અનુભવી ભાઈ-બહેનો પાસેથી શીખીએ
મંડળનાં અનુભવી ભાઈ-બહેનોની આપણે ઘણી કદર કરીએ છીએ. એમાંના અમુક, ઘણાં વર્ષોથી યહોવાની સેવા વફાદારીથી કરી રહ્યા છે. બીજા અમુક, પ્રચારમાં સારી રીતે વાત કરી શકે છે. પ્રચારમાં અને શિષ્યો બનાવવાના કામમાં થઈ રહેલા વધારાથી એ ભાઈ-બહેનો જોઈ શક્યા છે કે, છેલ્લા દિવસોમાં ઈસુ મંડળોને માર્ગદર્શન આપી રહ્યા છે. (માથ. ૨૮:૧૯, ૨૦) પ્રચારમાં વધારે ભાગ લેવાથી તેઓને જીવનની મુશ્કેલીઓ અને સતાવણી સહન કરવા “પરાક્રમની અધિકતા” મળી છે. (૨ કોરીં. ૪:૭) આવા અનુભવી ભાઈ-બહેનો પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ. તક મળે ત્યારે, તેઓ પોતે શીખેલી બાબતો બીજાઓને રાજીખુશીથી શીખવે છે. (ગીત. ૭૧:૧૮) તેથી, તેઓ પાસેથી શીખવા આપણે તક શોધવી જોઈએ. આપણે કઈ રીતે એવું કરી શકીએ?
પ્રચારકામમાં: પ્રચારમાં સારું કરવા નવા કે ઓછા અનુભવી પ્રકાશકને તાલીમની જરૂર છે. અનુભવી ભાઈ કે બહેન પ્રચારમાં કઈ રીતે વાત કરે છે એ જોઈને આપણે ઘણું શીખી શકીએ છીએ. (ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૫ ચોકીબુરજના “સંદેશો ફેલાવવાના કામમાં ઉત્સાહ જાળવી રાખીએ” લેખના “નવા પ્રકાશકોને મદદ આપો” ગૌણ મથાળાનો ત્રીજો ફકરો જુઓ.) એવાં ભાઈ-બહેનો સાથે પ્રચારમાં કામ કરવાથી તમને કઈ રીતે ફાયદો થયો છે?
શું તમે કોઈ અનુભવી ભાઈ કે બહેનને તમારી સાથે પ્રચારમાં જોડાવા કહી શકો? જો તે વૃદ્ધ, બીમાર કે અપંગ હોય, તો તમે કદાચ તેમના ઘરે બાઇબલ અભ્યાસ ચલાવી શકો. અભ્યાસ પછી પૂછી શકો કે, તેમને કેવું લાગ્યું અને હજુ વધારે સુધારો કરવા સૂચનો માંગો.
સાથે સમય વિતાવો: અનુભવી ભાઈ-બહેનોને સારી રીતે જાણવા તેઓની સાથે સમય વિતાવો. કુટુંબ તરીકે ભક્તિમાં એવા કોઈ ભાઈ કે બહેનને બોલાવો અને તેમને અમુક સવાલો પૂછો. જેમ કે, તે સત્યમાં કઈ રીતે આવ્યા? તેમને કેવા આશીર્વાદો મળ્યા છે? મંડળમાં તેમણે કેવી પ્રગતિ જોઈ છે? યહોવાની સેવા કરવાથી તેમને કેવો આનંદ મળે છે? જો તે વૃદ્ધ, બીમાર કે અપંગ હોય, તો તમે કદાચ તેમના ઘરે જઈને કુટુંબ તરીકે ભક્તિનો આનંદ માણી શકો.
અનુભવી ભાઈ-બહેનોની અમુક મર્યાદાઓ છે. તેથી, મદદ માટે આપણે વધુ પડતી અપેક્ષા ન રાખવી જોઈએ. આપણા દરેકની જેમ, લાંબા સમયથી યહોવાની સેવા કરતા ભાઈ-બહેનોમાં પ્રચાર કરવાની જુદી જુદી આવડતો છે. (રોમ. ૧૨:૬-૮) જોકે, અમુકની ઉંમર વધારે હોવાથી કદાચ આપણી સાથે વધારે સમય વિતાવી ન શકે. તેમ છતાં, લાંબા સમયથી યહોવાની સેવા કરતા હોવાથી, આપણે તેઓ પાસેથી ઘણું શીખી શકીએ છીએ.