યહોવાહે કરેલી ગોઠવણની કદર બતાવીએ એપ્રિલ ૧૭ના સ્મરણપ્રસંગ ઊજવીશું
૧. એક ઈશ્વરભક્તે કેવી લાગણી બતાવી જે સ્મરણપ્રસંગ સમયગાળા માટે યોગ્ય છે?
૧ યહોવાહે એક ઈશ્વરભક્તને અનેક વાર ખતરામાંથી બચાવ્યા અને દયા બતાવી હતી. એટલે એ ઈશ્વરભક્તે કહ્યું: “હું યહોવાહના મારા પર થએલા સર્વ ઉપકારોનો તેને શો બદલો આપું?” (ગીત. ૧૧૬:૧૨) આજે ઈશ્વરભક્તો પાસે તેમનો ઉપકાર માનવાને એનાથી વધારે મોટું કારણ છે. ઈશ્વરભક્તે એ લખ્યું એની સદીઓ પછી યહોવાહે માણસજાતને સૌથી મોટી ભેટ આપી. એ છે પોતાના દિલોજાન દીકરાનું બલિદાન. તેથી ઈસુએ આપેલા બલિદાનને યાદ કરવા અને એની કદર કરવાનો સારો મોકો એપ્રિલ ૧૭ના છે.—કોલો. ૩:૧૫.
૨. ઈસુના બલિદાનની કદર બતાવવાના અમુક કારણો કયા છે?
૨ બલિદાનથી મળતા આશીર્વાદો: ઈસુના બલિદાન દ્વારા આપણને “પાપોની માફી” મળે છે. (કોલો. ૧:૧૩, ૧૪) એટલે આપણે યહોવાહની શુદ્ધ દિલથી ભક્તિ કરી શકીએ છીએ. (હેબ્રી ૯:૧૩, ૧૪) તેમ જ, આપણે હિંમતથી અચકાયા વગર ખુલ્લા દિલે યહોવાહને પ્રાર્થના કરી શકીએ છીએ. (હેબ્રી ૪:૧૪-૧૬) જેઓ એ બલિદાનમાં વિશ્વાસ મૂકે છે તેઓને ભવિષ્યમાં અમર જીવનનો મોકો રહેલો છે.—યોહા. ૩:૧૬.
૩. યહોવાહે કરેલી બલિદાનની ગોઠવણની આપણે કેવી રીતે કદર બતાવી શકીએ?
૩ કદર બતાવીએ: ઈસુના બલિદાનની કદર બતાવવા શું કરી શકીએ? એક રીત છે કે એ સમય દરમિયાન સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન રોજ કરીએ, એના પર મનન કરીએ. યહોવાહને ખુલ્લા દિલે પ્રાર્થના કરીએ ત્યારે એ બલિદાનની કદર બતાવી શકીએ. (૧ થેસ્સા. ૫:૧૭, ૧૮) ઈસુએ તેમના શિષ્યોને સ્મરણપ્રસંગ ઉજવવાની આજ્ઞા કરી હતી. એટલે આપણે સ્મરણપ્રસંગમાં જવું જ જોઈએ. (૧ કોરીં. ૧૧:૨૪, ૨૫) આપણી સાથે સ્મરણપ્રસંગ ઉજવવા બની શકે એટલા લોકોને આમંત્રણ આપવું જોઈએ. આમ કરીને આપણે યહોવાહે બતાવેલા પ્રેમને અનુસરીએ છીએ.—યશા. ૫૫:૧-૩.
૪. આપણે શેમાં ખંતીલા બનવું જોઈએ?
૪ આપણે યહોવાહના ભક્તો હોવાથી સ્મરણપ્રસંગને એક વધારાની મિટિંગ નહીં ગણીએ. દર વર્ષે સ્મરણપ્રસંગ આપણા માટે સૌથી અગત્યનું છે. એ નજીક આવે તેમ આપણે આ ઈશ્વરભક્તની જેમ યહોવાહની ભક્તિ કરવા ખંતીલા બનીએ, જેમણે કહ્યું: ‘હું યહોવાહને સ્તુત્ય માનીશ, તેના સર્વ ઉપકારો ભૂલીશ નહિ.’—ગીત. ૧૦૩:૨.