આપણા ડિસ્ટ્રીક્ટ સંમેલનો—સત્યની જોરદાર સાક્ષી આપે છે!
૧. પર્વોમાં યહોવાના કયાં મહત્ત્વનાં સત્યો પર ઈસ્રાએલીઓને મનન કરવાની તક મળતી?
૧ પહેલાના સમયના ઈસ્રાએલીઓ, વર્ષમાં ત્રણ વાર પર્વ ઉજવવા ભેગા મળતા. જોકે પુરુષોને એ પ્રસંગમાં હાજર થવાનું હતું, છતાં આખું કુટુંબ મુસાફરી કરીને યરૂશાલેમ જતું, જેથી એ પ્રસંગનો આનંદ માણી શકે. (પુન. ૧૬:૧૫, ૧૬) એ પ્રસંગો યહોવાના મહત્ત્વનાં સત્યો પર મનન અને ચર્ચા કરવાની તક પૂરી પાડતાં. એ સત્યો કયાં છે? એક તો યહોવા ઉદાર છે અને પ્રેમથી બધું પૂરું પાડે છે. (પુન. ૧૫:૪, ૫) બીજું કે, માર્ગદર્શન અને રક્ષણ માટે તેમના પર પૂરો ભરોસો મૂકી શકાય છે. (પુન. ૩૨:૯, ૧૦) એ પ્રસંગો ઈસ્રાએલીઓને એ બાબત પર પણ મનન કરવા મદદ કરતા કે તેઓ યહોવાના લોકો હોવાને લીધે, તેઓએ યહોવાના ઊંચા ધોરણો પ્રમાણે જીવવું જ જોઈએ. (પુન. ૭:૬, ૧૧) એવી જ રીતે, આપણને પણ સંમેલનોમાંથી લાભ મળે છે.
૨. ડિસ્ટ્રીક્ટ સંમેલનનો કાર્યક્રમ કેવી રીતે સત્ય પર પ્રકાશ પાડશે?
૨ સત્ય પર પ્રકાશ પાડતો કાર્યક્રમ: ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં બાઇબલનાં મહત્ત્વનાં સત્ય પર પ્રકાશ પાડતાં ટૉક, ડ્રામા, દૃશ્યો અને ઇન્ટર્વ્યૂનો આપણે આનંદ માણીએ છીએ. (યોહા. ૧૭:૧૭) આવનાર સંમેલન માટે ઘણી તૈયારીઓ થઈ ચૂકી છે. યહોવાનું સંગઠન એવા કાર્યક્રમો તૈયાર કરી રહ્યું છે, જે ખાસ કરીને દુનિયા ફરતે દરેકની જરૂરિયાતો પૂરી પાડી શકે. (માથ. ૨૪:૪૫-૪૭) શું તમે કાર્યક્રમ જોવા અને સાંભળવા આતુર છો?
૩. કાર્યક્રમમાંથી લાભ મેળવવા શું કરવું જોઈએ?
૩ ત્રણેવ દિવસ હાજર રહેવાથી અને ધ્યાન આપીને સાંભળવાથી ચોક્કસ લાભ થશે. જો તમે હજી કામ પરથી રજા ન માંગી હોય, તો તમારા માલિક સાથે વાત કરો. રાતના પૂરતો આરામ લો, જેથી તમે કાર્યક્રમમાં પૂરું ધ્યાન આપી શકો. ઘણાનો અનુભવ બતાવે છે કે ટૉક આપનારા ભાઈ તરફ ધ્યાન રાખવાથી અને ટૂંકી નોંધ લેવાથી ધ્યાન ભટકતું નથી. તમારા મોબાઈલ ફોન કે પેજર તમને અને બીજાઓને ખલેલ ન પહોંચાડે એનું ધ્યાન રાખો. કાર્યક્રમ દરમિયાન ગુસપુસ, એસએમએસ કે ખાવા-પીવાનું ટાળો.
૪. બાળકો સંમેલનમાંથી લાભ ઉઠાવી શકે એ માટે માબાપ શું કરી શકે?
૪ દર સાતમે વર્ષે, માંડવા પર્વમાં ઈસ્રાએલી કુટુંબો નિયમો સાંભળવા ભેગા થતાં ત્યારે, તેઓના ‘બાળકો’ પણ સાથે રહેતા, “એ માટે કે તેઓ સાંભળે તથા શીખે.” (પુન. ૩૧:૧૨) જ્યારે સંમેલનમાં આખું કુટુંબ સાથે બેસે છે અને નાના બાળકો જાગૃત રહીને સાંભળે છે, ત્યારે એ જોઈને આપણને કેટલું ઉત્તેજન મળે છે! કેમ નહિ કે દરેક સાંજે તમારી નોંધ જુઓ અને કાર્યક્રમમાંથી તમને જે મુદ્દાઓ ખાસ ગમ્યા હોય એની ચર્ચા કરો? “મૂર્ખાઇ બાળકના હૃદયની સાથે જોડાએલી છે,” એટલે માબાપે બપોરની રીસેસમાં કે હોટલમાં પોતાના બાળકોને “સ્વતંત્ર” મૂકી દેવાને બદલે, દેખરેખ રાખવી જોઈએ.—નીતિ. ૨૨:૧૫; ૨૯:૧૫.
૫. હોટલમાં આપણાં સારાં આચરણથી કેવી રીતે સત્યનો પ્રકાશ ફેલાશે?
૫ આપણાં સારાં આચરણથી સત્યનો પ્રકાશ ફેલાશે: સંમેલનના શહેરમાં આપણાં સારાં આચરણથી સત્યનો પ્રકાશ ફેલાશે. (તીત. ૨:૧૦) આપણા ભાઈ-બહેનો હોટલના નિયમો પાળે છે, સ્ટાફ સાથે ધીરજ અને મીઠાશથી વર્તે છે, એ હોટલના કર્મચારીઓના ધ્યાન બહાર રહેતું નથી. (કોલો. ૪:૬) ગયા વર્ષે આપણી શાખા કચેરીના અમુક ભાઈઓ એક હોટલના મૅનેજરને મળ્યા હતા. ત્યારે મૅનેજરે કહ્યું: “તમારા લોકો અમારી હોટલમાં આવે, એ અમને બહુ ગમે છે. તેઓ ઘણા સંસ્કારી અને નમ્ર લોકો છે. તેઓ અમારા સ્ટાફ સાથે માનથી વર્તે છે અને હોટલની સગવડનો દુરુપયોગ કરતા નથી.”
૬. સંમેલનના શહેરમાં આપણા પહેરવેશથી કેવી રીતે સત્યનો પ્રકાશ ફેલાવી શકીએ?
૬ લૅપલ કાર્ડ પહેરી રાખવાથી સંમેલન વિષે જાહેરાત થશે અને બીજા ભાઈ-બહેનો આપણને ઓળખી શકશે. એટલું જ નહિ, જોનારાઓને પણ સાક્ષી મળશે. સંમેલનના શહેરમાં લોકો જોઈ શકશે કે જેઓએ લૅપલ કાર્ડ પહેર્યાં છે, તેઓના કપડાં સ્વચ્છ અને શોભતાં છે, નહિ કે દુનિયામાં જોવા મળતા લઘરવઘર અને જાતીય લાગણીઓ ઉશ્કેરે એવાં. (૧ તીમો. ૨:૯, ૧૦) એટલે જ, સંમેલનના શહેરમાં આપણા પહેરવેશ પર ધ્યાન આપીશું, પછી ભલેને મુસાફરી કરીને હોટલમાં જતા હોઈએ. હોટલ પર ટી-શર્ટ અને ચડ્ડો પહેરીને જઈશું તો એ શોભતું નહિ ગણાય. ખુલ્લા સ્ટેડિયમમાં સંમેલન ભરાયું હોય તોપણ, આપણો પહેરવેશ માનયોગ્ય હોવો જોઈએ. દિવસનો કાર્યક્રમ પતી ગયા પછી, જો આપણે કપડાં બદલીને રેસ્ટોરંટમાં જમવા જવાના હોઈએ, તો શોભતાં કપડાં પહેરીને જઈએ. ભૂલવું ન જોઈએ કે આપણે સંમેલન માટે આવ્યા છીએ.
૭. સંમેલન દરમિયાન ખ્રિસ્તી એકતાનો આનંદ માણવાની એક રીતે કઈ છે?
૭ બીજા દેશોમાંથી વાર્ષિક પર્વો ઊજવવા માટે આવેલા ભક્તોની સાથે, ઈસ્રાએલીઓ ઉત્તેજન આપતી સંગતનો આનંદ માણતા. એનાથી તેઓની એકતા વધતી હતી. (પ્રે.કૃ. ૨:૧, ૫) એવી જ રીતે, ડિસ્ટ્રીક્ટ સંમેલનોમાં આપણો અજોડ ખ્રિસ્તી ભાઈચારો દેખાઈ આવે છે. એ જોઈને લોકો પ્રભાવિત થાય છે. (ગીત. ૧૩૩:૧) બપોરની રીસેસ વખતે જમવા માટે બહાર જવાના કરતાં, કેમ નહિ કે સાદું ભોજન સાથે લઈને આવીએ! એમ કરવાથી આપણી આસપાસ બેઠેલા ભાઈ-બહેનો સાથે હળવા-મળવાની તક મળશે!
૮. જો આપણે સ્વયંસેવકો બની શકતા હોઈએ, તો એમ કરવાના આપણી પાસે કયા કારણો છે?
૮ આપણા સંમેલનો વ્યવસ્થિત રીતે ચાલતાં હોવાથી, લોકો ઘણા પ્રભાવિત થાય છે. ખાસ તો એ જાણીને કે એમાં બધું જ કામ સ્વયંસેવકો કરતા હોય છે. શું તમે એમાં ભાગ લેવા પોતાને “ખુશીથી અર્પણ” કરી શકો? (ગીત. ૧૧૦:૩) ઘણી વાર આખું કુટુંબ સંમેલનમાં સ્વયંસેવકો તરીકે કામ કરે છે, જેથી બીજાઓને મદદ કરવાનું બાળકોને શીખવી શકે. જો તમે શરમાળ હો તો સંમેલનમાં કામ કરવાથી બીજા ભાઈ-બહેનોને મળવાની સારી તક મળશે. એક બહેને કહ્યું: “હું મારા કુટુંબીજનો અને મિત્રો સિવાય બીજા કોઈને ઓળખતી ન હતી. પણ સંમેલનમાં સફાઈકામમાં ભાગ લીધો ત્યારે, હું ઘણા ભાઈબહેનોને મળી! તેઓ સાથે કામ કરવાની ખૂબ મઝા આવી.” ફક્ત પોતાના મિત્રો સાથે હરવા-ફરવાને બદલે, બીજાઓ સાથે પણ વાત કરવાથી ઘણો જ આનંદ મળશે. (૨ કોરીં. ૬:૧૨, ૧૩) જો તમે કદી પણ સ્વયંસેવક તરીકે કામ કર્યું ન હોય, તો વડીલોને પૂછો કે એમાં ભાગ લેવા શું કરવું જોઈએ.
૯. લોકો સંમેલનમાં આવે એ માટે શું કરીશું?
૯ સત્ય સાંભળવા બીજાઓને આવકારીએ: અગાઉની જેમ આ વખતે પણ આપણે ત્રણ અઠવાડિયા પહેલાં લોકોને સંમેલનનું આમંત્રણ આપીશું. પોતાના પ્રચારવિસ્તારમાં લોકોને આમંત્રણ પત્રિકા આપવા માટે દરેક મંડળે બનતા બધા પ્રયત્ન કરવો જોઈએ. (“આમંત્રણ પત્રિકા કઈ રીતે આપીશું?” બૉક્સ જુઓ.) બાકી રહેલી પત્રિકા સંમેલનમાં સાથે લઈ આવો. એ પત્રિકા સંમેલનના શહેરમાં હરતી-ફરતી વખતે આપવા માટે કામ આવશે.
૧૦. આપણી ઝુંબેશ સારાં પરિણામો લાવે છે, એ માટેના અનુભવો જણાવો?
૧૦ દર વર્ષે ચલાવવામાં આવતી ઝુંબેશને શું લોકો ધ્યાન આપે છે? એક સંમેલનમાં આપણા એટેન્ડન્ટે યુગલને જગ્યા શોધવામાં મદદ કરી. યુગલે જણાવ્યું કે તેઓને આમંત્રણ પત્રિકા મળી અને “એ ઘણી રસપ્રદ લાગી.” એટલે તેઓ ૩૨૦ કિલોમીટર ગાડી ચલાવીને સંમેલનમાં આવ્યા. બીજા એક કિસ્સામાં, ઘરથી ઘરના પ્રચારકાર્યમાં આપણી બહેને એક માણસને આમંત્રણ પત્રિકા આપી, જે સંમેલન વિષે વધારે જાણવા ઉત્સુક દેખાયો. એટલે, બહેને સમય કાઢીને તેની સાથે આમંત્રણ પત્રિકાની ચર્ચા કરી. થોડાંક દિવસ પછી, તે બહેને એ માણસને તેના એક મિત્ર સાથે સંમેલનમાં જોયા, જેઓના હાથમાં બહાર પડેલું નવું સાહિત્ય હતું.
૧૧. વાર્ષિક સંમેલનોમાં હાજરી આપવી કેમ મહત્ત્વનું છે?
૧૧ વાર્ષિક પર્વો એ યહોવાની પ્રેમાળ ગોઠવણ હતી, જેથી ઈસ્રાએલીઓ ‘પ્રામાણિકપણાથી ને સત્યતાથી તેમની સેવા કરી’ શકે. (યહો. ૨૪:૧૪) એવી જ રીતે, ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં આપણી હાજરી, ‘સત્યમાં ચાલવા’ આપણને મદદ કરે છે. એ ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. (૩ યોહા. ૩) સત્યના ચાહનારાઓ સંમેલનમાં આવે અને ભરપૂર લાભ લે, એ માટે યહોવા તેઓના પ્રયત્નોને આશીર્વાદ આપો!
[પાન ૫ પર બ્લર્બ]
સંમેલનના શહેરમાં આપણા સારાં આચરણથી સત્યનો પ્રકાશ ફેલાશે
[પાન ૫ પર બ્લર્બ]
સંમેલનના ત્રણ અઠવાડિયા પહેલાં લોકોને આમંત્રણ આપવાની ઝુંબેશમાં આપણે ભાગ લઈશું
[પાન ૬, ૭ પર બોક્સ]
૨૦૧૨ના સંમેલન માટેના સૂચનો
◼ કાર્યક્રમનો સમય: ત્રણેય દિવસ કાર્યક્રમ સવારે ૯:૨૦ મિનિટે શરૂ થશે. દરરોજ હૉલના દરવાજા સવારે ૮:૦૦ વાગ્યે ખુલશે. કાર્યક્રમ શરૂ થતા પહેલાં સંગીત વગાડવામાં આવશે. એ સમયે પોતાની જગ્યાએ બેસી જવું જોઈએ, જેથી કાર્યક્રમ સારી રીતે શરૂ થઈ શકે. શુક્રવારે અને શનિવારે કાર્યક્રમ સાંજે ૪:૫૫ મિનિટે પૂરો થશે. રવિવારે સાંજે ૩:૪૦ મિનિટે પૂરો થશે.
◼ પાર્કિંગ: સંમેલનના દરેક સ્થળે આપણે જ પાર્કિંગની દેખભાળ કરીએ છીએ. તેમ જ પાર્કિંગ ફ્રી છે. જેઓ ત્યાં વહેલા પહોંચશે, તેઓને જગ્યા મળશે. પાર્કિંગની જગ્યા મોટે ભાગે ઓછી પડતી હોય છે, એટલે કારમાં ફક્ત એક-બે વ્યક્તિ જ આવવાને બદલે કાર ફુલ હોય તો વધારે સારું.
◼ વધારે સીટો ન રોકો: તમારા કુટુંબીજનો અથવા તમારી જોડે આવતા હોય કે હાલમાં તમારી સાથે બાઇબલ અભ્યાસ કરતા હોય તેઓ માટે જ સીટ રોકી શકો.—૧ કોરીં. ૧૩:૫.
◼ બપોરનું ભોજન: દરેકને વિનંતી કરવામાં આવે છે કે બપોરે જમવા માટે પોતાની સાથે કંઈક લઈને આવે, જેથી બહાર જમવા જવું ન પડે. તમે નાની બેગમાં જમવાનું લઈ આવો, જેથી એ ખુરસી નીચે સહેલાઈથી આવી શકે. મોટાં ટિફિન કે ડબ્બા અને કાચના વાસણો લાવવા ન જોઈએ.
◼ દાનો: ડિસ્ટ્રીક્ટ સંમેલનની ગોઠવણ માટે કદર બતાવવા પોતાની મરજી પ્રમાણે તમે સંમેલન સ્થળે દાન આપી શકો. એ જગતવ્યાપી પ્રચાર કાર્ય માટે વાપરવામાં આવશે. દાન આપવા તમે ચૅક લખવાના હો તો “The Watch Tower Bible and Tract Society of India” ના નામે લખો.
◼ ઍક્સિડન્ટ અને ઇમર્જન્સી: જો સંમેલન સ્થળે કોઈને તાત્કાલિક સારવારની જરૂર પડે, તો કોઈ પણ નજીકના અટેન્ડન્ટને જણાવો. તે પ્રાથમિક સારવાર વિભાગના ભાઈઓને જાણ કરશે. તેઓ જરૂરી મદદ પૂરી પાડશે અને લાગે તો ઍમ્બ્યુલન્સ બોલાવશે. એમ કરવાથી તાત્કાલિક સારવાર આપતી સંસ્થાને વધારે પડતા ફોન જશે નહિ.
◼ દવા: તમે કોઈ દવા લેતા હોવ તો, એ તમારી સાથે લઈ આવજો, કેમ કે એ સંમેલન સ્થળે મળશે નહિ. સંમેલનની કે હોટેલની કચરાપેટીમાં ડાયાબિટીસના ઇન્જેક્શન નાંખવા નહિ, કેમ કે એનાથી બીજાને નુકસાન થઈ શકે. એનો બરાબર રીતે નિકાલ કરો.
◼ બૂટ-ચંપલ: જોવા મળ્યું છે કે દર વર્ષે બૂટ-ચંપલને લીધે કોઈને કોઈ અકસ્માત થાય છે. એટલે તમારા બૂટ-ચંપલ એવા ન રાખો કે ચાલવા કે ચઢવા-ઉતરવામાં તકલીફ પડે કે પડી જવાય.
◼ મૂકબધિર માટે: પસંદ કરેલી અમુક જગ્યાએ સાઈન લેંગ્વેજ પ્રોગ્રામ હશે.
◼ બાપ્તિસ્મા: બાપ્તિસ્મા લેનારા ભાઈ-બહેનોએ તેઓ માટે રાખવામાં આવેલી જગ્યાએ, શનિવાર સવારે બેસી જવું. દરેકે બાપ્તિસ્મા માટે રૂમાલ અને યોગ્ય કપડાં લાવવા. બાપ્તિસ્મા લેનારાઓ માટે પહેલી હરોળમાં જગ્યા રાખવામાં આવશે. આ ગોઠવણમાં કોઈ ફેરફાર હશે, તો પહેલેથી જણાવવામાં આવશે. એટેન્ડન્ટ અને ઇન્ફૉર્મેશન વિભાગને એની જાણ કરવામાં આવશે.
◼ પરફ્યુમ: અમુક સંમેલનો બંધ હૉલમાં રાખવામાં આવે છે. એમાં પંખા કે એ.સી.નો ઉપયોગ કરવો પડે છે. માટે આપણે તેજ પરફ્યુમ, અત્તર કે પછી ક્રીમનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીએ તો સારું. એનાથી જેઓને શ્વાસની તકલીફ હોય કે એની ઍલર્જી હોય તેઓને ઓછી તકલીફ પડશે.—૧ કોરીં. ૧૦:૨૪.
◼ ફૉલો-અપ (S-43) ફૉર્મ: સંમેલન પહેલાં કે પછી કોઈ પણ તકે પ્રચાર કરતા, તમને કોઈ રસ ધરાવતી વ્યક્તિ મળે તો પ્લીઝ ફૉલો અપ ફૉર્મનો ઉપયોગ કરો. પ્રકાશકે એક-બે ફૉર્મ સાથે રાખવા જોઈએ. કોઈ રસ બતાવે તો, ફૉર્મ ભરીને સાહિત્ય વિભાગના ભાઈઓને અથવા તમારા મંડળના સેક્રેટરીને આપો.—મે ૨૦૧૧ની આપણી રાજ્ય સેવાનું પાન ૩ જુઓ.
◼ રેસ્ટોરન્ટ: યહોવાહને મહિમા મળે એવા વાણી-વર્તન રાખો. રિવાજ હોય એ મુજબ વેઇટરને ટીપ આપો.
◼ હોટલ:
(૧) તમારી જરૂરિયાત પ્રમાણે રૂમ બુક કરો. એમાં રહી શકે એનાથી વધારે લોકોને રાખશો નહિ.
(૨) ઇમરજન્સી વિના હોટલનો રૂમ કેન્સલ ન કરવો અને કરવો પડે તો વહેલી તકે હોટેલને જણાવો.—માથ. ૫:૩૭.
(૩) જો તમે ડેબિટ કે ક્રૅડિટ કાર્ડથી હોટલનો રૂમ બુક કરવાના હો, તો આ બાબત ધ્યાનમાં રાખો: ઘણી હોટલમાં રૂમ બુક કરતી વખતે ભાડા સાથે અમુક વધારાની રકમ કાપી લેવામાં આવે છે. એટલા માટે કે તમારા રહેવા દરમિયાન જે કાંઈ વધારાનો ખર્ચ થયો હોય કે પછી કોઈ નુકસાન થયું હોય તો, એ રકમમાંથી વસૂલ કરી શકે. હોટલ છોડ્યા પછી, હિસાબ ચૂકતે થયા બાદ તમને બાકીની રકમ પાછી મળશે. એ માટે અમુક દિવસો પણ લાગી શકે.
(૪) કાઉન્ટર પરથી ટ્રૉલીમાં તમારો સામાન રૂમમાં લઈ જવો હોય, ત્યારે જ એનો ઉપયોગ કરજો. અને પાછી એને કાઉન્ટર પર મૂકી આવો, જેથી બીજા પણ એનો ઉપયોગ કરી શકે.
(૫) સામાન ઉપાડનારને ટીપ આપો અને રૂમની સફાઈ કરનારને માટે રોજ ટીપ રાખો.
(૬) રૂમમાં રસોઈ બનાવવાની મનાઈ હોય તો એમ કરશો નહિ.
(૭) અમુક હોટલના માલિકો, પોતાના ગેસ્ટને ખુશ રાખવા મફત નાસ્તો, ચા, કૉફી અને બરફની વ્યવસ્થા કરતા હોય છે. એનો ખોટી રીતે ફાયદો ન ઉઠાવો.
(૮) હોટલના સ્ટાફે ઘણા લોકોની સંભાળ રાખવાની હોય છે, તેથી દરેક સમયે સારા ગુણો બતાવો. જેમ કે માયાળુ બનો, ધીરજ રાખો અને સમજી-વિચારીને વર્તો.
(૯) હોટલમાં સ્વીમીંગ પુલ, લૉબી અને એક્સર્સાઇઝ રૂમ કે બીજી કોઈ પણ જગ્યાએ, માબાપે પોતાના બાળકોની દેખરેખ રાખવી જોઈએ.
(૧૦) મંડળોને મોકલેલા હોટલના લિસ્ટમાં આપેલા રૂમના ભાવ એ પૂરા દિવસ માટે છે. એમાં ટૅક્સનો સમાવેશ થતો નથી. તમે મંગાવી કે વાપરી ન હોય એવી વસ્તુને લઈને બીલમાં વધારે ચાર્જ કર્યો હોય તો, એ સ્વીકારશો નહિ. રૂમીંગ વિભાગને એના વિષે શક્ય એટલા જલદી જણાવો.
(૧૧) હોટલના રૂમને લઈને તમને કોઈ મુશ્કેલી હોય તો સંમેલન સ્થળે રૂમીંગ વિભાગને એ વિષે જણાવો, જેથી તેઓ જરૂરી મદદ પૂરી પાડે.
◼ સ્વયંસેવા વિભાગ: જો તમે સહાય કરી શકો તો, સંમેલનના સ્વયંસેવા વિભાગને જણાવો. ૧૬ વર્ષથી નાના બાળકો પણ માબાપ કે અન્ય જવાબદાર વ્યક્તિની દેખરેખ હેઠળ કામ કરી શકે.
[પાન ૬ પર બોક્સ]
આમંત્રણ પત્રિકા કઈ રીતે આપીશું?
તમારા મંડળનો પ્રચારવિસ્તાર આવરી શકાય એ માટે ટૂંકી રજૂઆત રાખો. આપણે આમ કહી શકીએ: “કેમ છો! એક ખાસ પ્રસંગ માટે અમે આખી દુનિયામાં લોકોને આમંત્રણ આપી રહ્યાં છીએ. આ આમંત્રણ તમારું છે. વધુ માહિતી તમને એમાં મળશે.” આમંત્રણ આપવામાં ઉત્સાહી બનો. શનિ-રવિમાં પત્રિકા આપતી વખતે યોગ્ય લાગે તો, મૅગેઝિન પણ આપી શકો.