લોહી વગરની અલગ અલગ સારવાર વિષે તમે જાણો છો?
આખી દુનિયામાં લોહી વગરની સારવાર કરવા તૈયાર હોય એવી હોસ્પિટલોની સંખ્યા વધી રહી છે. “લોહી વગરની દવાઓ” કે સારવારની રીતો વિષે તમે કેટલું જાણો છો? આ નવી દવાઓ કે રીતો કઈ રીતે કામ કરે છે એ તમારે ખરેખર જાણવું જ જોઈએ. એ જાણ્યા પછી તમે સારવાર કે ઑપરેશન કરવાની નોબત આવે ત્યારે સમજી-વિચારીને નિર્ણય લઈ શકશો. એ માટે નો બ્લડ—મેડીસીન મીટ્સ ધ ચેલેંજ વીડિયો જુઓ. જેઓ અંગ્રેજી સમજતા નથી તેઓએ છેલ્લા ફકરામાં જણાવેલા મૅગેઝિન પોતાની ભાષામાં વાંચવા જોઈએ. પછી તમે જે શીખ્યા એના પર પ્રાર્થનાપૂર્વક વિચારીને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો. નોંધ કરો: આ વીડિયોમાં અમુક ઑપરેશનના દૃશ્યો છે. માબાપે નક્કી કરવું જોઈએ કે પોતાના બાળકો આ વીડિયો જોશે કે નહિ.
(૧) યહોવાહના સાક્ષીઓ કયા ખાસ કારણને લીધે લોહી લેતા નથી? (૨) સારવાર કરાવતી વખતે યહોવાહના સાક્ષીઓ શું ઇચ્છે છે? (૩) દર્દીને કાયદા પ્રમાણે કયા હક્ક છે? (૪) લોહીના અંશો એટલે શું? (૫) અમુક ભાઈ-બહેનો કેમ (ક) લોહીના કોઈક અંશ લેવાનું પસંદ કરે છે? (ખ) જ્યારે કે બીજાઓ લોહીમાંથી બનાવેલી કોઈ પણ દવા સ્વીકારતા નથી? (૬) શું આપણાથી રક્તદાન કે સારવાર માટે પોતાનું લોહી જમા કરાવીને વાપરી શકાય? સમજાવો. (૭) કેવી સારવારમાં લોહીનો ઉપયોગ કરવામાં આવે છે? સમજાવો. (૮) લોહીનો ઉપયોગ કરવા વિષે યહોવાહના દરેક ભક્તે કેમ સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ? (૯) લોહી લેવાને બદલે બીજી કોઈ દવા કે રીતથી સારવાર કરાવતા હોઈએ ત્યારે, આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? (૧૦) શું મોટા અને જટિલ ઑપરેશનો લોહી વગર થઈ શકે?
આ વીડિયો એવી ઘણી રીતો વિષે બતાવે છે, જેમાં ડૉક્ટરો લોહી વગર સારવાર કરવા તૈયાર હોય છે. તમે બાઇબલમાંથી જે શીખ્યા છો, એ પ્રમાણે તમારે પોતે નિર્ણય લેવાનો છે, જેથી તમારું દિલ ડંખે નહિ. શું તમે પહેલેથી વિચાર કર્યો છે કે તમે અથવા તમારાં બાળકો લોહી વગરની કઈ સારવારની રીત પસંદ કરશો? આ બાબતમાં વધારે સમજણ મેળવવા જૂન ૧૫, ૨૦૦૪ અને ઑક્ટોબર ૧૫, ૨૦૦૦ના ચોકીબુરજમાં “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ. અને નવેમ્બર ૨૦૦૬ની આપણી રાજ્ય સેવામાં આપેલા ઇન્સર્ટ, “લોહીના અંશો એટલે શું? મારા જ લોહીથી મારી સારવાર કરવા વિષે મને કેવું લાગશે?” એ પણ જુઓ. આ માહિતીને પૂરેપૂરી વાંચીને એના આધારે એડવાન્સ હેલ્થ કેર ડિરેક્ટીવ કાર્ડ ભરો. તમારા કુટુંબમાં યહોવાહના સાક્ષી ન હોય તેઓને પણ તમારા નિર્ણય વિષે પૂરેપૂરી માહિતી આપો. ફૅમિલી ડૉક્ટરને પણ તમારા નિર્ણય વિષે જણાવો. એ પણ જણાવો કે તમે શા માટે એવો નિર્ણય લીધો છે.