અભ્યાસ લેખ ૫૦
“તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ”
“આજે હું તને વચન આપું છું, તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.”—લૂક ૨૩:૪૩.
ગીત ૧૯ નવી દુનિયાનું વચન
ઝલકa
૧. ઈસુએ મરતા પહેલાં ગુનેગારને શું કીધું? (લૂક ૨૩:૩૯-૪૩)
ઈસુની સાથે બે ગુનેગારોને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા છે. તેઓને બહુ પીડા થઈ રહી છે. એક એક શ્વાસ લેવો અઘરું થઈ રહ્યું છે. (લૂક ૨૩:૩૨, ૩૩) ગુનેગારોએ થોડા સમય પહેલાં જ ઈસુનું અપમાન કર્યું હતું. એટલે તેઓ ઈસુના શિષ્યો તો ના હોય શકે. (માથ. ૨૭:૪૪; માર્ક ૧૫:૩૨) પણ પછી એકનું મન બદલાય છે. તે ઈસુને કહે છે: “ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.” ઈસુ તેને જવાબ આપે છે: “આજે હું તને વચન આપું છું, તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.” (લૂક ૨૩:૩૯-૪૩ વાંચો.) બાઇબલમાં ક્યાંય જણાવ્યું નથી કે એ માણસે ‘સ્વર્ગના રાજ્યનો’ સંદેશો સ્વીકાર્યો હતો, જેના વિશે ઈસુ પ્રચાર કરતા હતા. ઈસુએ પણ એવું કીધું ન હતું કે એ માણસ સ્વર્ગમાં જશે. (માથ. ૪:૧૭) ઈસુ અહીંયા જીવનના બાગ વિશે એટલે કે, નવી દુનિયા વિશે વાત કરી રહ્યા હતા, જે ભાવિમાં આ પૃથ્વી પર આવશે. એવું કેમ કહી શકીએ?
જે ગુનેગારે ઈસુ સાથે વાત કરી હતી, તેના વિશે આપણે શું કહી શકીએ અને કદાચ તે શું જાણતો હતો? (ફકરા ૨-૩ જુઓ)
૨. આપણે કેમ કહી શકીએ કે ગુનેગાર યહૂદી હતો?
૨ જે ગુનેગારનું મન બદલાયું તે કદાચ યહૂદી હતો. એવું આપણે કેમ કહી શકીએ? ધ્યાન આપો, તેણે બીજા ગુનેગારને કીધું: “શું તને ઈશ્વરનો જરાય ડર નથી?” (લૂક ૨૩:૪૦) યહૂદીઓ માનતા હતા કે એક જ સાચા ઈશ્વર છે. પણ જે લોકો યહૂદી ન હતા, તેઓ ઘણા દેવોમાં માનતા હતા. (નિર્ગ. ૨૦:૨, ૩; ૧ કોરીં. ૮:૫, ૬) એટલે જો એ માણસ યહૂદી ના હોત, તો તેણે બીજા ગુનેગારને કીધું હોત, “શું તને દેવોનો જરાય ડર નથી?” બીજી એક વાત પર ધ્યાન આપો. ઈસુને “ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં” પાસે મોકલવામાં આવ્યા હતા. એટલે તેમણે ખાસ કરીને યહૂદીઓને સંદેશો જણાવ્યો, યહૂદી ન હોય એવા લોકોને નહિ. (માથ. ૧૫:૨૪) યહોવાએ ફક્ત ઇઝરાયેલીઓને જણાવ્યું હતું કે તે ગુજરી ગયેલાઓને જીવતા કરશે. ગુનેગાર કદાચ એ વાત જાણતો હતો. તેના શબ્દોથી ખબર પડે છે કે તેને લાગતું હતું કે યહોવા ઈસુને જીવતા કરશે અને તેમના રાજ્યના રાજા બનાવશે. તેને કદાચ એ પણ આશા હતી કે યહોવા તેને મરણમાંથી જીવતો કરશે.
૩. ઈસુએ જીવનના બાગ વિશે જણાવ્યું ત્યારે ગુનેગારે શાની કલ્પના કરી હશે? સમજાવો. (ઉત્પત્તિ ૨:૧૫)
૩ એક યહૂદી તરીકે ગુનેગાર આદમ-હવા વિશે જાણતો હોય શકે. તે એ પણ જાણતો હોય શકે કે યહોવાએ આદમ-હવા માટે આ જ પૃથ્વી પર સુંદર બાગ બનાવ્યો હતો. એટલે આપણે કહી શકીએ કે જ્યારે ઈસુએ જીવનના બાગ વિશે જણાવ્યું ત્યારે ગુનેગારે સુંદર ધરતીની કલ્પના કરી હશે.—ઉત્પત્તિ ૨:૧૫ વાંચો.
૪. આપણે શાનો વિચાર કરવો જોઈએ?
૪ ઈસુના શબ્દોથી આપણને પણ થઈ શકે કે નવી દુનિયા કેવી હશે? એમાં જીવન કેવું હશે? આપણે એનો વિચાર કરવો જોઈએ. આપણને સુલેમાનના રાજથી નવી દુનિયાની એક ઝલક મળે છે. તેમના રાજમાં ચારે બાજુ શાંતિ હતી. ઈસુ તો સુલેમાન કરતાં ઘણા મહાન છે. એટલે આપણે ખાતરી રાખી શકીએ કે તે અને ૧,૪૪,૦૦૦ રાજાઓ આખી પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવી દેશે. એ સમયે બસ શાંતિ જ શાંતિ હશે. (માથ. ૧૨:૪૨) ‘બીજાં ઘેટાંના’ લોકોએ વિચારવું જોઈએ કે જો તેઓ નવી દુનિયામાં હંમેશ માટે જીવવા માંગતા હોય, તો તેઓએ હમણાંથી શું કરવું જોઈએ.—યોહા. ૧૦:૧૬.
નવી દુનિયામાં જીવન કેવું હશે?
૫. નવી દુનિયા વિશે વિચારો છો ત્યારે તમારા મનમાં શું આવે છે?
૫ નવી દુનિયા વિશે વિચારો ત્યારે તમારા મનમાં શું આવે છે? કદાચ તમારા મનમાં એક સુંદર બાગ આવે, બિલકુલ એદન બાગ જેવો. ચારે બાજુ લીલાંછમ વૃક્ષો છે. રંગબેરંગી ફૂલોથી આખી પૃથ્વી મહેકી ઊઠી છે. (ઉત. ૨:૭-૯) કદાચ તમને મીખાહ પ્રબોધકની ભવિષ્યવાણી યાદ આવે. તેમણે લખ્યું હતું: “તેઓ પોતાના દ્રાક્ષાવેલા નીચે અને પોતાની અંજીરી નીચે બેસશે.” (મીખા. ૪:૩, ૪) તમને એ પણ યાદ આવે કે નવી દુનિયામાં ભરપૂર ખોરાક હશે. (ગીત. ૭૨:૧૬; યશા. ૬૫:૨૧, ૨૨) તમે મનની આંખોથી જુઓ કે તમારી આગળ મોટું ટેબલ છે. એના પર જાતજાતનાં ફળફળાદિ અને સ્વાદિષ્ટ વાનગીઓ છે. તમે તમારા દોસ્તો અને સગા-વહાલાઓ સાથે બેસીને એની મજા લઈ રહ્યા છો. તમારી વચ્ચે એવા લોકો પણ છે, જેઓને યહોવાએ ફરી જીવતા કર્યા છે. બધા વાતો કરી રહ્યા છે, ખડખડાટ હસી રહ્યા છે. એ સાંભળીને તમારું રોમેરોમ હરખાઈ ઊઠે છે. આ બધું કંઈ સપનું નથી, પણ હકીકત છે. એક દિવસે એવું ચોક્કસ બનશે. નવી દુનિયામાં આપણી ખુશીઓનો પાર નહિ હોય. જોકે એની સાથે સાથે મજા આવે એવું કામ પણ હશે.
જેઓને નવી દુનિયામાં જીવતા કરવામાં આવશે, તેઓને આપણે શીખવીશું (ફકરો ૬ જુઓ)
૬. નવી દુનિયામાં આપણી પાસે કયા કામ હશે? (ચિત્ર જુઓ.)
૬ યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે આપણે આપણાં કામ અને મહેનતનો આનંદ માણી શકીએ. (સભા. ૨:૨૪) ખ્રિસ્તના ૧,૦૦૦ વર્ષના રાજમાં આપણી પાસે પુષ્કળ કામ હશે. નવી દુનિયામાં મોટી વિપત્તિમાંથી બચી ગયેલા લોકો હશે. અરે, મરણમાંથી જીવતા થયેલા લાખો લોકો પણ હશે. તેઓ બધાને રહેવા માટે ઘર, પહેરવાં કપડાં અને ખાવા માટે પૂરતા ખોરાકની જરૂર પડશે. એ બધી વસ્તુઓની ગોઠવણ કરવામાં બહુ મજા આવશે. આદમ અને હવાએ આખી પૃથ્વીને એદન બાગ જેવી બનાવવાની હતી. આપણી પાસે પણ આખી પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવાનો લહાવો હશે. યહોવા લાખો લોકોને જીવતા કરશે. જેઓ તેમને સારી રીતે ઓળખતા ન હતા તેઓને જીવતા કરવામાં આવશે. આપણે તેઓને યહોવા અને તેમના હેતુ વિશે શીખવીશું. જે ઈશ્વરભક્તો ઈસુ આવ્યા એ પહેલાં ગુજરી ગયા હતા, તેઓને પણ ઉઠાડવામાં આવશે. એ વફાદાર ભક્તોના મરણ પછી શું બન્યું, એ આપણે તેઓને શીખવીશું. તેઓ બધાને શીખવીને આપણને ખુશી મળશે.
૭. આપણે શાનો ભરોસો રાખી શકીએ અને કેમ?
૭ આપણે ભરોસો રાખી શકીએ કે નવી દુનિયામાં ચારે કોર શાંતિ હશે. આપણી બધી જરૂરિયાતો પૂરી થશે. આપણને કશાની ખોટ નહિ પડે. બધું જ વ્યવસ્થિત રીતે થશે. એવું આપણે કેમ કહી શકીએ? યહોવાએ પહેલેથી જ આપણને ઈસુના રાજની ઝલક આપી છે. સુલેમાનના રાજમાં જેવો માહોલ હતો, એવો માહોલ ઈસુના રાજમાં આખી પૃથ્વી પર હશે.
સુલેમાનનું રાજ—નવી દુનિયાની એક ઝલક
૮. ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯ના શબ્દો જૂના જમાનામાં કઈ રીતે પૂરા થયા? (આ અંકમાં આપેલો લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”)
૮ યહોવાએ દાઉદ પાસે લખાવ્યું હતું કે એક બુદ્ધિશાળી અને વફાદાર રાજાનું રાજ કેવું હશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯ વાંચો.) પ્રચારમાં નવી દુનિયા વિશે જણાવતી વખતે આપણે ઘણી વાર લોકોને ગીતશાસ્ત્ર ૩૭:૧૧ બતાવીએ છીએ. ઈસુએ ખુદ પહાડ પરના ઉપદેશમાં દાઉદના એ શબ્દો ટાંક્યા હતા. એનાથી ખબર પડે છે કે ભાવિમાં ગીતશાસ્ત્ર ૩૭:૧૧ના શબ્દો ચોક્કસ પૂરા થશે. (માથ. ૫:૫) જોકે સુલેમાનના રાજ વખતે પણ એ શબ્દો પૂરા થયા હતા. સુલેમાનનું રાજ ચાલતું હતું ત્યારે આખા ઇઝરાયેલમાં શાંતિ હતી. લોકોને કશાની ખોટ ન હતી. યહોવાએ વચન આપ્યું હતું કે એ દેશમાં ‘દૂધ-મધની રેલમછેલ’ હશે. તેમણે લોકોને એમ પણ કીધું હતું: ‘જો તમે મારા નિયમો પ્રમાણે ચાલશો તો હું તમારા દેશમાં શાંતિ સ્થાપીશ. તમે શાંતિથી સૂઈ જશો અને કોઈ તમને ડરાવશે નહિ.’ (લેવી. ૨૦:૨૪; ૨૬:૩, ૬) સુલેમાનના રાજમાં યહોવાનાં એ વચનો પૂરાં થયાં. (૧ કાળ. ૨૨:૯; ૨૯:૨૬-૨૮) એ સમયે જો બધા લોકોએ યહોવાની આજ્ઞાઓ પાળી હોત, તો થોડા જ સમય પછી દુષ્ટોનો “વિનાશ” થઈ જાત. (ગીત. ૩૭:૧૦) એટલે આપણે કહી શકીએ કે ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯ના શબ્દો જૂના જમાનામાં પૂરા થયા હતા અને ભાવિમાં પણ પૂરા થશે.
૯. સુલેમાનના રાજની જાહોજલાલી જોઈને શેબાની રાણીએ શું કીધું?
૯ સુલેમાનના રાજમાં લોકોને ભરપૂર પ્રમાણમાં ચીજવસ્તુઓ મળી રહેતી. એ રાજમાં એટલી સુખ-શાંતિ હતી કે એની વાતો દૂર દૂરના દેશો સુધી થતી હતી. શેબાની રાણીએ એ વિશે સાંભળ્યું ત્યારે તેને એ બધું પોતાની આંખે જોવાનું મન થયું. એટલે તે ઘણે દૂરથી યરૂશાલેમ આવી પહોંચી. (૧ રાજા. ૧૦:૧) સુલેમાનના રાજની જાહોજલાલી જોઈને તેના મોંમાંથી આ શબ્દો નીકળ્યા: ‘અરે, મને તો આમાંનું અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. સુખી છે તમારા લોકો અને તમારા ચાકરો, જેઓ સદા તમારી આગળ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે.’ (૧ રાજા. ૧૦:૬-૮) પણ સુલેમાનનું રાજ તો ઈસુના રાજની બસ એક ઝલક હતી. એ બતાવે છે કે ઈસુના રાજમાં આપણું જીવન કેવું હશે.
૧૦. ઈસુ કઈ રીતે સુલેમાન કરતાં મહાન છે?
૧૦ ઈસુ દરેક વાતમાં સુલેમાન કરતાં મહાન છે. સુલેમાનથી ભૂલો થતી હતી. કોઈ વાર તે ખોટા નિર્ણય લઈ બેઠા. એટલે સમય જતાં તેમની પ્રજાએ મુશ્કેલીઓ સહેવી પડી. પણ ઈસુ ક્યારેય કોઈ ભૂલ કરતા નથી. (લૂક ૧:૩૨; હિબ્રૂ. ૪:૧૪, ૧૫) શેતાન તેમના પર મોટી મોટી કસોટીઓ લાવ્યો ત્યારે પણ તે યહોવાને વફાદાર રહ્યા. એનાથી ઈસુએ સાબિત કર્યું કે તે કદી કોઈ પાપ નહિ કરે. તે ક્યારેય એવું કંઈ નહિ કરે, જેનાથી તેમની પ્રજાએ સહેવું પડે. સાચે જ, ઈસુ જેવા રાજા તો બીજા કોઈ હોય જ ના શકે!
૧૧. ઈસુ સાથે કોણ રાજ કરશે?
૧૧ ઈસુ સાથે રાજ કરવા આ પૃથ્વી પરથી ૧,૪૪,૦૦૦ સ્ત્રી-પુરુષોને ભેગાં કરવામાં આવી રહ્યાં છે. (પ્રકટી. ૧૪:૧-૩) તેઓ ઈસુ સાથે મળીને લોકોની સંભાળ રાખશે. આ પૃથ્વી માટે યહોવાની જે ઇચ્છા છે, એ પણ તેઓ પૂરી કરશે. તેઓ પૃથ્વી પર હતા ત્યારે તેઓએ ઘણી મુશ્કેલીઓ સહન કરી હતી. એટલે તેઓ આપણી તકલીફો સારી રીતે સમજી શકશે. ૧,૦૦૦ વર્ષના રાજ વખતે ૧,૪૪,૦૦૦ લોકો કયા કામ કરશે?
અભિષિક્તો શું કરશે?
૧૨. યહોવા ૧,૪૪,૦૦૦ રાજાઓને કયું કામ સોંપશે?
૧૨ ઈસુ અને ૧,૪૪,૦૦૦ રાજાઓ પાસે સુલેમાન કરતાં ઘણું વધારે કામ હશે. સુલેમાન ઇઝરાયેલ દેશના રાજા હતા અને તેમણે લાખો લોકોની સંભાળ રાખવાની હતી. પણ ઈસુ અને ૧,૪૪,૦૦૦ રાજાઓ આખી ધરતી પર રાજ કરશે. તેઓ લાખો-કરોડો લોકોની સંભાળ રાખશે. યહોવા ૧,૪૪,૦૦૦ રાજાઓને કેટલું મોટું કામ સોંપશે!
૧૩. ઈસુ સાથે રાજ કરનારા ૧,૪૪,૦૦૦ લોકો પાસે કઈ ખાસ જવાબદારી હશે?
૧૩ ઈસુની જેમ ૧,૪૪,૦૦૦ લોકો પણ રાજાઓ અને યાજકો તરીકેની જવાબદારી સંભાળશે. (પ્રકટી. ૫:૧૦) પહેલાંના સમયમાં યહોવાએ ઇઝરાયેલીઓને નિયમશાસ્ત્ર આપ્યું હતું. એમાં ખાસ કરીને યાજકોને જણાવવામાં આવ્યું હતું કે તેઓ લોકોની તંદુરસ્તીનું ધ્યાન રાખે. તેઓએ એ પણ ધ્યાન રાખવાનું હતું કે લોકોનો યહોવા સાથેનો સંબંધ મજબૂત રહે. આપણે જાણીએ છીએ કે એ નિયમશાસ્ત્ર ‘આવનારા આશીર્વાદોનો ફક્ત પડછાયો’ હતું. એટલે આપણે કહી શકીએ કે ૧,૪૪,૦૦૦ લોકો યાજકો તરીકે ધ્યાન રાખશે કે પૃથ્વી પર બધા લોકો તંદુરસ્ત રહે. તેમ જ લોકોનો યહોવા સાથેનો સંબંધ મજબૂત રહે એનું પણ તેઓ ધ્યાન રાખશે. (હિબ્રૂ. ૧૦:૧) આપણને એ તો નથી ખબર કે એ રાજાઓ અને યાજકો, નવી દુનિયામાં ઈશ્વરના રાજ્યની પ્રજા સાથે કઈ રીતે વાત કરશે અથવા કઈ રીતે તેઓને માર્ગદર્શન આપશે. ભલે યહોવા કોઈ પણ ગોઠવણ કરે, આપણે ભરોસો રાખી શકીએ કે તે પોતાના લોકોને ખરો માર્ગ બતાવતા રહેશે.—પ્રકટી. ૨૧:૩, ૪.
‘બીજાં ઘેટાંના’ લોકોએ હમણાંથી શું કરવું જોઈએ?
૧૪. બાઇબલમાં “નાની ટોળી” અને “બીજાં ઘેટાં” વિશે જે જણાવ્યું છે, એ આજે કઈ રીતે પૂરું થઈ રહ્યું છે?
૧૪ જે લોકો ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાના છે, તેઓને ઈસુએ “નાની ટોળી” કહ્યા. (લૂક ૧૨:૩૨) તેમણે બીજા એક સમૂહ વિશે પણ જણાવ્યું. એ સમૂહના લોકોને તેમણે “બીજાં ઘેટાં” કહ્યા. બાઇબલમાં લખ્યું છે કે બંને સમૂહ મળીને એક ટોળું બને છે. (યોહા. ૧૦:૧૬) આજે તેઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. નવી દુનિયામાં પણ તેઓ એવું કરતા રહેશે. એ સમયે ‘નાની ટોળીના’ લોકો સ્વર્ગમાં હશે. તેમ જ ‘બીજાં ઘેટાંના’ લોકો પાસે આ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની તક હશે. પણ હંમેશ માટે જીવવા ‘બીજાં ઘેટાંના’ લોકોએ હમણાંથી શું કરવું જોઈએ?
નવી દુનિયામાં જીવવા આપણે હમણાંથી તૈયારી કરી શકીએ (ફકરો ૧૫ જુઓ)b
૧૫. (ક) ‘બીજાં ઘેટાંના’ લોકો કઈ રીતે ખ્રિસ્તના ભાઈઓને સાથ આપે છે? (ખ) ચિત્રમાં બતાવેલા ભાઈની જેમ આપણે શું કરી શકીએ?
૧૫ આપણે જોયું કે જે ગુનેગારનું મન બદલાયું, તેણે ઈસુ પર ભરોસો મૂક્યો હતો. જોકે ઈસુ માટે કદર બતાવવાની તેને તક ના મળી. પણ ‘બીજાં ઘેટાંના’ લોકો પાસે ઈસુ માટે કદર બતાવવાની અનેક તક છે. જેમ કે, અભિષિક્તોને સાથ આપીને તેઓ બતાવી શકે કે તેઓ ઈસુને ઘણો પ્રેમ કરે છે. ઈસુએ પણ જણાવ્યું હતું કે આપણે તેમના ભાઈઓ એટલે કે અભિષિક્તો સાથે જે રીતે વર્તીશું, એના આધારે તે આપણો ન્યાય કરશે. (માથ. ૨૫:૩૧-૪૦) ખુશખબર ફેલાવવાના કામમાં અને શિષ્ય બનાવવાના કામમાં તન-મનથી ભાગ લઈએ. એમ કરીને પણ આપણે ખ્રિસ્તના ભાઈઓને સાથ આપી શકીએ છીએ. (માથ. ૨૮:૧૮-૨૦) બીજાઓને બાઇબલમાંથી શીખવવા આપણને ઘણાં સાહિત્ય પૂરાં પાડવામાં આવ્યાં છે. જેમ કે, નવું પુસ્તક દુઃખ જશે, સુખ આવશે. આપણે એનો ભરપૂર ઉપયોગ કરીએ. જો હમણાં તમારી પાસે બાઇબલ અભ્યાસ ના હોય, તો એ માટે ધ્યેય રાખો. તમે બને એટલા લોકો સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરવાની પૂરેપૂરી કોશિશ કરો.
૧૬. નવી દુનિયામાં જીવવા આપણે હમણાંથી શું કરી શકીએ?
૧૬ સારી વ્યક્તિ બનવા આપણે નવી દુનિયાની રાહ જોવાની જરૂર નથી. એ માટે આપણે હમણાંથી પગલાં ભરી શકીએ. આપણે સારા ગુણો કેળવીએ, ઈમાનદાર બનીએ અને હંમેશાં સાચું બોલવાની કોશિશ કરીએ. આપણે વાણી-વર્તનમાં સંયમ રાખીએ. યહોવાને, જીવનસાથીને અને ભાઈ-બહેનોને વફાદાર રહીએ. આ દુષ્ટ દુનિયામાં યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવું અઘરું છે. પણ હમણાં એ ધોરણો પ્રમાણે જીવીશું તો નવી દુનિયામાં એમ કરવું સહેલું લાગશે. આપણે હમણાં એવાં હુન્નર શીખીએ અને આદતો કેળવીએ, જે નવી દુનિયામાં કામ લાગી શકે. આ અંકમાં આપેલો લેખ વાંચો: “શું આપણે ‘પૃથ્વીનો વારસો’ મેળવવા તૈયાર છીએ?”
૧૭. જો આપણે પહેલાં કોઈ ગંભીર પાપ કર્યું હોય, તો શું એ વિશે વિચારી વિચારીને દુઃખમાં ડૂબી જવું જઈએ? સમજાવો.
૧૭ જો આપણે પહેલાં કોઈ ગંભીર પાપ કર્યું હોય, તો એ વિશે વિચારી વિચારીને દુઃખમાં ડૂબી ન જઈએ. પણ યાદ રાખીએ કે ઈસુએ ફરોશીઓને કીધું હતું: “હું નેક લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.” (માથ. ૯:૧૩) ભલે આપણે કેટલું પણ મોટું પાપ કર્યું હોય, ઈસુના બલિદાનને આધારે આપણાં બધાં પાપ માફ થઈ શકે છે. જોકે એનો મતલબ એ નથી કે આપણે ‘જાણીજોઈને પાપ કરતા રહીએ’ અને વિચારીએ કે ઈસુના બલિદાનને આધારે માફી મળી જશે. (હિબ્રૂ. ૧૦:૨૬-૩૧) જો આપણે દિલથી પસ્તાવો કર્યો હોય, યહોવાની માફી માંગી હોય, વડીલોની મદદ લીધી હોય અને પોતાનામાં ફેરફાર કર્યો હોય, તો એક વાતની ખાતરી રાખીએ. એ છે કે યહોવાએ આપણને પૂરી રીતે માફ કરી દીધા છે.—યશા. ૫૫:૭; પ્રે.કા. ૩:૧૯.
તમે જીવનના બાગમાં હંમેશ માટે જીવી શકો છો
૧૮. જે ગુનેગારે ઈસુ પર ભરોસો કર્યો હતો, તેને તમે નવી દુનિયામાં મળશો ત્યારે તેની સાથે શું વાત કરશો?
૧૮ કલ્પના કરો, તમે નવી દુનિયામાં છો. તમે એ ગુનેગારને મળો છો, જેણે ઈસુ પર ભરોસો કર્યો હતો. સૌથી પહેલાં તો તમે એકબીજાને જણાવો છો કે ઈસુના બલિદાનની તમે કેટલી કદર કરો છો. તમને કદાચ આ જાણવાની તાલાવેલી હોય, ‘તેને ઈસુ સાથે વધસ્તંભ પર લટકાવવામાં આવ્યો એ પછી શું થયું? ઈસુએ કીધું, “તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ” ત્યારે તેને કેવું લાગ્યું?’ તમે તેની આગળ સવાલોની ઝડી વરસાવો. કદાચ તે પણ તમને પૂછે કે છેલ્લા દિવસોમાં જીવન કેવું હતું? આપણે તેને અને તેના જેવા ઘણા લોકોને યહોવાનાં વચનો વિશે શીખવીશું. એ એક અનોખો લહાવો હશે!—એફે. ૪:૨૨-૨૪.
ખ્રિસ્તના ૧,૦૦૦ વર્ષના રાજમાં એક ભાઈ એવી આવડત કેળવી રહ્યા છે, જે તે વર્ષોથી કેળવવા માંગતા હતા (ફકરો ૧૯ જુઓ)
૧૯. નવી દુનિયામાં આપણને કેમ કંટાળો નહિ આવે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૧૯ આપણે નવી દુનિયામાં હંમેશ માટે જીવીશું, તોપણ કંટાળો નહિ આવે. કેમ કે આપણે નવા નવા લોકોને મળીશું. આપણી પાસે ઘણું કામ હશે. સૌથી મહત્ત્વનું તો, આપણે યહોવા પિતાને વધારે ને વધારે ઓળખતા જઈશું. દરરોજ તેમના વિશે નવું નવું શીખવા મળશે. સમય વીતતો જશે તેમ યહોવા માટેનો આપણો પ્રેમ ગાઢ થતો જશે. એટલું જ નહિ, યહોવાએ બનાવેલી સૃષ્ટિ વિશે આપણે ઘણું શીખીશું. એમાં કેટલી મજા આવશે નઈ! યહોવાએ અને ઈસુએ આપણને વચન આપ્યું છે કે આપણે નવી દુનિયામાં હંમેશ માટે જીવીશું. એ માટે આપણે તેઓનો લાખ લાખ આભાર માનીએ છીએ!
ગીત ૧૩૬ ધરતી પર તારું રાજ આવે
a તમે ઘણી વાર નવી દુનિયા વિશે વિચારતા હશો. સવાલ થતા હશે, જીવનના બાગમાં એટલે કે નવી દુનિયામાં જીવન કેવું હશે? યહોવા નવી દુનિયામાં આપણા માટે શું કરવાના છે? એ વિશે વિચારીને આપણો જોશ વધે છે. એટલું જ નહિ, બીજાઓને પૂરા ઉત્સાહથી નવી દુનિયા વિશે જણાવી શકીએ છીએ. આ લેખથી આપણો ભરોસો મજબૂત થશે કે ઈસુએ જે જીવનના બાગ વિશે જણાવ્યું, એ ચોક્કસ આવશે.
b ચિત્રની સમજ: એક ભાઈ લોકોને યહોવા વિશે શીખવી રહ્યા છે. તે હમણાંથી તૈયારી કરી રહ્યા છે, જેથી નવી દુનિયામાં જીવતા થયેલા લોકોને શીખવી શકે.