વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w21 ઑક્ટોબર પાન ૮-૧૩
  • યહોવા “દયાથી ભરપૂર” છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા “દયાથી ભરપૂર” છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા કેમ દયા બતાવે છે?
  • બહિષ્કૃત કરવાની ગોઠવણ દયાની સાબિતી
  • આપણે કેમ બીજાઓ પર દયા બતાવવી જોઈએ?
  • ‘તમારા પિતા દયાળુ છે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • દયા કેવી રીતે બતાવવી?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • દયાળુ બનીએ
    યહોવા માટે ગાઓ
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
w21 ઑક્ટોબર પાન ૮-૧૩

અભ્યાસ લેખ ૪૧

યહોવા “દયાથી ભરપૂર” છે

“યહોવા બધાનું ભલું કરે છે, તેમનાં સર્વ કામોમાં દયા દેખાઈ આવે છે.”—ગીત. ૧૪૫:૯.

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

ઝલકa

૧. દયાળુ વ્યક્તિ કેવી હોય છે? સમજાવો.

એક દયાળુ વ્યક્તિ દિલની સારી હોય છે. તે બીજા પર કૃપા અને કરુણા બતાવે છે. તે પ્રેમાળ અને ઉદાર હોય છે. એનાથી આપણને કદાચ ભલા સમરૂનીનું ઉદાહરણ યાદ આવી જાય, જેના વિશે ઈસુએ કહ્યું હતું. તે સમરૂની હોવા છતાં એક યહૂદી સાથે “દયાથી વર્ત્યો.” એ યહૂદીને લુટારાઓએ લૂંટીને મરવા છોડી દીધો હતો. સમરૂનીનું “હૈયું કરુણાથી ભરાઈ આવ્યું.” તેણે યહૂદીની સંભાળ રાખવાની વ્યવસ્થા કરી. (લૂક ૧૦:૨૯-૩૭) એ ઉદાહરણથી દયા વિશે શીખી શકીએ છીએ. દયા યહોવાનો એક અદ્‍ભુત ગુણ છે. તે દરરોજ અલગ અલગ રીતે આપણને દયા બતાવે છે.

૨. દયા બતાવવાની એક રીત કઈ છે?

૨ દયા બતાવવાની એક રીત છે, બીજાઓની ભૂલો માફ કરીએ. યહોવા પણ એવું જ કરે છે. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું, “આપણાં પાપ પ્રમાણે તે આપણી સાથે વર્ત્યા નથી.” (ગીત. ૧૦૩:૧૦) પણ જરૂર હોય ત્યારે યહોવા ભૂલ કરનાર વ્યક્તિને સુધારે છે.

૩. આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

૩ આ લેખમાં આપણે બાઇબલમાંથી ત્રણ સવાલોના જવાબ જોઈશું: યહોવા કેમ દયા બતાવે છે? વ્યક્તિને સુધારવા કડક પગલાં લેવામાં આવે તો એમાં કઈ રીતે દયા દેખાઈ આવે છે? આપણે કેમ બીજાઓ પર દયા બતાવવી જોઈએ?

યહોવા કેમ દયા બતાવે છે?

૪. યહોવા કેમ દયા બતાવે છે?

૪ યહોવા લોકોને પ્રેમ કરે છે એટલે તે દયા બતાવે છે. પ્રેરિત પાઉલે લખ્યું, “ઈશ્વર દયાથી ભરપૂર છે.” તેમણે કેમ એવું કહ્યું? કેમ કે ઈશ્વરે દયા બતાવીને અમુક ભક્તોને સ્વર્ગમાં જીવન જીવવાનું વરદાન આપ્યું છે. (એફે. ૨:૪-૭) યહોવા ફક્ત અભિષિક્તોને જ નહિ, બધાને દયા બતાવે છે. તે દયા બતાવવાની એક પણ તક જવા દેતા નથી. દાઉદે લખ્યું, “યહોવા બધાનું ભલું કરે છે, તેમનાં સર્વ કામોમાં દયા દેખાઈ આવે છે.”—ગીત. ૧૪૫:૯.

૫. ઈસુ કઈ રીતે જાણતા હતા કે યહોવા દયાના સાગર છે?

૫ સ્વર્ગમાં યહોવા અને ઈસુ વર્ષોથી સાથે છે. (નીતિ. ૮:૩૦, ૩૧) ઈસુ જાણતા હતા કે પિતા યહોવા દયાના સાગર છે. તેમણે ઘણી વાર જોયું કે પિતાએ પાપી માણસો પર દયા બતાવી. (ગીત. ૭૮:૩૭-૪૨) એટલે તે ધરતી પર આવ્યા ત્યારે, લોકોને અનેક વાર પિતાના એ ગુણ વિશે શીખવ્યું.

પિતાએ દીકરાનું અપમાન ન કર્યું પણ તેનો ઘરમાં આવકાર કર્યો (ફકરો ૬ જુઓ)c

૬. યહોવા દયાળુ છે એ સમજાવવા ઈસુએ કયું ઉદાહરણ આપ્યું?

૬ યહોવા કેટલા દયાળુ છે એ સમજાવવા ઈસુએ ખોવાયેલા દીકરાનું ઉદાહરણ આપ્યું. એ ઉદાહરણમાં દીકરાએ પિતાનું ઘર છોડી દીધું અને “મન ફાવે એમ જીવીને પોતાની મિલકત ઉડાવી દીધી.” (લૂક ૧૫:૧૩) પણ પછી તેને પસ્તાવો થયો અને તે ઘરે પાછો ફર્યો. પિતાએ શું કર્યું? એ વિશે ઈસુએ કહ્યું, “હજુ તો [દીકરો] ઘણો દૂર હતો ત્યારે તેના પિતાએ તેને જોયો. પિતાનું દિલ કરુણાથી ભરાઈ આવ્યું. તે દોડીને દીકરાને ભેટી પડ્યો અને પ્રેમથી ચુંબન કર્યું.” પિતાએ તેને ખખડાવ્યો નહિ કે તેનું અપમાન કર્યું નહિ. એના બદલે પોતાના દીકરાને દયા બતાવી, માફ કર્યો અને પ્રેમથી ઘરમાં આવકાર્યો. તેણે ઘણું મોટું પાપ કર્યું હતું છતાં પિતાએ તેને માફ કર્યો. કેમ કે તેણે દિલથી પસ્તાવો કર્યો હતો. યહોવા પણ એ દયાળુ પિતા જેવા છે. જેઓ પાપ કર્યા પછી દિલથી પસ્તાવો કરે છે, તેઓને યહોવા માફ કરવા તૈયાર છે.—લૂક ૧૫:૧૭-૨૪.

૭. યહોવાની દયામાં કઈ રીતે તેમની બુદ્ધિ દેખાઈ આવે છે?

૭ યહોવા બુદ્ધિમાન છે એટલે દયા બતાવે છે. બાઇબલમાં લખ્યું છે, ‘જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ દયા અને સારાં ફળોથી ભરપૂર છે.’ (યાકૂ. ૩:૧૭) યહોવા પ્રેમાળ પિતાની જેમ દયા બતાવે છે, કેમ કે તે જાણે છે કે એમાં આપણું જ ભલું છે. (ગીત. ૧૦૩:૧૩; યશા. ૪૯:૧૫) તેમની દયાને લીધે પાપી માણસોને ભાવિની સુંદર આશા મળી છે. એનાથી ખબર પડે છે કે તે કેટલા બુદ્ધિમાન છે. યહોવા જાણે છે કે ક્યારે દયા બતાવવી જોઈએ અને ક્યારે નહિ. યોગ્ય કારણ હોય તો તે દયા બતાવે છે, પણ લોકો પસ્તાવો ન કરે તો તે દયા બતાવતા નથી.

૮. અમુક વખતે કેવાં પગલાં ભરવાં પડે છે અને કેમ?

૮ ધારો કે મંડળમાં કોઈ ભાઈ કે બહેન જાણીજોઈને પાપ કરે ત્યારે આપણે શું કરવું જોઈએ? પાઉલે લખ્યું, “તેની સાથે હળવા-મળવાનું બંધ કરો.” (૧ કોરીં. ૫:૧૧) એક વ્યક્તિ પસ્તાવો ન કરે તો તેને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે. મંડળનાં ભાઈ-બહેનોનું રક્ષણ કરવા અને યહોવાનાં ધોરણોને વળગી રહેવા એમ કરવું જરૂરી છે. અમુકને લાગે કે કોઈને બહિષ્કૃત કરવું એને કંઈ દયા બતાવી ન કહેવાય. શું એ સાચું છે? ચાલો જોઈએ.

બહિષ્કૃત કરવાની ગોઠવણ દયાની સાબિતી

એક બીમાર ઘેટાને ટોળાથી અલગ રાખવામાં આવ્યું છે અને ઘેટાંપાળક એને જોવા આવ્યો છે.

એક ઘેટું બીમાર હોય ત્યારે એને અલગ રાખવામાં આવે છે, એ સમયે ઘેટાંપાળક એની સંભાળ રાખે છે (ફકરા ૯-૧૧ જુઓ)

૯-૧૦. હિબ્રૂઓ ૧૨:૫, ૬ પ્રમાણે બહિષ્કૃત કરવામાં કઈ રીતે દયા દેખાઈ આવે છે? ઉદાહરણ આપો.

૯ સભામાં જાહેર કરવામાં આવે કે એક વ્યક્તિ “હવે યહોવાની સાક્ષી નથી,” તો એ સાંભળીને આપણને દુઃખ થાય છે. આપણને થાય કે શું એમ કરવું જરૂરી હતું? જોકે કોઈને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે એમાં યહોવાની દયા, પ્રેમ અને સમજદારી દેખાઈ આવે છે. (નીતિ. ૧૩:૨૪) એનાથી પાપ કરનારને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. ઘણાં ભાઈ-બહેનોએ સ્વીકાર્યું કે જ્યારે વડીલોએ તેઓને બહિષ્કૃત કર્યા ત્યારે સમજાયું કે તેઓએ કેટલું મોટું પાપ કર્યું હતું. તેઓએ પોતાનાં વાણી-વર્તન સુધાર્યાં અને યહોવા પાસે પાછા ફર્યાં.—હિબ્રૂઓ ૧૨:૫, ૬ વાંચો.

૧૦ ચાલો એ સમજવા એક ઉદાહરણ જોઈએ. ઘેટાંપાળક જુએ છે કે તેનું એક ઘેટું બીમાર છે. તે જાણે છે કે ઘેટું સારું ન થઈ જાય, ત્યાં સુધી એને ટોળાથી અલગ રાખવું પડશે. તે એ પણ જાણે છે કે ઘેટાઓને ટોળામાં રહેવું ગમે છે અને અલગ રાખવાથી તેઓ ગભરાય જાય. શું એ ઘેટાને અલગ રાખવાથી એવું સાબિત થશે કે ઘેટાંપાળક ક્રૂર છે? ના. તે સારી રીતે સમજે છે કે બીમાર ઘેટાને અલગ રાખવાથી ટોળામાં બીમારી ફેલાશે નહિ. આમ બધાં ઘેટાઓનું રક્ષણ થશે.—લેવીય ૧૩:૩, ૪ સરખાવો.

૧૧. (ક) પાપ કરનાર વ્યક્તિને બહિષ્કૃત કરવી કેમ જરૂરી છે? (ખ) બહિષ્કૃત વ્યક્તિ પોતાની શ્રદ્ધા મજબૂત કરવા શું કરી શકે?

૧૧ મંડળમાં કોઈ પાપ કરે ત્યારે તેનો યહોવા સાથેનો સંબંધ તૂટી જાય છે. તે તો જાણે બીમાર ઘેટા જેવો છે. (યાકૂ. ૫:૧૪) એટલે વડીલોએ તેને મંડળમાંથી બહિષ્કૃત કરવો પડે છે, જેથી તેની ખરાબ અસર બીજાં ભાઈ-બહેનો પર ન પડે. યહોવાએ બહિષ્કૃત કરવાની ગોઠવણ કરી છે, કારણ કે તે મંડળનાં વફાદાર ભાઈ-બહેનોને પ્રેમ કરે છે. એટલું જ નહિ તે ચાહે છે કે પાપ કરનાર વ્યક્તિને પોતાની ભૂલ સમજાય અને તે પસ્તાવો કરે. બહિષ્કૃત વ્યક્તિ સભામાં આવી શકે છે, ત્યાં તે બાઇબલમાંથી શીખીને પોતાની શ્રદ્ધા ફરી મજબૂત કરી શકે છે. તે આપણાં સાહિત્ય વાંચી શકે છે અને JW બ્રૉડકાસ્ટિંગ જોઈ શકે છે. વડીલો તેના ફેરફારો જુએ છે. એટલે યહોવા સાથે તેનો સંબંધ સુધારવા કદાચ તેઓ સમયે સમયે સલાહ આપે, જેથી તે મંડળમાં પાછી આવી શકે.b

૧૨. પસ્તાવો ન કરનાર વ્યક્તિને વડીલો કઈ રીતે પ્રેમ અને દયા બતાવે છે?

૧૨ પસ્તાવો ન કરનાર વ્યક્તિને જ બહિષ્કૃત કરવામાં આવે છે. વડીલો જાણે છે કે એ ગંભીર વાત છે એટલે તેઓ સમજી-વિચારીને નિર્ણય લે છે. તેઓને ખબર છે કે યહોવા કોઈને સુધારવા “જેટલી જરૂરી છે એટલી જ” શિક્ષા કરે છે. (યર્મિ. ૩૦:૧૧) વડીલો ભાઈ-બહેનોને પ્રેમ કરે છે. તેઓ એવું કંઈ કરતા નથી, જેનાથી યહોવા સાથે ભાઈ-બહેનોનો સંબંધ ખતરામાં આવે. એટલે ઘણી વાર પ્રેમ અને દયાના કારણે તેઓ પાપ કરનારને બહિષ્કૃત કરે છે.

૧૩. કોરીંથ મંડળના એક ભાઈને કેમ બહિષ્કૃત કરવામાં આવ્યો?

૧૩ ચાલો એક કિસ્સો જોઈએ. પહેલી સદીના કોરીંથ મંડળમાં એક ભાઈએ પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કર્યો. એ ઘણું મોટું પાપ હતું. અરે, તેણે પસ્તાવો પણ ન કર્યો. પાઉલ જાણતા હતા કે યહોવાએ ઇઝરાયેલીઓને આ આજ્ઞા આપી હતી: “પોતાની સાવકી મા સાથે જાતીય સંબંધ બાંધનાર પુરુષ પોતાના પિતાનું અપમાન કરે છે. તે બંને સ્ત્રી-પુરુષને ચોક્કસ મારી નાખવાં.” (લેવી. ૨૦:૧૧) ઇઝરાયેલીઓને આપેલી આજ્ઞા પ્રમાણે પાઉલ એ માણસને મોતની સજા આપી શકતા ન હતા. પણ તેમણે વડીલોને સલાહ આપી કે તેને બહિષ્કૃત કરે. કારણ કે એ માણસના લીધે મંડળમાં બીજાં ભાઈ-બહેનો પર ખરાબ અસર થઈ રહી હતી. અમુક તો એને મોટું પાપ પણ ગણતા ન હતા.—૧ કોરીં. ૫:૧, ૨, ૧૩.

૧૪. પાઉલે બહિષ્કૃત માણસ માટે કઈ રીતે દયા બતાવી અને કેમ? (૨ કોરીંથીઓ ૨:૫-૮, ૧૧)

૧૪ અમુક સમય પછી પાઉલને ખબર પડી કે એ માણસે પસ્તાવો કર્યો છે. તેણે જીવનમાં મોટા ફેરફારો કર્યા છે. એટલે પાઉલને તેના પર દયા આવી. તેના લીધે મંડળ ઘણું બદનામ થયું હતું, તોપણ પાઉલ તેની સાથે કઠોર બન્યા નહિ. તેમણે વડીલોને સલાહ આપી કે “તમારે તેને દિલથી માફ કરીને દિલાસો આપવો જોઈએ.” પાઉલે કેમ એવું કહ્યું? કારણ કે પાઉલ ચાહતા હતા, એ માણસ “અતિશય નિરાશામાં ડૂબી ન જાય” અને હિંમત હારી ન બેસે. તેમ જ માફી મેળવવાની આશા છોડી ન દે.—૨ કોરીંથીઓ ૨:૫-૮, ૧૧ વાંચો.

૧૫. વડીલો કઈ રીતે કડક પગલાંની સાથે સાથે દયા બતાવી શકે?

૧૫ વડીલો યહોવાની જેમ દયા બતાવે છે. તેઓ જરૂર પડે ત્યારે પાપ કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરે છે. પણ શક્ય હોય ત્યારે તેને દયા બતાવે છે. જો વડીલો ભૂલ કરનારને જરા પણ ન સુધારે, તો તેઓ તેના પર દયા નથી બતાવતા. તેઓ તો જાણે તેને વધારે ભૂલો કરવાનું ઉત્તેજન આપે છે. શું ફક્ત વડીલોએ જ બીજાઓને દયા બતાવવી જોઈએ? ચાલો જોઈએ.

આપણે કેમ બીજાઓ પર દયા બતાવવી જોઈએ?

૧૬. નીતિવચનો ૨૧:૧૩ પ્રમાણે યહોવા એવા લોકો સાથે શું કરશે, જેઓ દયા બતાવતા નથી?

૧૬ આપણે બધાએ યહોવાની જેમ બીજાઓ પર દયા બતાવવી જોઈએ. જો એવું ન કરીએ તો યહોવા પણ આપણી પ્રાર્થનાઓ નહિ સાંભળે. (નીતિવચનો ૨૧:૧૩ વાંચો.) આપણે એવું ચાહતા નથી, એટલે આપણે પથ્થર દિલના ન બનીએ. કોઈ ભાઈ કે બહેન મુશ્કેલીમાં હોય અને મદદ માટે પોકાર કરે ત્યારે આપણે હાથ પાછો ખેંચી ન રાખીએ. આપણે જાણીએ છીએ, “જે દયા બતાવતો નથી, તેનો ન્યાય પણ દયા વગર કરવામાં આવશે.” (યાકૂ. ૨:૧૩) આપણને પણ ઘણી વાર દયાની જરૂર પડે છે. જો એ યાદ રાખીશું તો આપણે પણ બીજાઓને દયા બતાવી શકીશું. ખાસ કરીને એવા લોકો પર જેઓ પસ્તાવો કરીને મંડળમાં પાછા આવે છે.

૧૭. દાઉદ રાજાએ કઈ રીતે શાઉલ પર દયા બતાવી?

૧૭ આપણે કઠોર બનવાને બદલે દયા બતાવવાનું કઈ રીતે શીખી શકીએ? ચાલો એ માટે પ્રાચીન સમયના ઈશ્વરભક્તોના દાખલા જોઈએ, જેમ કે દાઉદ રાજા. શાઉલ રાજાએ ઘણી વાર તેમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ દાઉદે દયા બતાવી અને સામે બદલો લીધો નહિ, કારણ કે તે દયાળુ હતા.—૧ શમુ. ૨૪:૯-૧૨, ૧૮, ૧૯.

૧૮-૧૯. કયા બે કિસ્સામાં દાઉદ દયા બતાવવાનું ચૂકી ગયા?

૧૮ દાઉદ અમુક વાર દયા બતાવવાનું ચૂકી ગયા. એકવાર એવું બન્યું કે નાબાલે દાઉદનું અપમાન કર્યું. તે એટલો કઠોર હતો કે તેણે દાઉદ અને તેના માણસોને ખોરાક આપવાની ના પાડી. એટલે દાઉદને ગુસ્સો આવ્યો. તે નાબાલ અને તેના કુટુંબના બધા માણસોને મારી નાખવા નીકળી પડ્યા. પણ નાબાલની પત્ની અબીગાઈલ ઘણી પ્રેમાળ હતી. તેણે તરત દાઉદ અને તેમના માણસો માટે ખોરાક મોકલ્યો. એટલે દાઉદે નાબાલ અને તેના માણસોને મારી નાખવાનો વિચાર માંડી વાળ્યો.—૧ શમુ. ૨૫:૯-૨૨, ૩૨-૩૫.

૧૯ ચાલો બીજો એક કિસ્સો જોઈએ. દાઉદે ગંભીર પાપ કર્યાં હતાં, એનો અહેસાસ કરાવવા નાથાન પ્રબોધકે એક અમીર માણસનું ઉદાહરણ આપ્યું. તે એક ગરીબ માણસની એકની એક ઘેટી ચોરી લે છે. એ ઉદાહરણ સાંભળીને દાઉદ રાજા ગુસ્સામાં ઉકળી ઊઠ્યા. તેમણે કહ્યું: “યહોવાના સમ, આવું કરનાર માણસ મોતને લાયક છે!” (૨ શમુ. ૧૨:૧-૬) દાઉદ જાણતા હતા કે મૂસાના નિયમ મુજબ એક ચોર જો ઘેટું ચોરી લે, તો તેને મોતની સજા કરવામાં આવતી ન હતી. પણ તેણે એક ઘેટાના બદલામાં ચાર ઘેટાં પાછાં આપવાં પડતાં. (નિર્ગ. ૨૨:૧) પેલા અમીર માણસનું પાપ એટલું મોટું ન હતું કે દાઉદ તેને મોતની સજા ફટકારે. દાઉદે તો તેના કરતાં ઘણાં મોટાં પાપ કર્યાં હતાં. છતાં યહોવાએ દાઉદ પર દયા બતાવી અને તેમને માફ કર્યા.—૨ શમુ. ૧૨:૭-૧૩.

નાથાન પ્રબોધકનું ઉદાહરણ સાંભળીને દાઉદ રાજા દયા બતાવવાનું ચૂકી ગયા (ફકરા ૧૯-૨૦ જુઓ)d

૨૦. આપણે દાઉદના દાખલામાંથી શું શીખી શકીએ?

૨૦ દાઉદ બધા સાથે સારી રીતે વર્તતા હતા. તે દયાળુ હતા પણ બે વખત દયા બતાવવાનું ચૂકી ગયા. એક વખત તે ગુસ્સામાં હતા એટલે નાબાલ અને તેના માણસોને મારી નાખવા માંગતા હતા. બીજી વખત પોતાના પાપને લીધે તેમનું દિલ ડંખતું હતું, એટલે તેમણે અમીર માણસને મોતની સજા આપવાનું કહ્યું. એનાથી ખબર પડે છે કે યહોવા સાથે આપણો સંબંધ નબળો હશે તો આપણે કઠોર બની જઈશું અને દયા બતાવવાનું ચૂકી જઈશું. ઈસુએ કહ્યું હતું, “બીજાઓ પર દોષ મૂકવાનું બંધ કરો, જેથી તમારા પર દોષ મૂકવામાં ન આવે. તમે જે રીતે દોષ મૂકો છો, એ જ રીતે તમારા પર દોષ મૂકવામાં આવશે.” (માથ. ૭:૧, ૨) એટલે આપણે કઠોર ન બનીએ પણ યહોવા જેવા બનીએ જે “દયાથી ભરપૂર” છે. ચાલો એમ કરવા બનતું બધું કરીએ.

૨૧-૨૨. આપણે કઈ રીતે બીજાઓને દયા બતાવી શકીએ?

૨૧ આપણે ફક્ત શબ્દોમાં જ નહિ, કાર્યોમાં પણ દયા બતાવવી જોઈએ. આપણે કુટુંબમાં, મંડળમાં અને આસપાસ રહેતા લોકોની મદદ કરી શકીએ. જેમ કે જે લોકો તકલીફમાં હોય તેઓને દિલાસો આપી શકીએ. બીજાઓ માટે જમવાનું બનાવી શકીએ અથવા બીજી કોઈ રીતે મદદ કરી શકીએ. જો કોઈ ભાઈ કે બહેન પસ્તાવો કરીને મંડળમાં પાછાં આવે તો તેમની સાથે સમય વિતાવી શકીએ અને ઉત્તેજન આપી શકીએ. લોકોને દયા બતાવવાની એક સારી રીત છે તેઓને ખુશખબર જણાવીએ.—અયૂ. ૨૯:૧૨, ૧૩; રોમ. ૧૦:૧૪, ૧૫; યાકૂ. ૧:૨૭.

૨૨ જો આપણે આસપાસ નજર કરીશું તો દયા બતાવવાની ઘણી તક મળશે. આપણે દયા બતાવીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે જે “દયાથી ભરપૂર” છે.

તમે કેવો જવાબ આપશો?

  • યહોવા શા માટે દયા બતાવે છે?

  • બહિષ્કૃત કરવાની ગોઠવણ કઈ રીતે દયાની સાબિતી છે?

  • આપણે કેમ દયા બતાવવી જોઈએ?

ગીત ૧૩ મારી આરાધના સાંભળી લે

a યહોવામાં ઘણા અદ્‍ભુત ગુણો છે, એમાંનો એક છે દયા. આપણે પણ એ ગુણ કેળવવો જોઈએ. આ લેખમાંથી આપણે શીખીશું કે યહોવા કેમ દયા બતાવે છે. એ પણ જોઈશું કે તે કોઈને સુધારે ત્યારે એમાં કઈ રીતે તેમની દયા દેખાઈ આવે છે અને આપણે કઈ રીતે દયા બતાવી શકીએ.

b એક વ્યક્તિ મંડળમાં પાછી ફર્યા પછી કઈ રીતે યહોવા સાથે પોતાનો સંબંધ મજબૂત કરી શકે અને વડીલો તેને કઈ રીતે મદદ કરી શકે એ માટે આ અંકમાં આપેલો લેખ જુઓ: “યહોવા સાથે ફરી સંબંધ કેળવો.”

c ચિત્રની સમજ: ધાબા પરથી પિતા પોતાના ખોવાયેલા દીકરાને દૂરથી આવતો જુએ છે અને તેને મળવા દોડીને જાય છે.

d ચિત્રની સમજ: દાઉદ રાજાનું દિલ ડંખતું હતું એટલે ગુસ્સામાં આવીને પેલા અમીર માણસને મોતની સજા આપવાનું કહે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો