ઈશ્વરના ભક્તોએ પ્રાર્થના કરવી જોઈએ
૧. પ્રચારકાર્ય પૂરું કરવા શું જરૂરી છે?
૧ આપણે પોતાની તાકાતથી પ્રચારકાર્ય કરી શકતા નથી. એ કામ કરવા યહોવાહ આપણને શક્તિ આપે છે. (ફિલિ. ૪:૧૩) નમ્ર લોકોને શોધી શકીએ એ માટે યહોવાહ તેમના દૂતો દ્વારા માર્ગદર્શન આપે છે. (પ્રકટી. ૧૪:૬, ૭) આપણે લોકોના દિલમાં સત્યના બી રોપીએ છીએ અને પાણી આપીએ છીએ, પણ યહોવાહ એને વૃદ્ધિ આપે છે. (૧ કોરીં. ૩:૬, ૯) તેથી એ કેટલું જરૂરી છે કે આપણે પ્રાર્થનામાં યહોવાહ પર આધાર રાખીએ!
૨. એવી કઈ બાબતો છે જેના વિષે આપણે પ્રાર્થના કરવી જોઈએ?
૨ પોતાના માટે પ્રાર્થના કરો: પ્રચારમાં ભાગ લઈએ ત્યારે હરવખત આપણે પ્રાર્થના કરવી જોઈએ. (એફે. ૬:૧૮) આપણે કઈ બાબતો વિષે પ્રાર્થના કરવી જોઈએ? પ્રચાર વિસ્તારને લીધે હિંમત હારી ન જઈએ એ માટે પ્રાર્થના કરી શકીએ. (પ્રે.કૃ. ૪:૨૯) માર્ગદર્શન માટે પ્રાર્થના કરી શકીએ જેથી નેકદિલ લોકો શોધીને તેઓને બાઇબલ વિષે શીખવી શકીએ. જો કોઈ ઘરમાલિક આપણને સવાલ પૂછે, તો યહોવાહને મનમાં ટૂંકી પ્રાર્થના કરી શકીએ જેથી સારો જવાબ આપી શકીએ. (નહે. ૨:૪) મુશ્કેલ સંજોગોમાં પણ સમજી-વિચારીને સારા નિર્ણયો લેવા અને હિંમતથી સાક્ષી આપવા માટે પ્રાર્થના કરી શકીએ. (માથ. ૧૦:૧૬; પ્રે.કૃ. ૪:૨૯) પ્રચારકામને જીવનમાં પ્રથમ રાખવા માટે સમજણની માંગણી કરી શકીએ. (યાકૂ. ૧:૫) વધુમાં, યહોવાહના ભક્તો હોવાનો જે લહાવો મળ્યો છે એનાં માટે પ્રાર્થનામાં આભાર માનવો જોઈએ. એનાથી યહોવાહ ઘણાં ખુશ થશે.—કોલો. ૩:૧૫.
૩. બીજા માટે કરેલી પ્રાર્થના કેવી રીતે પ્રચાર કામને આગળ વધારી શકે?
૩ બીજાઓ માટે પ્રાર્થના કરો: આપણે “એકબીજાને સારૂ પ્રાર્થના” કરવી જોઈએ અને યોગ્ય હોય તો ભાઈ-બહેનોના નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. (યાકૂ. ૫:૧૬; પ્રે.કૃ. ૧૨:૫) શું તમારી બગડતી તબિયત તમને પ્રચાર કરતા અટકાવે છે? જો એમ હોય, તો એવા ભાઈ-બહેનો માટે પણ પ્રાર્થના કરવી જોઈએ જેમની તંદુરસ્તી સારી છે. એ ના ભૂલો, કે બીજાઓ માટેની તમારી પ્રાર્થનાઓ તેઓને ખૂબ મદદ કરી શકે છે. આપણે અધિકારીઓ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ, જેથી તેઓ પ્રચાર કાર્યને રોકે નહિ. એનાથી આપણે ‘શાંત રીતે’ યહોવાહની ભક્તિ કરી શકીએ.—૧ તીમો. ૨:૧, ૨.
૪. આપણે કેમ પ્રાર્થનામાં લાગુ રહેવાની જરૂર છે?
૪ આખી દુનિયામાં રાજ્ય વિષેની ખુશખબરી જણાવવી એ કંઈ સહેલું નથી. પણ જો આપણે “પ્રાર્થનામાં લાગુ” રહીશું, તો યહોવાહની મદદથી આપણું કામ સફળ થશે.—રૂમી ૧૨:૧૨.