નવા ભાઈ-બહેનોને પ્રચાર કરતા શીખવો
૧. તમે પહેલી વખત ઘર-ઘરના પ્રચારમાં ગયા ત્યારે તમને કેવું લાગ્યું હતું?
૧ શું તમને યાદ છે કે તમે પહેલી વખત ઘર-ઘરના પ્રચારમાં ગયા ત્યારે તમને કેવું લાગ્યું હતું? કદાચ તમને થોડીક બીક લાગી હશે. જોકે અનુભવી ભાઈ-બહેન કે સ્ટડી લેનાર સાથે હોવાથી થોડી શાંતિ મળી હશે. સમય ગયો એમ તમે પ્રચારમાં અનુભવી બન્યા. હવે તમે પણ નવા ભાઈ-બહેનોને પ્રચાર કરતા શીખવી શકો છો.
૨. નવા પ્રકાશકોએ કેવી બાબતો શીખવાની જરૂર છે?
૨ નવા પ્રકાશકોએ આવી બાબતો શીખવાની જરૂર છે: કઈ રીતે ઘરમાલિક સાથે ચર્ચા શરૂ કરવી. કઈ રીતે બાઇબલનો ઉપયોગ કરવો. કઈ રીતે ફરી મુલાકાત કરવી. કઈ રીતે લોકોને બાઇબલમાંથી શીખવવું. પ્રચાર કરવાની બીજી રીતો, જેમ કે બજારમાં કે દુકાનોમાં કઈ રીતે સાક્ષી આપવી. કઈ રીતે ઘરમાલિકની ધાર્મિક માન્યતા સમજીને અને સંજોગો તપાસીને સંદેશો જણાવવો. (કોલો. ૪:૬) આ બાબતોમાં તમે નવા પ્રકાશકોને ઘણા સૂચનો ને મદદ આપી શકો છો. તેઓ તમારા દાખલામાંથી પણ ઘણું શીખી શકે છે.
૩. સારો દાખલો બેસાડવાથી આપણે બીજાઓને કઈ રીતે મદદ કરી શકીએ?
૩ સારો દાખલો બેસાડો: ઈસુએ તેમના શિષ્યોને ફક્ત કહ્યું નહિ કે પ્રચાર કઈ રીતે કરવો જોઈએ, પણ પોતાના દાખલાથી એ બતાવ્યું. (લુક ૮:૧; ૧ પીત. ૨:૨૧) તમે કોઈ નવા પ્રકાશક સાથે કામ કરતા હોવ ત્યારે એક સાદી રજૂઆત તૈયાર કરો જે તે પણ અનુસરી શકે. કદાચ એ રજૂઆત આપણા સાહિત્યમાંથી લઈ શકો. પ્રચારમાં પહેલાં એક-બે ઘરમાં તમે વાત કરો. આમ નવા ભાઈ-બહેનો જોઈ શકશે કે તમે કઈ રીતે સાક્ષી આપો છો. એક ઘરથી બીજા ઘરે જતા પહેલા, નવા પ્રકાશકને પૂછો કે “મારી રજૂઆત અને વાતચીત સાંભળીને તમને શું લાગે છે, મારે ક્યાં સુધારો કરવો જોઈએ?” આમ કરવાથી નવા પ્રકાશક તમારા સલાહ-સૂચનો સ્વીકારવા તૈયાર થશે. આ રીતે તે જોઈ શકશે કે પ્રચારમાં બીજાઓ સાથે કામ કરવાથી ઘણું શીખવા મળે છે.
૪. નવા પ્રકાશકની રજૂઆત સાંભળ્યા પછી આપણે કઈ રીતે તેને મદદ કરી શકીએ?
૪ સૂચનો આપો: ઈસુએ પોતાના શિષ્યોને કઈ રીતે સાક્ષી આપવી એ માટે સૂચનો અને માર્ગદર્શન આપ્યા. (માથ. ૧૦:૫-૧૪) તમે પણ આવી જ રીતે નવા પ્રકાશકોને મદદ કરી શકો. જ્યારે તે ઘરમાલિક સાથે બોલતા હોય ત્યારે ધ્યાનથી સાંભળો. એ મુલાકાત કર્યા પછી ભલે એવું લાગે કે તેને સુધારો કરવાની જરૂર છે, તો પણ પહેલા તો કોઈ સરસ કે ખાસ મુદ્દા માટે તેને દિલથી શાબાશી આપો. કોઈ સૂચનો આપતા પહેલા, કદાચ તમે જોઈ શકો કે પછીના ઘરમાં તેણે આ બાબતમાં કોઈ સુધારો કર્યો છે કે નહિ. હોય શકે કે તે વાત કરતા થોડો ગભરાય. એ પણ યાદ રાખો કે બધા સરખા નથી. બધા પાસે અલગ અલગ આવડતો છે. વધુમાં સાક્ષી આપવાની અનેક રીતો છે. એવું નથી કે આપણી જ રીત ખરી છે.—૧ કોરીં. ૧૨:૪-૭.
૫. મદદ આપવા પહેલ કરીને શું પૂછી શકીએ?
૫ અમુક વાર, નવા પ્રકાશક તમને સલાહ-સૂચનો માટે પૂછશે. પણ જો તે ન પૂછે તો કેમ નહિ કે તમે પહેલ કરો. તમે કઈ રીતે પ્રેમથી એ મદદ આપી શકો? અમુક અનુભવી ભાઈ-બહેનો આવું કંઈક પૂછે છે: ‘શું હું તમને કંઈક કહી શકું?’ કે ‘એના વિષે તમને કેવું લાગે છે?’ અથવા ‘હું શરૂ શરૂમાં પ્રચાર કરવા લાગ્યો ત્યારે મને એક બાબત બહુ અઘરી લાગી. પણ મને આ માહિતીથી બહુ મદદ મળી.’ અમુક સંજોગોમાં તમે મદદ માટે બાઇબલ ચર્ચા કઈ રીતે શરૂ કરવી અને ચાલુ રાખવી પુસ્તિકા તપાસી શકો. તેને સુધારો કરવા અનેક સૂચનો આપવાને બદલે ફક્ત એક જ આપો.
૬. પ્રચારની બાબતમાં કઈ રીતે ‘લોઢું લોઢાને તેજદાર બનાવે છે’?
૬ લોઢું લોઢાને તેજદાર બનાવે છે: તીમોથી એક અનુભવી પ્રચારક હતા. તોપણ પાઊલે તેમને ઉત્તેજન આપ્યું કે શિક્ષણ આપવામાં અને સત્યમાં પ્રગતિ કરવામાં પ્રયત્ન કરતો રહે. (૧ તીમો. ૪:૧૩, ૧૫) કદાચ તમે પણ ઘણા વર્ષોથી પ્રચાર કરી રહ્યા છો. તોપણ સાક્ષી આપવાની કળામાં સુધારો કરતા રહો. પ્રચારમાં નવા ભાઈ-બહેનો સાથે કામ કરો ત્યારે તેઓ પાસેથી પણ કંઈક શીખવાનો પ્રયત્ન કરો. હંમેશાં બીજાઓને અને ખાસ કરીને નવા પ્રકાશકોને મદદ કરવા તૈયાર રહો. એમ કરવાથી તેઓ પણ સારી રીતે સાક્ષી આપી શકશે.—નીતિ. ૨૭:૧૭.