જાહેરમાં પ્રચાર કરવાની નવી અને મજેદાર રીત
૧. મંડળના પ્રચાર વિસ્તારમાં વધારે લોકોની અવરજવર હોય એવી જગ્યાઓ હોય, તો શું કરી શકો?
૧ શું તમારા મંડળના પ્રચાર વિસ્તારમાં એવી જગ્યાઓ છે જ્યાં લોકોની વધારે અવરજવર થતી હોય? એમ હોય તો, ઉત્તેજન આપવામાં આવે છે કે એવી જગ્યાએ જાહેરમાં પ્રચાર કરવાની ગોઠવણ કરો. એ માટે તમે ટેબલ કે ટ્રૉલી વાપરી શકો. જો તમે ટ્રૉલી વાપરવાના હો, તો ઓછામાં ઓછા એક પ્રકાશક એ જગ્યાએ ઊભા રહે કે એની બાજુમાં બેસે. જો ટેબલ ગોઠવ્યું હોય, તો બે પ્રકાશકોએ હાજર રહેવું જોઈએ. જેઓને એ કામ સોંપવામાં આવ્યું હોય તેઓ પ્રેમાળ અને મળતાવડા હોવા જોઈએ. જો કોઈ વ્યક્તિ ટેબલ પાસે આવે, તો બેમાંથી એક પ્રકાશક તેમની સાથે વાત કરી શકે. કદાચ તે આમ કહી શકે: “તમે કદી વિચાર્યું છે કે આના વિશે ઈશ્વર શું કહે છે?” બીજા એક અથવા બે પ્રકાશક ત્યાંથી થોડા દૂર ઊભા રહીને ત્યાં અવરજવર કરતા લોકોને પ્રચાર કરી શકે.
૨. જાહેરમાં પ્રચાર કરવાની નવી ગોઠવણથી થયેલો એક અનુભવ જણાવો.
૨ આ નવી રીત અપનાવવાથી ઘણા બાઇબલ અભ્યાસો શરૂ થયા છે. કૉલેજમાં ભણતી એક છોકરીએ યહોવાના સાક્ષીઓ પર સંશોધન કરીને નિબંધ લખવાનું નક્કી કર્યું. પણ, તેને રાજ્યગૃહ ન મળ્યો. બીજા અઠવાડિયે પોતાના કૉલેજ કેમ્પસમાં તેણે આપણું ટેબલ જોયું. તેણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને બાપ્તિસ્મા લીધું. તે પણ હવે પ્રચાર કરવાની આ નવી રીતમાં ભાગ લે છે.
૩. જાહેરમાં પ્રચાર કરવાની આ રીત વિશે અમુકને કેવું લાગે છે?
૩ જાહેરમાં પ્રચાર કરવાની ગોઠવણમાં ભાગ લેતી આપણી એક બહેને જણાવ્યું: “કેટલાક લોકો નવા મૅગેઝિનો લેવા આવે છે. કેટલાક એવા પણ હોય છે, જેઓએ યહોવાના સાક્ષીઓ વિશે કદી સાંભળ્યું નથી. હું જોઈ શકું છું કે આ નવી રીત વાપરીને ઘણા લોકો સુધી પહોંચી શકાશે.” બીજા એક બહેને કહ્યું: “આ નવી રીત બહુ મજાની અને ખૂબ અસરકારક છે. કેમ કે, લોકો જાતે જ આપણી પાસે આવે છે. અરે, તેઓને બહુ રસ ન હોય તોપણ, જાણવા માટે આવે છે.”
૪. શા માટે એક જ સમય અને જગ્યાએ ટેબલ કે ટ્રૉલી ગોઠવવા જોઈએ?
૪ દર અઠવાડિયે નક્કી કરેલા દિવસ, સમય અને જગ્યાએ જ ટ્રૉલી કે ટેબલ ગોઠવવું ફાયદાકારક છે. કારણ કે, એમ કરવાથી લોકોને ખ્યાલ રહેશે કે આપણે ક્યાં નિયમિત રીતે ઊભા રહીએ છીએ. તેમ જ, લોકો ટેબલ કે ટ્રૉલી પાસે આવવા, સાહિત્ય લેવા કે સવાલો પૂછતા અચકાશે નહિ. શું તમારા મંડળે જાહેરમાં પ્રચાર કરવાની નવી ગોઠવણ શરૂ કરી છે? એમ હોય તો, તમે પણ દૂર દૂર સુધી ‘ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર’ કરવામાં ભાગ લઈ શકશો.—લુક ૯:૬૦.