રસ્તા પર ખુશખબર ફેલાવવાની સારી રીત
૧. ઈસુની જેમ પ્રચાર કરવાની એક રીતે કઈ છે?
૧ ઈસુ પોતાના સેવાકાર્યમાં જ્યાં પણ લોકો મળે તેઓની સાથે અચકાયા વગર વાત કરતા. પછી ભલે તેઓ રસ્તા પર કે બજારમાં હોય. (લુક ૯:૫૭-૬૧; યોહા. ૪:૭) તે વધારે ને વધારે લોકોને ઈશ્વરના રાજ્યનો મહત્ત્વનો સંદેશો જણાવવા ચાહતા હતા. આજે આપણી પાસે પણ સારો મોકો છે કે, રસ્તા પર લોકોને ઈશ્વરનો સંદેશો જણાવીએ. (નીતિ. ૧:૨૦) જો આપણે લોકો સાથે વાત કરવાની પહેલ કરીશું અને સમજી-વિચારીને બોલીશું, તો સારું પરિણામ આવશે.
૨. રસ્તા પર ખુશખબર ફેલાવીએ ત્યારે શું કરવું જોઈએ?
૨ પહેલ કરો: લોકો સામે ચાલીને વાત કરશે એમ વિચારીને એક જ જગ્યાએ ઊભા ન રહીએ. તેમ જ, બેઠા બેઠા રાહ ન જોઈએ. પણ તમે તેઓ સાથે વાત કરવા પહેલ કરો તથા તેઓને સ્મિત આપો. બીજા પ્રકાશક સાથે કામ કરતા હોવ તો, આવ-જા કરતા દરેકની સાથે ભેગા મળીને વાત ન કરો. પણ એકલા વાત કરશો તો સારું થશે. કોઈને રસ હોય તો, તેમને ફરી મળવાની ગોઠવણ તમારે કરવી જોઈએ. શક્ય હોય ત્યારે વાત કરી લીધા પછી ફરી ક્યાં મળી શકો એ પૂછો. અમુક પ્રકાશકો નિયમિત રીતે એક જ રસ્તા પર કામ કરતા હોય છે. આમ તેઓ રસ ધરાવતી વ્યક્તિને ફરી વાર મળીને વધારે વાત કરે છે.
૩. રસ્તા પર પ્રચાર કરતા હોઈએ ત્યારે શું યાદ રાખવું જોઈએ?
૩ પહેલેથી નક્કી કરો: રસ્તા પર ક્યાં ઊભા રહેશો અને કોની સાથે વાત કરશો એનો વિચાર કરો. આવ-જા કરતા દરેકની સાથે વાત કરવી જરૂરી નથી. લોકો શું કરે છે એ ધ્યાન આપો. કોઈ ઉતાવળમાં દેખાય તો તેમને રોકશો નહિ. વેપારી વિસ્તારમાં પ્રચાર કરતા હો તો, એવી રીતે કરો જેથી દુકાનના મેનેજર ખોટા ગભરાઈ ન જાય. ગ્રાહકો દુકાનમાં જતા હોય ત્યારે વાત ન કરશો. તેઓ બહાર આવે ત્યારે વાત કરવી વધારે સારું થશે. લોકો તમને જોઈને ગભરાઈ જાય એવી રીતે ન મળો. તેમ જ, સમજી-વિચારીને સાહિત્ય ઑફર કરો. જો કોઈ થોડો જ રસ બતાવે તો મૅગેઝિનને બદલે પત્રિકા આપી શકો.
૪. રસ્તા પર પ્રચાર કરવાથી કયો લાભ થશે?
૪ રસ્તા પર પ્રચાર કરવાથી થોડા સમયમાં સત્યનાં ઘણા બી ફેલાવવાનો આપણને મોકો મળે છે. (સભા. ૧૧:૬) ઘર-ઘરના પ્રચાર કાર્યમાં જેઓ આપણને મળતા નથી તેઓમાંના અમુક કદાચ રસ્તા પર મળે. કેમ નહિ કે તમે પણ રસ્તા પર પ્રચાર કરવાની ગોઠવણ કરો અને એનો આનંદ માણો?