ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં ખુશીથી યહોવાહની ભક્તિ કરીએ
૧ દર વર્ષે યુસફ, મરિયમ, તેમના બાળકો અને બીજા લોકો યરૂશાલેમમાં પર્વોની ઉજવણી કરવા જતાં. આ પ્રસંગે, સર્વ પોતાની રોજ-બ-રોજની ચિંતાને બાજુ પર મૂકી ભક્તિ પર વધારે ધ્યાન આપતા. આ તહેવારો દરમિયાન લોકો વિચારતા કે યહોવાહ કેટલા મહાન છે. યહોવાહની મહાનતા વિષે એકબીજા સાથે વાત પણ કરતા. તેઓ શાસ્ત્રના નિયમોમાંથી વધારે શીખી શકતા. એ તહેવારોની જેમ આજે આપણા માટે ડિસ્ટ્રીક્ટ સંમેલન છે. એમાં આપણી પાસે યહોવાહની ખુશીથી ભક્તિ કરવાની તક રહેલી છે.
૨ જરૂરી તૈયારી કરો: ઈસુના કુટુંબને તહેવાર ઉજવવા માટે, નાઝરેથથી યરૂશાલેમ આવવા-જવા માટે આશરે ૨૦૦ કિલોમીટરની મુસાફરી કરવી પડતી. જોકે, આપણે જાણતા નથી કે ઈસુના કેટલા નાના ભાઈ-બહેનો હતા. પણ ધારી શકીએ કે યુસફ અને મરિયમને પર્વમાં આખા કુટુંબને લઈ જવા માટે ઘણી તૈયારી કરવી પડી હશે. શું તમે ડિસ્ટ્રીક્ટ સંમેલનના ત્રણેવ દિવસ હાજર રહેવા જરૂરી તૈયારી કરી છે? એના માટે કદાચ કામ પરથી રજા લેવાની ગોઠવણ કરવી પડે. નોકરી પર બોસ અથવા સ્કૂલમાં ટીચર પાસેથી રજા લેવા માટે પહેલેથી વાત કરવી પડે. હોટલમાં રોકાવું પડે તો શું તમે એના માટે જરૂરી પગલાં લીધાં છે? મંડળના અમુક અપંગ કે વૃદ્ધ ભાઈ-બહેનોને સંમેલન માટે ખાસ મદદની જરૂર હોય શકે. શું તમે તેઓને મદદ કરવા પહેલ કરી શકો?—૧ યોહા. ૩:૧૭, ૧૮.
૩ એકબીજાને ઉત્તેજન આપો: યહુદી તહેવારો એકબીજાને ઉત્તેજન આપવાં માટે અનેરી તક પૂરી પાડતા. ઈસુનું કુટુંબ પણ જૂના મિત્રોને ફરી મળવા માટે ખુશીથી રાહ જોતું હશે. યરૂશાલેમમાં આવ-જા કરતા યહુદીઓ અને યહુદી ધર્મ અપનાવતા લોકો સાથે તેઓને દોસ્તી કરવાની ઘણી તક મળી હશે.
૪ વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર ચાહે, તો સંમેલનોમાં મળતી માહિતી સાહિત્યમાં છાપીને આપી શકે છે. પણ એમ કરવાને બદલે તેઓ સંમેલનો ગોઠવે છે, જેથી આપણે એ માહિતી સાંભળી શકીએ. એનું એક કારણ એ છે કે સંમેલનમાં ભેગા મળવાથી આપણે એકબીજાને ઉત્તેજન આપી શકીએ છીએ. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) સંમેલનમાં વહેલાં પહોંચવાની કોશિશ કરો, જેથી બીજાની સંગતનો આનંદ માણી શકો. કાર્યક્રમ શરૂ થતા પહેલા સંગીત વગાડવામાં આવે ત્યારે પોતાની જગ્યા પર બેસી જઈએ. ઉત્તેજન આપવામાં આવ્યું છે કે બપોરે જમવા માટે હળવો ખોરાક સાથે લઈને આવીએ. આમ આપણે હૉલમાં રહીને ભાઈ-બહેનો સાથે વાતચીત કરી શકીએ. ખરેખર, ભાઈ-બહેનોની સંગત યહોવાહ તરફથી એક ભેટ છે, જેની હંમેશા કદર કરીએ.—મીખા. ૨:૧૨.
૫ પૂરું ધ્યાન આપો: ખાસ કરીને નાનપણથી ઈસુએ તહેવારોમાં યહોવાહ વિષે શીખવાનો લાભ ઉઠાવ્યો. (લુક ૨:૪૧-૪૯) તમે અને તમારું કુટુંબ કેવી રીતે સંમેલનમાંથી પૂરેપૂરો લાભ ઉઠાવી શકો? પ્રોગ્રામ દરમિયાન પોતાની જગ્યા પર બેસી રહીએ. નકામી વાતો કરવાનું ટાળીને. મોબાઈલ, પેજર કે એના જેવા બીજા સાધનો એવી રીતે રાખો, જેથી પોતાને અને બીજાને ખલેલ ન પહોંચે. તમારી નજર સ્ટેજ પર રાખો. જરૂરી નોંધ લેતા રહો. કુટુંબ તરીકે સાથે બેસો, જેથી બાળકોને ધ્યાન આપવા મદદ કરી શકો. સાંજે થોડો સમય કાઢો, જેથી સાંભળેલા મુદ્દાઓ પર ચર્ચા કરી શકો.
૬ પહેરવેશ: પસાર થતાં વેપારી મુસાફરો સહેલાઈથી ઈસુના કુટુંબને અને બીજા યહુદીઓને ઓળખી જતાં. કેવી રીતે? તેઓનો પહેરવેશ જોઈને. તેઓના ઝભ્ભાની કોર દોરાથી ગૂંથેલી રહેતી અને એની ઉપર વાદળી રંગનો દોરો ભરીને ઝૂલ લગાવવામાં આવતી. (ગણ. ૧૫:૩૭-૪૧) જોકે, આપણે કોઈ ખાસ પ્રકારના કપડાં પહેરતા નથી. પણ, આપણે શોભતાં અને ચોખ્ખાં કપડાં પહેરવાં માટે જાણીતા છીએ. સંમેલન દરમિયાન મુસાફરી કરતી વખતે પણ પહેરવેશ સારો હોવો જોઈએ. પ્રોગ્રામ પછી કપડાં બદલીએ, તો માન જળવાઈ રહે એવા હોવા જોઈએ. એ સમય પણ બૅઝ કાર્ડ પહેરી રાખો. પહેરવેશ પર ધ્યાન રાખવાથી બીજાઓથી અલગ તરી આવીશું. આમ, આપણા વિષે લોકો પર સારી છાપ પડશે.
૭ વૉલન્ટિયર: સંમેલન સારી રીતે ચલાવવા ઘણાં બધાની મદદની જરૂર હોય છે. શું તમે મદદ કરી શકો? (ગીત. ૧૧૦:૩) સંમેલનમાં કરાતું દરેક કામ આપણી ભક્તિનો એક ભાગ છે. એનાથી આપણને સાક્ષી આપવાનો સારો મોકો મળે છે. એક સંમેલનમાં, ભાઈ-બહેનોને હૉલને સારી રીતે સાફ કરતા જોઈને એક મેનેજરે લખ્યું: ‘અનેક લોકો યહોવાહના સાક્ષીઓના વખાણ કરે છે, કેમ કે તમે હંમેશાં હૉલને હતો એના કરતાં વધારે સાફ કરીને જાવ છો. મેં મારી સગી આંખે આવું પહેલી વાર જોયું છે. સમાજને ફાયદો થાય એ રીતે તમે આ જગ્યાને સાફ કરી છે. જે વ્યક્તિઓ મદદ કરતા હતા તેઓ બહુ સારા સ્વભાવના હતા. તેઓ સાથે કામ કરવાથી મને એટલો આનંદ થયો જે પહેલા કદી થયો નથી. હું તમારા બધાનો દિલથી આભાર માનું છું.’
૮ સાક્ષી આપવાની તક: સંમેલન વખતે ઘણા લોકો આપણા વિષે જાણવા બહુ જિજ્ઞાસુ હોય છે. એના કારણો એ છે કે તેઓ જુએ છે કે આપણો પહેરવેશ શોભતો હોય છે. અથવા સંમેલન બૅઝ પહેરીને ફરીએ છીએ. એનાથી આપણને સંમેલન વિષે જણાવવાની તક મળે છે. એક અનુભવનો વિચાર કરો. પ્રોગ્રામ પતી ગયા પછી એક ચાર વર્ષના છોકરાએ નવું બહાર પડેલ સાહિત્ય રેસ્ટોરન્ટમાં કામ કરતી સ્ત્રીને બતાવ્યું. એમ કરવાથી છોકરાના માતાપિતાને તે સ્ત્રી સાથે વાત કરવાનો મોકો મળ્યો. અને તેને સંમેલનમાં આવવાનું આમંત્રણ આપ્યું.
૯ સારાં કામો: ડિસ્ટ્રીક્ટ સંમેલન દરમિયાન અનેક લોકો આપણા ‘સારાં કામ જુએ છે.’ (૧ તીમો. ૫:૨૫) ઉત્તર ભારતના એક શહેરમાં આપણે વર્ષોથી સંમેલન રાખીએ છીએ. એ શહેરના એક હોટલના માલિકે કહ્યું: ‘યહોવાહના સાક્ષીઓ બહુ સારી રીતે વર્તે છે. સામાન્ય રીતે લોકો હોટલમાં થૂંકતા હોય, આમતેમ રખડતા હોય અને ગંદકી કરતા હોય છે. પણ તમે એવું કંઈ કરતા નથી.’ બીજા શહેરમાં એક હોટલના માલિકે જણાવ્યું કે અમુક ગ્રૂપના લોકો રહેવા આવે ત્યારે તેઓ બહુ ધમાલ-મસ્તી કરતા હોય છે. પણ સાક્ષીઓ બહુ ધીરજ બતાવે છે. તેઓ અમારી હોટલના નિયમો પાળે છે. પછી માલિકે કહ્યું: ‘અમે ચાહીએ છીએ કે હોટલમાં રહેતા દરેક લોકો યહોવાહના સાક્ષીઓ જેવા હોય!’ ભાઈ-બહેનોના સારા વાણી-વર્તનને લીધે અનેક લોકોએ આપણા વખાણ કર્યા છે. વિચાર કરો કે એનાથી યહોવાહને કેટલો આનંદ થતો હશે!
૧૦ પ્રાચીન સમયમાં તહેવારો યહુદીઓ માટે ખુશીનો પ્રસંગ હતો. ત્યાં તેઓ યહોવાહ વિષે ઘણું શીખતા. (પુન. ૧૬:૧૫) પર્વનો પૂરે-પૂરો લાભ ઉઠાવવા ઈસુનું કુટુંબ કંઈ પણ જતું કરવા તૈયાર રહેતું. આપણે પણ ડિસ્ટ્રીક્ટ સંમેલન માટે એવું જ કરવું જોઈએ, કેમ કે સંમેલનો આપણા પ્રેમાળ પિતા તરફથી કીમતી ભેટ છે. (યાકૂ. ૧:૧૭) ચાલો, સંમેલન માટે પૂરી તૈયારી કરીએ અને યહોવાહની ભક્તિ કરવાનો આનંદ માણીએ.
[અભ્યાસ પ્રશ્નો]
૧. કેવી રીતે ડિસ્ટ્રીક્ટ સંમેલન ઈસ્રાએલી લોકોના તહેવાર જેવું છે?
૨. આવનાર સંમેલન માટે કેવી તૈયારી કરવી જોઈએ?
૩. એકબીજાને ઉત્તેજન આપવા માટે, ઈસ્રાએલી તહેવારો કેવી તક પૂરી પાડતા?
૪. સંમેલનમાં ભાઈ-બહેનોની સંગત માણવા શું કરી શકીએ?
૫. આપણે કેવી રીતે પ્રોગ્રામનો પૂરે-પૂરો લાભ ઉઠાવી શકીએ?
૬. આપણા પહેરવેશ વિષે શું ધ્યાન રાખવું જોઈએ?
૭. સંમેલનમાં શા માટે આપણે વૉલન્ટિયર તરીકે કામ કરવું જોઈએ?
૮. સંમેલન વખતે કેવી તક રહેલી છે?
૯. ભાઈ-બહેનોના સારા વાણી-વર્તન જોઈને કેટલાંક હોટલ માલિકોએ શું કહ્યું?
૧૦. સંમેલનની કદર બતાવવા આપણે ઈસુના કુટુંબ પાસેથી શું શીખી શકીએ?
[પાન ૬ પર ચિત્રનું મથાળું]
ડિસ્ટ્રીક્ટ સંમેલનનાં સૂચનો
▪ પ્રોગ્રામનો સમય: ત્રણેય દિવસ પ્રોગ્રામ સવારે ૯:૨૦ શરૂ થશે. દરરોજ હૉલનો દરવાજો સવારે ૮:૦૦ વાગ્યે ખુલશે. પ્રોગ્રામ શરૂ થતા પહેલાં સંગીત વગાડવામાં આવશે. એ સમયે પોતાની જગ્યાએ બેસી જવું જોઈએ, જેથી પ્રોગ્રામ સારી રીતે શરૂ થઈ શકે. શુક્રવારે અને શનિવારે પ્રોગ્રામ સાંજે ૪:૫૫ પૂરો થશે. રવિવારે સાંજે ૩:૪૦ પૂરો થશે.
▪ પાર્કિંગ: સંમેલન કમિટી પાસે હક્ક હોય તો સંમેલન સ્થળે ફ્રી પાર્કિંગની ગોઠવણ કરશે. જેઓ ત્યાં વહેલા પહોંચશે, તેઓને જગ્યા મળશે. પાર્કિંગની જગ્યા મોટે ભાગે ઓછી પડતી હોય છે, એટલે કારમાં ફક્ત એક-બે વ્યક્તિ જ આવવાને બદલ કાર ફુલ હોય તો વધારે સારું.
▪ હૉલમાં વધારે સીટો ન રોકો: તમારા કુટુંબીજનો અને જોડે આવતા હોય તેઓ માટે જગ્યા રાખી શકો. હાલમાં તમારી સાથે બાઇબલ સ્ટડી કરતા હોય તેઓ માટે સીટ રાખી શકો.—૧ કોરીં. ૧૩:૫.
▪ બપોરનું ભોજન: દરેકને વિનંતી કરવામાં આવે છે કે બપોરે જમવા માટે પોતાની સાથે કંઈક લઈને આવે, જેથી બહાર જમવા જવું ન પડે. જો તમે ખોરાક માટે બૉક્સ કે બેગ વાપરવાના હોવ તો એ ખુરસી નીચે સહેલાઈથી આવી શકે એવા હોવા જોઈએ. મોટાં ટિફિન કે ડબ્બા અને કાચના વાસણો લાવવા ન જોઈએ. સંમેલનના આયોજકો તરફથી ખાવા-પીવાની કોઈ ગોઠવણ કરવામાં આવશે નહિ.
▪ દાનો: ડિસ્ટ્રીક્ટ સંમેલનની ગોઠવણ કરવા માટે ઘણો ખર્ચ થાય છે. એ પૂરો પાડવા કિંગ્ડમ હૉલ કે સંમેલનમાં “જગતવ્યાપી પ્રચાર કાર્ય માટે દાન” લખેલા બૉક્સ રાખવામાં આવે છે. એમાં પોતાની મરજી પ્રમાણે તમે દાન આપી શકો. આમ, તમે આ ગોઠવણ માટે કદર બતાવી શકો. દાન આપવા તમે ચૅક લખવાના હો તો “The Watch Tower Bible and Tract Society of India.” ના નામે લખી શકો.
▪ ઍક્સિડન્ટ અને ઇમર્જન્સી: જો સંમેલન સ્થળે કોઈને તાત્કાલિક સારવારની જરૂર પડે તો, કોઈ પણ નજીકના અટેન્ડન્ટને જણાવો. તે પ્રાથમિક સારવાર વિભાગના ભાઈઓને જાણ કરશે. તેઓ જરૂરી મદદ પૂરી પાડશે.
▪ બૂટ-ચંપલ: જોવા મળ્યું છે કે દર વર્ષે બૂટ-ચંપલને લીધે કોઈને કોઈ અકસ્માત થાય છે. એટલે તમારા બુટ-ચંપલ એવા ન હોવા જોઈએ કે દાદરો ચઢવા-ઉતરવામાં તકલીફ પડે કે પડી જવાય.
▪ સાઇન લૅંગ્વેજ: નીચેના સંમેલનમાં સાઇન લૅંગ્વેજ પ્રોગ્રામની ખાસ ગોઠવણ કરવામાં આવી છે: બેંગ્લોર (અંગ્રેજી); કોઇમ્બતૂર (તામિલ); કોચી-૨ (મલયાલમ) અને પૂના-ચિંચવડ (અંગ્રેજી).
▪ રેકોર્ડિંગ: રેકોર્ડિંગ કરવા માટે સાઉન્ડ સિસ્ટમ સાથે કોઈ કેબલ જોડશો નહિ. તેમ જ ક્યાંય એમાં પ્લગ લગાવશો નહિ. જો રેકોર્ડિંગ માટે કોઈ ચીજ વાપરવાના હો, તો ધ્યાન રાખજો કે કોઈને ખલેલ ન પહોંચે.
▪ વૉકર અને ખુરસી: નાના બાળકો માટેના વૉકર અને ખુરસી હૉલમાં લાવવા નહીં. નાના બાળકોની સેફ્ટી ચૅરમાં બાળકને બેસાડીને માબાપ પોતાની બાજુની સીટમાં રાખી શકે.
▪ પરફ્યુમ: હમણાંથી અમુક સંમેલનો બંધ હૉલમાં રાખવામાં આવે છે. એમાં પંખા કે એ.સી.નો ઉપયોગ કરવો પડે છે. માટે આપણે તેજ પરફ્યુમ, અત્તર કે પછી ક્રીમનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીએ તો સારું. એનાથી જેઓને શ્વાસની તકલીફ હોય કે એની ઍલર્જી હોય તેઓને ઓછી તકલીફ પડશે.—૧ કોરીં. ૧૦:૨૪.
▪ ફૉલો-અપ ફૉર્મ: સંમેલન પહેલાં કે પછી કોઈ પણ તકે પ્રચાર કરતા તમને કોઈ રસ ધરાવતી વ્યક્તિ મળે તો પ્લીઝ ફૉલો અપ (S-43) ફૉર્મનો ઉપયોગ કરો. પ્રકાશકે ઘરેથી એક-બે ફૉર્મ લાવવા જોઈએ. ફૉર્મ ભરીને સાહિત્ય વિભાગના ભાઈઓને અથવા તમારા મંડળના સેક્રેટરીને આપો.—નવેમ્બર ૨૦૦૯ની આપણી રાજ્ય સેવાનાં પાન ૪ પર જુઓ.
▪ રેસ્ટોરન્ટમાં: જમવા માટેની જગ્યાએ યહોવાહને મહિમા મળે એવા વાણી-વર્તન રાખો. અમુક દેશોમાં રિવાજ હોય એ મુજબ વેઇટરને ટીપ આપો.
▪ હોટલમાં: (૧) તમારી જરૂરિયાત પ્રમાણે રૂમ બુક કરો. એમાં રહી શકે એનાથી વધારે લોકોને રાખશો નહિ. (૨) રૂમ બુક કર્યા પછી કેન્સલ કરવો હોય તો, હોટલને અગાઉથી જણાવો. (૩) અમુક હોટલમાં સામાન રૂમ પર લઈ જવા માટે ટ્રૉલી હોય છે. કાઉન્ટર પરથી ટ્રૉલીમાં તમારો સામાન રૂમમાં લઈ જવો હોય, ત્યારે જ એનો ઉપયોગ કરજો. અને પાછી એને કાઉન્ટર પર મૂકી દો, જેથી બીજા પણ એનો ઉપયોગ કરી શકે. (૪) રૂમમાં રસોઈ બનાવવાની મનાઈ હોય તો એમ કરશો નહિ. (૫) રિવાજ પ્રમાણે રૂમની સાફ-સફાઈ કરનાર સ્ટાફ માટે રોજ ટીપ રાખો. (૬) અમુક હોટલના માલિકો, પોતાના ગેસ્ટને ખુશ રાખવા મફત નાસ્તો, ચા, કૉફી અને બરફની વ્યવસ્થા કરતા હોય છે. એનો ખોટી રીતે ફાયદો ન ઉઠાવો. (૭) હોટલના સ્ટાફે ઘણા લોકોની સંભાળ રાખવાની હોય છે, તેથી દરેક સમયે સારા ગુણો બતાવો. જેમ કે માયાળુ બનો, ધીરજ રાખો અને સમજી-વિચારીને વર્તો. આવા ગુણો બતાવવાથી હોટલનો સ્ટાફ જરૂર તમારી કદર કરશે. (૮) મંડળોને મોકલેલા હોટલના લિસ્ટમાં આપેલા રૂમના ભાવ એ પૂરા દિવસ માટે છે. એમાં ટૅક્સનો સમાવેશ થતો નથી. તમે મંગાવી કે વાપરી ન હોય એવી વસ્તુને લઈને તમને બીલમાં વધારે ચાર્જ કર્યો હોય તો એ સ્વીકારશો નહિ. રૂમીંગ ડિપાર્ટમેન્ટને એના વિષે શક્ય એટલા જલદી જણાવો. (૯) હોટલના રૂમને લઈને તમને કોઈ મુશ્કેલી હોય તો સંમેલન સ્થળે રૂમીંગ ડિપાર્ટમેન્ટને એ વિષે જણાવો, જેથી તેઓ જરૂરી મદદ પૂરી પાડશે.
▪ વૉલન્ટિયર: સંમેલનમાં હાજર રહીને જે ખુશી મળે છે, એ વધશે જો આપણે વૉલન્ટિયર તરીકે કામ કરીશું. (પ્રે.કૃ. ૨૦:૩૫) જો તમે સહાય કરી શકો તો, સંમેલનના વૉલન્ટિયર સર્વિસ વિભાગને જણાવો. ૧૬ વર્ષથી નાના બાળકો પણ માબાપ કે અન્ય જવાબદાર વ્યક્તિની દેખરેખ હેઠળ કામ કરી શકે.