શું તમે સાંજના સમયે પ્રચાર કરી શકો?
૧. એક લેખક પ્રમાણે પ્રેરિત પાઊલે કયા સમયે ઘરે ઘરે પ્રચાર કર્યો હતો?
૧ ડેઈલી લાઈફ ઈન બાઇબલ ટાઈમ્સ નામનું પુસ્તક જણાવે છે કે પ્રેરિત પાઊલ ઘણી વાર સાંજના ‘ચારથી રાત સુધી’ ઘરે ઘરે પ્રચાર કરતા. તે દરરોજ એવું કરતા કે નહિ એ આપણે જાણતા નથી. પણ એ જાણીએ છીએ કે પાઊલ “સુવાર્તાની ખાતર સર્વ” કરતા હતા. (૧ કોરીં. ૯:૧૯-૨૩) એ માટે પાઊલે રોજબરોજના કામકાજમાં ફેરફાર કર્યો હશે જેથી વધારે લોકો ઘરે મળી શકે.
૨. સાંજનો સમય કેમ પ્રચાર માટે સારો છે?
૨ ઘણી જગ્યાએ પ્રકાશકોએ અઠવાડિયા દરમિયાન ઘર ઘરનો પ્રચાર સવારે જ કર્યો છે. શું તમારા વિસ્તાર માટે સવારનો જ સમય સારો છે? એક પાયોનિયર પોતાના વિસ્તાર વિશે કહે છે: “દિવસ દરમિયાન ભાગ્યે જ કોઈ ઘરે મળે છે. મોટા ભાગના લોકો સાંજે ઘરે હોય છે.” ખાસ કરી પુરુષોને રાજ્યની ખુશખબર જણાવવાની સારી તક સાંજના કે બપોરના મળે છે. એ સમયે ઘરના સભ્યો નવરાશની પળો માણતા હોવાથી વાતચીત કરવા તૈયાર હોય છે. જો તમારા વિસ્તાર માટે સાંજે પ્રચાર કરવો સારો હોય, તો વડીલોએ એ માટે ગોઠવણ કરવી જોઈએ.
૩. સાંજે પ્રચાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
૩ સમજી-વિચારીને પ્રચાર કરવો: સાંજે પ્રચાર કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે, કોઈ જમતું હોય એવા સમયે ગયા હો તો, ‘અમે ફરી આવીશું’ એમ કહી શકો. જો અંધારું હોય તો ઘરમાલિક તમને સહેલાઈથી જોઈ શકે એવી જગ્યાએ ઊભા રહો. પછી તરત તમારી ઓળખ આપી, મુલાકાતનો હેતુ ટૂંકમાં જણાવો. જોડીમાં કે ગ્રૂપમાં કામ કરવું સારું રહેશે. અને અજવાળું હોય એવા રસ્તા પર ઊભા રહો જેથી એકલા ન પડો. મોડી રાતે કે લોકો સૂવા જતા હોય ત્યારે પ્રચાર ન કરો. (૨ કોરીં. ૬:૩) રાતે સલામત ન હોય એવી જગ્યાએ અજવાળું રહે ત્યાં સુધી જ પ્રચાર કરો.—નીતિ. ૨૨:૩.
૪. સાંજના સમયે પ્રચારથી કેવા આશીર્વાદો મળે છે?
૪ આશીર્વાદો: વધારે લોકોને સંદેશો જણાવીએ છીએ ત્યારે પ્રચાર કરવામાં આનંદ આવે છે. લોકો “તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત” થાય એવી તક વધશે જ્યારે વધારે સંદેશો જણાવીશું. (૧ તીમો. ૨:૩, ૪) તમારા રોજબરોજના કામમાં ફેરફાર કરી, શું તમે સાંજના સમયે પ્રચાર કરી શકો?