‘ઈશ્વરનું નામ પવિત્ર મનાઓ’
૧. ૨૦૧૨ના સરકીટ સંમેલનનો મુખ્ય વિષય શું છે? એ ક્યાંથી લેવામાં આવ્યો છે?
૧ યહોવાહ ઈશ્વર આખી સૃષ્ટિમાં સર્વોપરી છે. તેમના નામથી આપણે ઓળખાઈએ છીએ, એ કેટલો મોટો લહાવો છે! ઈશ્વરે પોતે આપણને તેમનું નામ આપ્યું છે. આપણે ૧૯૩૧થી યહોવાહના સાક્ષી તરીકે ઓળખાઈએ છીએ. (યશા. ૪૩:૧૦) યહોવાહના એકાકીજનિત પુત્ર ઈસુએ પોતાના પિતાનું નામ મોટું મનાવ્યું હતું. ઈસુએ નમૂનાની પ્રાર્થનામાં ઈશ્વરના નામને સૌથી પહેલા યાદ કરીને મહિમા આપ્યો. (માથ. ૬:૯) ઈસુના એ જ શબ્દો ૨૦૧૨ના સરકીટ સંમેલનનો મુખ્ય વિષય છે: “ઈશ્વરનું નામ પવિત્ર મનાઓ.” જો તમે સરકીટ સંમેલનની તારીખ જાણતા હો, તો શું એને કેલેન્ડરમાં નોંધી લીધી છે? શું ત્યાં હાજર રહેવા માટે તૈયારી કરી છે?
૨. સરકીટ સંમેલનમાં આપણને શું સાંભળવા મળશે?
૨ આપણને શું સાંભળવા મળશે: શનિવારે એક પ્રવચન હશે, “પૂરા સમયની સેવા દ્વારા ઈશ્વરનું નામ જાહેર કરો.” એમાં આપણને પૂરા સમયની સેવા કેવી રીતે જીવનમાં આશીર્વાદો લાવે છે, એ જાણવા મળશે. ત્યાર બાદ આ પરિસંવાદ સાંભળીશું: “યહોવાહના નામની નિંદા ન થયા એનું ધ્યાન રાખીએ.” એ આપણને ચાર ફાંદા વિષે બતાવશે, જેનાથી આપણે બચી શકીએ. લોકો થોડો રસ બતાવે છતાં ઉત્સાહથી પ્રચાર કરવા ક્યાંથી મદદ મળી શકે? આપણે શેની મદદથી અસરકારક અને ફળ મળે એવી રીતે પ્રચાર કરી શકીએ? આ સવાલના જવાબ આપણને “શા માટે ઈશ્વરનું નામ પવિત્ર મનાવવું જ જોઈએ,” એમાંથી મળશે. રવિવારે ચાર ભાગના પરિસંવાદમાંથી લાભ ઉઠાવીશું. એ બતાવશે કે આપણા વિચારો, વાણી-વર્તન અને નિર્ણયો દ્વારા આપણે કેવી રીતે ઈશ્વરનું નામ પવિત્ર મનાવી શકીએ. “યહોવાહ પોતાનું મહાન નામ આર્માગેદનમાં પવિત્ર મનાવશે,” આ જાહેર પ્રવચનમાંથી નવાઓને ઘણું શીખવા મળશે.
૩. આપણી પાસે કયો લહાવો છે? સરકીટ સંમેલન આપણને શું મદદ કરશે?
૩ જલદી યહોવાહ પોતાનું નામ પવિત્ર મનાવવા પગલાં ભરશે. (હઝકી. ૩૬:૨૩) ત્યાં સુધી, આપણી પાસે અદ્ભૂત લહાવો છે કે યહોવાહના પવિત્ર નામને મક્કમતાથી જણાવતા રહીએ. અમને ભરોસો છે કે આ સરકીટ સંમેલન, ભાઈ-બહેનોને ઈશ્વરનું નામ પવિત્ર મનાવવાની જવાબદારી પૂરી કરવા મદદ કરશે.