણે સ્વાર્થી વલણ ટાળી શકીએ છીએ. બીજાઓ આપણને વિશેષ માન આપે ત્યારે, નમ્ર બની રહેવા મદદ મળે છે. આપણે જેને માન આપતા હોઈએ એ વ્યક્તિ ખરાબ વર્તન કરે ત્યારે, આપણે ઠોકર ખાતા નથી. બીજાઓને માન આપવાથી સંગઠનમાં એકતા જળવાઈ રહે છે. સંગઠન કોઈ પણ વ્યક્તિને વધુ પડતું માન આપતું નથી, પછી ભલે એ વ્યક્તિ સત્યમાં હોય કે ન હોય.

૨૧. બીજાઓને માન આપવાનું સૌથી મોટું કારણ કયું છે?

૨૧ માન આપવાનું સૌથી મોટું કારણ છે કે, એ દ્વારા આપણે યહોવાને ખુશ કરીએ છીએ. બીજાઓને માન આપીને આપણે યહોવાની ઇચ્છા મુજબ કરીએ છીએ અને તેમને વફાદાર રહીએ છીએ. એમ કરીએ છીએ ત્યારે, યહોવા શેતાનને જડબાતોડ જવાબ આપી શકે છે, જેણે આરોપ મૂક્યો છે કે કોઈ પણ વ્યક્તિ યહોવાને વફાદાર રહેશે નહિ. (નીતિ. ૨૭:૧૧) મોટા ભાગના લોકો જાણતા નથી કે, બીજાઓને માન આપવાની યોગ્ય રીત કઈ છે. આપણે યહોવાના કેટલા આભારી છીએ કે, તેમણે આપણને એ શીખવ્યું છે!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો